You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : બોટાદમાં જેમની સભામાં હિંસા થઈ તે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ, અત્યાર સુધી શું-શું થયું?
બોટાદની ઘટના પછી આજે અમદાવાદ ખાતે આમરણ ઉપવાસ પર બેસવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં 12 ઑક્ટોબરે આપની સભામાં થયેલા પથ્થરમારા અને ત્યાર બાદ હિંસાની ઘટના પછી તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમની ધરપકડ થશે એવું મનાઈ રહ્યું હતું.
આ પહેલાં અનેક ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે બોટાદમાં કડદાપ્રથા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા અને પછી આ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આમ આદમી પાર્ટીએ આ ધરપકડને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજુ કરપડાની ધરપકડ કેમ થઈ છે અને તેમની સામે શું ગુનો નોંધાયો છે?
જેલમાં જતાં પહેલાં રાજુ કરપડાએ શું કહ્યું?
આજે અમદાવાદ આવતા પહેલાં રાજુ કરપડાએ વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે તેમની ધરપકડ થવા જઈ રહી છે.
રાજુ કરપડાએ કહ્યું હતું કે, "કડદો બંધ કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે. ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની થઈ રહેલી લૂંટ વિશે જ્યારે ખેડૂતોએ બોટાદમાં આંદોલન કર્યું ત્યારે ખરેખર કડદો કરનાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે અવાજ ઉઠાવનાર લોકો ઉપર કાર્યવાહી થઈ છે. ખેડૂત આગેવાનોનો અવાજ દબાવવા માટે પ્રયત્ન થયો છે."
તેમણે કહ્યું હતું કે,"ગુજરાતમાંથી જ્યારે ઘણા વર્ષો પછી ક્રાંતિ થઈ રહી છે અને અમે જ્યારે જેલમાં જઈ રહ્યા છીએ ત્યારે હું ખેડૂતોને અપીલ કરું છું કે ગાંધીચિંધ્યા માર્ગે આ લડતને શરૂ રાખે. મને ખુશી એ વાતની છે કે ખેડૂતો વતી લડતા લડતા અમે જેલમાં જઈ રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપના નેતા પ્રવીણ રામે કહ્યું હતું કે, "વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે અને તેમનું કોઈ સાંભળતું નથી. આજે બોટાદની ઘટનામાં દોષિત લોકોને બદલે ખેડૂતો માટે લડનારા લોકો પર 307 જેવી કલમો લગાવવામાં આવી છે. અમે ખેડૂતોને કહેવા માગીએ છીએ કે અમે ક્યારે છૂટીશું એ ખબર નથી પરંતુ આ મુદ્દે તમે લડાઈ ચાલુ રાખજો."
અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારની નિંદા કરી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડની નિંદા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "ગુજરાતના ખેડૂતો દુ:ખી છે અને તેમને કોઈ સાંભળી રહ્યું નથી. ખેડૂતો મહાપંચાયત કરીને તેમના થઈ રહેલા શોષણનો વિરોધ કરવા માટે બોટાદમાં એકઠા થયા ત્યારે 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપ સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને ટીયરગૅસના શેલ છોડ્યા. જે ખેડૂતો તેમનો હક માગી રહ્યા હતા તેવા 85 ખેડૂતો પર એફઆઈઆર કરવામાં આવી છે."
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "હું માગ કરું છું કે ખેડૂતો પર થયેલા કેસને પાછા ખેંચવામાં આવે. ગુજરાત સરકારને કહેવા માગું છું કે કેસ કરવા હોય તો અમારા પર કરો, અમે તમારાથી નથી ડરતા. નિર્દોષ, ગરીબ ખેડૂતોને છોડી દો. "
"હું ગુજરાતના ખેડૂતોને પણ કહેવા માગું છું કે આજે આ 85 ખેડૂતો ઉપર થયું છે, કાલે તમારા પર થશે. ખેડૂતોએ એકજૂથ થઈને રસ્તા પર ઉતરીને તેમની માગ રાખવી જોઈએ."
તેમણે કહ્યું હતું કે, "ગુજરાતમાં ભાજપના દમનની પરાકાષ્ઠા છે. હું ભાજપ સરકારને કહેવા માગું છું કે અહંકાર ન કરો. હવે સમય આવી ગયો છે. ગુજરાતના લોકો 30 વર્ષ જૂની ભાજપ સરકારને ઉખાડવાનું નક્કી કરી ચૂક્યા છે. ગરીબ ખેડૂતોની હાય તમને નહીં છોડે."
રાજુ કરપડાને જેલમાં કેમ જવું પડ્યું?
બોટાદમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતનું આયોજન 12 ઑક્ટોબર, 2025ના રોજ કર્યું હતું. આ મહાપંચાયત કરવાની મંજૂરી પોલીસે આપી નહોતી.
ત્યારબાદ હડદડ ગામે રાજુ કરપડાએ સભા સંબોધી હતી અને ત્યાં પથ્થરમારો થયો હતો તથા હિંસા થઈ હતી.
બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માએ બોટાદની હિંસા પછી સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરી હતી.
તેમણે આ કેસ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બોટાદ એપીએમસીમાં જઈને કપાસની હરાજીમાં અડચણરૂપ બની રહ્યા હતા અને ત્યાં ધરણાં પર બેસી ગયા હતા. અમે તેમને ત્યાંથી સમજાવીને બહાર કાઢ્યા હતા."
"ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા થકી બોટાદમાં મહાપંચાયતનું એલાન કર્યું હતું. કેટલાક લોકો ગામડાંનાં ખેતરોમાંથી પસાર થઈને હડદડ ગામે સભાનું આયોજન કરવા લાગ્યા. તેમણે સ્થાનિક ગ્રામપંચાયતની મંજૂરી લીધી નહોતી. પોલીસ ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા ગઈ હતી. તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસનાં વાહનો તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે જરૂરી બળપ્રયોગ કર્યો હતો."
ધર્મેન્દ્ર શર્મા અનુસાર, કે 85 લોકો સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી છે અને અન્ય ટોળાં સામે પણ એફઆઈઆર નોંધાઈ છે. 13 ઑક્ટોબરે જ પોલીસે તેમાંથી 65 લોકોની અટકાયત કરી લીધી હતી.
એફઆઈઆરમાં મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા અને પ્રવીણ રામનું નામ હતું. ત્યાર બાદ તેમની અટકાયત થશે તેવું મનાઈ રહ્યું હતું.
એફઆઈઆર અનુસાર, આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 189 (2), 190, 191 (2), 195 (1), 121(1), 49, 132, 324 (5), 61 (2), 115 (2), 118 (1), 125(એ), 3(5), 223 તથા પ્રીવેન્શન ઑફ ડેમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટી ઍક્ટ 1984ની કલમ 3 તથા જી.પી.ઍક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આજે તેમની ધરપકડ મુદ્દે પોલીસ સાથે વાત કરવાનો પ્રયાસ અમદાવાદ ખાતે સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે કર્યો હતો પરંતુ પોલીસે આ ઉપક્રમ અંગે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન