You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા પહેલવાનોનાં ધરણાં : દિલ્હી પોલીસે FIR નોંધ્યા બાદ બ્રિજભૂષણે શું કહ્યું?
દિલ્હી પોલીસે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં બે એફઆઈઆર નોંધી છે.
દિલ્હીના ડીસીપી પ્રણવ તાયલે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા છે.
તેમના અનુસાર, પહેલી એફઆઈઆર એક સગીર પીડિતાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. આ મામલામાં તેમના વિરુદ્ધ પૉક્સો કાયદો અને ભારતીય દંડ સંહિતાની કલમ અંતર્ગત કેસ નોંધાવામાં આવ્યો છે.
ડીસીપી તાયલ અનુસાર, બીજી એફઆઈઆર પુખ્ત મહિલાઓની ફરિયાદ પર નોંધવામાં આવી છે.
આ પહેલાં દિલ્હી પોલીસે શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોના આધારે શુક્રવારે સાંજ સુધીમાં એફઆઈઆર નોંધશે.
સુપ્રીમ કોર્ટે એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે મંગળવારે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી હતી.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, કુસ્તીબાજો દ્વારા આપવામાં આવેલી અરજીમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને તેઓ આ મામલે સુનાવણી કરશે.
બીજી તરફ બ્રિજભૂષણ શરણસિંહે શુક્રવારે કહ્યું હતું કે, તેઓ તેમના પર લાગેલા આરોપોની તપાસમાં તમામ સહાયતા કરવા તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓએ કહ્યું હતું કે, “હું ન્યાયતંત્રના નિર્ણયથી ખુશ અને ઘણો પ્રસન્ન છું. દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં જ્યાં પણ સહયોગની જરૂર પડશે, ત્યાં હું મદદ કરવા માટે તૈયાર છું. આ દેશમાં ન્યાયતંત્રથી મોટું કોઈ નથી. હું પણ ન્યાયતંત્રથી મોટો નથી.”
મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના મામલામાં તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગને લઈને ઘણા કુસ્તીબાજો ગયા રવિવારે જંતર-મંતર પર ધરણાં પર બેઠાં હતાં. આજે તેમના પ્રદર્શનનો સાતમો દિવસ છે.
મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે કહ્યું કે દિલ્હી પોલીસને ફરિયાદ દાખલ કરવામાં છ દિવસનો સમય લાગ્યો. તેમને પોલીસ પર ભરોસો નથી.
વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડાલિસ્ટ વીનેશે કહ્યું, "પોલીસ નબળી એફઆઈઆર દાખલ કરી શકે છે. અમે પહેલા તે જોઈશું અને બાદમાં જ નિર્ણય લઈશું. તેઓ (બ્રિજભૂષણ) જેલમાં હોવા જોઈએ અને તમામ પદો પરથી હઠાવવા જોઈએ. બાકી તો તે તપાસને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે."
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, "જ્યાં સુધી તેમને જેલમાં નહીં મોકલવામાં આવે, ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે."
બ્રિજભૂષણ શરણસિંહે શું કહ્યું?
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહે પોતાના પર લાગેલા આરોપો અને રાજીનામાની માગ પર પોતાનો પક્ષ રાખ્યો હતો.
તેમણે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું, "રાજીનામું એટલી મોટી વસ્તુ નથી, પણ ગુનેગાર બનીને રાજીનામું નહીં આપું. હું ગુનેગાર નથી."
તેમણે ખેલાડીઓ પર સતત માગ બદલવાનો આરોપ મૂકતા કહ્યું, "ખેલાડીઓની માગ સતત બદલાતી રહી છે. જો તમે એમનાં જૂનાં નિવેદનો સાંભળશો તો ખબર પડશે. જાન્યુઆરીમાં તેમની માગ હતી કે પદ પરથી રાજીનામું આપે. મેં એ સમયે કહ્યું હતું કે પદ પરથી રાજીનામું આપવાનો મતલબ છે કે મેં આ આરોપો સ્વીકારી લીધા છે."
તેમના અનુસાર, "મારો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો છે. જ્યાં સુધી કોઈ નવી બૉડી ન બને અને સરકારે આઈઓએ ભારતીય ઑલિમ્પિક સંઘની એક કમિટી બનાવી છે, ત્રણ લોકોની આ કમિટીની દેખરેખમાં 45 દિવસમાં ચૂંટણી સંપન્ન થવાની છે. ચૂંટણી પૂરી થતા મારો કાર્યકાળ આપોઆપ સમાપ્ત થઈ જશે."
સમર્થનમાં કોણે શું કહ્યું?
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલાં પહેલવાનોના સમર્થનમાં ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન કપિલ દેવ અને ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા પણ આવી ગયા છે.
કપિલ દેવે પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટની સ્ટોરીમાં પહેલવાનોની એક તસવીર શૅર કરી અને લખ્યું, "શું તેમને ક્યારેય ન્યાય મળી શકશે?"
આ તસવીર શૅર કરતા કપિલ દેવે વિનેશ ફોગટ અને બજરંગ પુનિયાને પણ ટૅગ કર્યાં છે. આ પૂર્વે ઑલિમ્પિક ચૅમ્યિયન નીરજ ચોપરાએ પણ પહેલવાનોનું સમર્થન કર્યું હતું.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, , "આ જોઈને મને ઘણુ દુ:ખ થાય છે કે અમારા ઍથ્લીટે રસ્તા પર ઊતરીને ન્યાય માગવો પડી રહ્યો છે."
