You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ રામના નામે તો બિહારમાં સીતાના જન્મસ્થળ પર નીતીશકુમાર ચૂંટણી લડશે?
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી માટે
બિહારના સીતામઢી જિલ્લામાં હાલના દિવસોમાં રાજ્ય સરકારની એક યોજના ચર્ચામાં છે. સરકારે સીતામઢીમાં જાનકી માતાના જન્મસ્થળ 'પુનૌરા ધામ'માં વિકાસ કાર્ય શરૂ કર્યું છે. ભારતીય હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનાં પત્ની સીતાનો જન્મ અહીં થયો હતો.
ગયા સપ્તાહે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે સીતામઢીમાં વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો.
આ અંતર્ગત પુનૌરા ધામમાં બ્યુટિફિકેશન અને વિકાસનાં કાર્યો હાથ ધરાશે. જેમાં પુનૌરા ધામમાં વિશાળ દ્વાર, પરિક્રમા પથ, સીતા વાટિકા, લવ કુશ વાટિકા, પૅવેલિયન અને પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત પુનૌરા ધામ સંકુલમાં સીતા માતાના જીવનકાળ પર આધારિત એક ઝાંખી પણ બતાવાશે. સંકુલની અંદર દુકાનો, ભોજનની સવલતો, રહેવા અને શૌચાલયની સુવિધા પણ વિકસાવવામાં આવશે.
આ સાથે રાજ્ય સરકારે તાજેતરમાં બેગુસરાયના સિમરિયા ધામને વિકસાવવાની યોજના પણ શરૂ કરી છે. દાવો કરવામાં આવ્યો છે કે સિમરિયાના ગંગા ઘાટને હરિદ્વારના હર કી પૌડી ઘાટ કરતા વધુ સારો બનાવવામાં આવશે. આ માટે સિમરિયા ધામમાં સીડી ઘાટ બનાવવામાં આવી રહ્યો છે અને તેનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગયામાં ફાલ્ગુ નદી પર રબર ડેમ પણ બનાવવામાં આવ્યો છે જેથી આખું વર્ષ પાણી મળી રહે અને પિંડનું દાન કરાતા શ્રદ્ધાળુઓ માટે સુવિધા રહે. રાજ્ય સરકારની યોજનામાં પટના શહેરના મોટી પટનદેવી મંદિરના વિકાસનો પણ સમાવેશ થાય છે.
નીતીશનું 'સૉફ્ટ હિન્દુત્વ'
પુનૌરા ધામની ગણતરી બિહારનાં મુખ્ય તીર્થસ્થળોમાં થાય છે. અહેવાલો અનુસાર નીતીશ સરકારે તેના વિકાસ માટે 72 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. શું આ યોજનાઓ નીતીશકુમારના 'સૉફ્ટ હિન્દુત્વ' તરફ ઇશારો કરે છે?
વરિષ્ઠ પત્રકાર કનૈયા ભેલારીના જણાવ્યા અનુસાર, "ભારત એક ધર્મ આધારિત દેશ છે. વિપક્ષ ચોક્કસ રીતે લઘુમતીઓના મત મેળવશે. આજકાલ લોકો ધાર્મિક સ્થળોની એટલી મુલાકાત લઈ રહ્યા છે જેટલા પ્રમાણમાં તેઓ પહેલા નહોતા લેતા. એ દર્શાવે છે કે તમારે હિંદુઓના મતો પણ જોઈશે. જો મતો જોઈતા હોય તો આ બધું કરવું પડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ ભાજપ અને કેન્દ્ર સરકાર અયોધ્યાના વિકાસ માટેની મોટી યોજનાઓ પર કામ કરી રહ્યા છે. આ માટે 32,000 કરોડ રૂપિયાની યોજના બનાવાઈ છે. આવતા મહિને અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થશે.
બીજી તરફ, ભાજપ હવે હિન્દુ તીર્થસ્થળોને લઈને નીતીશસરકારની નવીનતમ યોજના પર પલટવાર કરી રહ્યો છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિંહાએ આને જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
વિજયકુમાર સિંહા કહે છે, “માનનીય મુખ્ય મંત્રી પોતાની પ્રતિષ્ઠા બચાવવા ચૂંટણીનું નાટક કરી રહ્યા છે. નીતિશકુમાર અને તેમના મોટા ભાઈ 33 વર્ષથી સત્તામાં છે. હવે આ સત્તા જવાના સમયમાં તેઓ કોઈ રીતે તેમનું સન્માન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
‘સીતા સાથે ભેદભાવ’
વિજયકુમાર સિન્હાનો આરોપ છે કે નીતીશસરકાર પ્રકાશપર્વ માટે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ હિંદુ અને સનાતની વ્યવસ્થા માટે નહીં. આ તેમની નાની વિચારસરણી દર્શાવે છે.
બિહારના પટના સાહિબને શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે પ્રકાશ પર્વ ઉજવવામાં આવે છે. બિહારમાં શીખ ધર્મના લોકો મોટી સંખ્યામાં પટના સાહિબની મુલાકાતે આવે છે.
જનતા દળ યુનાઈટેડના પ્રવક્તા નીરજકુમારે જવાબ આપ્યો, “નીતીશકુમાર પર એવો આરોપ છે કે તેઓ મુસ્લિમોની તરફેણમાં છે, એવો આરોપ છે કે તેઓ સૉફ્ટ હિંદુત્વવાદી વ્યક્તિ છે. નીતીશ દરેક ધર્મનું સન્માન કરે છે. બિહારમાં માત્ર 10,000 શીખોની વસતી હોવા છતાં આટલો મોટા પ્રમાણમાં પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવે છે.
નીરજકુમારના કહેવા પ્રમાણે બિહાર સરકાર પણ મંદિર માટે 'ચાર દિવાલની યોજના' પણ ચલાવે છે. રાજ્યમાં ટ્રસ્ટ બોર્ડ હેઠળના મંદિરો અને તેના પરિસરને ગેરકાયદેસર અતિક્રમણથી બચાવવા માટે રાજ્ય સરકારે તેમની ચારે બાજુ મજબૂત દિવાલ બનાવી છે.
ભાજપના વિજયકુમાર સિંહા કહે છે, “જ્યારે રામ જન્મભૂમિને લઈને આટલું મોટું આંદોલન શરૂ થયું અને મોદીજીના આગમન પછી પણ તે અભિયાન ચાલુ રહ્યું. નીતીશને અત્યાર સુધી કોણે રોક્યા હતા? જો ઉત્તર પ્રદેશને અયોધ્યાના નામથી ઓળખવામાં આવે છે તો બિહારના લોકો પણ ઇચ્છે છે કે બિહારને જાનકી માતાના નામથી ઓળખવામાં આવે.”
કેન્દ્ર સરકાર પાસે માગ
જોકે બિહારમાં અલગ અલગ રાજકીય પક્ષો સીતામઢી અને સીતા જન્મસ્થળના વિકાસને અવગણવાનો આરોપ લગાવે છે.
બિહારમાં સીતામઢી અને સીતા સાથે ભેદભાવનો આરોપ ભાજપ ઉપર પણ લગાવાય છે.
આ મામલામાં બિહાર વિધાન પરિષદના સભાપતિ અને સીતામઢી સાથે સંબંધ રાખનારા જનતાદળ યુનાઇટેડના વિધાન પરિષદના સભ્ય દેવેશચંદ્ર ઠાકુર લગાતાર અવાજ ઉઠાવતા રહ્યા છે.
દેવેશચંદ્ર ઠાકુર કહે છે, “સીતામઢી પર કોઈએ ધ્યાન નથી આપ્યું. આજે હું મુખ્ય મંત્રી નીતીશકુમારનો આભાર વ્યક્ત કરું છું કે સાતીમઢીના વિકાસની શરૂઆત થઈ છે. અમે કેન્દ્ર સરકાર પાસે માગ કરીએ છીએ કે સીતામઢી અને અયોધ્યા વચ્ચે એક ‘રામ જાનકી એક્સપ્રેસ’ ટ્રેન જ ફાળવી દે.”
રાજકારણમાં ધર્મનું કાર્ડ
દેવેશચંદ્ર ઠાકુરે આરોપ લગાવ્યો, “ભારત સરકાર અયોધ્યાના વિકાસ માટે 32,000 કરોડ રૂપિયા આપે છે. તેમાંથી 10 ટકા સીતામઢીને પણ આપવામાં આવશે. ઇતિહાસમાં સીતા સાથે અન્યાય થયો છે અને આજે પણ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સીતામઢી પર પણ થોડું ધ્યાન આપવું જોઈતું હતું.”
ધાર્મિક રીતે બિહાર બૌદ્ધ અને જૈન ધર્મનું કેન્દ્ર રહ્યું છે. આ સિવાય પૌરાણિક ગ્રંથ રામાયણની રચના કરનાર વાલ્મીકિનો સંબંધ પણ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના વાલ્મીકિનગર સાથે હતો. દર વર્ષે પિતૃપક્ષના અવસરે ભારત અને વિદેશથી લોકો તેમના પૂર્વજોનું પિંડદાન કરવા ગયા પહોંચે છે.
આવી સ્થિતિમાં શું અયોધ્યામાં રામમંદિર અને સીતામઢીમાં જાનકીમાતાના મંદિર વિશેની વિશેષ ચર્ચા કોઈ નવા રાજકારણ તરફ ઇશારો કરે છે?
કનૈયા ભેલારી કહે છે, “દરેકના મતની જરૂર છે અને નીતિશ એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ પણ વાત છે કે નીતીશકુમાર રામનો જવાબ સીતાથી આપવાની તૈયારી કરી રહ્યા છે.”
એક તરફ ભાજપ ખુલ્લેઆમ 'હિંદુત્વ'ની રાજનીતિ કરી રહી છે. તો બીજી તરફ તે અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ રીતે ભાજપ બહુમતી વોટ બૅન્કને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
જો કે આ મામલે ભાજપ વિરોધી પાર્ટીઓ પણ પોતાની રણનીતિ ધરાવે છે.
આ વર્ષે યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું 'બજરંગબલીના નામ પર રમાયેલું કાર્ડ' સફળ ન થવાનો શ્રેય આ વ્યૂહરચનાને જ અપાય છે.
સીતામઢીનું મહત્ત્વ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપને ખરાબ રીતે હરાવ્યો હતો. આ સિવાય ભાજપ સાથે 2020માં દિલ્હીમાં થયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ઘણા પ્લૅટફૉર્મ પર 'હનુમાન ચાલીસા'ના પાઠ કરતા જોવા મળ્યા હતા. આના સંદર્ભમાં જ જેડીયુ હવે સીતા અને સીતામઢી મુદ્દે સક્રિય દેખાય છે.
જેડીયુના પ્રવક્તા નીરજકુમારે આરોપ લગાવ્યો કે, “કેન્દ્ર સરકારે રામાયણ સર્કિટમાં પણ સીતામઢીને સ્થાન આપ્યું નથી. જ્યારે કે તે ખૂબ જ મહત્ત્વનું છે. કેન્દ્ર અયોધ્યામાં રામમંદિર માટે 32,000 કરોડ રૂપિયા આપે છે પરંતુ સીતામઢીને શું આપ્યું?”
જોકે સીતાના જન્મસ્થળને લઈને કેટલાક વિવાદો થયા છે. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'માં સીતાને 'ભારતની પુત્રી' તરીકે વર્ણવવામાં આવ્યાં હતાં. નેપાળની રાજધાની કાઠમંડુના મેયરે આ ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ફિલ્મમાંથી હટાવવાની માગ કરી હતી.
નેપાળ દાવો કરી રહ્યું છે કે પૌરાણિક પાત્ર સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ કારણે નેપાળમાં ફિલ્મના આ ડાયલોગ પર વિવાદ થયો હતો.
‘ધર્માયણ’ સામયિકના સંપાદક અને ઇતિહાસકાર ભવનાથ ઝાએ આ વિષય પર ઘણો અભ્યાસ કર્યો છે. તેમણે તેમના લેખ ‘મિથિલા એક ખોજ’માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમનું માનવું છે કે અગાઉ નેપાળ પણ સહમત હતું કે સીતાનો જન્મ આજના સીતામઢીમાં થયો હતો અને લગ્ન વગેરે વિધિઓ આજના નેપાળના વિસ્તારમાં કરાઈ હતી.
ક્યાં થયો સીતનો જન્મ?
