ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી : નવ રાજ્યો અને 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપની શું વ્યૂહરચના છે?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
  • હાલમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે
  • જેમાં એવા સંકેત મળી રહ્યા છે કે દેશમાં આગામી ચૂંટણીની સિઝનમાં ‘મંદિર અને રાષ્ટ્રવાદ’ કેન્દ્રમાં રહેશે
  • જોકે આ સિવાય પણ અમુક એવા મુદ્દા છે જેના પર ભાજપ વધુ ભાર મૂકી શકે છે
  • તેમાં સુરક્ષા અને આંતરમાળખાકીય વિકાસ પણ સામેલ છે
  • આ સિવાય પાર્ટી અંતરિક્ષવિજ્ઞાનક્ષેત્રે કરેલ પ્રગતિને પણ લોકો સામે મૂકવાનો પ્રયત્ન કરી શકે છે
  • આગામી સમયમાં દેશનાં નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવની છે, તેમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ કેવી રીતે કમર કસી રહ્યો છે?

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હીમાં જ્યાં બેઠક થઈ રહી છે, એ હૉલના ગેટ પર મંદિરો, સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની તસવીરોવાળું એક મોટું કટઆઉટ લાગેલું છે.

જાણકારો પ્રમાણે, આ કદાચ એ વાત તરફ ઇશારો કરી રહ્યું છે કે આ વર્ષે નવ રાજ્યોમાં થનારી ચૂંટણીઓ અને પછી 2024ની લોકસભા ચૂંટણીમાં ‘મંદિર અને રાષ્ટ્રવાદ’ પાર્ટીની રણનીતિની મહત્ત્વપૂર્ણ ધરી રહેશે.

ત્રિપુરામાં પોતાના એક ભાષણમાં ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં બની રહેલ રામમંદિરને 1 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લું મૂકવાનનો એલાન કર્યું હતું.

વિપક્ષે એ સમયે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમિત શાહ શું મંદિરના પૂજારી છે કે તેની સાથે અમુક પ્રકારે જોડાયેલા છે જેથી તેઓ આ વાતની આવી રીતે જાહેરાત કરી રહ્યા છે.

જાણકારોએ એ સમયે કહ્યું હતું કે ભાજપ ફરી એક વાર મંદિરના મુદ્દાને લઈને વોટ માગશે.

પરંતુ વર્ષ 2024 સુધી લોકસભા ચંટણીમાં, જેમાં પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવશે ; નરેન્દ્ર મોદીનો ભાજપ પોતાની જાતને માત્ર આ બે મુદ્દા સુધી સીમિત રાખવાનું જોખમ ન ખેડીને અંતરિક્ષવિજ્ઞાનમાં હાલનાં વર્ષોમાં ભારતની પ્રગતિ અને સમગ્ર દેશમાં મૂળભૂત સુવિધાઓમાં થયેલ નિર્માણકાર્ય અને સુરક્ષાને પણ કેન્દ્રમાં રાખશે.

હૉલના ગેટ પર લાગેલા કટઆઠટની જમણી તરફ જે તસવીર છપાયેલી છે, તે છે ઇસરો, બ્રહ્મોસ મિસાઇલ અને યુદ્ધપોતની. આ બધા પરથી ભાજપની રણનીતિનો અમુક સંકેત મળી જાય છે.

ચીન હાલના દિવસોમાં ભારતની જળસીમા પાસેના વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવતું રહ્યું છે, પાડોશી દેશ શ્રીલંકાના હંબનટોટા બંદર સુધી તો એ પહોંચી જ ગયું છે. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં પણ ચીનની ઘૂસણખોરીની કોશિશ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે વારંવાર એવું કહ્યું છે કે ભારત ચીનની આ કોશિશોને નાકામ બનાવવામાં સક્ષમ છે.

જેપી નડ્ડાએ કહ્યું, ‘ચૂંટણી હારવાની નથી’

ભાજપ હાલમાં હિમાચલ પ્રદેશ સિવાય બીજા કોઈ સ્થળે ચૂંટણી નથી હાર્યો. સોમવારે પોતાના અધ્યક્ષીય ભાષણમાં જેપી નડ્ડાએ કહ્યું કે, “હિમાચલમાં રિવાજ બદલવાનો હતો, અમે ન બદલી શક્યા.” જેપી નડ્ડાએ કાર્યકર્તાઓ અને નેતૃત્વને પણ કહ્યું કે, “કમર કસી લો, આપણે એકેય ચૂંટણી નથી હારવાની.”

આ વર્ષે ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો (ત્રિપુરા, નાગાલૅન્ડ, મેઘાલય, મિઝોરમ), દક્ષિણનાં કર્ણાટક અને તેલંગાણા તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન એમ કુલ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની 2018ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ જીત હાંસલ થઈ હતી. જોકે બાદમાં મધ્ય પ્રદેશના 20 કરતાં વધુ ધારાસભ્યો રાહુલ ગાંધીના નિકટના મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પાર્ટી છોડીને ચાલ્યા ગયા અને કમલનાથની કૉંગ્રેસ સરકાર પડી ભાંગી.

જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં જે જગ્યાઓએ પાર્ટી કમજોર છે, જેમ કે તેલંગાણા, તે અંગે પણ વાત કરી અન કહ્યું કે એક લાખ 30 હજાર બૂથોની ઓળખ કરાઈ છે જ્યાં કામ ચાલી રહ્યું છે.

ગત વર્ષે ભાજપે 160 એવી બેઠકોની વાત કરી હતી જ્યાં તેને પોતાની સ્થિતિ મજબૂત કરવાની જરૂરિયાત છે. વર્ષ 2014 અને 2019ની લોકસબાની ચૂંટણી બાદ ત્રીજી વખત મેદાનમાં મોજૂદ ભાજપનું ફોકસ વિદેશનીતિ પર પણ છે, જેમાં તે પોતાની સફળતા ગણાવી રહ્યો છે.

કોવિડ રસીકરણ, નિર્માણના ક્ષેત્રમાં સતત થઈ રહેલ પ્રગતિ (પાર્ટી અનુસાર ભારતનું અર્થતંત્ર બ્રિટનને પાછળ છોડીને પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે.), કારનિર્માણમાં ભારતનું ત્રીજું સ્થાન, માબાઇલ તૈયાર કરવામાં બીજું સ્થાન અને દરરોજ 37 કિલોમિટર રોડ તૈયાર કરવા જેવી તમામ ઉપલબ્ધિઓ પાર્ટી ગણાવવા માગશ.

પાર્ટીએ આને લઈને જંતરમંતર સામે મ્યુનિસિપલ કૉર્પોરેશનના કન્વેશન સેન્ટર બહાર એક પ્રદર્શન પણ યોજ્યું જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદીએ કર્યું.

કાર્યકર્તાઓને અપીલ કરાઈ કે તેઓ આ પ્રદર્શન જરૂર જુએ અને આ સંદેશ સમગ્ર દેશના ખૂણેખૂણામાં લોકો સુધી પહોંચાડે.

ભાજપનું ચૂંટણીપ્રદર્શન

વિપક્ષ અને સામાન્ય લોકોનો એક ભાગ સવાલ પૂછી રહ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર જણાવે કે 220 કરોડ રસીમાંથી કેટલી રસી મફતમાં લોકોને અપાઈ છે?

અમુક કલાકનો સમય આપીને નોટબંધીનો નિર્ણય લેવાયો એ અંગે પણ સવાલ પૂછાતા રહ્યા છે.

પરંતુ કોવિડ મહામારી બાદ ઉત્તરપ્રદેસ અને આસામમાં થયેલ ચૂંટણીમાં પાર્ટીને જીત હાંસલ થઈ હતી. જોકે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને જીત હાંસલ નહોતી થઈ જે કોવિડ મહામારી સમયે યોજાઈ હતી.

પરંતુ પાછલા વર્ષે ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તેને 182 બેઠકોમાંથી 156 બેઠકો મળી હતી અને ભાજપે ત્યાં બે દાયકા કરતાં વધુ સમય સુધી સતત સત્તામાં જળવાઈ રહેવાનો રેકૉર્ડ સર્જ્યો છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મં6 રવિશંકર પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સમાં અધ્યક્ષીય ભાષણના અમુક અંશો જણાવ્યા. તેમણે જણાવ્યું કે જેપી નડ્ડાએ કહ્યું કે કાર્યકર્તાઓએ ‘મોદીજીની મહેનત અને આગેવાની થકી શીખ લેવી જોઈએ.’

વડા પ્રધાનનો રોડ શો

કાર્યક્રમ સ્થળે પહોંચતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અડધો કિલોમિટર લાંબો રોડ શો પણ કર્યો. આના માટે પટેલ ચોકથી જયસિંહ રોડ ચાર રસ્તાને ફૂલ, ફુગ્ગા, પાર્ટીના ધ્વજ, મોદીના અલગ અલગ અંદાજ કટઆઉટથી સજાવવામાં આવ્યા હતા. અમુક અંતરે ડાન્સ ગ્રૂપો અન બીજા સમૂહ પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા હતા.

કાળા રંગનું કુરતું, સ્લેટ રંગની બંડી અને ચૂડીદાર પાયજામામાં પોતાની વિશેષ કારમાં સુરક્ષા દળ સાથે મોદી લોકો વચ્ચેથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની જયજયકાર થઈ રહી હતી. લોકો તેમને પાર્ટીના એ ધ્વજ બતાવી રહ્યા હતા જે અમુક વાર પહેલાં જ કાર્યકર્તાઓએ તેમને લાવી આપ્યા હતા.

અમિત શાહે અમુક દિવસ પહેલાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે. એ પહેલાં માત્ર જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી જ ત્રણ વખત દેશનાં વડાં પ્રધાન બની ચૂક્યાં છે. જોકે ઇંદિરા ગાંધી ઇમર્જન્સી બાદની ચૂંટણી હારી ગયાં હતાં.

બંને વ્યક્તિ કૉંગ્રેસ પાર્ટીનાં હતાં, નોંધનીય છે કે કૉંગ્રેસમુક્ત ભારત બનાવાનો દાવો ભાજપ વારંવાર કરતો રહ્યો છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 2014માં 282 અને 2019માં 303 બેઠકો હાંસલ થઈ હતી. પાર્ટીની મતની ટકાવારી પણ વધી હતી.

કૉંગ્રેસની પ્રતિક્રિયા

જોકે સોમવારના રોડ શો પર કૉંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેસે એક ટ્વીટ કરીને કહ્યું કે મોદીનો રોડ શો રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રાની નકલ છે.

આ અંગે ભાજપે કોઈ જવાબ નથી દીધો, ના મીડિયાએ પ્રેસ કૉન્ફરન્સમાં પાર્ટીને પૂછ્યું કે આટલો નાનો રોડ શો કાઢવાનું આખરે શું કારણ હતું,

જોકે, કૉંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી રવિશંકર પ્રસાદની અડધા કલાકની પ્રેસ કૉન્ફરન્સમાં નિશાના પર રહ્યાં. જ્યારે રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘નરેન્દ્ર મોદીની સરકારે સીમા વિસ્તારોમાં 30 હજાર કિલોમિટર કરતાં વધુ અંતરની સડકોનું નિર્માણ કર્યું છે જ્યારે કૉંગ્રેસ હતી હતી કે સીમા પર સડકો તૈયાર નથી કરવાની.’

રાફેલ લડાકુ વિમાનને લઈને પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે એવી કઈ તાકતો હતી જે લડાકુ વિમાનની ખરીદી કરવાથી રોકી રહી હતી.

કૉંગ્રેસ રાફેલ સોદાની કિંમત પર સવાલ ઉઠાવ્યા હતા જેને લઈને અન્ય લોકો સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા. કોર્ટે કહ્યું હતું કે તેમની પાસે એવી તકનીકી ક્ષમતા નથી કે તે તેની તપાસ કરી શકે.

મોદી સરકારની પ્રશંસા

રવિશંકર પ્રસાદે વિદેશનીતિમાં મોદી સરકારની સફળતા પણ ગણાવી. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોવિડ રસીકરણની પ્રશંસા કરી, પુતિને યુક્રેન યુદ્ધમાં ભારતની નિષ્પક્ષ વિદેશનીતિની સરાહના કરી.

રવિશંકર પ્રસાદે ભાજપના આ દાવાનો પુનરુચ્ચાર કર્યો કે મોદીના કહેવા પર યુક્રેન અને રશિયાએ અડધા દિવસ માટે યુદ્ધ રોકી દીધું હતું જેથી ત્યાં ફસાયેલા 32 વિદ્યાર્થીઓને કાઢી શકાય.

આ ક્રમમાં અમુક સવાલો પણ પુછાયા કે, “શું ગુલામીના પ્રતીક કુતુબ મીનાર અને તાજમહલ પર પણ ચર્ચા થઈ” તો રવિશંકર પ્રસાદે આ અંગે કહ્યું કે ના એવી કોઈ ચર્ચા નથી થઈ બલકે તેમણે પત્રકારોને વળતા સવાલ કર્યા કે, ‘સૌનો સાથ, સૌના વિકાસ’નો અર્થ શો હોય છે.

તેમનું કહેવું હતું કે ભલે અમને કોઈ વોટ આપે કે ન આપે પરંતુ તેની દેખભાળ કરવું એ અમારી બંધારણીય જવાબદારી છે.

જ્યારે જૂના સાથીઓનો સાથ છૂટવાની વાતને લઈને સવાલ પુછાયો તો રવિશંકર પ્રસાદે કહ્યું કે અકાલીદળનો સાથ અમે નથી છોડ્યો, નીતીશકુમારનું નામ લઈને તેમણે કહ્યું કે તેઓ પોતે જતા રહ્યા.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મંગળવારે રાજકીય, સામાજિક અને આર્થિક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ભાષણ થશે જે બાદ બેઠક સમાપ્ત થશે.