You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : "અમારી જ મહેનતના પૈસા લેવા રજૂઆતો કરવી પડે", બટેટાની ખેતી કરનારા ખેડૂતો મુશ્કેલીમાં કેમ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
બજારમાં મળતી સ્વાદિષ્ટ વેફર કે ફ્રેન્ચ ફ્રાઇઝ તો તમે ખાતા જ હશો, આ વેફર કે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે વપરાતાં બટાકાંની ખેતીમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આગળ છે.
વર્ષ 2024માં ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરી ખાતે ઉપલબ્ધ આંકડા અનુસાર ગુજરાતમાં 1.52 લાખ હેક્ટરમાં બટાકાંનું વાવેતર નોંધાયું હતું. આ વાવેતર વિસ્તાર પાછલાં ત્રણ વર્ષમાં નોંધાયેલા 1.31 લાખ હેક્ટરની સરખામણીએ લગભગ 21,000 હેક્ટર જેટલું વધારે હતું.
વેફર કે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસે કરાર આધારિત ખેતી કરાવે છે.
આ કરાર આધારિત બટાકાંની ખેતી કરતાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ તેમને પડતી સમસ્યાઓ અંગે આક્ષેપ કર્યા છે કે કરાર આધારિત ખેતીમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ આપવામાં આવતું નથી, અલગ-અલગ કારણો ધરીને માલની કપાત આપવામાં આવે છે તેમજ ખરાબ બિયારણ હોય તો પણ વળતર આપવામાં આવતું નથી કે યોગ્ય સમયે વળતર આપવામાં આવતું નથી જેવા મુદ્દાઓ અંગે સરકારમાં રજૂઆત કરી છે.
વર્ષ 2024-25માં વાવેતર કરેલાં બટાકાંની સમસ્યા અંગે ખેડૂતો જુલાઈ મહિનથી રજૂઆત કરી રહ્યા છે.
જોકે ખેડૂતોનું કહેવું છે કે મહિનાઓથી વારંવાર રજૂઆત છતાં તેમના પ્રશ્નોનું સમાધાન થયું નથી.
કૃષિવિભાગનું કહેવું છે કે બિયારણ અને કપાત અંગે કંપનીઓ ખેડૂતોની માંગથી સહમત થઈ છે.
બટાકાંના ખેડૂતોના મુદ્દાઓ શું છે?
વેફર કે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવતી કંપનીઓ દ્વારા ખેડૂતો પાસે કરાર કરવામાં આવે છે. જેમાં વાવણી થયા પહેલાં જ માલના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ કંપની કે કંપનીએ નક્કી કરેલા વેન્ડર દ્વારા જ ખેડૂતોને બિયારણ આપવામાં આવે છે. કરારથી ખેતી કર્યા બાદ ખેડૂતોએ તે પાક કંપનીને જ આપવાનો હોય છે. બહાર માર્કેટમાં તે વેચી શકાતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતોની માંગ છે કે તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સર્ટિફાઇડ બિયારણ આપવામાં આવે, બિયારણનું પાકું બિલ આપવામાં આવે, ભરાવેલા માલમાં ખોટી કપાત આપવામાં ન આવે, વેન્ડર દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે માટે વચેટિયા વેન્ડર દૂર કરવામાં આવે.
ખેડૂતોએ જે કંપનીઓ પાસે કરાર કરે છે તે ઇસ્કોન બાલાજી ફૂડ ,પેપ્સીકો ફૂડ, ફનવેવ ફૂડ,મકેઇન ફૂડ, હાયફન ફૂડ, ફાલ્કન એગ્રીફ્રીજ ફૂડ કંપની સામે આક્ષેપ કર્યા છે. બીબીસી ગુજરાતીએ આ તમામ કંપનીઓને તેમના પક્ષ જાણવા માટે મેઇલ કર્યા છે. જો કે આ કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ જવાબ મળેલ નથી. કંપનીઓ તરફથી જવાબ મળશે તો તરત જ અહીંયા ઉમેરવામાં આવશે.
ગુજરાતમાં બટાકાં વાવતાં ખેડૂતોનું શું કહેવું છે?
સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લાના ખેડૂતોએ તેમના પ્રશ્નો અંગે તેમના વિસ્તારના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ કૃષિમંત્રી, સહકાર મંત્રી વગેરેને મળીને રજૂઆત કરી છે. તેમ છતાં તેમની સમસ્યાનું સમાધાન આવ્યું નથી. ખેડૂતોએ આ અંગે સભાઓ પણ કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના બેરણા ગામના ખેડૂત હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કેટલીક કંપનીઓ ત્રણ વર્ષના કરાર કરે છે તો કેટલીક કંપનીઓ છ મહિનાના કરાર કરે છે. છ મહિના કરારમાં એક સિઝનનો કરાર હોય છે."
બટાકાં ખેડૂત ન્યાય સંગઠનના પ્રમુખ પ્રિયંક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમે બિયારણની ખરીદી કરીએ ત્યારે અમારે તેના 50 ટકા પૈસા ચુકવવાના હોય છે. અમે જે બિયારણ લાવીએ તેમાં એક કટ્ટામાં 1.5 કિલો સુધી ખરાબ નીકળે તો અમે પૈસા આપતા નથી. પરંતુ 1.5 કિલો ઉપર જે પણ બિયારણ ખરાબ નીકળે તેના પૈસા અમને પાછા આપવાના હોય છે. કંપની તે પૈસા પાંચ -છ મહિનાઓ સુધી આપતી નથી. તેમજ ઇસ્કોન બાલાજી કંપની દ્વારા તો 2024-25ની સિઝનમાં અઢી કિલો બિયારણ ખરાબ હતું ત્યાં સુધીના પૈસા આપ્યા નથી. અમારે ખેડૂતોએ અમારી જ મહેનતના પૈસા લેવા માટે રજૂઆતો કરવી પડે છે."
ઈડર તાલુકાના રેવાસ ગામના ખેડૂત યોગેશ પટેલ જેઓ છેલ્લાં આઠ વર્ષથી કરાર આધારિત બટાકાંની ખેતી કરે છે.
યોગેશ પટેલ જણાવે છે કે "મે ગયા વર્ષે 490 કટ્ટા બટાકાનું બિયારણ લીધું હતું. જેમાંથી 145 કટ્ટાનું અંકુરણ (જર્મીનેશન) જ ના થયું. જે સાડા પાંચ વિઘા જમીન હતી. એક વિઘામાં બટાકાંના વાવેતરમાં ખાતર અને મજૂરીનો ખર્ચ 50થી 55 હજારનો થાય છે. જેથી અમારી માંગ છે કે ખેડૂતોને યોગ્ય ગુણવત્તાનું સર્ટિફાઇડ બિયારણ આપવામાં આવે."
પાકનું અંકુરણ થતું નથી તે અથવા તો અન્ય કોઈ કારણસર જે પાકનું નુકસાન થાય છે તે અંગે કંપની દ્વારા બિયારણના પૈસા ચુકવવાના હોય છે પરંતુ તે પણ ચુકવવામાં આવતા ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
અરુણ પટેલ જણાવે છે કે, "બિયારણની વાવણી બાદ કંપનીના ફિલ્ડ ઑફિસર દ્વારા સમયાંતરે ખેતરની મુલાકાત લેવામાં આવતી હોય છે. જો કે હકીકત એવી છે કે વળતર ચુકવવાના સમયે કંપની દ્વારા રાખવામાં આવેલા વેન્ડરો દ્વારા ખેડૂતોને સમયરસ અને યોગ્ય વળતર ચુકવવામાં આવતું નથી. અમે સરકારમાં મંત્રીઓને આ અંગે રજૂઆત કરી છે."
ખેડૂતોના આક્ષેપ છે કે ખેતરમાંથી બટાકાંના કટ્ટાની ગાડી ભરીને કંપનીએ નક્કી કરેલા કોલ્ડ સ્ટોરેજમાં મોકલવામાં આવે ત્યાં અમારા 50 કિલોના કટ્ટામાં 45 કિલો કે તેથી ઓછું વજન ગણવામાં આવે છે. બાકીના પાંચ કિલો કે તેથી વધુ બટાકાં કપાત ગણવામાં આવે છે.
આ અંગે યોગેશ પટેલ કહે છે કે, "બટાકાં કપાયેલાં હતાં, બટાકાંની સાઇઝ નાની હતી, બટાકાંમાં સફેદ કે કાળો ડાઘ થઈ ગયો હતો તેવાં કારણો આપીને બટાકાંની કપાત કરવામાં આવે છે. પરંતુ આ કપાત કરેલાં બટાકાં ક્યાં ગયા તે અંગે જાણ કરવામાં આવતી નથી."