તેમણે કહ્યું કે, "આ એક સંવેદનશીલ મુદ્દો છે અને એની નિષ્પક્ષ અને પારદર્શી રીતે ઉકેલવો જોઈએ. ન્યાય સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ."
રાજ્યસભાના નૉમિનેટેડ સાંસદ અને ભારતીય ઑલિમ્પિક સંઘનાં અધ્યક્ષ પી.ટી. ઊષાએ ગુરુવારે ભારતીય ઑલિમ્પિક સંઘની કાર્યકારી સમિતિની બેઠક બાદ કહ્યું હતું કે પહેલવાનોનું રસ્તા પર પ્રદર્શન કરવું એ શિસ્તભંગ છે અને એનાથી દેશની છબી ખરડાઈ રહી છે.
આની સામે બજરંગ પુનિયાએ કહ્યું કે, "તેઓ ખુદ એક મહિલા છે અઅને તેમણે આવું કહ્યું કે સાંભળીને દુ:ખ થયું."
બીજી તરફ કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે તેમની પર લાગેલા જાતીય સતામણીના આરોપો પર એક કવિતા થકી જવાબ આપ્યો છે.
બ્રિજભૂષણ શરણે કહ્યું કે, "મિત્રો, જે દિવસે જીવનની સમીક્ષા કરીશ, શું ગુમાવ્યું, શું મેળવ્યું, અને જે દિવસે મને અનુભવ થશે કે મારી સંઘર્ષ કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે, જે દિવસે મને લાગશે કે હું લાચાર છું, બિચારો છું, હું આવું જીવન જીવવાનું પસંદ નહીં કરું અને ઇચ્છીશ કે આવું જીવન જીવતા પહેલાં મૃત્યુ મારી નજીક આવી જાય.”
તપાસ માટે 'નિરીક્ષણ સમિતિ'
પહેલાવાન વિનેશ ફોગટે આ મુદ્દે ક્રિકેટરો અને અન્ય ખેલાડીઓ મૌન સેવી રહ્યા હોવાની વાત કહી સવાલ ઉઠાવ્યો હતો.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "આખો દેશ ક્રિકેટની પૂજા કરે છે પરંતુ એક પણ ક્રિકેટર કંઈ જ નથી બોલ્યા. અમે એ નથી કહી રહ્યાં કે તમે અમારા પક્ષમાં બોલો પરંતુ કમસેકમ આવીને કહેવું જોઈએ કે ન્યાય થાય. આનાથી મને ઘણુ દુખ થાય છે. તે ક્રિકેટર હોય, બૅડમિન્ટન હોય કે ઍથ્લીટ હોય અથવા મુક્કાબાજ."
‘બ્લૅક લાઇવ્સ મૅટર’ આંદોલનનું ઉદાહરણ આપીને વીનેશ ફોગટે કહ્યું, "એવું નથી કે આપણા દેશમાં મોટા ઍથ્લીટ નથી. અમેરિકામાં ‘બ્લૅક લાઇવ્સ મૅટર’ના આંદોલન સમયે ક્રિકેટરોએ પોતાનું સમર્થન આપ્યું હતું તો શું અમે એ લાયક પણ નથી?"
તેમણે લખ્યું, "જ્યારે અમે કંઈક જીતીએ છીએ તો તમે અમને અભિનંદન આપવા આગળ આવો છો. ક્રિકેટરો પણ ટ્વીટ કરે છે. પણ હવે શું થઈ ગયું છે? શું તમે સિસ્ટમથી આટલા ડરો છો? કે પછી બની શકે કે ત્યાં પણ કંઈક ગડબડ ચાલી રહી હોય!"
18 જાન્યુઆરી, 2023ના રોજ પહેલવાન વીનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના જંતર-મંતર પહોંચીને કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે વીનેશ ફોગટે રડતાંરડતાં કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણસિંહ અને કોચ, નૅશનલ કૅમ્પમાં મહિલા કુસ્તીબાજનું યૌનઉત્પીડન કરે છે.
એ બાદ ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને 23 જાન્યુઆરીના રોજ આરોપોની તપાસ કરાવવા માટે પાંચ સભ્યોની ‘નિરીક્ષણ સમિતિ’ બનાવી હતી.
દિગ્ગજ મુક્કાબાજ એમસી મૅરી કૉમને આ સમિતિના અધ્યક્ષ બનાવાયાં હતાં. સમિતિને ચાર અઠવાડિયાંની અંદર તપાસ પૂરી કરવા કહેવાયું હતું.
સમિતિએ રિપોર્ટ સરકારને સોપ્યો છે પણ એને જાહેર કરવામાં નથી આવ્યો.
મહિલા પહેલવાનોનું કહેવું છે કે તેઓ 21 એપ્રિલે દિલ્હીના કનૉટ પ્લૅસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયાં હતાં પણ પોલીસે એફઆઈઆર નહોતી લીધી.
23 એપ્રિલના રોજ બીજી વાર ઑલિમ્પિક પદક વિજેતા પહેલવાન બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વીનેશ ફોગટના નેતૃત્વમાં પહેલવાનોએ બ્રિજભૂષણ શરણસિંહ સામે મોરચો ખોલ્યો હતો.
વીનેશ ફોગટે આરોપ લગાવ્યો છે કે બ્રિજભૂષણ પીડિતોને ધમકી અને પૈસાની લાલચ આપવાની કોશિશ કરી રહ્યા છે.