રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' લોકોને કેટલી જોડી રહી છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • 'ભારત જોડો યાત્રા' યાત્રાના 109મા દિવસે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ સમયે કૉંગ્રેસે યાત્રાને હિટ કરવા માટે તમામ તાકાત લગાવી દીધી
  • સમગ્ર ઉત્તર પ્રદેશના જિલ્લા સ્તરથી લઈને બ્લૉક સ્તર સુધીના કાર્યકરોએ યુપી બૉર્ડર પર ધામા નાખ્યા
  • રાહુલ ગાંધી જ્યારે દિલ્હીની લોની બૉર્ડરથી યુપીમાં પ્રવેશ્યા ત્યારે કૉંગ્રેસના આ પ્રયાસોની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી
  • યાત્રામાં સમગ્ર ઉત્તર પ્રદેશમાંથી કૉંગ્રેસના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો
  • શું કહે છે યાત્રામાં જોડાવા કે રાહુલને જોવા આવેલા લોકો?

'ભારત જોડો યાત્રા' યાત્રાના 109મા દિવસે દિલ્હીથી શરૂ થવાની હતી અને નવ દિવસના વિરામ બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશવાની હતી.

ઉત્તર પ્રદેશમાં પ્રવેશ સમયે કૉંગ્રેસે યાત્રાને હિટ કરવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી.

સમગ્ર ઉત્તર પ્રદેશના જિલ્લા સ્તરથી લઈને બ્લૉક સ્તર સુધીના કાર્યકરોએ યુપી બૉર્ડર પર ધામા નાખ્યા હતા.

રાહુલ ગાંધી જ્યારે દિલ્હીની લોની બૉર્ડરથી યુપીમાં પ્રવેશ્યા ત્યારે કૉંગ્રેસના આ પ્રયાસોની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

'ભારત જોડો યાત્રા'માં સમગ્ર ઉત્તર પ્રદેશમાંથી કૉંગ્રેસના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો.

રાહુલ ગાંધીને જોવા લોકો ઊમટ્યા

લોની અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો રસ્તામાં કતારોમાં ઊભા હતાં.

તેમની વચ્ચે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી, જેઓ રાહુલ ગાંધીની એક ઝલક જોવા માગતી હતી.

બે વૃદ્ધ મહિલાએ બીબીસીને કહ્યું, "અમારે રાહુલ ગાંધીને જોવા છે, તેમને ક્યારેય જોયા નથી, ક્યારેય જોયા નથી એટલે જોવા છે. અમને આવીને સારું લાગ્યું, જો તેઓ કંઈક કરે તો અમે તેમને મત પણ આપી શકીએ."

આ મહિલાઓ કહે છે, "અમારી શેરીમાં પાણીની ટાંકી સુધ્ધાં નથી. મોંઘવારી ખૂબ છે. જુઓ ગૅસ સિલિન્ડર ક્યાં પહોંચી ગયો છે. રાહુલ તેના વિશે કંઈક કરે તો બહુ સારું રહેશે.”

કેટલીક વૃદ્ધ મહિલાઓ પણ હતી જેમના હોઠ પર રાજીવ ગાંધીનું નામ હતું. જોકે, બાદમાં તેમણે પોતાની વાતને સુધારી લીધી અને કહ્યું કે તેઓ રાહુલને મળવા આવ્યાં છે.

કૉંગ્રેસ કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ આ યાત્રા કેવી રીતે આગળ વધે છે તે જોવા માટે ઉત્સુકતા સાથે ઊમટી પડ્યા હતા.

રાહુલ પાસે લોકોની અપેક્ષા

કેટલાંય સંગઠનોના સભ્યો પણ રાહુલ ગાંધીને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ વિશે તેમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ગાઝિયાબાદ પેરેન્ટ્સ ઍસોસિયેશન સાથે સંકળાયેલાં સીમા ત્યાગી તેમના પ્રતિનિધિમંડળ સાથે રાહુલ ગાંધીને મળ્યાં હતાં.

તેઓ કહે છે, 'એક દેશ, એક શિક્ષણ, એક બોર્ડ અમારી માગ છે, જ્યાં સુધી ભારતનાં તમામ બાળકોને સમાન શિક્ષણ નહીં મળે ત્યાં સુધી ભારતનો વિકાસ નહીં થાય. અમને આશા છે કે રાહુલ ગાંધી સમાન શિક્ષણ માટે કંઈક કરશે."

આ યાત્રામાં મોટી સંખ્યામાં એવા યુવાનો પણ હતા જેઓ રાજકીય રીતે તટસ્થ છે, પરંતુ તેઓ અહીં આવીને યાત્રાના ભાવને અનુભવવા માગતા હતા.

એક યુવતી અનુ ઢાકા કહે છે, "હું રાહુલજીને મળવા આવી છું અને તેમના મુદ્દામાં જોડાવા પણ માગું છું. મેં રસાયણશાસ્ત્રમાં એમએસસી કર્યું છે, નેટની પરીક્ષા પાસ કરી છે. પણ મને નોકરી મળી નથી. બેરોજગાર છું. હવે રાહુલ પાસે આશા છે કે તેઓ આ વિશે કંઈક કરશે."

"પહેલાં જ્યારે મોદીજી આવ્યા ત્યારે તેમની પાસેથી ઘણી આશાઓ હતી, તેમણે બે કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કંઈ કર્યું નથી, તેથી આ વખતે રાહુલ પાસેથી આશા છે."

અનુ કહે છે, "અમે ભણીને બેકાર બેઠાં છીએ, અમારા જેવા બેરોજગાર લોકોની વાત સાંભળનાર કોઈ નથી."

યુવાનો અસુરક્ષા, બેરોજગારીથી ચિંતિત

અહીં અનુ એકલાં નથી જેને રોજગાર અંગે ફરિયાદો હતી. આજુબાજુમાં નાના-મોટા કામ કરતા ઘણા યુવાનો એક અવાજે કહે છે, "સરકાર કોઈની પણ હોય, બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે."

"અમે માત્ર રાહુલને જોવા નથી આવ્યા. અમે ઈચ્છીએ છીએ કે તેમનું ધ્યાન આ મુદ્દા પર દોરવામાં આવે."

સરફરાઝ લોનીમાં કામ કરે છે. તેઓ કહે છે, "અમે એમ્બ્રૉઇડરીનું કામ કરીએ છીએ. એક મજૂર માત્ર 450-500 રૂપિયા કમાઈ શકે છે. વર્તમાન સરકારમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ ખાવા-પીવાની આગળ કંઈ વિચારી જ ન શકે."

"તેમની બધી કમાણી બે ટંકના ભોજનમાં જ જાય છે. એટલે જ અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને પહેલાં જેવી જ સરકાર જોઈએ છે."

પિંકી પાંચાલ તેમના પરિવાર સાથે રાહુલ ગાંધીને જોવા માટે રાહ જોઈ રહ્યાં હતાં. તેઓ ભાગ્યે જ એક ઝલક મેળવી શક્યાં.

અમેઠીથી આવેલા એક સક્રિય કૉંગ્રેસ કાર્યકર કહે છે, "એવું લાગી રહ્યું છે કે અમે 2024માં ફરી પાછા આવી રહ્યા છીએ. ગામડેગામડે જઈશું અને યાત્રાનો સંદેશો આપીશું. લોકોને જણાવશું કે લાખોની ભીડ હતી."

કૉંગ્રેસે યુપીનાં દરેક ગામમાંથી પોતાના કાર્યકરોને દિલ્હી બૉર્ડર પર બોલાવ્યા હતા. પ્રયાગરાજથી આવેલાં દરખ્શા કુરેશી કહે છે, "હું કૉંગ્રેસ સાથે જોડાયેલી છું, આટલી ભીડ અને ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો, એવું લાગે છે કે પાર્ટી ફરી મજબૂત થઈ રહી છે. હવે અમે વધુ મહેનત કરીશું."

'પ્રેમ વહેંચતા ગાંધી'

દિલ્હીના મૌજપુરથી યાત્રામાં જોડાયેલા મનોજકુમાર પાંડે કહે છે, "યાત્રા અદ્ભુત છે, લોકોમાં રાહુલ ગાંધીને જોવા અને સાંભળવાનો ગજબનો ઉત્સાહ છે."

"હવે એવું લાગે છે કે કૉંગ્રેસ ફરીથી મજબૂત થઈ રહી છે. કૉંગ્રેસી કાર્યકર ફરીથી ઊભો થઈ ગયો છે. આ યાત્રાથી રાહુલ ગાંધી નબળા (શારીરિક) પડી ગયા છે, પરંતુ કૉંગ્રેસ મજબૂત બની ગઈ છે. પાર્ટીમાં નવો જીવ આવ્યો છે."

સન્ની પટેલ કૉંગ્રેસના વિદ્યાર્થી નેતા છે અને બાંદાથી આવ્યા છે.

તેઓ કહે છે, "હું 600 કિલોમીટરની 14 કલાકની મુસાફરી કરીને મારા નેતાની ઝલક જોવા આવ્યો છું."

"નફરતના આ યુગમાં તેઓ એકમાત્ર ગાંધી છે જે પ્રેમ વહેંચી રહ્યા છે, પ્રેમ ફેલાવી રહ્યા છે. હું મારા નેતાના સાહસને વધારવા આવ્યો છું. હું તેમની એક ઝલક જોઈ શક્યો. તેમનું તેજ, તેમનું તપ, તેમનો ત્યાગ બધું જ દૃશ્યમાન છે.”

સન્ની પટેલ કહે છે, "હું સોશિયલ મીડિયા પર યાત્રાને જોતો હતો અને મારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હતો કે તે આટલા ઊર્જાવાન કેમ છે. આજે જ્યારે મેં તેમને જોયા ત્યારે મને તે પ્રશ્નનો જવાબ મળ્યો. તેમને જોઈને મને કેવું લાગ્યું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી."

દિલ્હીથી 'ભારત જોડો યાત્રા' જોવા આવેલા યુવા શુભવ ભારદ્વાજ કહે છે, "હું કૉંગ્રેસ સાથે જોડાયેલો નથી. યાત્રામાં મારો પહેલો દિવસ છે. હું 10 કિલોમીટર ચાલી ચૂક્યો છું."

શુભવ કહે છે, "આજના દેશના માહોલમાં આ ભારત જોડો યાત્રાની જરૂરિયાત અનુભવાય છે. મને લાગ્યું કે રાહુલે પગપાળા દેશમાં જઈને યોગ્ય કામ કર્યું છે અને હું આ યોગ્ય કાર્યમાં તેમનો સાથ આપવા આવ્યો છું.”

યાત્રાનું પરિણામ શું આવશે?

દેશમાં મુખ્ય વિપક્ષની જરૂર હતી. વિપક્ષનું સામે આવવું ખૂબ જ જરૂરી હતું. રાહુલ ગાંધી રસ્તા પર લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સમજી રહ્યા છે.

જ્યારે તેઓ કાશ્મીર પહોંચશે ત્યારે ભારતના એ લોકોને સમજી ચૂક્યા હશે કે જેઓ તેમની સમસ્યાઓ સાથે રસ્તા પર તેમને મળવા આવ્યા હતા.

આ યાત્રા રાહુલ ગાંધીના વ્યક્તિત્વને પણ વધુ પરિપક્વ કરશે. આજે ભારતને એવા નેતાની જરૂર છે જે તેમના લોકોને સમજે.

રાહુલ ગાંધીની યાત્રા સાથે લઘુમતી મુસ્લિમો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તાજેતરના દાયકાઓમાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો સમાજવાદી પાર્ટી સાથે રહ્યા છે. પરંતુ હવે તેમનો કૉંગ્રેસ તરફ ઝોક વધી રહ્યો છે.

લોનીના એક સ્થાનિક મુસ્લિમ દુકાનદાર કહે છે, "અખિલેશ પણ અહીં આવ્યા હતા, તેમની રેલીમાં એટલી ભીડ નહોતી જેટલી રાહુલ સાથે છે. રાહુલ ગાંધી મજબૂત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે."

મોડી સાંજે 'ભારત જોડો યાત્રા'માં સામેલ લોકો બાગપતના માવી કલાં ગામમાં પહોંચ્યા હતા. અહીં વિશાળ પંડાલ ઉભો કરવામાં આવ્યો હતો.

આસપાસના ઘણા લોકો 'ભારત જોડો યાત્રા'ના યાત્રિકોને મળી રહ્યા હતા.

ભારત જોડો યાત્રાની સ્થાનિક રાજકારણ પર કોઈ અસર પડશે કે કેમ તે અંગે એક સ્થાનિક વ્યક્તિ કહે છે, "યાત્રા ખૂબ જ સારી લાગી રહી છે, યાત્રી બહુ સારા છે. મુદ્દા પણ સારા છે, પરંતુ આ વિસ્તાર લોકદળનો છે એટલે તેની અસર મતો પર નહીં પડે."