બોટાદમાં કડદા વ્યવસ્થા સામે આપના આંદોલનની કપાસના ભાવ પર શું અસર પડી છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, બોટાદથી

બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં કપાસની ખરીદીમાં ચાલતી કથિત કદડા પ્રથા તથા ખેડૂતોએ ભોગવવી પડતી અન્ય સમસ્યાઓ સામે ગત શુક્રવારથી આપના નેતા રાજુ કરપડાની આગેવાની હેઠળ ચાલુ થયેલા જાહેરવિરોધનાં અણધાર્યા પરિણામો આવ્યાં છે.

બુધવારે કપાસની હરાજી ફરી શરૂ થઈ, ત્યારે ખેડૂતોએ કપાસના ઓછા ભાવો, માલને નકાર તથા કડદાની સાથે ઊભી થયેલી નવી સમસ્યા અંગે વ્યથા ઠાલવી હતી.

વેપારીઓ ખેડૂતોની જણસમાં ગુણવતા અંગે સવાલ ઊઠાવી રહ્યા છે. એપીએમસી મૅનેજમેન્ટે વિવાદને ઉકેલવા પ્રયાસ કર્યા છે અને તેમનો દાવો છે કે દિવાળી પછી તમામ સમસ્યાનો ઉકેલ આવી જશે.

ગત શુક્રવારે આમ આદમી પાર્ટીની કિસાન પાંખના વડા રાજુ કરપડાએ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનાં વિરોધપ્રદર્શનનું નેતૃત્વ લીધું હતું, જેના કારણે શનિવારે સબયાર્ડની કામગીરી બંધ રહી હતી. એ પછી રવિવારે કિસાન મહાપંચાયત ઉગ્ર બની હતી.

અંતે ટોળાને વિખેરવા પોલીસે ટિયરગૅસના શૅલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી, જેમાં આંદોલનનું નેતૃત્વ લેનારા કરપડાનો પણ સમાવેશ થાય છે.

કપાસના ભાવ કેટલા ગગડ્યા?

આ હિંસા બાદ બીબીસીએ 15 ઑક્ટોબરે (બુધવાર) હડદડ માર્કેટિંગયાર્ડની મુલાકાત લીધી ત્યારે ખેડૂતોએ ફરિયાદ કરી કે વેપારીઓએ કપાસના ભાવ જ ઘટાડી નાખ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે આ સિવાય જો હરાજી બાદ કપાસની ગુણવત્તા બાબતે કોઈ વિવાદ થાય તો વેપારીઓ કપાસ સ્વીકારવાની ઘસીને ના પાડી દે છે, જેથી તેમને કપાસ ફરી વાર વેચવા માટે યાર્ડમાં લાવવાની ફરજ પડી રહી છે.

અગાઉ વેપારીઓ દ્વારા કડદો કરીને માલને ખરીદી લેવામાં આવતો હતો.

બુધવારે બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબ-યાર્ડમાં અંદાજે 1400 વાહનોમાં ભરાઈને સવા લાખ મણ કપાસ વેચાવા આવ્યો હતો. હરાજી દરમિયાન મોડાલ પ્રાઇસ (જે ભાવે સૌથી વધારે કપાસના જથ્થા વેચાય તે કીંમત) 1,350 રૂપિયા પ્રતિ મણ હતી.

બોટાદના રાણપુર તાલુકાના એક ખેડૂતે તેમનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "કપાસના ભાવ દોઢસો-બસો રૂપિયા (મણદીઠ) નીચા રહ્યા. અમારે મણના રૂ. 1,300 આવ્યા છે... કારણ એવું લાગે છે કે દિવાળી આવે છે એટલે બધાને પૈસાની જરૂર હોય, એટલે ખેડૂત પૈસા મેળવવા માટે માલ વધારે લાવે. આથી, થોડાંક વાહન વધ્યાં હોય એટલે વેપારીઓએ થોડું (બજાર) દબાવ્યું હોય તેવું બની શકે."

"આંદોલનનાં ઓળામાં માનોને કે (બીજું કંઈ) પહેલાં કપાસ સારો હોય તો રૂ. 1,450,1,500,1,550 ભાવ (મણદીઠ) આવતા. પરંતુ આજે (બુધવારે) તો લગભગ કોઈનો કપાસ રૂ.1,500 માં ગયો જ નથી...અત્યારે તો કડદા પ્રથા સાવ બંધ જ છે. અહીંથી જ નીચા ભાવે ખરીદે એટલે કડદો કરવાનું કઈ રહેતું નથી."

બોટાદ એપીએમસીના ચૅરમૅન મનહર માતરિયાએ પણ સ્વીકાર્યું કે કપાસના ભાવોમાં ઘટાડો થયો છે. તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું:

"વેપારી હોય ક્વૉલિટી જોઈને માલ લેતો હોય. એને જે વ્યવસ્થા મળતી હોય, તેના આધારે માલની ખરીદી કરતો હોય. પરંતુ હવે એક પછી વસ્તુ જ નક્કી હોય કે કડદો કોઈ સંજોગોમાં ચલાવી લેવાનો નથી, ત્યારે ખેડૂતોને પણ થોડીક માઠી અસર પડશે. તેનાં કારણો છે."

"અંદર માલ મોળો-સારો હોય પણ જે-તે સમયે હરાજીમાં તો પાછળથી (ઠાઠા) જોઈને જ લેતા હોય. પણ ઘણા સમયથી આ કડદાવાળો વિષય છે. ત્યારે અંદરથી રૂ. પાંચ-પચ્ચીસનો માલ મોળો નીકળશે એમ સમજીને જ જયારે વેપારી ખરીદી કરતો હોય, તેને કારણે ખેડૂતોને નુકશાન થાય તેમ હું માનું છું."

એપીએમસીના સેક્રેટરી અનક મોભે પણ સ્વીકાર્યું કે ભાવ થોડા નીચા છે, પરંતુ તેમણે તેનાં કારણો બીજાં હોવાનું જણાવ્યું.

અનક મોભે કહ્યું, "ગત વર્ષ કરતાં આ વર્ષે ઑક્ટોબરમાં ભાવ નીચા છે, પરંતુ તેનું એક કારણ કપાસની રેકૉર્ડ-બ્રેક આવક છે. બુધવારે કપાસનાં 1,400 વાહન આવ્યાં હતાં અને લગભગ સવા લાખ મણ કપાસની અવાક થઈ હતી. ગુરુવારે 1,800 વાહન આવ્યાં અને સવા લાખ મણ કરતાં પણ વધારે કપાસની આવક નોંધાઈ."

"અમારા યાર્ડમાં કપાસની આટલી આવક પહેલાં નોંધાઈ નથી. કપાસની આવક વધી છે તેની સામે માંગમાં તેટલો વધારો થયો નથી. તેથી, ભાવ ઘટ્યા છે."

ઍગમાર્કનેટ પર બોટાદના હડદડ કૉટન સબયાર્ડના ભાવની ઉપલબ્ધ માહિતી અનુસાર, ગત વર્ષે ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં કપાસની મોડાલ પ્રાઇસ રૂ. 1400 થી વધારે હતી, પરંતુ આ વર્ષે ઑક્ટોબરમાં મોડાલ પ્રાઇસ રૂ. 1,300થી 1,390ની રેન્જમાં રહી છે.

આપના વિરોધથી કપાસના વેપારની પદ્ધતિમાં ફેરફાર થયો?

જો ખેડૂત ટ્રેક્ટર, છકડો રીક્ષા કે મિની ટ્રકમાં છૂટો કપાસ ભરીને વેચાણ માટે યાર્ડમાં લાવે તો કપાસના આવા જથ્થાને 'પાલ' કહેવાય છે. કેટલાક ખેડૂતો તેમના કપાસની ગાંસડીઓ બાંધી પછી તેને વાહનમાં લાદીને પણ યાર્ડમાં વેચાણ માટે લાવે છે.

મનહરભાઈ માતરિયાએ જણાવ્યું કે બોટાદમાં વેચાવા આવતા કપાસમાંથી 80 ટકા કરતાં પણ વધારે કપાસ પાલ સ્વરૂપે આવે છે.

ગાંસડીમાં બાંધેલો કપાસ એક રીતે 'નાનાં-નાનાં યુનિટ'માં વહેંચાયેલો હોય છે. તેથી વેપારીઓ દરેક ગાંસડીમાં રહેલા કપાસની ગુણવત્તાને ચકાસવા માટે દરેક ગાંસડીમાંથી નમૂનો લઈને ચકાસણી કરવાની રહે છે.

બીજી બાજુ, પાલમાં આખું વાહન જ 'એક યુનિટ' હોય છે. વળી, હરાજી વખતે વાહનના ઠાઠામાં (પાછળના ભાગમાં) ભરેલો કપાસ ખુલ્લો જ હોય છે. વેપારીઓ તેમાંથી નમૂનો લઈને વાહન લાદેલો કપાસ જોઈ, તેના નમૂના લઈને હરાજી દરમિયાન ભાવ બોલતા હોય છે.

હરાજીમાં કપાસ વેચાઈ ગયા બાદ ખેડૂત જે વેપારીએ તેનો કપાસ ખરીદ્યો હોય તેના ગોડાઉન કે જિનિંગ ફૅક્ટરીએ કપાસ ઊતારવા જાય છે.

ફૅક્ટરીમાં વાહનમાંથી કપાસ ખાલી કરતી વખતે વાહનના આગળના ભાગમાં કે તળિયે રહેલા કપાસની ગુણવત્તા ઠાઠાંના ભાગે રહેલા કપાસ કરતાં ઊતરતી હોય તો વેપારી ખેડૂતને ફરિયાદ કરે છે.

ખેડૂતોએ બીબીસીને જણાવ્યું કે તાજેતરના જાહેરવિરોધ પછી વેપારીઓએ કડદો કરવાનું બંધ કરી દીધું છે.

બોટાદ જિલ્લાના તરઘારા ગામના ખેડૂત કિસ્મતભાઈ પટેલે કહ્યું, "કપાસ જીનમાં લઈ જાય એ પછી જુએ અને ઊભું રાખી દે. પછી રૂ. 50 કે 100 ભાવ તોડે. આ આંદોલનને કારણે તે બધું થયું એટલે ઈ (વેપારીઓ) અત્યારે પાછું મોકલી દે છે. (ભાવ) કાપતા નથી. ઘણાય ટ્રૅક્ટર અહીં પાછા આવે છે."

રાણપુર તાલુકાના બે ખેડૂતોએ તેમના નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને તેમના કપાસ વેચાણનાં કાગળો બતાવી દાવો કર્યો કે કપાસ ખરીદ્યા બાદ વેપારીઓએ ગુણવત્તા બાબતે ફરિયાદ કરી કપાસ રિજેક્ટ કરતા તેમને પોતાનો કપાસ બુધવારે એક જ દિવસમાં બે વાર હરાજીમાં મૂકવાની ફરજ પડી હતી.

તેમાંના એક ખેડૂતે કહ્યું, 'મારા કપાસની હરાજી થઈ. તેમાં મારો કપાસ રૂ. 1,470 પ્રતિમણના ભાવે વેચાઈ ગયો. વેપારીના કહેવા મુજબ, તેની જિનિંગ ફૅક્ટરીએ હું કપાસ ખાલી કરવા ગયો. ત્યાં થોડો કપાસ ખાલી કર્યો, તો મને કહેવામાં આવ્યું કે કપાસની ગુણવત્તા બરાબર નથી અને આ કપાસ નહીં ચાલે. તેથી, હું કપાસ લઈને પાછો યાર્ડમાં આવ્યો અને બીજી વાર હરાજીમાં મૂક્યો. બીજી વારમાં મને રૂ. 1,400 નો જ ભાવ મળ્યો.'

બીજા ખેડૂતે પણ આવી જ ફરિયાદ કરી અને કહ્યું કે પહેલી વારમાં તેમનો કપાસ રૂ.1,435માં વેચાયો હતો, પરંતુ બીજી વાર તેમને માત્ર રૂ. 1,365 (મણદીઠ) ભાવ મળ્યો.

વેપારીઓ અને એપીએમસી શું કહે છે?

મનહર માતરિયાએ બીબીસીને કહ્યું કે હરાજી બાદ ગુણવત્તા બાબતે વિવાદ થાય તો યાર્ડે તેના ઇન્સ્પેટરને ફૅક્ટરીએ મોકલીને તેનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરી છે. સાથે જ ઉમેર્યું હતું કે બુધવારે તેમને આવી કોઈ ફરિયાદો મળી ન હતી તથા કોઈ વાહન પરત આવ્યું ન હતું.

મનહર માતરિયાએ ઉમેર્યું હતું કે જો કોઈ વેપારીની જિનિંગ ફૅક્ટરી યાર્ડથી છ કિલોમીટરથી દૂર આવેલી હશે, તો તે વધારાનાં અંતરનું ભાડું વેપારીએ ભોગવવું પડશે તેવો નિર્ણય પણ એપીએમસીએ કર્યો છે, પરંતુ તેના ભાડાનો દર નક્કી કરવાનો હજુ બાકી છે.

બોટાદ એપીએમસીના ચૅરમૅન મનહર માતરિયાએ બીબીસીને કહ્યું, "વેપારીઓને (કપાસની) ગાંસડી બાંધીને બીજાં રાજ્યોમાં વેચવાની હોય છે. જો ક્વૉલિટી વગરની વસ્તુ લે, તો તે લોકોને પણ (કપાસ) ન વેચાય."

"પૈસા તો વેપારીએ ખેડૂતને આપવાના જ છે. આવા સંજોગોમાં જયારે ક્વૉલિટી બિલકુલ (નીચી હોય), દાખલા તરીકે, વરસાદને કારણે કપાસ પલળેલો હોય કે જીવાતને કારણે ખરાબ થઈ ગયેલો હોય તો વેપારી લેવાની ના પાડી દે છે."

બોટાદ કૉટન ઍસોસિયેશન તરીકે જાણીતા કપાસના વેપારીઓના સંગઠનના પ્રમુખ જયંતીભાઈ પટેલે બીબીસીને કહ્યું કે ખેડૂતે વેચાણ માટે લાવેલા કપાસની ગુણવત્તા ચકાસી લેવાની પ્રાથમિક જવાબદારી કમિશન એજન્ટોની છે.

જયંતીભાઈ પટેલે કહ્યું કે હરાજી દરમિયાન દેખાડવામાં આવેલી ક્વૉલિટી મુજબનો કપાસ નીકળે, તો કોઈ વેપારી ખેડૂતોને જિનિંગ ફૅક્ટરીએથી પરત મોકલતા નથી.

જયંતીભાઈ પટેલે કહ્યું, "વર્ષોથી એ પ્રથા છે કે જો માલ પ્રમાણે માલ હોય તે ઉતરી જાય છે, પણ જો હલકો માલ નીકળે તો તે યાર્ડમાં જઈને ફરી વાર વેચી દે છે."

જયંતીભાઈએ આક્ષેપ કર્યો કે આ આંદોલન રાજકીય લાભ લેવા માટે અને બોટાદ યાર્ડને બદનામ કરવા માટેનું કાવતરું છે.

જયંતીભાઈ પટેલે કહ્યું, "ભાવ ડિફરન્સની વાત કરે છે તે સાવ ખોટી જ છે. માર્કેટ યાર્ડમાં (દરરોજ) આટલી મોટી, લાખ-લાખ મણની આવક થતી હોય અને હજાર-પંદરસો વાહન આવતાં હોય, ત્યારે વેપારીઓ કપાસ એક મિનિટ સુધી જુએ, તો પણ હરાજી ત્રણ દિવસે પૂરી ન થાય."

"તેથી, પાછળનો ભાગ (ઠાઠાં) ખુલ્લો કરીને હંમેશા હરાજી થતી હોય છે અને તે રીતે વેપારીઓ માલ ખરીદતા હોય છે."

જયંતીભાઈ પટેલ કહે છે, "વિવાદનો કોઈ પ્રશ્ન નથી. વિવાદ થતાં જ નથી. રાજકીય લાભ લેવા માટે અને ફૉલોઅર્સ વધારવા માટે ઉપજાવી કાઢેલી આ વાત છે... આજના દિવસે 1500 વાહન લઈને ખેડૂતો આવતા હોય એ જો ભાવ કપાઈ જતા હોય કે નીચા આવતા હોય તો કોઈ ખેડૂત લઈને આવે નહીં."

જયંતીભાઈએ ઉમેર્યું કે બોટાદ નજીક પાળિયાદ, રાણપુર, લીંબડી, સાયલા, ગઢડા, લાઠીદડ, બરવાળા, વલ્લભીપુર વગેરે શહેરોમાં પણ એપીએમસી છે, તેમ છતાં તે વિસ્તારના ખેડૂતો પણ વધારે વાહનભાડું આપીને તેમનો કપાસ બોટાદ વેચવા આવે છે.

જયંતીભાઈ પટેલે કહ્યું, "ભાડું વધારે દઈને જો ખેડૂત બોટાદમાં આવતા હોય, ત્યારે જો ભાવફેર અને બહુ હેરાનગતિ થતી હોય, તો કોઈ પણ જગ્યાએ ખેડૂત માલ લઈને આવે નહીં, આ આવક જ દેખાડે છે કે ખેડૂત અહીં હેરાન થતો નથી."

કડદાના કકળાટની પૃષ્ઠભૂમિ

એપીએમસીમાં (ઍગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ) હરાજી દ્વારા કપાસના ભાવ અને વેચાણ થઈ ગયા બાદ ખરીદનાર વેપારી ખેડૂતનાં વાહનોમાંથી કપાસ ઠાલવતી વખતે તે કપાસની ગુણવત્તા ઊતરતી છે તેવી ફરિયાદ કરી ખેડૂતને હરાજીમાં મળેલા ભાવમાં ઘટાડો કરે તેને 'કડદો' કર્યો કહેવાય.

હરાજી બાદ વેપારીની દૂરની જિનિંગ ફૅક્ટરી સુધી કપાસ પહોંચાડવાની જવાબદારી ખેડૂત પર નખાય છે, જેનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના (આપ) નેતા રાજુ કરપડાએ દાવો કર્યો છે કે બોટાદ એપીએમસીમાં પ્રચલિત કડદા પ્રથા અને કપાસ નાખવાની ખેડૂત પરની જવાબદારી તેમને અન્યાયી છે. એટલે કરપડાએ તેની નાબૂદી માટે આંદોલન છેડ્યું.

આ આંદોલનના ભાગરૂપે રાજુ કરપડાએ ગત શુક્રવારે (10 ઑક્ટોબરે) બોટાદ શહેર નજીક હડદડ કૉટન સબયાર્ડમાં (કપાસનું પેટા યાર્ડ) વિરોધ કરી હરાજી અટકાવી હતી. ત્યાર પછી કરપડા અને તેમના સમર્થકો કૉટન સબયાર્ડમાં જ ધારણા પર બેસી ગયા હતા.

પરિણામે 11 ઑક્ટોબરે કૉટન સબયાર્ડમાં કપાસનો વેપાર બંધ રહ્યો હતો, પોલીસે એ જ દિવસે કરપડાની અટકાયત કરી તેમને ત્યાંથી હઠાવી દીધા હતા.

ગત શુક્રવારે આમ આદમી પાર્ટીની કિસાન પાંખના વડા રાજુ કરપડાએ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનાં વિરોધપ્રદર્શનનું નેતૃત્વ લીધું હતું, જેના કારણે શનિવારે સબયાર્ડની કામગીરી બંધ રહી હતી. એ પછી રવિવારે કિસાન મહાપંચાયત ઉગ્ર બની હતી.

રવિવારે, 12 ઑક્ટોબરના રોજ રાજુ કરપડાએ હડદડ ગામમાં કિસાન મહાપંચાયતને સંબોધી હતી.

મંજૂરી વગરની આ સભાને રોકવા માટે પોલીસ ત્યાં પહોંચી, ત્યારે તેમની ઉપર કથિત રીતે પથ્થરમારો થયો હતો. તેમાં પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી અને પોલીસનાં બે વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.

અંતે ટોળાને વિખેરવા પોલીસે ટિયરગૅસના શૅલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી, જેમાં આંદોલનનું નેતૃત્વ લેનારા કરપડાનો પણ સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન