You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ફ્રેન્ચ ફ્રાઇસે ખેડૂતનું નસીબ કેવી રીતે બદલી નાખ્યું, બટાકાની ખેતી કેમ વધી રહી છે?
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, ટેકનોલૉજી રિપોર્ટર
ફ્રૅન્ચ ફ્રાઇસે ગુજરાતના ખેડૂત જિતેશ પટેલનું નસીબ બદલી નાખ્યું છે.
તેઓ એવા વિસ્તારમાં ખેતી કરે છે જ્યાં પરંપરાગત રીતે કપાસનું ઉત્પાદન થાય છે, પરંતુ કપાસમાં વળતર બહુ ઓછું છે.
2001 અને 2002માં ગુજરાતમાં દુષ્કાળ વખતે હાલત એટલી ખરાબ થઈ કે જિતેશ પટેલે પાકમાં ફેરફાર કરવાનું નક્કી કરી લીધું.
તેઓ કહે છે, "અમે સમજી ગયા કે હવે કંઈક એવું ઉગાડવું પડશે જેમાં બહુ પાણીની જરૂર ન પડે."
તેથી તેમણે બટાટાનું વાવેતર શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે ઘરવપરાશના બટાટા વાવ્યા જે સ્થાનિક બજારમાં મળી રહે છે અને બધાં ઘરોમાં ખવાય છે, પરંતુ તેમાં પણ કપાસ કરતાં વધુ ફાયદો ન હતો.
તેથી તેમણે ગુજરાતમાં ફ્રેન્ચ ફ્રાઇસ બનાવતી કંપનીઓથી પ્રેરિત થઈને 2007માં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા બટાટાનું વાવેતર શરૂ કર્યું. તેમની આ કીમિયો સફળ સાબિત થયો.
પટેલ કહે છે કે ત્યારથી તેમણે ક્યારેય પાછા વળીને નથી જોયું.
ભારતને બટાટાના ક્ષેત્રમાં આગળ લાવવામાં જિતેશ પટેલ જેવા ખેડૂતોની ખાસ ભૂમિકા છે. ભારત પહેલેથી દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું બટાટા ઉત્પાદક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ નિકાસ બજાર, ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઇસનું બજાર તેજ ગતિએ વધી રહ્યું છે.
બટાકાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર
ફ્રેન્ચ ફ્રાઇસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રેસર બની ગયું છે. અહીં મોટી સંખ્યામાં ફૅક્ટરીઓમાં ચિપ્સનું ઉત્પાદન થાય છે. તેમાં કૅનેડાની ટોચની કંપની મેક્કેન ફૂડ્સ અને ભારતની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઇસ ઉત્પાદક કંપની હાઇફન ફૂડ્સની ફૅક્ટરીઓ પણ સામેલ છે.
ગુજરાતમાંથી ફ્રેન્ચ ફ્રાઇસ આખી દુનિયામાં નિકાસ કરવામાં આવે છે. કેટલાંય વર્ષોથી બટાટાના બજારનો અભ્યાસ કરતા દેવેન્દ્ર કે.ના કહેવા મુજબ સૌથી મહત્ત્વનું બજાર એશિયા છે જેમાં ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા સામેલ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય ફ્રોઝન ફ્રાઇસની માસિક નિકાસ પહેલી વખત 20 હજાર ટનનો આંકડો વટાવી ગઈ. ફેબ્રુઆરી સુધીમાં ભારતની ફ્રાઇસની કુલ નિકાસ 1.81 લાખ ટન હતી જે ગયા વર્ષ કરતાં 45 ટકા વધુ છે.
આ સફળતાનું એક મોટું કારણ તેના ભાવ પણ છે.
દેવેન્દ્ર કહે છે કે ભારતીય ફ્રોઝન ફ્રાઇસ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની સ્પર્ધાત્મક કિંમતના કારણે ઓળખાય છે.
તેમનું કહેવું છે કે 2024માં ભારતીય ફ્રાઇસની સરેરાશ કિંમત ચીનની ફ્રાઇસ કરતાં પણ ઓછી હશે.
ગુજરાતના ખેડૂતો બટાકાનું વાવેતર કેમ વધારી રહ્યા છે?
ફ્રેન્ચ ફ્રાઇસ બનાવનારાઓ માટે આ તેજીનો સમય છે.
હાઇફન ફૂડ્સના સીઈઓ હરેશ કરમચંદાણી કહે છે કે "ભારત પોતાની જંગી કૃષિ પેદાશો, સસ્તા ભાવે ઉત્પાદન અને સુધારેલા ક્વૉલિટી સ્ટાન્ડર્ડના કારણે એક મહત્ત્વના અને નિકાસકાર દેશ તરીકે ઊભરી આવ્યો છે."
હાઇફન ગુજરાતમાં બટાટાના પ્રોસેસિંગના સાત પ્લાન્ટ ધરાવે છે અને 2026માં બીજા બે શરૂ થવાના છે.
કરમચંદાણી કહે છે કે "શહેરીકરણ, લોકોની વધતી ખર્ચપાત્ર આવક અને બદલાતી જતી લાઇફસ્ટાઇલના કારણે ફ્રોઝન ફૂડ્સનો ઉપયોગ માત્ર ઘરોમાં નહીં પણ ફૂડ સર્વિસ ઉદ્યોગમાં પણ વધ્યો છે."
આ માગને પહોંચી વળવા માટે ખેડૂતોએ કેટલાય દાયકાથી નવા નવા પ્રયોગો કર્યા છે.
જિતેશ પટેલે કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને ત્યારથી ખેતીમાં વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.
તેઓ મિત્રો અને પરિવારોની સાથે મળીને બટાટાનું ઉત્પાદન વધારવા સતત પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, "અમે શિક્ષિત ખેડૂત છીએ. તેથી નવી નવી પદ્ધતિઓ અજમાવીએ છીએ."
2003માં તેમણે એક પહેલું ઇનોવેશન કર્યું જેમાં પાણીના ક્યારા બનાવવાના બદલે તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી.
માટીની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ઉનાળામાં જમીનને આરામ અપાય છે અને ગાયના છાણમાંથી બનેલું ખાતર નાખવામાં આવે છે.
હવે તેઓ બટાટાનો શ્રેષ્ઠ છોડ વિકસાવવા પર ભાર મૂકી રહ્યા છે.
તેઓ કહે છે કે, "અમે બિયારણમાં પ્રયોગો કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં નવી વૅરાયટી વિકસાવીશું."
બટાકાની ખેતી અને ખેડૂતો સામેના પડકારો
જૈન ઇરિગેશન સિસ્ટમ એક મોટી એગ્રિકલ્ચર ટેકનોલૉજી કંપની છે. તે સિંચાઈનાં સાધનો વેચવાની સાથે સાથે કૃષિ માટે બિયારણો વિકસાવવા ટેકનિશિયનોની ટીમ પણ ધરાવે છે. તેઓ બટાટાના છોડનાં બિયારણ પણ વિકસાવે છે.
તેઓ ટિસ્યૂ કલ્ચર નામની ટેકનિકનો ઉપયોગ કરે છે જેમાં છોડનું ક્લૉનિંગ કરવામાં આવે છે. તેમાં જરૂરી લાક્ષણિકતાઓ હોય છે અને રોગથી બચી શકે છે.
તેમાં વાઇરસરહિત છોડ બનાવવા માટે એક નિયંત્રિત લૅબોરેટરીમાં છોડના ટિસ્યૂના નાના નાના ટુકડા વિકસાવાય છે. કટિંગ જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમાં બીજ માટેના વધુ બટાટા તૈયાર કરી શકાય છે.
કંપનીના માર્કેટિંગ પ્રેસિડન્ટ વિજયસિંહ જણાવે છે કે "ભવિષ્યમાં બીજના ઉત્પાદન માટેના બટાટાને સંવર્ધકની નજર હેઠળ સાવધાનીપૂર્વક રીતે બ્રીડિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે."
તેઓ હાલમાં એક સમસ્યાનો સામનો કરે છે તે સમસ્યા ચિપ્સ બનાવવા માટે વપરાતા બટાટાની એક વૅરાયટીને લગતી છે. ખેડૂતોની ફરિયાદ છે કે શુગરની હાજરીના કારણે નવેમ્બર મહિના સુધીમાં બટાટાના પાકનો રંગ ભૂખરો થવા લાગે છે.
વિજયસિંહ કહે છે કે "અમારા જેવી ટિસ્યૂ કલ્ચર કંપનીઓ ઉદ્યોગ સામેના પડકારોને પહોંચી વળવા માટે ઘણા નવા પ્રકાર લાવવા કોશિશ કરે છે."
ભારતીય ખેડૂતો ઉત્પાદન વધારવા મહેનત કરી રહ્યા છે, પરંતુ ફ્રોઝન ફૂડમાં બીજા જગ્યાએ ભારે રોકાણની જરૂર પડે છે.
ખાસ કરીને ખાદ્યપદાર્થોને શૂન્યથી નીચા તાપમાને સંગ્રહ કરવા અને તેના પરિવહન માટેની ક્ષમતા જરૂરી છે.
કેટલીક આધુનિક કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે, પરંતુ હજુ વધારે સુવિધાની જરૂર છે.
ભારતીય ખાદ્યપદાર્થોની નિકાસ કરતી ઇન્ડો એગ્રી ફૂડ્સના સહસ્થાપક વિજયકુમાર નાયકે જણાવ્યું કે "ભારતમાં માત્ર 10થી 15 ટકા કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ જ ફ્રોઝન ફૂડને સંગ્રહ કરવા માટે યોગ્ય છે."
"આ સુવિધાઓ અસમાન રીતે વહેંચાયેલી છે, અમુક રાજ્યોમાં જ હાજર છે. તેના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં અપૂરતી સર્વિસ છે. પરિવહન પણ એક સમસ્યા છે."
તેઓ કહે છે કે "સ્પેશિયલ રેફ્રીઝરેટેડ ટ્રક અને કન્ટેનરોની ભારે અછત છે. તેના કારણે તાપમાન નિયંત્રિત પરિવહન બહુ મુશ્કેલ બને છે અને માલ ખરાબ થઈ જવાનું જોખમ વધી જાય છે."
વીજળીનો નિરંતર પુરવઠો પણ જરૂરી છે.
નાયક કહે છે કે "દેશના ઘણા ભાગોમાં વારંવાર વીજળી જતી રહેતી હોવાથી ખાદ્યપદાર્થો ખરાબ થઈ જવાની શક્યતા વધી જાય છે. તેના કારણે એક વિશ્વસનીય ફ્રોઝન ફૂડ સપ્લાય ચેઇન ચલાવવી મુશ્કેલ બની જાય છે."
તેઓ કહે છે કે "ભારતીય કંપનીઓને નિકાસ બજારમાં ચીન, થાઇલૅન્ડ અને બ્રાઝિલ જેવા દેશો સાથે ગળાકાપ સ્પર્ધા કરવી પડે છે. આ દેશોને વધુ સારા લૉજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન સિસ્ટમનો ફાયદો મળે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન