You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના જંતરમંતર પર પહેલવાનોનાં ધરણાં જારી, એક મહિનામાં અત્યાર સુધી શું-શું થયું?
ઑલિમ્પિક, કૉમનવેલ્થ, એશિયન ચૅમ્પિયનશિપ અને દેશ-દુનિયાની અન્ય ઘણી સ્પર્ધાઓમાં મેડલ જીતનાર પહેલવાનો 23 એપ્રિલથી દિલ્હીના જંતરમંતર પર ધરણાં કરી રહ્યાં છે. આજે તેને એક મહિનો થયો છે.
જાન્યુઆરી 2023માં પણ પહેલવાનોએ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
પહેલવાનોનું કહેવું છે કે, “જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના ઘરે પાછા નહીં જાય.”
બીજી તરફ બ્રિજભૂષણ શરણસિંહે તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
તેમનું કહેવું છે કે, “મેં કોઈની સાથે અન્યાય, ગેરવર્તણૂક કે છેડતી કરી નથી. મેં તેમની સાથે પરિવારનાં બાળકો જેવો વ્યવહાર કર્યો છે. તેમને ખૂબ સન્માન અને પ્રેમ આપ્યાં છે.”
ઘણાં ખેડૂતસંગઠનો અને ખાપ પંચાયતો પણ પહેલવાનોના સમર્થનમાં આવ્યાં છે.
રવિવારે હરિયાણાના રોહતકમાં પહેલવાનોના સમર્થનમાં એક ખાપ પંચાયત બોલાવવામાં આવી હતી, જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દાવો કર્યો હતો કે, “ખેડૂત આંદોલનની જેમ આ આંદોલન પણ લાંબા સમય સુધી ચાલશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાપમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, 28 મેના રોજ દિલ્હીમાં મહિલાઓની મહાપંચાયત થશે અને તેમાં મહિલા પહેલવાનો દ્વારા લેવાયેલા નિર્ણય લાગુ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 18 જાન્યુઆરી 2023ના રોજ શરૂ થયો હતો. દેશનાં જાણીતાં પહેલવાનો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના જંતરમંતર પહોંચ્યાં બાદ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો, તેમણે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
આ આરોપોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, નાણાકીય અનિયમિતતા, ખેલાડીઓ સાથે દુર્વ્યવહારનો સમાવેશ થાય છે, પરંતુ સૌથી ગંભીર આરોપ જાતીય શોષણ સંબંધિત છે.
ત્યારે વિનેશ ફોગાટે રડતાં રડતાં કહ્યું હતું કે, “નેશનલ કૅંમ્પમાં બ્રિજભૂષણસિંહ અને કોચ મહિલા રેસલરો પર જાતીય શોષણ કરે છે.”
ફોગાટે કહ્યું હતું કે, “તેઓ અમારા અંગત જીવનમાં દખલ કરે છે અને હેરાન કરે છે. તેઓ અમારું શોષણ કરી રહ્યા છે.”
આ આરોપોને ફગાવી દેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે, “કોઈ પણ ઍથ્લીટનું જાતીય શોષણ થયું નથી અને જો તે સાચું સાબિત થશે તો તેઓ ફાંસી પર લટકવા તૈયાર છે.”
જોકે ખેલાડીઓના ગંભીર આરોપોને જોતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનોની મુલાકાત લીધી હતી અને 23 જાન્યુઆરીએ આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.
તપાસ રિપોર્ટમાં શું આવ્યું?
ઓવરસાઇટ કમિટીમાં પ્રથમ વખત પાંચ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ કુસ્તીબાજ એમસી મૅરીકૉમને આ સમિતિનાં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત તેમાં ઑલિમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્ત, પૂર્વ બૅડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે, TOPSના પૂર્વ સીઈઓ રાજગોપાલન અને સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાનાં પૂર્વ કાર્યકારી નિદેશક રાધિકા શ્રીમન પણ સામેલ હતાં.
ત્યાર બાદ પહેલવાન અને ભાજપનાં નેતા બબીતા ફોગાટને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
આ સમિતિનું કામ બ્રિજભૂષણ સિંહ, અધિકારીઓ અને કોચ સામે જાતીય સતામણી, નાણાકીય ગેરવહીવટ અને વહીવટી ભૂલોના આરોપોની તપાસ કરવાનું હતું.
આ સમિતિ એક મહિના સુધી રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની કામગીરીનું પણ ધ્યાન રાખવાની હતી.
સમિતિને ચાર અઠવાડિયાંમાં તપાસ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેની સમયમર્યાદા વધુ બે અઠવાડિયાં માટે લંબાવવામાં આવી હતી.
જે બાદ હવે ખેલાડીઓનું કહેવું છે કે સમિતિ બનીને ત્રણ મહિના થઈ ગયા છે, પરંતુ સમિતિ દ્વારા શું તપાસ કરવામાં આવી હતી અને એ તપાસમાં શું તારણ આવ્યું હતું. તે હજુ સુધી બહાર આવ્યું નથી.
આરોપ છે કે ઊલટું તપાસ રિપોર્ટની માહિતી મીડિયામાં લીક કરાઈ રહી છે, જ્યારે નિરીક્ષણ સમિતિનો આ રિપોર્ટ સાર્વજનિક નથી.
ધરણાંનો બીજો તબક્કો
તપાસ કમિટીના રિપોર્ટથી અસંતુષ્ટ થયેલા પહેલવાનોએ 23 એપ્રિલે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં ફરી એકવાર દિલ્હી તરફ વળ્યા હતા અને જંતરમંતર પર બેઠા હતા.
તેમની માગણીઓનું પુનરાવર્તન કરતાં પહેલવાનોએ બ્રિજભૂષણ શરણસિંહ સામે કાર્યવાહીની માગ કરી છે.
21 એપ્રિલ- મહિલા પહેલવાનોએ દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી.
23 એપ્રિલ- બીજી વાર જંતરમંતર પર ધરણાં શરૂ થયાં હતાં.
24 એપ્રિલ- પાલમ 360 ખાપના પ્રધાન ચૌધરી સુરેન્દ્ર સોલંકી સમર્થન આપવા માટે જંતરમંતર પહોંચ્યા હતા અને અન્ય ખાપને સમર્થન આપવા અપીલ કરી હતી.
25 એપ્રિલ- વિનેશ ફોગાટ સહિત અન્ય છ મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એફઆઈઆરની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.
26 એપ્રિલ- જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક જંતરમંતર પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, “આ લડાઈ આપણા દેશની દીકરીઓના સન્માનની લડાઈ છે. દિલ્હીમાં બેઠેલા બેશરમ લોકોને કેસ દાખલ કરવા અને બ્રિજભૂષણ સિંહને બરખાસ્ત કરવામાં એક મિનિટનો સમય પણ બગાડવો ન જોઈએ.”
27 એપ્રિલ- જાતીય સતામણીના આરોપોનો જવાબ બ્રિજભૂષણ સિંહે કવિતા સંભળાવીને આપ્યો હતો.
28 એપ્રિલ- ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વિનેશ ફોગાટે વાતચીત કર્યા બાદ દેશના ઘણા મોટા ખેલાડીઓ અને સ્ટાર્સે પહેલવાનોના સમર્થનમાં ટ્વીટ કર્યાં હતાં.
જેમાં ઑલિમ્પિયન નીરજ ચોપરા, સ્વરા ભાસ્કર, અભિનવ બિંદ્રા, સાનિયા મિર્ઝા, વીરેન્દ્ર સહવાગ, ઇરફાન પઠાણ, કપિલ દેવ, સોનુ સૂદ જેવી હસ્તીઓ સામેલ હતી. વિનેશે કહ્યું હતું કે તમામ મોટા ખેલાડીઓ તેમનાં ધરણાં પ્રદર્શન પર મૌન છે.
દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી, જેમાંથી એક એફઆઈઆર પૉક્સો એક્સ હેઠળ નોંધવામાં આવી હતી.
પહેલવાનોએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસે રાત્રે વીજળી-પાણીનાં કનેક્શન કાપી નાખ્યાં અને ધરણાં પ્રદર્શન ખાલી કરવા માટે દબાણ કર્યું હતું.
29 એપ્રિલ- કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ધરણાં સ્થળ પર પહોંચ્યાં હતાં અને કહ્યું હતું કે, “જ્યારે મહિલાનું શોષણ થાય છે, ત્યારે સરકાર ચૂપ થઈ જાય છે.”
3 મે- રાત્રે જંતરમંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનો પર હુમલો, પોલીસ સાથે ઝપાઝપી. પહેલવાનોએ દાવો કર્યો હતો કે ‘પોલીસ કાર્યવાહી’માં તેમના બે સાથી ઈજાગ્રસ્ત થયા હતા. સમર્થન માટે આવેલા નેતાઓ અને લોકોની પોલીસે અટકાયત કરી હતી. આખી રાત હોબાળો ચાલતો રહ્યો હતો.
7 મે- પહેલવાનોએ જંતરમંતર પર કૅન્ડલ માર્ચ કરી હતી.
8 મે- ઘણા પ્રદેશોના ખેડૂત સંગઠનો સમર્થન માટે જંતરમંતર પહોંચ્યાં હતાં.
11 મે- પહેલવાનોએ માથે કાળી પટ્ટી બાંધીને બ્લૅક ડે મનાવ્યો હતો. સગીર મહિલા પહેલવાનોએ મૅજિસ્ટ્રેટ સામે તેમનું નિવેદન નોંધ્યું હતું.
20 મે- પહેલવાન ફિરોઝશાહ કોટલા મેદાનમાં ચાલી રહેલી આઇપીએલ મૅચ જોવા આવ્યા હતા. પહેલવાનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને દિલ્હી પોલીસે સ્ટેડિયમમાં જવા દીધા નહોતા.
21 મે- હરિયાણાના રોહતકમાં પહેલવાનોના સમર્થનમાં ખાપ પંચાયત યોજાઈ હતી. પંચાયતમાં બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ કરીને નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરવામાં આવી હતી.
22 મે- બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું કે, તેઓ તેમનો નાર્કો, પૉલીગ્રાફ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે તેમની સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનો પણ આ ટેસ્ટ કરાવવોં જોઈએ.
ધરણાં કરનારામાં માત્ર હરિયાણાના જ ખેલાડીઓ?
વરિષ્ઠ ખેલ પત્રકાર આદેશકુમાર ગુપ્ત કહે છે કે, આ માત્ર સંયોગ છે કે ધરણાં કરી રહેલાં મોટા ભાગનાં ખેલાડી હરિયાણાનાં છે.
આદેશકુમાર ગુપ્તે કહ્યું છે કે, “તમને યાદ હશે કે વિનેશ ફોગાટે કહ્યું હતું કે તેઓ માત્ર હરિયાણાનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમની સાથેના બાકીના પહેલવાન દેશ માટે રમે છે અને દેશ માટે જ મેડલ જીતે છે.”
“તેમને માત્ર હરિયાણા સાથે જોડવું ન જોઈએ. જોકે બ્રિજભૂષણ શરણસિંહને ચોક્કસપણે અન્ય પ્રદેશના ખેલાડીઓનું સમર્થન મળ્યું છે.”
તેમણે કહ્યું કે, “શરૂઆતમાં ભલે તમને અન્ય પ્રદેશના ખેલાડીઓ જોવા મળ્યા નહોતા, પરંતુ હવે ધીરે-ધીરે સમર્થન મળવા લાગ્યું છે.”
તેઓ ક્રિકેટર હરભજનસિંહ, વીરેન્દ્ર સહવાગ વગેરેનું ઉદાહરણ આપે છે.
કોણ છે બ્રિજભૂષણ સિંહ?
બ્રિજભૂષણ શરણસિંહની ગણતરી દબંગ નેતાઓમાં થાય છે. તેઓ ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી છે અને કેસરગંજ લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના સાંસદ છે.
વિદ્યાર્થીકાળથી જ રાજકીય રીતે અત્યંત સક્રિય રહેલા બ્રિજભૂષણ શરણસિંહની યુવાવસ્થા અયોઘ્યાના અખાડાઓમાં પસાર થઈ છે. પહેલવાન તરીકે તેઓ ખુદને ‘શક્તિશાળી’ કહે છે.
તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યાંથી તેમનું સક્રિય રાજકીય જીવન શરૂ થયું હતું.
તેઓ 1988માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 1991માં રેકૉર્ડ સરસાઈથી જીતીને પહેલી વાર સાંસદ બન્યા હતા. એ પછી 1999, 2004, 2009, 2014 અને 2019માં પણ લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપ સાથે મતભેદને કારણે તેમણે પક્ષ છોડી દીધો હતો અને 2009ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ટિકિટ પર કેસરગંજથી ચૂંટાઈ આવ્યા હતા.
એ પછી 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી ભાજપમાં જોડાયા હતા. એ પછીનાં વર્ષોમાં ગોંડા ઉપરાંત બલરામપુર, અયોધ્યા તથા તેની આસપાસના જિલ્લાઓમાં બ્રિજભૂષણસિંહનો પ્રભાવ સતત વધતો રહ્યો છે અને 1999 પછી એક પણ ચૂંટણી હાર્યા નથી.
બ્રિજભૂષણ શરણસિંહના પુત્ર પ્રતીક ભૂષણ પણ રાજકારણી છે અને ગોંડાથી ભાજપના ધારાસભ્ય છે.
બ્રિજભૂષણ શરણસિંહ 2011થી જ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ છે. 2019માં તેઓ મહાસંઘના અધ્યક્ષ તરીકે ત્રીજી વાર ચૂંટાયા હતા.
તે પછીનાં વર્ષોમાં બ્રિજભૂષણ શરણસિંહનું પ્રભુત્વ ગોંડાની સાથે-સાથે બલરામપુર, અયોધ્યા અને આસપાસના જિલ્લામાં વધતું ગયું.
તેમના પર ભૂતકાળમાં હત્યા, આગચંપી અને તોડફોડના પણ આરોપ છે. તાજેતરમાં જ ઝારખંડમાં અંડર-19 નેશનલ રેસલિંગ ચૅમ્પિયનશિપ દરમિયાન તેમણે સ્ટેજ પર જ એક રેસલરને થપ્પડ મારી હતી.