You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તારક મહેતા કા...': અસિત મોદી સામે 'મિસિસ સોઢી'એ જાતીય સતામણીની ફરિયાદમાં શો આરોપ લગાવ્યો?
ટેલિવિઝન ધારાવાહિક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે. અગાઉ શો છોડીને ચાલ્યા ગયેલા કલાકારોની ફી બાકી હોવાના વિવાદ બાદ હવે અભિનેત્રી જૅનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિતકુમાર મોદી અને અન્ય બે લોકો વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.
જૅનિફર મિસ્ત્રી બંસીવાલ શોમાં રોશનસિંહ સોઢીના પત્ની મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવતાં હતાં.
જૅનિફરે કહ્યું હતું કે તેમણે 8 ઍપ્રિલે રાષ્ટ્રીય મહિલાપંચ અને મુંબઈ પોલીસને પોતાની ફરિયાદ મોકલી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અસિતકુમાર મોદી સિવાય પ્રોજૅક્ટ હેડ સોહેલ રામાણી અને પ્રોડ્યુસર જતીન બજાજે પણ તેમની સાથે જાતીય સતામણી કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ મુંબઈ પોલીસને ટાંકીને જણાવ્યું કે મુંબઈ પોલીસે અભિનેત્રીની ફરિયાદ નોંધી છે અને એફઆઈઆર નોંધતા પહેલાં આ મામલે સંડોવાયેલા તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે.
જાતીય સતામણી વિશે જૅનિફરે શું કહ્યું?
જૅનિફરનો દાવો છે કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અસિતકુમાર મોદીએ ઘણી વખત તેમની જાતીય સતામણી કરી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે અસિતકુમાર ઘણી વખત અશ્લીલ વાતો કરતા હતા, પરંતુ તેઓ તેને અવગણી દેતાં હતાં.
જૅનિફરે કહ્યું છે કે માર્ચ 2019માં સિંગાપોરમાં અસિતકુમાર મોદીએ તેમને પોતાના રૂમમાં બોલાવીને વ્હિસ્કી પીવા કહ્યું હતું.
જૅનિફરે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "હું ચૂપ રહી, પરંતુ એ વાત મારી સાથે કામ કરનારા લોકોને જણાવી હતી. એવી હાલતમાં તેઓ અવારનવાર મારો બચાવ કરતા હતા."
તેમણે આગળ કહ્યું, "જોકે, મારા એ મિત્રો હાલ પણ શો માટે કામ કરતા હોવાથી તેઓ વધારે કંઈ કરી શકે તેમ નથી. તેથી મેં આ વિશે પ્રોજૅક્ટ હેડ રામાણી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ મારું પેમેન્ટ ચાર મહિના માટે રોકી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ આ મામલે મુંબઈના પવઈ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
'તેમની ગેરવર્તણૂકના કારણે કૉન્ટ્રાક્ટ રદ કર્યો એટલે ખોટા આરોપો મૂકે છે'
શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજનું કહેવું છે, "જૅનિફર અમારી આખી ટીમ સાથે અવારનવાર ગેરવર્તન કરતાં હતાં. તેમનામાં મૂળભૂત શિસ્તનો અભાવ હતો અને તેઓ કામ પર ધ્યાન પણ આપતાં નહોતાં."
"અમારે તેમના વર્તન અંગે નિયમિતપણે ફરિયાદ કરવી પડતી હતી. છેલ્લા દિવસે કામ પરથી જતી વખતે પણ તેમણે સમગ્ર યુનિટ સાથે અપમાનજનક વર્તન કર્યું હતું અને શૂટિંગ પૂર્ણ કર્યા વગર રસ્તામાં ઊભેલા લોકોની પરવા કર્યા વગર બેફામ સ્પીડે ગાડી હંકારીને ચાલ્યાં ગયાં હતાં."
તેમણે આગળ કહ્યું, "જૅનિફરે સૅટની પ્રૉપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમના ખરાબ વર્તન અને ગેરશિસ્તના કારણે તેમનો કૉન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો હતો."
જૅનિફરે મૂકેલા આરોપો વિશે તેમણે કહ્યું, "તેઓ જે બનાવની વાત કરી રહ્યા છે તે સમયે અસિતજી અમેરિકામાં હતા. તેઓ પાયાવિહોણા આરોપો મૂકીને અમારી બદનક્ષીનો પ્રયાસ કરી રહ્યા છે. અમે આ આરોપો સામે સંબંધિત સત્તાધીશો સમક્ષ અમારી ફરિયાદ દાખલ કરી દીધી છે."
સિરિયલના નિર્માતા અસિતકુમાર મોદીએ પોતાના પક્ષમાં કહ્યું, "શૂટિંગ દરમિયાન તેમના ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે અમારે તેમનો કૉન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો. ત્યાર પછી તેઓ આવા પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે."