પહેલવાનોએ મેડલ ગંગામાં વહાવવાનો કાર્યક્રમ કેમ સ્થગિત કર્યો?

મંગળવારે સાક્ષી મલિક, વીનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિત ઘણા મોટાં કુસ્તીબાજો તેમણે જીતેલા મેડલો ગંગામાં વહાવવા હરિદ્વાર પહોંચ્યાં હતાં.

પહેલવાનોના પહોંચ્યા બાદ તેમની આસપાસ ભારે સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જે પૈકી કેટલાકે પહેલવાનોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ પણ કરી હતી.

પહેલવાનોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોગ પણ ‘હર કી પૌડી’ના ઘાટ પર ઉપસ્થિત હતા. જ્યાં બાદમાં ઉત્તર પ્રદેશના ખેડૂતનેતા નરેશ ટિકૈત પોતાના સમર્થકો સાથે પહેલવાનોને મનાવવા પહોંચ્યા હતા.

હાલ પહેલવાનોએ પોતાના મેડલ નરેશ ટિકૈતને સોંપી દીધા છે.

નરેશ ટિકૈતે તેમની સાથે વાત કરીને તેમને મેડલ ગંગામાં વિસર્જિત કરતા રોકી લીધા છે. સ્થળ પરથી આવી રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે પહેલવાનો હર કી પૌડીથી ઊઠી ચૂક્યા છે.

આ પહેલાં હર કી પૌડી પર હાજર વીનેશ ફોગાટ અને સાક્ષી મલિક લાંબા સમયથી રડી રહ્યાં હતાં.

ગંગામાં મેડલો વહાવી દેવાના પહેલવાનોના નિર્ણયનો ગંગા મહાસભાએ વિરોધ કર્યો છે. આજતક સાથે વાત કરતાં ગંગા મહાસભાનું કહેવું છે કે, “અહીં સનાતની લોકો પૂજાપાઠ કરવા માટે આવે છે. આ કોઈ રાજનીતિનો અખાડો નથી. આ કોઈ જંતરમંતર નથી. આ દિલ્હીનું કોઈ મેદાન નથી કે તમે અહીં આવીને તેને પોતાની રાજનીતિનો અખાડો બનાવશો.”

પહેલવાનોએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદસભ્ય અને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માગણી સાથે 23 એપ્રિલથી જંતરમંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા, જેમને 28 મેના દિવસે દિલ્હી પોલીસે હઠાવી દીધા હાં.

28 મેના દિવસે નવા સંસદભવનના ઉદ્ઘાટનના દિવસે જ પહેલવાનોએ મહિલા સન્માન મહાપંચાયતનું એલાન કર્યું હતું. જ્યારે પહેલવાન સંસદભવન તરફ મહાપંચાયત માટે આગળ વધ્યાં તો દિલ્હી પોલીસે તેમની અને તેમના સમર્થકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું.

દિલ્હી પોલીસ પહેલવાનો અને ખેડૂત નેતાઓને અલગ અલગ સ્થાને પોલીસ સ્ટેશનોમાં લઈ ગઈ હતી, જેમને મોડી રાત્રે છોડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પોલીસે જંતરમંતરથી પહેલવાનોના ધરણાં પ્રદર્શનનું સ્થળ ખુલ્લું કરી નાખ્યું હતું અને તેમનો સામાન વાહનોમાં ભરાવીને અન્ય સ્થળે ખસેડી દીધો હતો.

હવે દિલ્હી પોલીસનું કહેવું છે કે પહેલવાનોને જંતરમંતર પર ધરણાં પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

મેડલ વહાવવાનો નિર્ણય લેતા પહેલાં પહેલવાનોએ શું કહ્યું?

પોલીસે સોમવારે પહેલવાનો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. આમાં પહેલવાનો અને પ્રદર્શનકારીઓ પર રમખાણ કરાવવા, ગેરકાયદે એકઠા થવા અને સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ સર્જવા, સરકારી કર્મચારીઓના આદેશનું ઉલ્લંઘન કરવા, સરકારી કર્મચારીઓને ઈજા પહોંચાડવા અને સરકારી કર્મચારીને ફરજ બજાવતા રોકવા માટે ગુનાઇત બળનો ઉપયોગ કરવા જેવો આરોપ લગાવ્યો છે.

આ પહેલાં પહેલવાનોએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી એક પત્ર શૅર કર્યો હતો, જેમાં 28મેની પોલીસ-કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.

પહેલવાનોએ લખ્યું, "28મે એ જે થયું એ તમે સૌએ જોયું કે પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું. અમારી સાથે કેવી બર્બરતા કરી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનની જગ્યાને પણ પોલીસે તહસનહસ કરી અમારી પાસેથી આંચકી લીધી અને પછીના દિવસે ગંભીર મામલામાં અમારી ઉપર જ એફઆઇઆર કરી દીધી."

"શું મહિલા પહેલવાનોએ પોતાની સાથે થયેલા જાતીય શોષણ માટે ન્યાય માગીને કોઈ ગુનો કર્યો છે? પોલીસ અને તંત્ર અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરી રહ્યાં છે, જ્યારે શોષણ કરનાર જાહેર સભાઓમાં અમારી ઉપર કટાક્ષ કરી રહ્યો છે."

"હવે લાગી રહ્યું છે કે અમારાં ગળામાં આ મેડલોનો કોઈ અર્થ નથી રહ્યો. આને (મેડલને) પરત કરવાના વિચાર માત્રથી અમને મરવા જેવું થઈ રહ્યું છે પણ તમે તમારા આત્મસન્માન સાથે સમાધાન કરીને પણ શું કરશો?"

કોણે શું કહ્યું?

જ્યારે પહેલવાન જંતરમંતર પર ધરણાપ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે ખેડૂતનેતા રાકેશ ટિકૈત ત્યાં ઘણી વાર પહોંચ્યા હતા અને તેમનું સમર્થન કર્યું હતું.

તેમણે પહેલવાનોને મેડલ ગંગામાં વિસર્જિત ન કરવાની અપીલ પણ કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “આ મેડલ દેશ અને ત્રિરંગાની શાન છે. અમે પહેલવાનોને અનુરોધ કરીએ છીએ કે આવું પગલું ન ભરશો.”

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “આખો દેશ સ્તબ્ધ છે. આખા દેશની આંખોમાં આંસુ છે. વડા પ્રધાને હવે તો પોતાનો અહંકાર ત્યાગવો જોઈએ.”

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આ મામલે કહ્યું કે, “તમે તમારી રમત વડે આખા દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. અમે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને અપીલ કરીએ છીએ કે મામલાને ધ્યાને લઈ પહેલવાનો સાથે જલદી વાતચીત કરો.”

આ સિવાય રાષ્ટ્રીય લોકદલના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, “દેશ માટે આના કરતાં વધુ દુર્ભાગ્યની વાત શું હોઈ શકે કે પોતાની મહેનત અને તપ વડે દેશે માટે જીતેલા મેડલ આપણા પહેલવાનો ન્યાયની માગણી કરતાં ગંગામાં વહાવી રહ્યા છે.”

પહેલવાનોના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં દિલ્હી મહિલા કમિશનનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, “ખૂન-પસીના વહાવીને દીકરીઓએ મેડલ જીત્યા હતા પરંતુ શાસન અને દિલ્હી પોલીસે બ્રિજભૂષણને બચાવવા માટે દીકરીઓને જ દોષિત ઠેરવી દીધાં. પરેશાન થઈને તેઓ આ મેડલ ગંગામાં વહાવવા જઈ રહ્યાં છે.”

પહેલવાનોનું આંદોલન, અત્યાર સુધી શું શું થયું?

21 એપ્રિલ – મહિલા પહેલવાનોએ દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશન ખાતે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ફરિયાદ કરી, પરંતુ પોલીસે એફઆઇઆર ન નોંધી.

23 એપ્રિલ – બીજી વખત જંતરમંતર ખાતે ધરણાંની શરૂઆત.

23 એપ્રિલ – પાલમ 360 ખાપના પ્રધાન ચૌધરી સુરેન્દ્ર સોલંકી સમર્થન કરવા જંતરમંતર ખાતે પહોંચ્યા અને અન્ય ખાપોને પણ સમર્થન માટે અપીલ કરી.

25 એપ્રિલ – વીનેશ ફોગાટ સહિત છ અન્ય મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ એફઆઇઆરની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માગ્યો.

26 એપ્રિલ - જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક જંતરમંતર પહોંચ્યા અને કહ્યું, “આ લડાઈ આપણા દેશની દીકરીઓના સન્માનની લડાઈ છે. દિલ્હીમાં જે બેશરમ લોકો બેઠા છે. તેમણે કેસ દાખલ કરીને બ્રિજભૂષણસિંહને નિલંબિત કરવામાં એક મિનિટનો સમય પણ લગાડવો નહોતો જોઈતો.”

27 એપ્રિલ – જાતીય ઉત્પીડનના આરોપોનો બ્રિજભૂષણસિંહ કવિતા સંભળાવીને જવાબ આપ્યો.

28 એપ્રિલ – ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વીનેશ ફોગાટની વાતચીત બાદ દેશના ઘણા મોટા ખેલાડીઓ અને હસ્તીઓએ પહેલવાનોના સમર્થનમાં ટ્વીટ કર્યા.

