બોટાદમાં 'આપ'ની સભામાં પથ્થરમારો કેમ થયો, બીબીસી રિપોર્ટરે શું જોયું?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, હડદડ, બોટાદથી

બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડ એટલે કે કપાસના બજારમાં કદડાની પ્રથા સામે આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારથી ચાલી રહેલા જાહેર વિરોધ દરમિયાન બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે રવિવારે સાંજે હિંસા થતા આ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે.

એપીએમસીમાં હરાજીના માધ્યમથી એકવાર કપાસના ભાવ નક્કી થઈ ગયા બાદ કપાસ ખરીદનાર વેપારી ખેડૂત જયારે ખેડૂત વેપારીની જીનિંગ ફૅકટરી કે ગોડાઉને કપાસ ઠાલવવા જાય ત્યારે વેપારી કપાસની ગુણવત્તા બાબતે ફરિયાદ કરી ભાવમાં ઘટાડો કરે તેને કદડો કહેવાય છે.

આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટના કિસાન પાંખના પ્રમુખ રાજુ કરપડા આ કદડા પ્રથા તેમ જ ખેડૂતોના ખર્ચે બોટાદ યાર્ડમાંથી વેપારીની ફૅક્ટરી સુધી કપાસ પહોંચાડવાના ભાડાનો બોજ ખેડૂતો પર છે તેનો વિરોધ કરી રહ્યા છે.

આ આંદોલનના ભાગરૂપે રાજુ કરપડા હડદડ ગામના બાપા સીતારામ ચોકમાં રવિવારે સાંજે પાંચેક વાગ્યે એક સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસ કાફલો આવી પહોંચતા પોલીસ પર પથ્થરમારો થયો હતો અને પોલીસના કહેવા અનુસાર પાંચ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.

ત્યાર બાદ ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસ છોડતા દોડધામ મચી જવા પામી હતી.

હિંસક બનેલા ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ચોકમાંથી જ પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા અને આ કાર્યવાહી રાતના નવેક વાગ્યા સુધી ચાલી હતી.

જોકે બાપા સીતારામ ચોકમાં રહેતા કેટલાક પરિવારોએ ફરિયાદ કરી કે તેમનાં ઘર બાપા સીતારામ ચોક વિસ્તારમાં હોવાથી તેમના પરિવારના જે સભ્યો સભામાં પણ ગયા ન હતા કે હિંસામાં કોઈ ભૂમિકા ન હતી તેમને પણ પોલીસ ઘરની અંદર ઘૂસીને અટકાયત કરીને લઈ ગઈ છે.

કિસાન મહાપંચાયત બોટાદને બદલે હડદડમાં કેમ થઈ?

રાજુ કારપડાએ શુક્રવારે બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીના કૉટન યાર્ડમાં એક સભાને સંબોધી હતી અને કદડા પ્રથાથી ખેડૂતોને નુકસાન થાય છે તેવો દાવો કરી માંગણી કરી હતી કે એપીએમસી આ પ્રથાને નાબૂદ કરે.

સભા બાદ કરપડા અને આમ આદમી પાર્ટીના કેટલાય સમર્થકો યાર્ડમાં જ ધરણા પર બેસી ગયા. પરંતુ તે સાંજે પોલીસે કરપડાને અટકાયતમાં લઈ લીધા હતા અને તેમને સુરેન્દ્રનગર મોકલ્યા હતા.

તેના કલાકો બાદ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામે રહેતા કરપડાએ શનિવારે દાવો કર્યો કે પોલીસ તેમને તેમના ઘરેથી બોટાદ તરફ જવા માટે બહાર જવા દેતી નથી અને જાહેરાત કરી કે તેઓ તેમના ઘરે જ ઉપવાસ પર બેસી ગયા છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ જાહેરાત કરી કે રવિવારે સાંજે 4 વાગ્યે બોટાદમાં જ કિસાન મહાપંચાયત થશે. પરંતુ રવિવાર હોવાથી કૉટન યાર્ડ બંધ હતું અને પોલીસનો ચુસ્ત પહેરો હતો. પરિણામે, આમ આદમી પાર્ટીના નેતાઓએ મહાપંચાયત માર્કેટિંગ યાર્ડના બદલે તેની નજીક આવેલા હડદડ ગામે કરવાનું નક્કી કર્યું.

રવિવારે સાંજે રાજુ કરપડાએ એક વીડિયો નિવેદનમાં કહ્યું, "બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણીઓ લઈને ગયા હતા, આ માંગણી (ની) લેખિત બાહેંધરી ચૅરમૅને આજદિન સુધી ન આપી. જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદેર જે ખેડૂતો ધરણા પર બેઠા હતા તે ખેડૂતોને પોલીસે ડંડા મારીને હટાવી દીધા."

"પોલીસ દ્વારા કહેવામાં આવ્યું, 'માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ બેસવાનું નહીં.' અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા. આપણે માર્કેટિંગ યાર્ડથી, બોટાદથી પાંચ કિલોમીટરની દૂર આવેલા હડદડ ગામની અંદર ખેડૂત મહાપંચાયત કરીએ, શાંતિથી આપણી વાત મૂકીએ, તંત્રને અપીલ કરીએ. પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હડદડ આવતા રોકવામાં આવ્યા, ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા."

પોલીસની ચાંપતી નજર વચ્ચે કિસાન મહાપંચાયત કઈ રીતે થઈ?

રવિવારે બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો અને પોલીસ બોટાદ તરફ જઈ રહેલા લોકોનું સઘન ચેકિંગ કરી રહી હતી.

સાંજે 5 વાગ્યા પછી પોલીસ કર્મચારીઓ હડદડ ગામના લોકોને પણ હડદડ ગામ તરફ જતા અટકાવતા જોવા મળ્યા હતા. બોટાદના સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) ધર્મેન્દ્ર શર્મા ખુદ કૉટન યાર્ડ નજીક પાળીયાદ રોડથી શરૂ થતા હડદડ ગામના એપ્રોચ રોડના નાકે હાજર જોવા મળ્યા હતા. તેમણે બીબીસીને જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે અમુક લોકોની અટકાયત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અમદાવાદ તરફથી બોટાદ આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને બગોદરા નજીક ક જ રોકીને અટાકયત કરી લીધી હતી.

પોલીસની ચાંપતી નજર છતાં રાજુ કરપડા, પ્રવીણ રામ તેમ જ આમ આદમી પાર્ટીના બોટાદના નેતા રમેશ મેર, મહિલા પ્રમુખ રક્ષાબેન પટેલ સહિતના નેતાઓ હડદડ પહોંચવામાં સફળ રહ્યાં.

રવિવારે સાંજે પાંચેક વાગ્યે રાજુ કરપડા હડદડ ગામના બાપા સીતારામ ચોકમાં કિસાન મહાપંચાયતને સંબોધી રહ્યા હતા ત્યારે ચોકમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આજુબાજુનાં ઘરોની અગાસીઓ ઉપર પણ લોકો એકઠા થયા હતા.

હડદડમાં કિસાન મહાપંચાયત ચાલુ થઈ તે પહેલાં બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ કહેલું કે, "આમ આદમી પાર્ટી કે અન્ય કોઈએ પણ દ્વારા કૉટન યાર્ડમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવા માટે મંજૂરી મેળવવા અરજી કરાઈ નથી. આથી, પોલીસે આવી કોઈ મહાપંચાયતનું આયોજન કરવાની મંજૂરી આપી નથી."

એસપીએ કહ્યું, "આથી, જે સભા હતી એ ગેરકાયદેસર હતી. હું લોકોને કહેવા માંગુ છું કે કોઈ મંજૂરી મળી નથી એટલે કોઈએ આ સભામાં સામેલ ન થવું. અમને અત્યારે બાતમી મળી છે કે લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે. આથી, લૉ ઍન્ડ ઑર્ડર (કાયદો અને વ્યવસ્થા) જાળવવા માટે અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે."

આ બાબતે રમેશ મેરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ સભા આમ આદમી પાર્ટીની ન હતી.

