You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુસ્તીના દિગ્ગજ ખેલાડીઓએ જેમના પર શોષણનો આક્ષેપ કર્યો છે તે બૃજભૂષણ શરણ સિંહ કોણ છે?
- દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુસ્તીના અનેક દિગ્ગજ પહેલવાન બુધવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે
- મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે કુસ્તી સંઘના અધ્યક્ષ પર અનેક છોકરીઓની જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે
- રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી ફેડરેશન પાસેથી સ્પષ્ટતા માગી છે
- બૃજભૂષણ શરણ સિંહની ગણતરી દબંગ નેતાઓમાં થાય છે
- વિદ્યાર્થી અવસ્થાથી જ રાજકીય રીતે અત્યંત સક્રિય રહેલા બૃજભૂષણ સિંહની યુવાવસ્થા અયોઘ્યાના અખાડાઓમાં પસાર થઈ છે
- 1988માં બૃજભૂષણ શરણ સિંહ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)માં જોડાયા હતા
દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુસ્તીના અનેક દિગ્ગજ પહેલવાન બુધવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ ખેલાડીઓનો આક્ષેપ છે કે કુસ્તી સંઘ તેમનું શોષણ કરી રહ્યો છે.
ગુરુવાર મોડી રાત્રે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે બેઠક કરી રહતી જેનું કોઈ પરિણામ આવ્યું નહીં. શુક્રવારે તેઓ ફરી મળશે.
આ પહેલવાનોએ ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર કુસ્તી સંઘનું સંચાલન મનસ્વી રીતે કરવાનો આરોપ મૂક્યો છે.
જ્યારે બૃજભૂષણ શરણ સિંહે આરોપોને ફગાવ્યા છે.
એશિયન ગેમ્સ તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે અનેક ચંદ્રક જીતી લાવેલાં મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે કુસ્તી સંઘના અધ્યક્ષ પર અનેક છોકરીઓની જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે.
વિનેશ ફોગાટે કહ્યું હતું કે, “ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષે અનેક છોકરીઓની જાતીય સતામણી કરી છે. તેઓ અમારા અંગત જીવનમાં દખલ કરે છે અને હેરાન કરે છે. તેઓ અમારું શોષણ કરી રહ્યા છે. અમે ઑલિમ્પિક્સમાં ભાગ લેવા જઈએ છીએ, ત્યારે અમારી પાસે ફિઝિયોથેરપિસ્ટ કે કોચ હોતા નથી. અમે અવાજ ઉઠાવ્યો એટલે તેઓ અમને ધમકાવવા લાગ્યા હતા.”
કુસ્તીના અનેક દિગ્ગજ ખેલાડીઓએ કરેલા આક્ષેપ બાબતે બૃજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, “કોઈ એક વ્યક્તિ તો દેખાડો જે કહે કે કુસ્તી સંઘમાં એથ્લીટોની સતામણી કરવામાં આવી છે. કોઈક તો હોવું જોઈએ ને? છેલ્લાં દસ વર્ષ દરમિયાન તેમને ફૅડરેશનથી કોઈ તકલીફ ન હતી?”
તેમણે દાવો કર્યો હતો કે, કોઈ ખેલાડીનું જાતીય શોષણ કરવામાં આવ્યું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “જાતીય શોષણનો આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકવા તૈયાર છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાબતે સ્પોર્ટ્સ મંત્રાલયે ભારતીય કુસ્તી ફૅડરેશન પાસેથી સ્પષ્ટતા માગી છે. મંત્રાલયે 72 કલાકમાં જવાબ આપવાનો આદેશ કુસ્તી મહાસંઘને આપ્યો છે.
દરમિયાન કુસ્તીબાજ દિવ્યા કાકરાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “કુસ્તી સંઘના માનનીય અધ્યક્ષ શ્રી બૃજભૂષણ શરણ સિંહ પર કરવામાં આવેલા આક્ષેપ ખોટા છે.”
જોકે, એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી લાવેલાં તથા અર્જુન ઍવૉર્ડ વિજેતા દિવ્યા કાકરાન, સરકાર પાસેથી ખેલાડીઓને મદદ તથા સુવિધા ન મળતી હોવાનો મુદ્દો અગાઉ જોરશોરથી ઉઠાવતા રહ્યાં છે.
કોણ છે બૃજભૂષણ શરણ સિંહ?
બૃજભૂષણ શરણ સિંહની ગણતરી દબંગ નેતાઓમાં થાય છે. તેઓ ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી છે અને કેસરગંજ લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય છે.
વિદ્યાર્થી અવસ્થાથી જ રાજકીય રીતે અત્યંત સક્રિય રહેલા બૃજભૂષણ શરણ સિંહની યુવાવસ્થા અયોઘ્યાના અખાડાઓમાં પસાર થઈ છે. પહેલવાન તરીકે તેઓ ખુદને ‘શક્તિશાળી’ કહે છે.
તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યાંથી તેમનું સક્રિય રાજકીય જીવન શરૂ થયું હતું.
તેઓ 1988માં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)માં જોડાયા હતા અને 1991માં રેકૉર્ડ સરસાઈથી જીતીને પહેલીવાર સંસદસભ્ય બન્યા હતા. એ પછી 1999, 2004, 2009, 2014 અને 2019માં પણ લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપ સાથે મતભેદને કારણે તેમણે પક્ષ છોડી દીધો હતો અને 2009ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ટિકિટ પર કેસરગંજથી ચૂંટાઈ આવ્યા હતા.
એ પછી 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી ભાજપમાં જોડાયા હતા. એ પછીનાં વર્ષોમાં ગોંડા ઉપરાંત બલરામપુર, અયોધ્યા તથા તેની આસપાસના જિલ્લાઓમાં બૃજભૂષણ સિંહનો પ્રભાવ સતત વધતો રહ્યો છે અને 1999 પછી એક પણ ચૂંટણી હાર્યા નથી.
બૃજભૂષણ શરણ સિંહના પુત્ર પ્રતીક ભૂષણ પણ રાજકારણી છે અને ભાજપના ગોંડાના વિધાનસભ્ય છે.
બૃજભૂષણ શરણ સિંહ 2011થી જ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ છે. 2019માં તેઓ મહાસંઘના અધ્યક્ષ તરીકે ત્રીજીવાર ચૂંટાયા હતા.
વિવાદોમાં સંકળાયેલા હિન્દુત્વવાદી નેતા
ભાજપમાં ફરી જોડાયા બાદ બૃજભૂષણ શરણ સિંહે તેમની ઇમેજ હિન્દુત્વવાદી નેતા તરીકેની બનાવી છે. હિન્દુત્વના રાજકારણના મજબૂત સમર્થક બૃજભૂષણ સિંહનું નામ, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથેના એ 40 આરોપીની યાદીમાં સામેલ હતું, જેમને 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. જોકે, સપ્ટેમ્બર – 2020માં અદાલતે તેમને તમામ આરોપમાંથી મુક્ત કર્યા હતા.
ગોંડાના સ્થાનિક લોકો જણાવે છે કે, સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યા પહેલાં બૃજભૂષણ સિંહ કુસ્તી સ્પર્ધાઓનું આયોજન કરતા હતા.
તેમને મોંઘી એસયુવી મોટરકારોનો જબરો શોખ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના લક્ષ્મણપુરી વિસ્તારમાં તેમનો આલિશાન બંગલો છે અને તેમાં આવી ચમકતી મોટરકારો પાર્ક કરવા માટે જગ્યા ઓછી પડે છે.
ભૂતકાળમાં તેમના પર હત્યા, આગચંપી અને તોડફોડના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. ગત દિવસોમાં ઝારખંડમાં અન્ડર-19 નેશનલ કુસ્તી ચૅમ્પિયનશિપ દરમિયાન તેમણે એક કુસ્તીબાજને મંચ પર જ થપ્પડ મારી હતી.
તે ચૅમ્પિયનશિપ 15 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટે હતી અને જે ખેલાડીને તેમણે થપ્પડ મારી તેની વય થોડી વધારે હતી. તેથી આયોજકોએ તેને સ્પર્ધામાં સામેલ થવાની પરવાનગી આપી ન હતી.
તેથી એ ખેલાડી ફરિયાદ કરવા મંચ પર ગયા, ત્યારે મંચ પર ઉપસ્થિત બૃજભૂષણ સિંહ સાથે તેમની બોલાચાલી થઈ હતી અને બૃજભૂષણ સિંહે તે ખેલાડીને મંચ પર જ થપ્પડ મારી હતી.
ભડભડિયા નિવેદનોને કારણે ચમકે છે સમાચારમાં
2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન બૃજભૂષણ સિંહે એવું કહ્યું હતું કે, "સમાજવાદી પાર્ટીને મત આપશો તો પાકિસ્તાન ખુશ થશે."
તેમણે એમ પણ કહ્યું હતું કે, “પાકિસ્તાનની શા માટે વાત ન કરીએ? મોદી અને યોગીને હરાવવાની ચિંતા પાકિસ્તાનમાં નથી થતી? આ અમારા પક્ષમાં જ શક્ય છે કે અમે કલામને રાષ્ટ્રપતિ બનાવીએ છીએ. કલામ બનશો તો રાષ્ટ્રપતિ બનશો, કસાબ બનશો તો કાપી નાખીશું.”
ગત નવેમ્બરમાં ગોંડામાં આયોજિત એક કુસ્તી સ્પર્ધામાં તેમણે અસદુદ્દીન ઓવૈસી બાબતે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું.
“હું ખાતરીપૂર્વક કહું છું કે ઓવૈસીના પૂર્વજ હિન્દુ હતા અને તેમના દાદાનું નામ તુલસીરામ દાસ હતું,” એવું તેમણે કહ્યું હતું.
સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાન બાબતે તેમણે કહ્યું હતું કે, “આઝમ ખાન વિશે મારી પાસે કોઈ માહિતી નથી. તેથી એમના વિશે હું કશું કહી શકું તેમ નથી.”
એ વખતે ઓવૈસીના પક્ષના પ્રવક્તા મોહમ્મદ ફરહાને કહ્યું હતું કે “બૃજભૂષણ શરણ સિંહ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. એ કારણે તેઓ ઓવૈસીના પૂર્વજો હિન્દુ હોવાનું જણાવી રહ્યા છે. ભાજપએ કોઈ સારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવવી જોઈએ. બીજેપી તેમની સારવાર નહીં કરાવે તો હૈદરાબાદમાં ઓવૈસીની હૉસ્પિટલમાં બૃજભૂષણ શરણ સિંહની મફત સારવાર કરવામાં આવશે.”
બૃજભૂષણ શરણ સિંહે થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી અને બિલાવલ ભુટ્ટોને ‘એક જ વંશ’ના ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “ખબર નહીં આ લોકોની કેવી રીતે અદલબદલ થઈ ગઈ.”
રામદેવના પતંજલિ ઘી બાબતે કર્યો હતો આક્ષેપ
યોગગુરૂ બાબા રામદેવ વિશેનાં નિવેદનોને કારણે પણ બૃજભૂષણ શરણ સિંહ સમાચારમાં ચમક્યા હતા. તેમણે પતંજલિ પર નકલી ઘી વેચવાનો આક્ષેપ કર્યો હતો.
તેની સામે પતંજલિએ તેમને લીગલ નોટિસ મોકલીની માફી માગવા જણાવ્યું હતું, પરંતુ બૃજભૂષણ શરણ સિંહે માફી માગી ન હતી.
એ પછી પતંજલિએ બીજી વખત નોટિસ મોકલી ત્યારે વિફરેલા બૃજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે “જે મહર્ષિ પતંજલિના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમની જન્મભૂમિ ઉપેક્ષાનો શિકાર બની છે. મહર્ષિ પતંજલિના નામનો ઉપયોગ બંધ થવો જોઈએ.”
મહર્ષિ પતંજલિના નામનો દુરુપયોગ બંધ નહીં થાય તો એ મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
પોતાના પક્ષની પણ ઝાટકણી કાઢી
બૃજભૂષણ શરણ સિંહ તેમની બેધડક બયાનબાજી માટે પણ જાણીતા છે. તેઓ તેમના પક્ષ ભાજપની પણ ઝાટકણી કાઢી ચૂક્યા છે.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશ વરસાદ તથા પૂરમાં સપડાયું હતું, ત્યારે તેઓ તેમના મતવિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં ચાલતું રાહત કાર્ય જોઈને તેમણે પોતાના જ પક્ષની ઝાટકણી કાઢી હતી.
તેમણે કહ્યું હતું કે, “અગાઉની તમામ સરકારના શાસનમાં પૂર પહેલાં એક બેઠક યોજાતી હતી. તૈયારી માટે આ વખતે આવી કોઈ બેઠક યોજાઈ હોય તેવું મને લાગતું નથી. લોકો ભગવાનના ભરોસે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “પૂર રાહત માટેની આટલી ખરાબ વ્યવસ્થા મેં જીવનમાં અગાઉ ક્યારેય જોઈ નથી. અફસોસની વાત એ છે કે આપણે રડી પણ શકતા નથી, આપણી લાગણી વ્યક્ત કરી શકતા નથી.”
કુસ્તીમાં કૉન્ટ્રાક્ટ સિસ્ટમ
રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ હોય કે આંતરરાષ્ટ્રીય, સીનિયર ટુર્નામેન્ટ હોય કે જૂનિયર, ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બન્યા પછી બૃજભૂષણ શરણ સિંહ દરેક મંચ પર એક વહીવટકર્તા તરીકે સતત દેખાતા રહ્યા છે. તેઓ હાથમાં માઈક્રોફોન લઈને રેફરીને સલાહ આપતા હોય છે અથવા જજને નિયમો સમજાવતા હોય છે.
આ એ જ બૃજભૂષણ શરણ સિંહ છે, જેમણે કુસ્તીમાં કૉન્ટ્રાક્ટ સિસ્ટમની શરૂઆત કરી છે. 2018માં અમલી બનાવવામાં આવેલી આ વ્યવસ્થા હેઠળ ખેલાડીઓને અલગ-અલગ ગ્રેડમાં વર્ગીકૃત કરીને તેમની સાથે એક વર્ષનો કૉન્ટ્રાક્ટ કરવામાં આવે છે.
આ વ્યવસ્થા હેઠળ એ ગ્રેડના કુસ્તીબાજને રૂ. 30 લાખ, બી ગ્રેડના કુસ્તીબાજને રૂ. 20 લાખ, સી ગ્રેડને કુસ્તીબાજને રૂ. 10 લાખ અને ડી ગ્રેડના કુસ્તીબાજને રૂ. પાંચ લાખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ વ્યવસ્થાના અમલના પ્રારંભે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ તથા પૂજા ઢાંડાને એ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં, જ્યારે સુશીલ કુમાર તથા સાક્ષી મલિકને બી ગ્રેડમાં અને સી ગ્રેડમાં રિતુ ફોગાટ તથા દિવ્યા કાકરાન જેવાં ખેલાડીઓને વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.
બૃજભૂષણ શરણ સિંહ બહરાઈચ, ગોંડા, બલરામપુર, અયોધ્યા અને શ્રાવસ્તીની 50થી વધુ શિક્ષણ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
બૃજભૂષણ સિંહને રાજકીય કારકિર્દી દરમિયાન પ્રધાન નહીં બની શકવાનો ખટકો છે. ગત વર્ષે એક કાર્યક્રમમાં તેમની આ પીડા પ્રગટ થઈ હતી. તેમણે કહ્યું હતું કે, “મારા નસીબમાં પ્રધાન બનવાનું લખ્યું નથી. મારા હાથમાં તેની રેખા જ નથી, તે માત્ર શાસ્ત્રીજી માટે છે.”
વાસ્તવમાં બૃજભૂષણ શરણ સિંહના ગામના જ રમાપતિ શાસ્ત્રી ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેઓ બે વખત કૅબિનેટ પ્રધાન પણ બની ચૂક્યા છે.