You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑલિમ્પિક મેડલ જીતેલાં મહિલા કુસ્તીબાજો જેમાં ન્યાય માંગી રહ્યાં છે તે જાતીય સતામણીનો વિવાદ શું છે?
- લેેખક, જાન્હવી મૂળે
- પદ, બીબીસી મરાઠી
ત્રણ મહિના પછી ફરી એકવાર ભારતના આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઑલિમ્પિક અને કૉમનવેલ્થ ગેમ્સના મેડલવિજેતા આ પહેલવાનો ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
જાન્યુઆરી 2023માં ખેલાડીઓએ બ્રિજભૂષણ પર જાતીય સતામણી અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે આરોપોને નકારી કાઢ્યા હતા.
કુસ્તીબાજોએ કહ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં વધારે કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમનું આંદોલન હવે અન્ય ખેલાડીઓના સમર્થન અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સાથે વેગ પકડી રહ્યું છે.
ક્યારે શરૂ થયું આંદોલન?
18 જાન્યુઆરી 2023ના રોજ કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સનાં ચૅમ્પિયન વિનેશ ફોગાટે દિલ્હીમાં જંતર-મંતર પાસે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.
આ પ્રદર્શનમાં તેમની સાથે ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા અને અન્ય ઘણા લોકો જોડાયાં હતાં.
ખેલાડીઓએ ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા ખેલાડીઓ પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવાયો હતો. બ્રિજભૂષણ ઉત્તર પ્રદેશના ભાજપના સંસદસભ્ય છે.
તેમના આરોપો બાદ ભારતીય રમતગમતની દુનિયામાં વિવાદ સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે આરોપો?
વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 10 મહિલા કુસ્તીબાજોએ સ્વીકાર્યું છે કે છેલ્લાં 10 વર્ષમાં (2012થી 2022) ઘણી વાર બ્રિજભૂષણ દ્વારા તેમનું જાતીય સતામણી કરવામાં આવ્યું હતું.
સુરક્ષાના કારણોસર આ યુવતીઓની ઓળખ છુપાવાઈ છે અને આરોપો છે કે તેમાંથી એક યુવતી સગીર હતી, જેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
કુસ્તીબાજોએ ડબ્લ્યૂએફઆઈ પર ગેરવહીવટનો પણ આરોપ લગાવ્યો છે.
જાન્યુઆરીમાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, “ભારતીય મહિલા કુસ્તીદળમાં ફિઝિયૉથૅરપિસ્ટ ન હતા. એ સ્થિતિમાં શું ચાર મહિલા કુસ્તીબાજો માટે એક મહિલા ફિઝિયૉથૅરપિસ્ટ હોવા જરૂરી હતાં કે અધ્યક્ષ માટે ગેમ્સ વિલેજમાં જવું જરૂરી હતું?”
બજરંગ અને વિનેશે એમ પણ કહ્યું હતું કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યાં હતાં અને વિરોધ કરવા પર તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બ્રિજભૂષણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, આ બધું તેમની છબિ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
શું છે કુસ્તીબાજોની માગણી?
ખેલાડીઓએ બ્રિજભૂષણની ધરપકડ કરવા અને સત્તાના તમામ હોદ્દા પરથી હઠાવવાની હાકલ કરી હતી. તેમણે માગ કરી હતી કે તેમની પર પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ ચલાવવામાં આવે.
તેઓ એવું પણ ઇચ્છે છે કે ડબ્લ્યૂએફઆઈની ગવર્નિંગ કમિટીનો ભંગ કરવામાં આવે અને બૉડીની નવી ચૂંટણીઓ માટે દબાણ કરવામાં આવે.
શું છે દેખરેખ સમિતિ?
કુસ્તીબાજોના આરોપો આંતરરાષ્ટ્રીય વિવાદોમાં આવ્યા બાદ ખેલ મંત્રાલયે ડબ્લ્યૂએફઆઈ વિરુદ્ધ આરોપોની તપાસ માટે 23 જાન્યુઆરી 2023એ 6 સભ્યોની સમિતિની રચના કરી છે.
એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ દેખરેખ સમિતિનું નેતૃત્વ 6 વખતનાં વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન અને 2012 લંડન ઑલિમ્પિકનાં બ્રોન્ઝ મેડલ વિજેતા એમસી મૅરીકૉમ કરશે.
આ ઉપરાંત આ સમિતિમાં લંડન ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, બૅડમિન્ટનમાં કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા તૃપ્તિ મુરગુંડે, સ્પૉર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ઍડમિનિસ્ટ્રેટરનાં રાધિકા શ્રીમન, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના પૂર્વ સીઈઓ રાજેશ રાજગોપાલન પણ સામેલ હતા.
વિનેશનાં પિતરાઈ બહેન અને કોમનવેલ્થ મેડલ વિજેતા બબીતા ફોગાટને છઠ્ઠા સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યાં હતાં.
નિરીક્ષણ સમિતિએ શું શોધી કાઢ્યું?
દેખરેખ સમિતિને બ્રિજભૂષણ વિરુદ્ધ આરોપો તેમજ ડબ્લ્યૂએફઆઈનું સંચાલન કેવી રીતે કરવામાં આવ્યું, તેની તમામ તપાસ કરવા માટે 4 અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ સમિતિને ઍક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને તેઓએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પોતાના રિપોર્ટ રજૂ કર્યા હતા.
ત્યારબાદ નિરીક્ષણ સમિતિને ભંગ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેના રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
દિલ્હી પોલીસ પગલાં લેશે?
ડબ્લ્યૂએફઆઈની ચૂંટણી જાહેર થયા બાદ કોઈ કાર્યવાહી ન થવા પર કુસ્તીબાજો 21 એપ્રિલ 2023ના રોજ પોલીસ પાસે ગયા હતા. તેમનું કહેવું છે કે તેઓએ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.
તેથી તેઓ પાછા જંતર-મંતર ગયા અને ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હવે પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
28મી એપ્રિલ 2023ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે દિલ્હી પોલીસને કુસ્તીબાજોની ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોલીસને આ કેસમાં સગીર ફરિયાદીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ આદેશ આપ્યો હતો.
કુસ્તીબાજોએ કહ્યું છે કે તેઓ જંતર-મંતર પર રોકાશે, કારણ કે ન્યાય તેમનું અંતિમ લક્ષ્ય છે, નહીં કે માત્ર એફઆઈઆર.
આઈઓએ એ શું પગલાં લીધાં?
20 જાન્યુઆરી 2023ના રોજ રમત મંત્રાલય દ્વારા દેખરેખ સમિતિની રચનાના થોડા દિવસ પહેલાં ભારતીય ઑલિમ્પિક ઍસોસિયેશને આ મુદ્દાની તપાસ કરવા માટે 7 તેની પોતાની 7 સભ્ય પૅનલની રચના કરી હતી.
જોકે ખેલાડીઓ નિરીક્ષણ સમિતિની રચનાને ટાંકીને આ આઈઓએ સમિતિ સામે ઉપસ્થિત થયાં ન હતાં, જેમાં આઈઓએ જેવા જ કેટલાક સભ્યો સામેલ છે.
જ્યારે કુસ્તીબાજો ફરીથી વિરોધ કરી રહ્યાં હતાં, ત્યારે રમતગમત મંત્રાલયે એક પત્રમાં આઈઓએને ડબ્લ્યૂએફઆઈના કાર્યાલયને ચલાવવા માટે એક ઍડ-હોક પેનલની સ્થાપના કરવા કહ્યું છે.
27 એપ્રિલ 2023ના રોજ આઈઓએ દ્વારા ઍડ-હોક પેનલની જાહેરાત કરાઈ હતી, જેમાં આઈઓએના કાર્યકારી પરિષદના સભ્ય ભૂપેન્દ્રસિંહ બાજવા અને શૂટિંગ કોચ સુમા શિરુર અને આઈઓએની ઉત્કૃષ્ટ યોગ્યતાવાળા ખેલાડીઓ પણ સામેલ છે.
આ દરમિયાન આઈઓએ અધ્યક્ષ પીટી ઉષાએ ખેલાડીઓની ટીકા કરતાં કહ્યું કે, “થોડું તો અનુશાસન હોવું જોઈએ.”
“અમારી પાસે આવવાન બદલે તેઓ સીધા વિરોધ કરવા જતાં રહ્યાં છે. આ સ્પૉર્ટ્સ માટે સારું નથી. અમારી લાગણી છે કે જાતીય સતામણીની ફરિયાદ માટે આઈઓએ પાસે એક સમિતિ અને રમતવીરોનું કમિશન છે. તેઓ વિરોધ કરવાના બદલે અમારી પાસે આવ્યાં હોત, પરંતુ તેઓ આઈઓએમાં આવ્યાં જ નથી.”
પ્રસિદ્ધ ખેલાડીઓએ કેવી પ્રતિક્રિયા આપી?
એપ્રિલમાં દેશના કેટલાક મોટા સિતારાઓ સહિત ઘણા પૂર્વ અને વર્તમાન ભારતીય ખેલાડીઓએ કુસ્તીબાજોના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
જેમાં ઓલિમ્પિક સુવર્ણપદક વિજેતા નીરજ ચોપડા અને અભિનવ બિંદ્રાની સાથે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ અને ટેનિસસ્ટાર સાનિયા મિર્જા પણ સામેલ છે.
દેશભરના ઘણા કુસ્તીબાજો અને ખાસ કરીને હરિયાણાના કેટલાક કુસ્તીબાજો જેમ કે સત્યવ્રત, અંશુ મલિક, મહાવીર ફોગાટ વગેરેએ વિનેશ અને અન્ય લોકો માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.
જોકે બ્રિજભૂષણ શરણસિંહ જે રાજ્યમાંથી આવે છે, એ રાજ્યના ઘણા કુસ્તીબાજો આ બાબતે ચૂપ છે.