You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા કુસ્તી ખેલાડીઓના ઉત્પીડન મામલે દિલ્હી મહિલા આયોગે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષની ધરપકડની માંગણી કરી
દિલ્હીના જંતર મંતર પર ભારતીય કુસ્તી મહાસંઘ સામે વિરોધપ્રદર્શન કરી રહેલાં મહિલા કુસ્તી ખેલાડીઓએ મહાસંઘના પ્રમુખ પર જાતીય ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.
કુશ્તી ખેલાડી વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોચ મહિલાઓને પરેશાન કરી રહ્યા છે અને ફેડરેશનની પસંદગીના કેટલાક કોચ તો મહિલા કોચો સાથે પણ અભદ્ર વર્તન કરે છે. ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખે ઘણી છોકરીઓનું જાતીય ઉત્પીડન કર્યું છે. ”
જોકે આ આરોપોને નકારી કાઢતા રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ બૃજ ભૂષણસિંહે કહ્યું છે કે જાતીય ઉત્પીડનની કોઈ ઘટના બની નથી, જો એવું હશે તો તેઓ પોતાની જાતને "ફાંસી લગાવી લેશે."
આ મામલે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બૃજ ભૂષણસિંહની તત્કાળ ધરપકડ કરવાની માંગણી કરી છે.
ફોગાટે કહ્યું, "તે અમારી વ્યક્તિગત જિંદગીમાં દખલ કરે છે અને હેરાન કરે છે. તેઓ અમારું શોષણ કરી રહ્યા છે. જ્યારે અમે ઑલિમ્પિક રમવા જઈએ છીએ ત્યારે અમારી પાસે કોઈ ફિઝિયૉથૅરપિસ્ટ નથી હોતા કે પછી કોઈ કોચ પણ નથી હોતા. જ્યારે અમે તેની સામે અવાજ ઉઠાવ્યો તો તેમણે અમને ધમકાવાનું શરૂ કરી દીધું."
જોકે, ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણસિંહે હવે આ તમામ આરોપો નકારી કાઢ્યા છે.
નોંધનીય છે કે વિનેશ ફોગાટ વર્ષ, 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં 53 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યાં છે.
ફોગાટે આરોપ લગાવતાં કહ્યું હતું કે એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે એટલું મૅન્ટલ ટૉર્ચર થયું કે મેં આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો. હું દરરોજ આત્મહત્યા વિશે વિચારતી. દરેક ઍથ્લીટને ખ્યાલ છે કે અમારા પર કેવી વીતી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે જો મને કંઈ થઈ ગયું હોત તો મારા પરિવારનું શું થાત તે બાદ તેમની જવાબદારી કોણ લેત.
તેમણે કહ્યું કે જો અમારા કોઈ પણ ખેલાડીને કંઈ પણ થાય તો તેની જવાબદારી અમારા ફેડરેશનની હશે. અમારું મૅન્ટલ ટૉર્ચર થાય છે અને મને કહેવામાં આવે છે કે હું માનસિકપણે કમજોર છું.
ફોગાટ પત્રકારપરિષદમાં ભાવુક થઈ ગયાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
દિલ્હીના જંતરમંતર પર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત અન્ય ઘણા ખેલાડી ધરણાં પર બેઠાં છે.
કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયાએ કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશનમાં બદલાવ થાય અને કુસ્તીને ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા પહેલવાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે લોકો ડબ્લ્યૂએફઆઈનો ભાગ છે, જેમને આ રમત વિશે કશી ખબર નથી.”
અધ્યક્ષનો જવાબ
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજ ભૂષણસિંહ મહિલા ખેલાડીઓના જાતીય ઉત્પીડનના આરોપોનો જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું, “જ્યારે મને ખબર પડી કે દિલ્હીમાં પહેલવાનોએ ફેડરેશન વિરુદ્ધ ધરણાં કર્યા છે તો હું તરત પહોંચી ગયો. સૌથી મોટો આરોપ જે વિનેશ લગાવ્યો છે પરંતુ શું કોઈ સામે આવ્યું છે? જેઓ કહી દે કે ફેડરેશનના આ ખેલાડીનું શોષણ થયું છે? કે ફેડરેશનના પ્રમુખે આ પહેલવાનનું શોષણ કર્યું છે...”
તેમણે કહ્યું, “જાતીય ઉત્પીડનની કોઈ ઘટના નથી બની. જો એવું કંઈ બન્યું હશે તો હું મારી જાતને ફાંસી લગાવી લઈશ.”
એ પહેલાં રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સહાયક સચિવ વિનોદ તોમરે ધરણા પર બેઠેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, “અમને પ્રદર્શનની સૂચના મળી જે બાદ મેં પહેલવાનોને પૂછ્યું કે તેમણે શું સમસ્યા છે. આ લોકો ફરી એકવાર ફેડરેશન સામે આવે, તે બાદ તેમની સમસ્યાઓનું સમાધાન કરાશે. ફેડરેશનને અત્યાર સુધી તેમની કોઈ ફરિયાદ નથી મળી.”
બીબીસીનાં પત્રકાર અર્શદીપના જણાવ્યા અનુસાર આ સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે, ત્યાં સુધી ઓલિમ્પિક રમતોમાં ભારતનું કુસ્તીમાં પ્રતિનિધિત્વ કરીને મેડલો જીતી ચૂકેલાં કુસ્તીના ખેલાડીઓ જનપથ પર ઉપસ્થિત હતાં. તેઓ હવે આગળ શું કાર્યવાહી કરવી તેની ચર્ચા કરી રહ્યાં હતાં.
દિલ્હી મહિલા આયોગે કુસ્તી મહાસંઘના પ્રમુખની ધરપકડની માગ કરી
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસદ સભ્ય બૃજ ભૂષણ સિંહ પર લાગેલા જાતીય ઉત્પીડનના ગંભીર આરોપોને આધારે દિલ્હી મહિલા આયોગે માંગણી કરી છે કે તેમની ‘તત્કાળ ધરપકડ કરવામાં આવે.’
મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બુધવારે જંતરમંતર પર ધરણા કરી રહેલાં કુસ્તી ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
તેમણે કહ્યું, “રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષની તત્કાળ ધરપકડ કરવી જોઈએ અને જેટલા પણ કોચના નામ સામે આવી રહ્યા છે, એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.”
તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે આ માણસ (ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બૃજ ભૂષણસિંહ) સામે એફઆઈઆર નોંધાય અને તપાસ કરીને તેની ધરપકડ કરવામાં આવે.”
આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ઓલિમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું છે કે, ‘ફેડરેશનના અધ્યક્ષે તરત જ પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ થઈ શકે.’
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “અમે કોઈ રાજકારણ કરવા નથી માગતા અને કોઈ રાજકારણમાં સામેલ પણ થવા નથી માગતા. અમે વડા પ્રધાન અને ગૃહમંત્રી સાથે જ વાત કરીશું.”
માલીવાલે કહ્યું, “અમે દિલ્હી પોલીસને નોટિસ આપી છે અને કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલયને પણ નોટિસ આપી છે. આ કેસમાં તરત જ ન્યાય થવો જોઈએ.”