આ અંગે પ્રિયંક પટેલ કહે છે કે "ખેડૂત ખેતરમાંથી માલ ભરાવે છે ત્યારે કંપનીના કે વેન્ડરના કર્મચારીઓ હાજર જ હોય છે. તેમને જે માલ ખરાબ લાગે તે ખેતરમાંથી જ ન ભરાવો જોઈએ. કોલ્ડ સ્ટોરેજ પર પહોંચ્યા બાદ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારા માલમાં ખરાબી હતી કહીને કપાત કરવામાં આવે છે, જેથી ખેડૂતોને નુકસાન જાય છે."
નવા ગામના ખેડૂત અરુણભાઈ 150 વિઘા જમીનમાં છેલ્લાં 10 વર્ષથી બટાકાની કરાર આધારિત ખેતી કરે છે. અરુણભાઈ કહે છે કે "સર્ટિફાઇડ બિયારણ આપવામાં આવતું નથી. બિયારણમાં ક્યારેક વાયરસ આવી જાય છે જેની જમીન પર અસર થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે છે. જેને કારણે દિવસે દિવસે પ્રોડક્શનમાં ઘટાડો જોવા મળે છે."
તેઓ કહે છે કે, "અમારા જ પાકના પૈસા લેવા માટે અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે. કરાર મુજબ ખેતરમાંથી અમારા બટાકાં ગાડીમાં ભરાઈ ગયા બાદના 15 દિવસમાં અમને પૈસા ચુકવવાનો હોય છે. પરંતુ અમને બે- બે મહિના બાદ પૈસા ચુકવવામાં આવે છે."
પ્રિયંક પટેલ કહે છે કે "આ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ પણ કરવામાં આવી હતી. તેમ છતાં અમારા પ્રશ્નોનું સમાધાન થયું નથી. મીટિંગ કરવામાં આવે છે પરંતુ તેનું સમાધાન આવતું નથી."
પ્રિયંક પટેલ કહે છે કે, "હવે ઠંડી શરૂ થઈ ગઈ છે થોડાક સમયમાં બટાકાનું વાવતર શરૂ થશે. ખાતરના બિયારણના ભાવ વધી રહ્યા છે તો ખેડૂતોને સારો ભાવ મળી રહે તે માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ."
પ્રિયંક પટેલ કહે છે કે, ઉત્તર ગુજરાતમાં ઇસ્કોન બાલાજી ફૂડ ,પેપ્સીકો ફૂડ, ફનવેવ ફૂડ,મકેઇન ફૂડ, હાયફન ફૂડ, ફાલ્કન એગ્રીફ્રીજ ફૂડ કંપની ખેડૂતો સાથે કરાર કરે છે. અમારી જે રજૂઆત છે તેમાં દરેક કંપનીના અલગ અલગ પ્રશ્નો છે. કેટલાક પ્રશ્નો દરેક કંપનીના છે."
કૃષિવિભાગે શું કહ્યું?
કરાર આધારિત બટાકાંની ખેતી કરતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી હતી, જે રજૂઆત અંર્તગત કૃષિવિભાગે ખેડૂતો અને કંપનીઓના પ્રતિનિધિ સાથે મીટિંગ ગોઠવી હતી.
આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઑફિસમાંથી મળેલી વિગતો અનુસાર ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને કૃષિવિભાગ દ્વારા ખેડૂતો અને તેમની સાથે કરાર કરતીં કંપનીઓ વચ્ચે મીટિંગ કરાવી હતી.
કૃષિવભાગે આપેલી માહિતી અનુસાર બિયારણના પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને ગણવત્તા ધરાવતું બિયારણ આપવું તેમજ જે બિયારણ બગળેલું હોય તેનું વળતર ચુકવવા અંગે ચર્ચા થઈ હતી. જે કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
આ સિવાય ખેડૂતોને માલ ભરાવ્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં ખરાબ માલ હોવાનું કહીને જે કપાત આપવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કંપનીઓએ એ વાતમાં સહમતી દર્શાવી હતી કે હવે ખેડૂતો ખેતરમાંથી માલ ભરે ત્યારે જ તેમનો કોઈ પ્રતિનિધિ હાજર રહેશે. જેથી કોલ્ડ સ્ટોરેજમાં ગયા બાદ કપાત અંગે જે પ્રશ્નો ઊભા થાય છે, તે ન થાય.
જોકે બીબીસી ગુજરાતીએ કંપનીને સંપર્ક કર્યો છતાં તેમના તરફથી જવાબ મળ્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન