You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહેલવાનોના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મૌન' પર સાક્ષી મલિકે શું કહ્યું?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, રોહતકથી પરત ફરીને
“પીડા તો થાય જ છે. જેમણે મેડલ જીતવા બદલ આટલું માન-સન્માન આપ્યું, ઘરે બોલાવ્યાં અને તેઓ જ આ બાબતે કોઈ વાત કરતા નથી.”
કુસ્તીબાજ સાક્ષી મલિકના રોહતકમાં આવેલા અખાડામાં હું મારા સવાલ સાથે પહોંચી ત્યારે સાક્ષી પોતાની વાત સ્પષ્ટ રીતે કહેવા તૈયાર હતાં.
પાંચ મહિનાથી ચાલી રહેલા તમારા આંદોલન બાબતે તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શું કહેવા ઇચ્છો છો, એવો સવાલ મેં પૂછ્યો ત્યારે સાક્ષીએ કહ્યું, “તેમણે અમારી સાથે આ બાબતે હજુ સુધી કોઈ વાત કરી નથી. અમારો મુદ્દો બહુ સૅન્સિટિવ છે અને અમે તો તેમને અંગત રીતે મળ્યાં પણ છીએ. તેમની સાથે લંચ કર્યું છે. તેઓ મને દીકરી કહે છે. હું તેમને જણાવવાં ઇચ્છું છું કે તેઓ અમારા મુદ્દાને ધ્યાનમાં લે.”
“તેમણે આ બાબતે સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે જે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તે નિષ્પક્ષ હોવી જોઈએ. તપાસમાં પણ કોઈ ગડબડ ન થવી જોઈએ. અમે એટલું જ ઇચ્છીએ છીએ કે જે તપાસ થાય તે નિષ્પક્ષ હોય.”
સરકારનાં અન્ય પગલાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનથી પીડા થાય છે કે તે પીડા મહત્ત્વની નથી, એવો સવાલ સાંભળીને સાક્ષીના ચહેરા પરનો તણાવ થોડો પીગળ્યો અને તેમણે કહ્યું, “પીડા તો થાય જ છે. અમે 40 દિવસ રસ્તા પર હતાં ત્યારે પણ કશું ન હતું. વિરોધપ્રદર્શન કર્યું ત્યારે પણ કંઈ જ નહોતું, જ્યારે કે એમને બધી ખબર છે કે અમે કઈ બાબતને લઈને વિરોધપ્રદર્શન કરી રહ્યાં છીએ.”
કુસ્તીબાજ વીનેશ ફોગાટ, બજરંગ પુનિયા તથા સાક્ષી મલિક સહિતના ખેલાડીઓએ, કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહ સામે જાતીય સતામણીનો આરોપ મૂકીને લગભગ પાંચ મહિના પહેલાં અવાજ ઉઠાવ્યો હતો.
બ્રિજભૂષણ શરણસિંહ તમામ આરોપોનો વારંવાર ઇનકાર કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ કોર્ટના ચુકાદાની રાહ જોશે.
સરકારે અત્યાર સુધીમાં શું કર્યું?
કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું પછી રમતગમત મંત્રાલયે આરોપોની તપાસ માટે એક ઓવરસાઈટ કમિટીની રચના કરી હતી. કુસ્તી મહાસંઘના રોજિંદા કામની જવાબદારી પણ તે કમિટીને સોંપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓવરસાઈટ કમિટીની તપાસ પૂર્ણ થયા બાદ તેની ભલામણો જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ કુસ્તી મહાસંઘનો કાર્યભાર બે સભ્યની વચગાળાની સમિતિને સોંપવામાં આવ્યો હતો.
જાતીય સતામણીની ફરિયાદ કરનાર સાક્ષી મલિક સહિતની મહિલા કુસ્તીબાજોએ ઓવરસાઈટ કમિટીની કાર્યપદ્ધતિ બાબતે પહેલાં જ શંકા વ્યક્ત કરી હતી.
એ પછી મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને પછી સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશને પગલે પોલીસે એફઆઈઆર નોંધી હતી.
એ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો ન હતો. જોકે, કુસ્તીબાજોએ ગૃહ પ્રધાન અને રમતગમત પ્રધાન સાથે મુલાકાત કરી હતી.
કુસ્તીબાજો સાથેની બેઠક બાદ રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે મીડિયાને કહ્યું હતું કે “બ્રિજભૂષણ શરણ સિંહ પર જે આરોપ મૂકવામાં આવ્યા છે તેની તપાસ પૂર્ણ કરીને 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની, કુસ્તી મહાસંઘની ચૂંટણી 30 જૂન સુધીમાં કરાવવાની, તેમાં સિંહ પરિવારના કોઈ સભ્યને સામેલ ન કરવાની અને કુસ્તી મહાસંઘમાં જાતીય સતામણી રોકવા માટે એક ઇન્ટરનલ કમિટી બનાવવાની વાતચીત થઈ હતી.”