ભવનાથ ઝા કહે છે, "આજે ભલે લોકો કોસીથી ગંડક સુધીના વિસ્તારને મિથિલા માનતા હોય પરંતુ રામ, સીતા અને જનકના સંદર્ભમાં મિથિલા વિદેહની રાજધાની હતી. વાલ્મીકિના રામાયણમાં સીતાના જન્મસ્થળ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી કે જેના આધારે કહી શકાય કે આ શહેર ક્યાં હતું."
હ્યુએનત્સાંગના પ્રવાસ વર્ણનમાં જ્યાં જનકની રાજધાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સીતામઢી અથવા જનકપુર હોઈ શકે છે. મૈથિલી કવિ વિદ્યાપતિની કૃતિ 'ભૂપરિક્રમણમ્'માં બે નામ આવ્યા છે. એક ગિરિજાસ્થળ અને એક ગિરિજાગ્રામ.
ભવનાથ ઝાના મતે ગિરિજાગ્રામ એટલે આજનું સીતામઢી. ગિરિજાસ્થળ જે નેપાળમાં છે તે જન્મસ્થળ નહીં પણ મંદિર હોઈ શકે છે. તેનો સંબંધ ફૂલોના બગીચા સાથે છે જન્મસ્થળ સાથે નહીં.
જ્યારે આઈન-એ-અકબરીના તિરહુત વિભાગમાં 74 પરગણાની યાદી છે. આમાં એક પરગણાનું નામ છે ‘મહાલા’, આ છે મહિલા પરગણા. ચૌદમી સદીના જૈન સાહિત્યમાં 'મિથિલા'ને પ્રાકૃત ભાષામાં 'મિહિલા' લખાયું છે.
હાલનું જનકપુર જે પરગણામાં આવે છે તેનું નામ આઈન-એ-અકબરીમાં અબુલ ફઝલે કોરડી આપેલું છે. એટલે કે તે એક અલગ પરગણા વિસ્તાર છે.
પરગણાનું નામ તેરમી-ચૌદમી સદીમાં દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન રાખવામાં આવ્યું હતું. એટલે કે દિલ્હી સલ્તનતના સમયમાં પણ મિથિલા એક પ્રદેશ તરીકે જાણીતું હતું. આજે પણ રેવન્યુ રેકૉર્ડમાં સીતામઢી મિથિલા પરગણામાં આવે છે.
જ્યાં થયો લવ કુશનો જન્મ
ભવનાથ ઝાના જણાવ્યા અનુસાર, "વર્ષ 1740માં નેપાળના શાસકોએ અયોધ્યાથી આવેલા સાધુઓને નેપાળમાં વસાવ્યા અને ત્યાં વિકાસ શરૂ થયો. તે પછી 1816માં બ્રિટિશ ભારત અને નેપાળ વચ્ચે સુગૌલીની સંધિ પછી જનકપુરનો વધુ વિકાસ થયો અને ગ્રંથોમાં ઉલ્લેખ હોવા છતાં લોકો સીતામઢીને ભૂલી ગયા."
દેવેશચંદ્ર ઠાકુર દાવો કરે છે, "સુગૌલીની સંધિમાં ભારતની સરહદનો મોટો વિસ્તાર નેપાળને આપવામાં આવ્યો હતો. ત્યાં હજી પણ બે ઝૂંપડીઓ છે જે ખંડેર બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે એક ઝૂંપડીમાં વાલ્મીકિ રહેતા હતા અને બીજામાં સીતાએ લવ-કુશને જન્મ આપ્યો હતો."
તેમણે તેને પાછી મેળવવા માટે આશરે છ મહિના અગાઉ વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. જોકે તેમને પત્રનો જવાબ મળ્યો નથી. પરંતુ તેમનું કહેવું છે કે વડા પ્રધાને નેપાળ સાથે વાત કરવી જોઈએ અને તે વિસ્તાર પાછો મેળવવા પહેલ કરવી જોઈએ અને તેના બદલામાં નેપાળને બીજો વિસ્તાર આપવા જોઈએ.
મતલબ કે રામ અને સીતાના સંબંધમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા 2024ની લોકસભા ચૂંટણી સુધી ચાલુ રહી શકે છે. જોકે આનો ઘણો આધાર વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' કેન્દ્ર સરકાર અને ભાજપ સામે કયા મુદ્દાઓ લઈને જનતા સમક્ષ જાય છે તેના પર પણ રહેશે.