You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિજભૂષણના નજીકના સંજયસિંહની જીત, સાક્ષી મલિકે કહ્યું, 'હું કુસ્તી છોડું છું...'
બ્રિજભૂષણ શરણસિંહના નજીકના ગણાતા સંજયસિંહ ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષપદે ચૂંટાઈને આવ્યા છે.
બ્રિજભૂષણ શરણસિંહના જમાઈ વિશાલસિંહે જણાવ્યું કે સંજયસિંહની આખી પૅનલ જીતી છે અને બહુમતી પણ સારી છે.
વિશાલસિંહને જ્યારે પૅનલની પ્રાથમિકતા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક સમયમાં કુસ્તીને જે નુકસાન થયું છે એટલું જરૂર કહેવાય કે જે પરિવર્તનનો સમય રહ્યો છે કુસ્તીમાં તે સારી રીતે પાર પડ્યો છે. ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકતા હતા પણ કેટલીક વસ્તુઓના કારણે તેઓ સારું પ્રદર્શન ન કરી શક્યા. જો ખેલાડીઓને યોગ્યતાના આધારે નહીં અને રાજકારણના આધારે કોઈને ફાયદો થાય તો ક્ષમતાવાળા ખેલાડીઓને નુકસાન થાય.”
તો આ ચૂંટણીમાં હારી જનારાં અનિતા શ્યોરણે કહ્યું, “આટલી મોટી લડાઈ લડી, ખૂબ મુશ્કેલ લાગતું હતું. આશા તો બધાની હતી. અમે છોકરીઓ માટે લડી રહ્યાં હતાં.”
“ફેડરેશનને પરિવર્તન મંજૂર ન હતું. તેમની લડાઈ સમાપ્ત થઈ છે. તેમની ફરિયાદ પર હવે કંઈ નહીં થાય. અમે તો મધ્યમ પરિવારમાંથી આવ્યાં છીએ, તેમનાં મૂળ ઊંડાં હતાં. અન્યાય સામે લડાઈ યથાવત્ રહેશે. અન્યાય સામે ચૂપ તો નહીં રહીએ. હવે સુધારાની કોઈ શક્યતા નથી.”
સાક્ષી મલિકો કુસ્તી છોડવાની જાહેરાત કેમ કરી?
બ્રિજભૂષણ શરણસિંહના નજીકના મનાતા સંજયસિંહની જીત બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે ‘જો તે આ ફેડરેશનમાં રહેશે તો હું કુસ્તી છોડી રહી છું.’
દિલ્હીમાં ગુરુવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં સાક્ષી મલિકે કહ્યું, “એક વાત એ પણ કહેવા માગીશ કે જો અધ્યક્ષ બ્રિજભૂષણ જેવો માણસ જ રહે છે જે તેના સહયોગી છે જે તેનો બિઝનેસમાં ભાગીદાર છે. તે જો આ ફેડરેશનમાં રહેશે તો હું કુસ્તી છોડી દઈશ. હું આજ પછી તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું.”
કુસ્તી ખેલાડી સાક્ષી મલિકે કહ્યું, “લડાઈ લડી, સાચા મનથી લડી... અમે 40 દિવસો સુધી રસ્તા પર સૂતાં રહ્યાં અને દેશના કેટલાય ભાગોમાંથી અનેક લોકો અમારું સમર્થન કરવા પણ આવ્યા. બધા દેશવાસીઓનો આભાર જેમણે આજ સુધી મારું આટલું સમર્થન કર્યું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજયસિંહે શું કહ્યું?
ભારતીય કુસ્તીસંઘના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સંજયસિંહે કહ્યું, “કુસ્તી માટે કૅમ્પ આયોજિત કરાશે. જેમને કુસ્તી કરવી છે એ લોકો કુસ્તી કરી રહ્યા છે, જે રાજકારણ કરવા માગે છે તેઓ રાજકારણ કરે.”
સંજયસિંહની જીત પછી મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું એલાન કરી દીધું છે.
સાક્ષી મલિકના આ નિર્ણય પર બ્રિજભૂષણ શરણસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સાક્ષી મલિકના આ નિર્ણયથી મારે શું લેવા-દેવા?
બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું, “હું જીતનું શ્રેય દેશના પહેલવાનો અને ભારતીય કુસ્તી સંઘના સચિવને આપું છું. મને આશા છે કે નવા ફેડરેશનની રચના પછી કુસ્તી સ્પર્ધાઓ ફરી શરૂ થશે.”
આંદોલન અને વિવાદ
18 જાન્યુઆરી, 2023ના રોજ કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સનાં ચૅમ્પિયન વીનેશ ફોગાટે દિલ્હીમાં જંતર-મંતર પાસે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.
આ પ્રદર્શનમાં તેમની સાથે ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા અને અન્ય ઘણાં લોકો જોડાયાં હતાં.
ખેલાડીઓએ ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા ખેલાડીઓ પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમના આરોપો બાદ ભારતીય રમતગમતની દુનિયામાં વિવાદ સર્જાયો હતો.
વીનેશ ફોગાટે દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 10 મહિલા કુસ્તીબાજોએ સ્વીકાર્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં (2012થી 2022) ઘણી વાર બ્રિજભૂષણ દ્વારા તેમનું જાતીય સતામણી કરવામાં આવ્યું હતું.
કુસ્તીબાજોએ ડબ્લ્યૂએફઆઈ પર ગેરવહીવટનો પણ આરોપ લગાવ્યો હતો.
જાન્યુઆરીમાં વીનેશ ફોગાટે કહ્યું હતું કે, “ભારતીય મહિલા કુસ્તીદળમાં ફિઝિયોથૅરપિસ્ટ ન હતા. એ સ્થિતિમાં શું ચાર મહિલા કુસ્તીબાજો માટે એક મહિલા ફિઝિયોથૅરપિસ્ટ હોવા જરૂરી હતા કે અધ્યક્ષ માટે ગેમ્સ વિલેજમાં જવું જરૂરી હતું?”
બજરંગ અને વીનેશે એમ પણ કહ્યું હતું કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યાં હતાં અને વિરોધ કરવા પર તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બ્રિજભૂષણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, આ બધું તેમની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
કુસ્તીબાજોના આરોપો આંતરરાષ્ટ્રીય વિવાદોમાં આવ્યા બાદ ખેલ મંત્રાલયે ડબ્લ્યૂએફઆઈ વિરુદ્ધ આરોપોની તપાસ માટે 23 જાન્યુઆરી 2023એ 6 સભ્યોની સમિતિની રચના કરી હતી.
એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ દેખરેખ સમિતિનું નેતૃત્વ 6 વખતનાં વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન અને 2012 લંડન ઑલિમ્પિકનાં બ્રોન્ઝ મેડલ વિજેતા એમસી મૅરીકૉમ કરશે.