તેમણે કહ્યું,"આમ આદમી પાર્ટીની સભા હતી જ નહીં. ખેડૂતોની મહાસભા હતી...મંજૂરી આપતા નથી. મંજૂરી ત્રણ વખત લીધી પણ આપવા જોઈએને?... પથ્થરમારો અમે કર્યો જ નથી."

મહાપંચાયતમાં પથ્થરમારો કેમ થયો?

રાજુ કરપડા હડદડના બાપા સીતારામ ચોકમાં મહાપંચાયતને સંબોધી રહ્યા હતા તેવામાં પોલીસ કર્મચારીઓની એક ટુકડી હડદડ ગામે આવી. બોટાદ ડીવાયએસપી (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ) મહર્ષિ રાવલની આગેવાનીમાં પોલીસ અધિકારીઓની એક ટીમ કારમાંથી ઊતરી અને પગે ચાલીને બાપા સીતારામ ચોકમાં આવી.

પોલીસ અધિકારીઓ કંઈ બોલે તે પહેલાં જ ચોકમાં હાજર લોકો પોલીસનો હુરિયો બોલાવવા લાગ્યા. એક વ્યક્તિ તો રોડ પર આવીને સૂઈ ગઈ. ડીવાયએસપી લોકોને શાંત રહેવા અપીલ કરી રહ્યા હતા ત્યારે જ ચોકમાં હાજર ટોળાએ પોલીસ ઉપર પથ્થરોના ઘા કર્યા. તેમાં ડીવાયએસપી મહર્ષિ રાવલને ડાબા હાથમાં ઈજા થઈ છે.

પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર પરબત વાંદાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અન્ય ચાર પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા."

પોલીસે આપેલી માહિતી અનુસાર ટોળાને વિફરેલા જોઈ ડિવાયએસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના બચાવ માટે ચોકમાંથી પીછેહઠ કરી હડદડને પાળિયાદ રોડ સાથે જોડતા એપ્રોચ રોડ તરફ ભાગ્ય. ચોકથી થોડે દૂર તે રોડ પર પોલીસ ફોર્સના અન્ય કર્મચારીઓ, તેમ જ ટિયર ગેસ સેલ અને વૉટર કેનન સાથે બીજા કર્મચારીઓ પણ હાજર હતા.

પરંતુ ટોળું પોલીસની પાછળ દોડ્યું અને પોલીસની જીપો અને બસ સહિતનાં વાહનો પર પણ પથ્થરમારો કર્યો. ટોળાએ પોલીસની એક જીપના કાચ તોડી નાખ્યા અને પછી તેને આડી પાડી દીધી.

હિંસા બાદ ધર્મેન્દ્ર શર્માએ હડદડમાં પત્રકારો સાથે ફરી વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "આજે હડદડ ગામમાં આ ગેરકાયદેસર મહાપંચાયતનું એલાન કરાયું હતું એ સંદર્ભે અમુક લોકો અહીં ભેગા થયા હતા. એટલે પોલીસ તેમની અટકાયત કરવા માટે અને ગેરકાયદેસર બનાવેલી મંડળીને વિખેરવા માટે આવી હતી. પણ એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરવાનું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું."

"પછી પોલીસે એ લોકોને ચેતવણી આપી હતી અને ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. પરંતુ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ રહ્યો. આથી, પોલીસે જરૂરી બળપ્રયોગ કરીને, ટીયરગૅસના શેલનો પ્રયોગ કરીને એ ટોળાને વિખેર્યું હતું."

પોલીસે ટોળા પર કઈ રીતે કાબૂ મેળવ્યો?

ટોળું બેકાબૂ થતાં પોલીસે છેવટે ટોળા પર લાઠીચાર્જ કરવા માંડ્યો અને ટીઅર ગેસના સેલ છોડવા માંડ્યા. ગેસના કારણે આંખોમાં બળતરા થતા અને પોલીસે બળ પ્રયોગ કરતા ટોળું વિખેરાવા માંડ્યું. ગેસ અને પોલીસના મારથી બચવા માટે ટોળામાંથી કેટલાય લોકો બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલાં નજીકનાં ઘરોમાં ધસી જતા દેખાય.

ટોળું વિખેરાતા પોલીસ કર્મર્ચારીઓ ચોક તરફ ધસ્યા અને ત્યાં હાજર લોકો પર લાઠીચાર્જ કરી તેમને અટકાયતમાં લઈ, પોલીસની જીપો તેમ જ બસમાં બેસાડતા દેખાયા હતા.

ચોક અને શેરીઓમાંથી ટોળું વિખેરાઈ જતાં પોલીસ કર્મચારીઓ આજુબાજુનાં ઘરો પર ત્રાટક્યા અને તેમની અંદરથી પુરુષોને બહાર ખેંચી બસ અને જીપમાં બેસાડવા લાગ્યા. આ રીતે કથિત આરોપીઓને શોધવાનું અને અટકાયતમાં લેવાનું કોમ્બિંગ ઑપેરેશન પોલીસે નવેક વાગ્યા સુધી ચલાવ્યું.

સાથે જ બાપા સીતારામ ચોકમાં પાર્ક કરાયેલાં વાહનોમાંથી મોટી સંખ્યામાં મોટરસાઇકલને પોલિસે કબ્જે કરી લીધાં અને ક્રેઇન, ખટારા અને ટ્રેકટરમાં ભરીને હડદડ બહાર મોકલી દીધાં.

પોલીસ સ્થાનિક રહીશોને તેમનાં ઘરોમાંથી ઉપાડી ગઈ?

પોલીસ દ્વારા લોકોને બાપા સીતારામ ચોકની આજુબાજુથી અટકાયત કરવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ, ખાસ કરીને મહિલાઓએ ફરિયાદ કરી કે જે લોકો સભાસ્થળે હાજર ન હતા તેવા લોકોને પણ પોલીસ તેમના ઘરેથી ઉઠાવીને લઈ ગઈ.

સોનલબહેન જમોડે બીબીસીને જણાવ્યું કે તેઓ અને તેમના પતિ નિલેશભાઈ બોટાદમાં હીરા ઘસવા ગયાં હતાં ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમના ઘર નજીક હિંસા થતા ઘરે તેમનાં બાળકો રડી રહ્યાં છે. તેથી, પતિ-પત્ની બોટાદથી હડદડ આવવાં નીકળ્યાં. રસ્તામાં પોલીસે તેમને રોકતા દંપતિએ કહ્યું કે તેમનાં બાળકો ઘરે રડે છે તેથી તેમને જવું જરૂરી છે.

સોનલબેને કહ્યું, "અમે ઘરે આવ્યાં અને મારા પતિ ધાબા ઉપર ચડ્યા. તરત જ પોલીસ આવી અને મને કહ્યું કે મારા પતિને સહી કરવા મોકલો. મારો છોકરો રડતો હતો. પોલીસે મને કહ્યું કે છોકરાને તમે લઈ લો. તેમ કહીને મારો છોકરો રડતો રહ્યો ને મારા પતિને પોલીસ લઈ ગઈ."

ભગવતીબહેન જમોડે પણ કહ્યું કે તેઓ બોટાદ શહેરમાં હીરા ઘસીને હડદડ તેમના ઘરે પાછાં ફર્યાં તો પોલીસ તેમના દિયર મહેશભાઈ અને સસરા ત્રિકમભાઈને ઘરમાંથી ખેંચીને લઈ ગઈ.

તેમણે કહ્યું, "અમે છ વાગ્યે કામેથી આવતાં હતાં તો અમને ગામમાં આવતાં રોક્યાં. મારા પતિને પણ રોક્યા. તેથી, હું બસમાં આવી ગઈ. મારા દિયર અને સસરા ઘરે હતા તો પોલીસ વંડી ઠેકીને અમારા ઘરે આવી અને તેમને બંને લઈને ગયા. હવે હું મારાં સાસુ અને મારી એક નાની છોડી જ ઘરે છીએ."

આ આક્ષેપો બાબતે બીબીસીએ બોટાદના એસ.પી. ધર્મેન્દ્ર શર્માને રવિવારે સાંજે પૂછતાં તેમણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન