You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ભયાનક રાતની કહાણી જ્યારે 'તામિલ વ્યાઘ્રો'એ 121 મુસ્લિમોની હત્યા કરી નાખી
- લેેખક, ઉલ મબરૂક
- પદ, બીબીસી
દુનિયાનાં ચરમપંથી હિંસક આંદોલનોમાં આત્મઘાતી હુમલાઓની શરૂઆત કરીને, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનારું ચરમપંથી સંગઠન 'લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઈલમ' (એલટીટીઈ) ભલે નામશેષ થઈ ગયું હોય, પરંતુ તેણે આચરેલી હિંસાના આઘાત હજી શમ્યા નથી.
વર્ષ 1990ની 12 ઑગસ્ટની રાત્રે એલટીટીઈએ શ્રીલંકામાં એક સાથે 121 મુસ્લિમોની હત્યા કરીને દુનિયાભરમાં આઘાતનું મોજું ફેલાવી દીધું હતું. એ ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા લોકોના માનસપટ પર તેની અસરો હજી સુધી તાજી છે અને તેઓ એ હત્યાકાંડની તપાસ કરાવવાની માગણી કરી રહ્યા છે.
આ ઘટનાની સ્મરણાંજલિ સભા ગત તાજેતરમાં જ 12 ઑગસ્ટ, 2023ના દિવસે શ્રીલંકામાં ‘સુહાતા ડે’ તરીકે આયોજિત કરવામાં આવી હતી.
ઇરાવુર શહેરમાં જે જગ્યાએ આ મૃત્યુ પામેલા લોકોની કબરો આવેલી છે તે ‘સુહાડકલ પાર્ક’ તરીકે ઓળખાય છે. એ મૃતકોની યાદમાં અહીં એક મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે જે ઈરાવુર નૂરાનિયા પલ્લિવસલના કૅમ્પસમાં આવેલું છે.
બીબીસી તામિલ સાથે વાત કરતાં ‘સુહાદક્કલ પરાવાઈ’ના પ્રમુખ એમ.એલ. અબ્દુલ લતીફ કહે છે કે શ્રીલંકાની સરકારે ‘લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઈલમ- એલટીટીઈ’ દ્વારા મુસ્લિમોની થયેલી આ હત્યાઓની યોગ્ય તપાસ કરાવવી જોઇએ. તેઓ વધુમાં કહે છે કે, “આ ક્ષેત્રનાં ઇન્ચાર્જ એલટીટીઈ નેતાને પણ તેમણે કરેલા ગુનાઓની સજા મળવી જોઇએ.”
‘સુહાદક્કલ પરાવાઈ’ એક સંસ્થા છે જે ઈબ્રાવૂરમાં એલટીટીઈ દ્વારા કરાયેલી હત્યાઓ સંબંધે મુસ્લિમો માટે અધિકારો અને ન્યાય મેળવવાનું કામ કરે છે.
ઘટના શી ઘટી હતી?
3 ઑગસ્ટ, 1990ના રોજ, પૂર્વીય પ્રાંતના કથનકુડીમાં એલટીટીઈએ નમાજ પઢી રહેલા મુસ્લિમો પર હુમલો કર્યો હતો. બે મસ્જિદોમાં બાળકો સહિત 103 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. બાદમાં ઘાયલ થયેલા 21 લોકોનાં પણ મોત થયાં હતાં. આ ઘટનાના 10 દિવસની અંદર, એલટીટીઈએ ઈરાવુરના મુસ્લિમો પર હુમલો કર્યો અને 121 લોકોની હત્યા કરી.
