ગુજરાતનાં પરિણામો : નરેન્દ્ર મોદી કઈ રીતે ભારતના સૌથી લોકપ્રિય રાજનેતા બની રહ્યા છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, ભારત સંવાદદાતા

"ભારતમાં ત્રણમાંથી બે સરકારો પડી જાય છે જ્યારે અમેરિકામાં એનાથી ઊલટું છે - ત્રણમાંથી બે ચૂંટાઈ આવે છે,"

આ વાત અગ્રણી વિશ્લેષક રુચિર શર્માએ એક વખત કરી હતી. ભારતના વર્તમાન રાજનેતાઓ વિશ્વમાં સૌથી વધુ ચર્ચિત છે.

નરેન્દ્ર મોદી તેમાં અપવાદ જણાય છે. મુખ્ય મંત્રી તરીકે મોદીની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સતત ત્રણ વિધાનસભા ચૂંટણીઓ જીતી હતી અને 2014માં દિલ્હી જતાં પહેલાં 12 વર્ષથી વધુ સમય સુધી ગુજરાતમાં શાસન કર્યું હતું. કેન્દ્રમાં ગયા પછી તેમણે પાર્ટીને બે વખત ભારતમાં મોટી જીત અપાવી છે.

દિલ્હી ગયા પછી પણ વડા પ્રધાને ગુજરાત રાજ્ય વિધાનસભાના પ્રચારનું નેતૃત્વ કર્યું. ગુરુવારને વિક્રમજનક જીત અપાવી જેમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો સાથે રાજ્યમાં સળંગ સાતમીવાર સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો. આ જીત ઘણા વિવેચકો અનુસાર એ પણ સાબિત કરે છે કે મોદી એટલે "ગુજરાત".

વડા પ્રધાન મોદી એકલા હાથે ગુજરાતની ચૂંટણીને ખેંચી ગયા. તેમણે 30થી વધુ સભાઓ કરી હતી અને મતદારોને આકર્ષવા અને મીડિયા પર કવરેજ મેળવવા માટે માઈલો લાંબી રેલીઓ કરી હતી. તેમણે ગુજરાતી અસ્મિતા અથવા ગૌરવને કેન્દ્રમાં રાખીને મતદારોને તેમની પર અને ભાજપ સરકાર પર 'વિશ્વાસ' મુકવા વિનંતી કરી. ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે, "રાજ્યની ચૂંટણીમાં વડા પ્રધાન આટલો સમય અને શક્તિનો ખર્ચ કરશે એવી અપેક્ષા નહોતી."

મોદી મેદાનમાં આવે છે ત્યારે…

કદાચ મોદી સામાન્ય કરતાં વધુ મહેનત કરવા માટે જ બન્યા છે. આર્થિક વિકાસનાં વચનો સાથે જોડાયેલી કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદની તેમની વિચારધારાનું મતદારોમાં ભારે આકર્ષણ રહે છે. 2002માં મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તેના થોડા જ સમયમાં જ ધાર્મિક રમખાણોએ ગુજરાતને હચમચાવી નાખ્યું. જોકે તેનાથી તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો ન હતો. એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય કે ગુજરાત રોકાણ અને માથાદીઠ આવકમાં ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોથી છે અને દેશની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું ગૌરવ ધરાવે છે.

જોકે, ગુજરાતમાં પણ ભારતના અન્ય રાજ્યોની જેમ નોકરીઓ સંકોચાઈ રહી છે અને અહીં મોંઘવારી વધી રહી છે. શિશુ અને માતા મૃત્યુદર જેવા આરોગ્યના સૂચકાંકોમાં ગુજરાત ઓછાં સમૃદ્ધ રાજ્યોથી પણ પાછળ છે. ગુજરાતમાં મોદીના ઉત્તરાધિકારીઓનો મતદારો સાથે એટલો તાલમેલ જોવા મળ્યો નથી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિપક્ષ કૉંગ્રેસ અને પાટિદાર આંદોલનનો મજબુત સામનો કરવો પડ્યો હતો અને આખરે સાંકડી જીત સાથે સત્તા ટકાવી રાખી હતી.

'ધ પ્રિન્ટ 'ના એડિટર-ઈન-ચીફ શેખર ગુપ્તા કહે છે, "પરંતુ મોદી મેદાનમાં આવે ત્યારે માહૌલ બદલાઈ જાય છે."

ટીકાકારોનું કહેવું છે કે મોદી એ વાત જાણે છે કે ગુજરાતમાં ભાજપ સત્તા ગુમાવે તો તેનું નુકસાન માત્ર પાર્ટીને નહીં, પણ તેમની છબીને પણ થશે.

આ વખતે તેમણે રાજ્યમાં પ્રચારમાં આટલો સમય અને શક્તિ ખર્ચી તેનું એક કારણ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝુકાવ્યું તે હોઈ શકે છે.

કેજરીવાલ એક લડાયક નેતા છે

‘આપ’ 2015થી દિલ્હીમાં સત્તામાં છે અને આ વર્ષની શરૂઆતમાં પંજાબમાં જીત મેળવી હતી. બુધવારે, આમ આદમી પાર્ટીએ રાજધાની દિલ્હીની સમૃદ્ધ નગરપાલિકા પર પણ જીત મેળવી હતી. જેના પર ભાજપનું 15 વર્ષથી શાસન હતું.

કેજરીવાલ એક લડાયક નેતા છે જેમણે મોદીને પડકાર ફેંકતાં 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી સામે લડવા વારાણસીમાં ઉમેદવારી નોંધાવી હતી. (જોકે તેઓ હારી ગયા હતા.) ગુજરાતમાં, આમ આદમી પાર્ટીએ નજીવી પાંચ બેઠકો સાથે ખાતું ખોલાવ્યું છે, જોકે તેમણે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસની હાજરીમાં લગભગ 13% જેટલા મત મેળવ્યા એ મહત્ત્વની સિદ્ધિ ગણાય. પ્રોફેસર ધોળકિયા કહે છે, "તેણે વિપક્ષમાં જગ્યા બનાવી છે. આમ આદમી પાર્ટીએ હવે ગ્રાસરુટ નેટવર્ક અને વિશ્વસનીય નેતૃત્વ ઊભું કરવું પડશે."

આ વર્ષની શરૂઆતમાં 200થી વધુ શહેરો અને નગરોમાં ગ્લૉબલ માર્કેટ રિસર્ચ સંસ્થા YouGov અને દિલ્હીસ્થિત થિંક ' ટેન્ક સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ' (સીઆરપી) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ‘આપ’ સ્થાન મેળવી રહી છે. ' સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ'ના સહયોગી રાહુલ વર્મા કહે છે, "તેમણે દરવાજે ટકોરા દીધા છે. તેનો અર્થ એ નથી કે તેઓ આગામી ચૂંટણી જીતવા જઈ રહ્યા છે, પરંતુ તેમણે ગુજરાતમાં રાજકીય દાવેદારી નોંધાવી છે."

જોકે મોદીના ભાજપને હરાવવાનું મુશ્કેલ કાર્ય છે. મત મેળવવામાં તેમની નિર્વિવાદ છબી સાથે તેમના પક્ષની હિંદુત્વવાદી વિચારધારા, એક શક્તિશાળી સંગઠન, વિપુલ સંસાધનો, શાસનનો રેકૉર્ડ, એક મજબૂત સામાજિક ગઠબંધન અને મોટા પ્રમાણમાં સહાયક મીડિયા તેમાં પૂરક બને છે.

વિવેચકોનું કહેવું છે કે નબળા વિપક્ષે પણ મોદીને ભારે મદદ કરી છે, ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષનું ખરાબ પ્રદર્શન બતાવે છે કે મતદારોને તેમા રસ પડતો નથી. જોકે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભાજપ પર કૉંગ્રેસે સાંકડી જીત મેળવીને થોડી આશા બંધાવી છે. જોકે, રાજયશાસ્ત્રી અસીમ અલીના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ "રાજ્યની ચૂંટણીઓમાં ભાજપને એકલા હાથે જીત અપાવવાની મોદીની પ્રચંડ ક્ષમતાની મર્યાદાનું ઉદાહરણ છે."

ગુજરાતમાં ભાજપની જોરદાર જીત દર્શાવે છે કે - ઉચ્ચ, મધ્યમ અને મધ્યમ-નિમ્ન એવી ઓબીસી જાતિઓના મેઘધનુષી ગઠબંધનને પાર્ટીએ અંકે કરી રાખ્યું છે. ગુજરાતની છ કરોડ પ્રજામાંથી લગભગ અડધા જેટલા ઓબીસી છે જે ભાજપનો બહોળો મતદારવર્ગ છે.

મોદીનો કરિશ્મા અને મતદારો સાથેનું જોડાણ એ ભાજપની સૌથી મોટી તાકાત છે. પ્રોફેસર ધોળકિયા કહે છે, "જોકે. પાર્ટીની સૌથી મોટી તાકાત તેની સૌથી મોટી નબળાઈ પણ છે. મોદીને સમીકરણમાંથી બહાર કાઢી નાખો તો ભાજપ નબળો દેખાય છે."

તેઓ ઉમેરે છે, "મોદી પર વધુ પડતી નિર્ભરતા એ પણ સ્થાનિક નેતૃત્વની નબળાઈનો સ્વીકાર છે. રાજ્યના અન્ય નેતાઓ લોકપ્રિય નથી."