એ બેઠક પછી કુસ્તીબાજોએ તેમનું વિરોધ પ્રદર્શન 15 જૂન સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
બીબીસી સાથે વાત કરતાં સાક્ષી મલિકે જણાવ્યું હતું કે આનો અર્થ એ નથી કે આંદોલન પૂર્ણ થઈ ગયું છે. જોકે, બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ બાબતે તેમને સરકાર તરફથી કોઈ આશ્વાસન મળ્યું નથી. સાક્ષી કહે છે, “ચાર્જશીટ 15 જૂન સુધીમાં દાખલ થઈ જશે અને તે જેટલી મજબૂત હશે, એ મુજબ જ બાકીની કાર્યવાહી થશે, એવું રમતગમત પ્રધાને અમને કહ્યું હતું.”
અત્યાર સુધી શું શું થયું?
- મહિલા કુસ્તીબાજોએ આ મુદ્દે પહેલી વાર આ વર્ષે 18 જાન્યુઆરીએ ઉઠાવ્યો હતો.
- દેશના મુખ્ય કુસ્તીબાજો વીનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના જંતર-મંતર પર પહોંચીને અવાજ ઉઠાવ્યો હતો.
- તેમણે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ગંભીર આરોપ મૂક્યા.
- વીનેશ ફોગાટે રડતાં-રડતાં કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણસિંહ અને કોચ નેશનલ કૅમ્પમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરે છે.
- બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું કે, ‘એકેય ઍથ્લીટનું જાતીય શોષણ કરવામાં આવ્યું નથી અને જાતીય શોષણની વાત સાચી સાબિત થશે તો તેઓ ફાંસી પર લટકવા તૈયાર છે.’
- રમતગમતમંત્રી અનુરાગ ઠાકર એ પછી કુસ્તીબાજોને મળ્યા હતા અને આરોપોની તપાસ માટે 23 જાન્યુઆરીએ પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.
- મહિલા કુસ્તીબાજોએ દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ થાણામાં 21 એપ્રિલે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી.
- 23 એપ્રિલ- કુસ્તીબાજોએ જંતર-મંતર પર ફરી ધરણાં શરૂ કર્યાં હતાં.
- 24 એપ્રિલ- પાલમ 360 ખાપના પ્રધાન ચૌધરી સુરેન્દ્ર સોલંકી કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા અને અન્ય ખાપ પંચાયતોને પણ કુસ્તીબાજોને ટેકો આપવાની અપીલ કરી હતી.
- 25 એપ્રિલ- વીનેશ ફોગાટ સહિતની છ મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એફઆઈઆરની માગણી સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
- દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ સામે બે એફઆઈઆર નોંધી હતી. એ પૈકીની એક એફઆઈઆર પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવી હતી.
- એ પછી સગીર વયની કુસ્તીબાજે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધના જાતીય સતામણીના નિવેદનને બદલ્યું હતું.
- ત્રણેય કુસ્તીબાજ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
- એ પછી રમતગમતમંત્રી અનુરાગ ઠાકુર ત્રણેય કુસ્તીબાજને મળ્યા હતા.
સગીરનાં નિવેદન અને ધરપકડની માગ
ચાર્જશીટ દાખલ કરવા માટેની 15 જૂનની સમયમર્યાદા પૂર્ણ થવાના થોડા દિવસ પહેલાં ગયા રવિવારે બ્રિજભૂષણ શરણસિંહે તેમના સંસદીય મતવિસ્તાર કેસરગંજના ગોંડા જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું.
કેન્દ્રમાં ભાજપ સરકારના શાસનનાં નવ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે યોજવામાં આવેલી એ રેલીમાં તેમણે જાતીય સતામણીના આરોપ બાબતે કશું કહ્યું ન હતું, પરંતુ ભાષણમાં એક શાયરી મારફત પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે “યહ મિલા મુજકો મોહબ્બત કા સિલા, બેવફા કહકે મેરા નામ લિયા જાતા હૈ. ઈસકો રુસવાઈ કહેં કે શોહરત અપની, દબે હોઠોં સે મેરા નામ લિયા જાતા હૈ.”
દરમિયાન પોક્સો કાયદાની ‘એગ્રેવેટેડ સેક્સુઅલ અસોલ્ટ’ કલમ હેઠળ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવનાર પીડિતા કુસ્તીબાજે પોલીસ સમક્ષ નવું નિવેદન નોંધાવ્યું હોવાના સમાચાર આવ્યા હતા.
સાક્ષી મલિકે જણાવ્યું હતું કે તેઓ સગીર વયની તે કુસ્તીબાજના સંપર્કમાં નથી અને નવું નિવેદન નોંધવાનો નિર્ણય તેણે દબાણને લીધે કર્યો હોવાનું તેઓ માને છે.
સાક્ષીએ કહ્યું, “પોક્સોનો મામલો હટી જાય તો પણ આટલી ફરિયાદોને ધ્યાનમાં લેતાં નૈતિક આધારે બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ કરી શકાય, પરંતુ મને લાગે છે કે કાયદો બધાં માટે સમાન નથી.”
કોણ છે બ્રિજભૂષણ શરણસિંહ?
- ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી છે
- યુવા જીવન અયોધ્યાના અખાડામાં વિતાવ્યું
- 1988માં ભાજપ સાથે જોડાયા, 1991માં સાંસદ બન્યા
- છ વખત લોકસભા માટે ચૂંટાયા
- 2011થી જ કુસ્તી મહાસંઘના પ્રમુખ
- તેમના દીકરા પ્રતીક, ગોંડાથી ભાજપના ધારાસભ્ય છે
વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં જાતીય સતામણી બન્યું અવાજ ઉઠાવવાનું કારણ
પોલીસમાં નોંધાયેલી બે એફઆઈઆરની વિગતમાં 12 વર્ષ સુધી કુસ્તી મહાસંઘના અધ્યક્ષ રહ્યા હોવાને કારણે બ્રિજભૂષણ શરણસિંહના પ્રભુત્વ અને તાકાતનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે.
કુસ્તીબાજોના જણાવ્યા મુજબ, જાતીય સંબંધ બાંધવાના ઇનકાર અને વહીવટના કાયદાના દુરુપયોગ વડે તેમને અનેક રીતે હેરાન કરવામાં આવ્યાં હતાં. જાતીય સતામણી પછી તરત જ ફરિયાદ નહીં કરી શકવાનું કારણ પણ આ જ હતું.
અનેક ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમની સાથે કારકિર્દીની શરૂઆતમાં આવું થયું હતું. તેને લીધે તેઓ પોતાની વાત કહેવાનું સાહસ કરી શક્યાં ન હતાં.
સાક્ષી મલિકના જણાવ્યાં મુજબ, જાન્યુઆરીમાં અવાજ ઉઠાવવાનું કારણ, ગત વર્ષની વર્લ્ડ જુનિયર રેસલિંગ ચૅમ્પિયનશિપ વખતે બહાર આવેલી માહિતી બની હતી.
કોણે શું કહ્યું?
- “એ જાણીને મને ખૂબ દુખ થાય છે કે આપણા ખેલાડી રસ્તા પર ન્યાય માગી રહ્યા છે” – નીરજ ચોપડા
- “શું આમને ક્યારેય ન્યાય મળી શકશે?” – કપિલ દેવ
- “બહુ જ દુખની વાત છે કે આપણા ચૅમ્પિયન, જેમણે દેશનું મોટું નામ કર્યું, ઝંડો ફરકાવ્યો. આપણને બધાંને એટલો આનંદ આપ્યો, તેમને આજે રસ્તા પર આવવું પડે છે.” – વીરેન્દ્ર સેહવાગ
સાક્ષી કહે છે, “એક-બે મહિલા કુસ્તીબાજોએ 2022માં વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ દરમિયાન જાતીય સતામણીના વાત અમને કરી હતી. એ પછી અમે બધાં મળ્યાં હતાં અને અમે વિચાર્યું હતું કે આ બાબતે કશુંક કરવું જોઈએ.”
સાક્ષીના કહેવા મુજબ, વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ત્યારે પણ ગૃહ પ્રધાનને મળ્યાં હતાં, પરંતુ આગળ કોઈ કાર્યવાહી ન થવાને કારણે અમે જંતર-મંતર પર ધરણાનો નિર્ણય કર્યો હતો.
સાક્ષી કહે છે, “ધરણાનો નિર્ણય અમે પહેલાં કર્યો ન હતો. પહેલાં વાતચીત મારફત સમસ્યાના નિવારણનો પ્રયાસ કર્યો હતો અને આખરે વાત એફઆઈઆર દાખલ કરવા સુધી પહોંચી હતી.”
એ પછી ત્રણેય એકમેકના સતત સંપર્કમાં છે અને ભાવિ યોજના પણ સાથે જ બનાવવાનો તેમનો ઇરાદો છે.
સરકાર સાથે થયેલી વાતચીતમાંનો મહત્વનો એક મુદ્દો, કુસ્તીબાજો વિરુદ્ધ 28 મે ના વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડને લીધે કરવામાં આવેલા પોલીસ કેસ પાછા ખેંચવાનો પણ છે.
સાક્ષીના કહેવા મુજબ, તેમના વિરુદ્ધની પોલીસ ફરિયાદ પાછી લેવા બાબતે તેમને અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી.
ભાવિ વ્યૂહરચના માટે તેઓ 15 જૂનની રાહ જોઈ રહ્યાં છે.