બીબીસીને સુહાદાસ કાઉન્સિલના અધ્યક્ષ અબ્દુલ લતીફે જણાવ્યું હતું, "પૂર્વીય પ્રાંત અને તેના આસપાસના વિસ્તારોમાં ટાઇગર્સ દ્વારા મુસ્લિમ નાગરિકોની કરાયેલી હત્યા અંગે સરકારે હજુ સુધી કોઈ યોગ્ય તપાસ હાથ ધરી નથી. તેથી મુસ્લિમોના નરસંહારની માહિતી સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શકી નથી. જે લોકોના પરિવારો એલટીટીઈ દ્વારા માર્યા ગયા હતા અને તેમને અન્ય નુકસાન થયું હતું તેમને હજુ સુધી કોઈ વળતર મળ્યું નથી. તેથી જ અમે એક કમિશનની રચના કરવા અને એલટીટીઈ દ્વારા માર્યા ગયેલા મુસ્લિમોનીયો યોગ્ય તપાસ કરવા વિનંતી કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એલટીટીઈ તો હવે નાશ પામ્યું છે, પરંતુ લતીફે એ પણ આગ્રહ કર્યો હતો કે પૂર્વીય પ્રાંતમાં એલટીટીઈએ મુસ્લિમોની કતલેઆમ કરી તે સમય દરમિયાન આ સંગઠનના જે નેતાઓ હતા તેમને આ ગુનાઓ માટે સજા મળવી જોઈએ.
જ્યારે 1990માં એલટીટીઈ દ્વારા સેંકડો મુસ્લિમોની કતલેઆમ કરવામાં આવી હતી, ત્યારે કરુણા અમ્માન એલટીટીઈના પૂર્વ પ્રાંતના કમાન્ડર હતા. તે સમયે એલટીટીઈ સંગઠનમાં રહેલા પિલ્લૈયા પણ હજુ જીવિત છે. તેથી તે હત્યાકાંડ માટે તેમને સજા થવી જોઈએ," તેમણે કહ્યું.
'આખો પરિવાર ગુમાવી દીધો'
નિયાઝ તેના પરિવારમાં એકલી જ વ્યકિત છે. તેમણે આ ઘટનામાં પોતાનાં માતા-પિતા, ભાઈ અને ત્રણ બહેનોને ગુમાવ્યાં છે. એ લોહિયાળ રાત વિશે તેમણે બીબીસી સાથે વાતચીત કરી હતી :
"તે ભયાનક સમય હતો. તે સમયે શહેરમાં પાવર કટ હતો. દિવસે એલટીટીઈએ ઇવાવુર નજીક બ્રિક વૉલ પાસે સૈનિકો પર હુમલો કર્યો હતો. જેના કારણે તંગ પરિસ્થિતિ જોવા મળી હતી."
નિયાઝે ઘટનાનું વર્ણન કરતાં કહ્યું, "અમારા પરિવારમાં માતા, પિતા અને બાળકો સહિત સાત લોકો હતાં. હું ઘરમાં સૌથી મોટું સંતાન હતો. સૌથી નાની બહેન માત્ર છ મહિનાની હતી. ઘટનાના દિવસે અમારાં માતાપિતાના બંને પરિવારના સભ્યો પણ ત્યાં જ હતા. તે દિવસે અમારા ઘરમાં 23 લોકો હતા. રાતનો સમય હતો. લગભગ 10 વાગ્યા હતા અને અમે દૂરથી ગોળીબારના અવાજો સાંભળ્યા. અમારા ઘરની નજીકની મસ્જિદથી અમને અઝાન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી - શહેરમાં કંઈક થઈ રહ્યું છે. પછી મારા પિતા અને કાકા શું થઈ રહ્યું છે તે જોવા બહાર ગયા."
નિયાઝે કહ્યું કે ઘરને તાળું મારીને તેઓ અંદર બેઠા હતા ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. ઘરમાં રહેલા લોકોએ એનો જવાબ આપ્યો ન હતો અને સૌ મૌન રહ્યા હતા.
"દરવાજે બીજી વાર ટકોરા પડ્યા. ત્યાં જ મારી છ મહિનાની બહેને ચીસો પાડી. તે બહાર ઊભેલા લોકોએ કદાચ સાંભળી લીધી હતી. મેં બહાર કોઈને એમ બોલતા સાંભળ્યા કે, 'રંજનના ઘરની અંદર લોકો છે'. તે પછી બહાર ઊભેલા લોકોએ અમારા ઘરનો દરવાજો તોડવાનું શરૂ કર્યું. અમે બીજો દરવાજો ખોલ્યો અને બાજુના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. ત્યાં જ ટાઇગર્સ અમને મળ્યા. ત્યાંથી તેઓ અમને બંદૂકની અણીએ શેરીમાં લાવ્યા. ત્યાં અમે બે લોકોને મૃત હાલતમાં પડેલા જોયા. મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં.”
થોડીવાર મૌન રહ્યા પછી તેમણે ફરીતી બોલવાનું શરૂ કર્યું.
"મારા પિતા અને કાકા શેરીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પછી તેમણે અમને ત્યાં દિવાલની બાજુએ ઘૂંટણિયે બેસવાનું કહ્યું. તેમણે અમને અર્ધવર્તુળમાં ઘેરી લીધા. બાજુમાં એક એલટીટીઈ સભ્ય ઊભો હતો. તેણે પૂછ્યું, 'શું હું ગોળી મારી શકું?' ત્યાં સુધીમાં એક ઊંચી વ્યક્તિએ અમારા પર ગોળીબાર શરૂ કરી દીધો. તે દાસ તરીકે ઓળખાતા ટાઈગર્સનો એક સ્થાનિક નેતા હતો. જ્યારે બૉમ્બ ફૂટ્યો ત્યારે મારી કાકી મારી બાજુમાં હતી અને તેણે મને ગળે વળગાડી દીધો હતો. એ પછી હું બેહોશ થઈ ગયો. પછી થોડા કલાકો સુધી શું થયું તે ખબર નથી."
તે ઘટનામાં માતા, પિતા અને ચાર ભાઈઓ સહિત નિયાઝના પરિવારના તમામ સભ્યો માર્યા ગયા હતા. પરંતુ નિયાઝ બચી ગયા હતા. એ રાત્રે તેમના ઘરના 23માંથી 18 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે ઉછરેલા નિયાઝે વતનમાં લગ્ન કરી લીધાં છે. હવે તેમની ઉંમર 48 વર્ષની છે અને તેમને બે દીકરીઓ છે. નિયાઝ હાલમાં શ્રીલંકા ટ્રાન્સપૉર્ટ બૉર્ડમાં કામ કરે છે.
'મેં દાસને ઓળખી લીધો હતો'
નિયાઝ જ્યાંથી ભાગી ગયા હતા, એ જ જગ્યાએ એલટીટીઇના ગોળીબારમાં બચી ગયેલી અન્ય એક વ્યક્તિ આઇ. એમ. મુસ્તફા હતી. મુસ્તફા કહે છે કે તે સમયે તેઓ 12 વર્ષના હતા. એલટીટીઈ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેને જાંઘ અને પેટમાં ઈજાઓ થઈ હતી. તેમણે તે ક્ષણો વિશે બીબીસી તામિલ સાથે વાત કરી :
"જ્યારે ટાઈગર્સે અમને ઘૂંટણિયે બેસાડ્યા, ત્યારે મારી મા અને મોટી બહેને મને તેમની પાછળ રાખ્યો હતો. જ્યારે ટાઈગર્સે અમારા પર ગોળીબાર કર્યો, ત્યારે અમે બધાં ઢળી પડ્યાં. એ વખતે મને કોઈ ગોળી વાગી ન હતી. પરંતુ મેં મારી આંખો ચુસ્તપણે બંધ કરી દીધી હતી, જાણે કે હું મરી ગયો હોઉં. ગોળીબાર પૂરો થયો. એ પછી એક માણસ લાંબી ટોર્ચ લઈને આવ્યો. તે કોઈ વ્યક્તિ જીવિત છે કે કેમ તે તપાસી રહ્યો હતો. તેઓ જાણતા હતા કે હું જીવતો છું કારણ કે જ્યારે તેમણે મારા ચહેરા પર ફ્લૅશલાઈટ ફેંકી ત્યારે મારાં પોપચાં પ્રકાશની ઝણઝણાટીમાં ફફડતાં હતાં. પછી કોઈએ મને લાત મારી. તેમણે મને દિવાલ પાસે રાખીને ગોળી મારી હતી.”
એ વખતે મુસ્તફાના પરિવારમાં તેની માતા અને બહેનની હત્યા કરવામાં આવી હતી. મુસ્તફાએ કહ્યું કે તેમણે એલટીટીઈના સ્થાનિક નેતાઓમાંથી એક એવા દાસને હત્યા કરતા જોયો હતો અને તેમણે તેને પહેલાં પણ ઘણીવાર જોયો હતો.
દાસ પાછળથી કાલુવાંકેની ખાતે સેના સાથેની લડાઈમાં માર્યો ગયો હતો. તેના મૃતદેહને ઇરાવુરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. "મેં જઈને મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.” મુસ્તફાએ કહ્યું.
ઝાહિરાનો સંઘર્ષ હજુ પણ ચાલુ
આ હત્યાંકાડના એક પીડિતા ઝાહિરા પણ છે. ઝાહિરાને પણ ગોળી મારવામાં આવી હતી પરંતુ તેઓ બચી ગયાં હતાં.
ઝાહિરા જણાવે છે કે ગોળી તેમના પેટમાં પ્રવેશવાને કારણે તેમના મૂત્રાશયને નુકસાન થયું હતું. તેઓ હવે 49 વર્ષનાં છે. ઘટના બની ત્યારે તે 10મા ધોરણમાં ભણતાં હતાં.
હુમલાના દિવસે ઝાહિરા તેમનાં નાના-નાનીનાં ઘરે હતાં. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા કાથનકુડીની મસ્જિદોમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમો પર એલટીટીઈના હુમલાને કારણે અને એ જ ઘટનાની પછીની સવારે નવા બજાર વિસ્તારમાં બૉમ્બ વિસ્ફોટને કારણે શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી.
"તે દિવસોમાં, એલટીટીઈના ઑપરેટરો ઘણીવાર મારા નાનાના ઘરે આવતા અને નાના પાસેથી બંદૂકની અણી પર પૈસાની માંગણી કરતા. તેમની પાસેથી ટ્રેક્ટર લઈ લેતા અને તેને પોતાના ઉપયોગ માટે એલટીટીઈ પાસે લઈ જતા. ક્યારેક તેઓ ડીઝલની પણ માંગણી કરતા. મેં આ નરી આંખે જોયું છે. તેના કારણે અમને ડર હતો કે ટાઈગર્સ હંમેશાં ઘરે આવી જશે."
"જ્યારે અમે સૂતાં હતાં, ત્યારે મારા એક કાકાએ આવીને અમને જગાડ્યાં અને કહ્યું કે તેણે દૂરથી ગોળીબારનો અવાજ સાંભળ્યો છે. તેથી અમે ઘરની બહાર નીકળ્યાં. હું જ્યારે વાડના સહારે છુપાઈને ભાગી રહી હતી, ત્યારે એલટીટીઈ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં હું ઘાયલ થઈ હતી”
એ ઈજાઓ સાથે તેઓ આ ઘટનામાં બચી ગયાં હતાં અને ત્રણ મહિના સુધી ઍડરાવુર, બટ્ટીકાલોઆ, પોલાનારુઈ અને કૅન્ડીની હૉસ્પિટલોમાં તેની સારવાર કરવામાં આવી હતી. તે દિવસે બનેલી ઘટનામાં ઝાહિરાના નાનાનું મૃત્યુ થયું હતું. એલટીટીઈના હુમલામાં ઇરાવુરમાં કુલ 121 લોકો માર્યા ગયા હતા. વૃદ્ધો, શિશુઓ અને ગર્ભવતી મહિલાઓની પણ હત્યા કરવામાં આવી હતી.
30થી વધુ વર્ષોના ગૃહયુદ્ધમાં, મુસ્લિમોએ પણ તામિલોની જેમ ઘણું જાનમાલનું નુકસાન વેઠ્યું છે. અબ્દુલ લતીફનું કહેવું છે કે એલટીટીઈ મોટી સંખ્યામાં મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી.