You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાંસીની દવાથી મોત? ભારતમાં ચાર વર્ષથી નાનાં બાળકો માટે આ દવા પર પ્રતિબંધ
ભારતના ડ્રગ કંટ્રોલર, સૅન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ ચાર વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે શરદી અને ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
કથિત રીતે, ગયા વર્ષે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં ભારતીય ઉધરસની દવાના ઉપયોગને કારણે કેટલાંય બાળકોનાં મોત થયાં હતાં. આ ઉધરસની દવાઓ ભારતમાં બનાવવામાં આવે છે અને ત્યાં નિકાસ કરવામાં આવે છે.
ભારતમાં પણ 2019થી 2020ની વચ્ચે આ કફની દવાને કારણે 12 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે.
આ દવા બનાવતી કંપનીએ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે જણાવ્યું છે કે આ દવા સુરક્ષિત છે અને તેને બનાવવામાં કોઈ ભૂલ થઈ નથી.
આ બાબતે રૉઇટર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત ડ્રગના મિશ્રણમાં ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનનો સમાવેશ થાય છે.
આ દવાને 2015માં મંજૂરી આપવામાં આવી હતી. આ મિશ્રણનો ઉપયોગ સામાન્ય શરદીની સારવાર માટે કફ સિરપ અને ગોળીઓમાં થાય છે.
18 ડિસેમ્બરે આ સંયોજન પર પ્રતિબંધ મૂકતો આદેશ કરવામાં આવ્યો હતો. 20મી ડિસેમ્બરે આ આદેશ કરવામાં આવ્યો હતો. તેથી, દવા બનાવતી કંપનીઓએ આ નવી સૂચનાનું પાલન કરવું પડશે.
જો ઉપર્યુક્ત મિશ્રણ ધરાવતી ઉધરસની દવા વેચવાની હોય, તો તેના પર ચેતવણીનું લેબલ હોવું જોઈએ કે તેનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં થવો જોઈએ નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઓની સાથે સાથે નિયંત્રણમાં વધારો કરવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે ગામ્બિયામાં 66 બાળકોનાં મૃત્યુ બાદ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત કફની દવાઓ પર આંતરરાષ્ટ્રીય ચેતવણી જારી કર્યા પછી ઉધરસની દવાઓ પર નિયંત્રણ વધ્યું છે.
એક પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ કફ સિરપમાં ઝેરી ગણાતો પદાર્થ ડાયેથિલિન ગ્લાયકોલ, નિર્ધારિત માત્રા કરતાં વધુ હતો.
બાદમાં ઉઝબેકિસ્તાનમાં પણ આવી જ રીતે મૃત્યુ થયાં હતાં. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ભારતમાં બનેલી ખાંસીની દવા 2022 સુધીમાં 18 બાળકોનાં મોતનું કારણ બની છે.
2019માં ભારતના જમ્મુ ક્ષેત્રમાં કેટલાંક બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ખાંસીની દવા પીધા બાદ બે વર્ષથી છ વર્ષની વચ્ચેનાં 12 બાળકોનાં મોત થયાં હતાં.
તેના જવાબમાં ભારતના ડ્રગ નિયમનકારે કહ્યું હતું કે આ એક દુર્લભ ઘટના છે.
ભારતના ડ્રગ નિયમનકારે કહ્યું છે કે ગામ્બિયામાં બાળકોનાં મૃત્યુ સાથે જોડાયેલી ચાર ખાંસીની દવાઓ પણ ક્લિયરન્સ ટેસ્ટ પાસ કરી લીધી છે. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા આ ક્લિયરન્સ ટેસ્ટના દાવા સાથે સહમત નથી.
ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ માટે જવાબદાર હોવાના આરોપ બાદ એક ભારતીય દવાની કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.
વધુમાં આ દવાઓની ઉત્પાદન પ્રક્રિયા પર નજીકથી નિયંત્રણ રાખવા માટે પગલાં પણ લેવામાં આવ્યાં છે.
જૂનમાં ભારત સરકારે દેશની તમામ દવા ઉત્પાદક કંપનીઓ માટે અન્ય દેશોમાં ઉધરસની દવાઓના નિકાસ કરવા માટે નિર્ધારિત દવા પરીક્ષણમાંથી પસાર થવું ફરજિયાત બનાવવાનો આદેશો જારી કર્યો હતો.