તેમાં ઑલિમ્પિય નીરજ ચોપરા, સ્વરા ભાસ્કર, અભિનવ બિંદ્રા, સાનિયા મિર્ઝા, વીરેન્દ્ર સેહવાગ, ઇરફાન પઠાણ, કપિલ દેવ, સોનુ સૂદ જેવા ખેલાડી સામેલ હતા. વિનેશે કહ્યું હતું કે બધા મોટા ખેલાડી તેમના ધરણાંને લઈને મૌન છે.

દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ બે એફઆઇઆર દાખલ કરી, જેમાંથી એક એફઆઇઆર પૉક્સો ઍક્ટ હેઠળ દાખલ કરાઈ હતી.

પહેલવાનોએ આરોપ લગાવ્યો કે રાત્રે દિલ્હી પોલીસે તેમનાં વીજળી-પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં અને ધરણાં સ્થળ ખાલી કરવા માટે દબાણ કર્યું.

29 એપ્રિલ – કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ધરણાસ્થળે પહોંચ્યાં અને કહ્યું, “જ્યારે મહિલાનું શોષણ થાય છે ત્યારે સરકાર ચૂપ થઈ જાય છે.”

3 મે – રાત્રે જંતરમંતર ખાતે પ્રદર્શન કરનારા પહેલવાનો પર હુમલો, પોલીસ સાથે ધક્કામુક્કી. પહેલવાનોએ દાવો કર્યો કે ‘પોલીસ ઍક્શન’માં તેમના બે સાથીદારોને ઈજા થઈ છે. સમર્થન કરવા પહોંચેલા નેતાઓ અને લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા. આખી રાત હંગામો થયો.

7 મે – પહેલવાનોએ જંતરમંતર ખાતે કૅન્ડલ-માર્ચ યોજ્યો.

8 મે – ઘણા પ્રદેશોનાં ખેડૂતસંગઠનો સમર્થન માટે જંતરમંતર પહોંચ્યાં.

11 મે – પહેલવાનોએ માથે કાળી પટ્ટી બાંધીને બ્લૅક ડે મનાવ્યો. સગીર મહિલા પહેલવાને મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું.

20 મે – પહેલવાન ફિરોજશાહ કોટલા મેદાન ખાતે ચાલી રહેલ આઇપીએલ મૅચ જોવા પહોંચ્યાં હતાં. પહેલવાનોએ આરોપ કર્યો કે દિલ્હી પોલીસે તેમને સ્ટેડિયમમાં ન પ્રવેશવા દીધાં.

21 મે – હરિયાણાના રોહતકમાં પહેલવાનોના સમર્થનમાં ખાપ પંચાયત થઈ. પંચાયતમાં બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ કરવાની અને નાર્કો ટેસ્ટ માટેની માગ કરાઈ.

22 મે – બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું કે તેઓ પોતાના નાર્કો, પૉલીગ્રાફ અને લાઇ ડિટેક્ટકર ટેસ્ટ કરવવા માટે તૈયાર છે, પરંતુ સાથે જ વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પણ આ ટેસ્ટ કરાવવા, એવી શરત મૂકી.

23 મે – જંતરમંતર ખાતે ધરણાપ્રદર્શનને એક મહિનો પૂરો થયો. પહેલવાનોએ જંતરમંતર ખાતેથી ઇન્ડિયા ગેટ ખાતે પગપાળા માર્ચ કર્યો.

25 મે – હરિયાણાના જિંદમાં થયેલ મહાપંચાયતમાં ભાગ લીધો. સેંકડોની સંખ્યામાં લોકો પહેલવાનોના સમર્થન માટે પહોંચ્યા.

27 મે – પહેલવાનોએ આરોપ લગાવ્યો કે સરકાર સમાધાન કરવા માટે દબાણ કરાયાની વાત કરી.

28 મે – દિલ્હી પોલીસે સાક્ષી મલિક, વીનેશ ફોગાટ, સંગીતા ફોગાટ અને બજરંગ પુનિયા સહિત પ્રદર્શનકારીઓ અને ધરણાંના આયોજકો સામે એફઆઇઆર દાખલ કરી છે. તેમાં પહેલવાનો અને પ્રદર્શનકારીઓ પર હુલ્લડ ભડકાવવા, ગેરકાયદેસર જમાવટ કરવા, સરકારી કર્મચારીઓના કામમાં વિક્ષેપ ઊભો કરવા જેવા આરોપ કરાયા.

30 મે- પહેલવાનોએ ગંગામાં મેડલ વિસર્જિત કરવાની જાહેરાત કરી પરંતુ કાર્યક્રમ પાંચ દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.