ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતની વ્યૂહરચનામાં અલગ શું હતું?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંના ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના મુખ્યાલય ‘શ્રી કમલમ’ને આઠમી ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થવાના એક દિવસ પહેલાં એ રીતે સજાવવામાં આવી રહ્યું હતું કે જાણે પક્ષની જીત નક્કી હોય અને પરિણામની પ્રતિક્ષા એક ઔપચારિકતા હોય.

રાજ્યમાં પક્ષના પ્રવક્તા યમલ વ્યાસે સ્મિત કરતાં જણાવ્યું હતું કે તેમના પક્ષને 130થી વધુ બેઠકો મળશે. સત્તાવાર રીતે તેમણે 150 બેઠકો મળવાની વાત કરી હતી, જે તેમના પક્ષનું ઘોષિત લક્ષ્યાંક હતું, પરંતુ પક્ષે બધા નેતાઓની અપેક્ષા કરતાં ઘણો જ સારો દેખાવ કર્યો અને પક્ષ 156 બેઠક કબ્જે કરવામાં સફળ થયો.

રાજ્યમાં 27 વર્ષથી શાસન કરતા રહેલા પક્ષનો આવો દૃઢ આત્મવિશ્વાસ સમજી શકાય તેવો છે, પરંતુ તેના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસે 27 વર્ષ સુધી સત્તાથી વંચિત રહ્યા બાદ પણ આ ચૂંટણીમાં જે પ્રકારનો ખોખલો આત્મવિશ્વાસ દર્શાવ્યો તે સમજી શકાતો નથી.

કૉંગ્રેસે અમદાવાદ ખાતેના તેના પ્રદેશ વડામથકની બહાર એક લાઇવ ઇલેક્ટ્રૉનિક બોર્ડ લગાવેલું હતું, જે ભાજપની સત્તાના અંતની ગણતરી દર્શાવતું હતું.

સાતમી ડિસેમ્બરની બપોરે ચારેક વાગ્યે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રૉનિક બોર્ડ પરની માહિતી મુજબ, ભાજપની રાજ્યમાં સત્તા જવા આડે 21 કલાક અને 45 મિનિટ બાકી હતી.

અલબત, ભાજપના ઐતિહાસિક વિજયે ફરી એકવાર સાબિત કર્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાજ્યમાં ભાજપને હરાવવાનું શક્ય નથી.

ભાજપની ચૂંટણી વ્યૂહરચના

આ વખતે તો આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં રાજ્યમાં એક ત્રીજી શક્તિ પણ ભાજપની સામે આવી હતી, પરંતુ ભાજપના પરિણામ પર તેની કોઈ અસર થઈ નથી.

ગુજરાતમાં ભાજપની રાજકીય હિલચાલ પર ઝીણી નજર રાખતા દિલીપ પટેલે કહ્યું હતું કે “પક્ષના આ ભારે વિજયનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદી છે. બીજા કારણો પણ છે. પક્ષ દરેક ચૂંટણી ગંભીરતાથી લડે છે અને પૂરી તાકાતથી લડે છે.”

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત વિધાનસભાની અનેક ચૂંટણીનુ રિપોર્ટિંગ કરતા રહ્યા છે. તેમના કહેવા મુજબ, ચૂંટણી માથે હોય કે ન હોય, તેમણે ભાજપને હંમેશાં ચૂંટણી મોડમાં જ જોઈ છે.

તેમણે કહ્યું હતું કે “આજે એક ચૂંટણી પૂરી થશે અને ભાજપ પાંચ વર્ષ પછી થનારી બીજી ચૂંટણીની તૈયારી આજથી જ શરૂ કરી દેશે, જ્યારે કૉંગ્રેસ ચૂંટણીના થોડા મહિના પહેલાં જ જાગે છે.”

ભાજપના નેતૃત્વએ કોવિડ-19 મહામારી સામે લડવામાં રાજ્ય સરકારની નિષ્ફળતાનો સત્તાવાર રીતે ક્યારેય સ્વીકાર કર્યો નથી, પરંતુ તેને લોકોની નારાજગીની ખબર હતી.

તેને ધ્યાનમાં લઇને વ્યૂહરચનાકારો સત્તા-વિરોધી લાગણી દૂર કરવા માટે રાજ્યમાં મુખ્ય મંત્રી સહિત અનેક પ્રધાનોને હટાવીને સરકારમાં નવા ચહેરા લાવ્યા હતા.

એ સિવાય, પક્ષ તેના કાર્યકરોને મહિનાઓ પહેલાં ચૂંટણી ક્ષેત્રમાં મોકલી આપે છે, જેથી તેઓ સામાન્ય મતદારો સાથે સંપર્ક સ્થાપિત કરી શકે. આ વખતે પણ પક્ષે કોઈ કસર રાખી ન હતી.

મોદીની જાહેરસભાઓની અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ પક્ષના ચૂંટણી અભિયાનના કેન્દ્રમાં કઇ રીતે હતી તે પક્ષના પ્રદેશ એકમના અનેક નેતાઓએ બીબીસીને જણાવ્યું હતું. વડાપ્રધાને 31 જાહેરસભા સંબોધી હતી અને પક્ષની સ્થિતિ તુલનાત્મક રીતે નબળી હતી એવા વિસ્તારોમાં તે જાહેરસભાઓ યોજવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષની સ્થિતિ નબળી રહી છે, પરંતુ ગ્રામ્ય મતદારો સુધી પહોંચવા માટે પક્ષે ઘણી અનોખી પહેલ કરી હતી.

પક્ષના પ્રદેશ એકમના એક નેતાએ કહ્યું હતું કે “પક્ષે 3500થી વધુ સ્થળોએ જાદુગરના કાર્યક્રમો યોજ્યા હતા. ચાર હજાર સ્થળે શેરી નાટક ભજવવામાં આવ્યાં હતાં. 1,400 સ્થળે જીવંત ઝાંખી અને વિકાસના ગરબા નામના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.”

રાજ્યમાં 27 વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે પક્ષ વધતી સત્તા-વિરોધી લાગણીનો સામનો કરી રહ્યો હતો ત્યારે આ કાર્યક્રમોની ચૂંટણીમાં હકારાત્મક અસર થઈ હતી.

એ સિવાય રાજ્યના રાજકારણમાં દાખલ થયેલી આમ આદમી પાર્ટીના આક્રમક અભિયાનને કારણે પક્ષને ચિંતા થવા લાગી હતી.

ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ 182માંથી 77 બેઠકો જીત્યો હતો, એ હકીકતને પક્ષના ચૂંટણી વ્યૂહરચનાકારોએ બરાબર ધ્યાનમાં રાખી હતી.

ગત ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકોની સંખ્યા 99ના આંકડે આવી ગઈ હતી. એ સિવાય 2017માં 33થી વધારે બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે હાર-જીતનું અંતર બે હજાર કે તેથી ઓછા મતનું રહ્યું હતું.

ભાજપને 2017માં 1.49 કરોડ મત મળ્યા હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેણે 1.85 કરોડ મત મેળવ્યા હતા. આ વખતે પક્ષે બે કરોડ મત મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જે પક્ષે હાંસલ કર્યું છે.

ભાજપે આ વખતે એક એવા વિરોધ પક્ષનો સામનો કરવાનો હતો, જે તેની માફક હિંદુ કાર્ડ રમી શકતો હતો અને હિંદુત્વની ભાષા પણ બોલી શકતો હતો.

તેથી આ વખતે ભાજપે સાંપ્રદાયિક ટિપ્પણીનું પ્રમાણ ઓછું રાખ્યું હતું. ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેજરીવાલ કે આમ આદમી પાર્ટીનો બહુ જ ઓછો ઉલ્લેખ કરે એ વાતનું ધ્યાન પણ પક્ષે આ વખતે રાખ્યું હતું.

આમ આદમી પાર્ટીની અસર

બીજી તરફ ગત ચૂંટણીમાં કૉંગ્રેસના સારા પ્રદર્શનથી લોકો એવું માનવા મંડ્યા હતા કે કૉંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં કૉંગ્રેસના અનેક વિધાનસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા. પરિણામે કૉંગ્રેસ નબળો પડતો રહ્યો હતો. તેમ છતાં ઘણા લોકો માને છે કે કૉંગ્રેસની વોટ બૅન્કમાં મોટું ગાબડું આમ આદમી પાર્ટીએ પાડ્યું છે.

આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં લગભગ 15 ટકા મત મળ્યા છે. તેનો અર્થ એ થયો કે માત્ર પાંચ બેઠકો જીતવા છતાં પક્ષ ખુશ છે, કારણ કે હવે તે રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે.

આમ આદમી પાર્ટીને કૉંગ્રેસના ભોગે સફળતા મળી તેનાથી કૉંગ્રેસને દુઃખ થયું છે.

જોકે, રાજકીય વિશ્લેષકો જણાવે છે કે તેનાથી ભાજપ વધારે દુઃખી હશે, કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બનશે તો આગળ જતાં ભાજપે આમ આદમી પાર્ટીનો જ સામનો કરવો પડે તે શક્ય છે.