ગાંધીનગરના જે ગામમાં નવરાત્રિ સમયે પથ્થરમારો થયો ત્યાં 180થી વધુ દુકાનો તોડી પાડવાનો મામલો શું છે, સ્થાનિકો શું કહે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામની 180 કરતાં વધુ દુકાનોને તાજેતરમાં તોડી પાડવામાં આવી છે. સરકારી તંત્રના કહેવા પ્રમાણે, આ દુકાનોએ છેલ્લા ઘણા સમયથી જાહેરમાર્ગ પર દબાણ કર્યું હતું.

ઘણા લોકો માને છે કે, આ દુકાનો તોડવા પાછળનું કારણ નવરાત્રિ સમયે ઊભી થયેલી કોમી તંગદિલી છે, જોકે સરકારી તંત્ર આ વાતને નકારે છે.

ગુરુવાર સવારનો સમય, બહિયલ ગામના લોકો માટે સામાન્ય ન હતો. સામાન્ય રીતે આ ગામની બજારમાં આસપાસના લોકો મોબાઇલ ફોનના ચાર્જરથી માંડીને ઘર બનાવવા માટે ઉપયોગમાં આવતા દરવાજા સુધી તમામ વસ્તુઓની ખરીદી કરતા હતા.

પરંતુ, ગણતરીના કલાકોમાં જ આ બજાર જમીનદોસ્ત થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન એક ગરબાસ્થળ પર પથ્થરમારાની ઘટના બની હતી, જે બાદ આ ગામના ફરિયાદ દાખલ થઈ હતી અને 60થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાના કલેક્ટર એમ.કે.દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "તોડી પાડેલી દુકાનોને અગાઉથી જ નોટિસ ફટકારવામાં આવી હતી, કારણ કે આ દુકાનો જાહેરમાર્ગ પર બનાવવામાં આવી હતી."

ગાંધીનગર જિલ્લાના પોલીસ અધીક્ષક રવિ તેજાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે 'ગુરુવારની સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, ગામની 186 દુકાનો તોડવામાં આવી હતી. જેમાં 50 દુકાનોદારો, નવરાત્રિ સમયે થયેલાં કોમી તોફાનોમાં કથિત રીતે સીધા જ સામેલ હતા, જ્યારે અન્ય 30 લોકોના પરિવારજનો આ તોફાનોમાં સામેલ હતા.'

ઉલ્લેખનીય છે કે, દુકાનદારોમાંથી આઠ લોકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જે બાદ ગુજરાત હાઇકોર્ટે સાત દિવસ માટે 'સ્ટેટસ ક્વો'નો ઑર્ડર પસાર કર્યો હતો.

આ સમય પછી, બહિયલ ગામમાં રહેતા આઠ પિટિશનરોને પોતાના દાવાઓ પુરવાર કરવા માટેના દસ્તાવેજો રજૂ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે.

બહિયલ ગામની પરિસ્થિતિ કેવી છે?

બીબીસી ગુજરાતીએ જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે મોટાભાગના લોકોના ધંધા વેપાર છેલ્લા અમુક દિવસોથી બંધ હતા, અને નવરાત્રિના સમયથી જ લોકોને ડર સતાવી રહ્યો હતો કે તેમનાં ઘરો અને દુકાનો પર બુલડોઝર ફરી વળશે.

ઝેનુલ નામના એક દુકાનદાર જે આ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા હતા, તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "હવે મારાં બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની મને ખબર પડતી નથી, ક્યાં જઈને કામ કરું, કોની પાસે મદદ માગું. હું જ્યારથી સમજણો થયો છું, ત્યારથી અહીંયા આ પાનનો ગલ્લો ચલાવતો હતો, હવે તે તૂટી ગયો છે. મારી પાસે કોઈ જ કામ નથી, અને મારે ભૂખે મરવાના દિવસો આવ્યા છે."

જોકે બીબીસી ગુજરાતીએ આ વિસ્તારમાં અનેક લોકો સાથે વાત કરી, જેમાંથી ઘણા લોકો મીડિયા સાથે વાત કરવાથી બચી રહ્યા હતા, તો ઘણા લોકો અનુસાર મીડિયા સાથે વાત કરવાની તંત્ર દ્વારા ના પાડવામાં આવી રહી હતી. તેમ છતાંય ઘણા લોકોએ પોતાની આપવીતી જણાવી હતી.

એક મહિલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "છેલ્લા 15 દિવસથી અમારા વિસ્તારમાં શાકભાજી કે બીજા કોઈ પણ વેપારીને આવવાની મનાઈ કરી દેવામાં આવી હતી, તેની સાથે સાથે અમારા ધંધા રોજગાર પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા."

નજમાબહેને વધુમાં વાત કરતા જણાવ્યું કે, "હવે કોઈ જ કામ બચ્યું નથી. અમારી પાસે ચા પીવાના પણ પૈસા નથી. અમે દરરોજ કમાઈને ખાનારા લોકો છીએ, અમારી પાસે કોઈ બચત હોતી નથી. હવે તો અમારા ભૂખે મરવાના દિવસો આવ્યા છે."

આવી જ રીતે મુમતાઝબીબી નામનાં એક મહિલા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાંં કહ્યું કે, "અમારો ગલ્લો તો રોડથી નવ ફૂટ દૂર હતો, તેમ છતાંય અમારો ગલ્લો તોડી પાડવામાં આવ્યો છે, એ ગલ્લો જ અમારો એકમાત્ર આધાર હતો, આખો વિસ્તાર હવે બેરોજગાર થઈ ગયો છે."

કોમી એખલાસનું વાતાવરણ હવે ખરાબ થઈ ગયું છે

જાફરભાઈ નામના એક વેપારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "હું નાનો હતો ત્યારથી હું આ ગામમાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચેની દોસ્તી જોતો આવ્યો છું."

"અમે સાથે મળીને તમામ તહેવારો ઊજવીએ છીએ, હું ફેબ્રિકેશનનું કામ કરું છું અને મંદિરના દરવાજાથી માંડી તમામ કામ માટે મારી સેવા આપું છું, આટલાં વર્ષો થયાં તેમાં મેં અમારા વચ્ચે આટલો ખરાબ સમય જોયો નથી."

તેમણે કહ્યું કે ગુજરાતમાં જ્યારે કોમી તોફાનો થયાં હતાં, તેવા 2002 કે તે પહેલાંના સમયમાં પણ આ ગામમાં કોઈ કોમી તંગદિલી જોવા મળી ન હતી.

જાફરભાઈ વધુમાં કહે છે કે, "હવે જ્યારે અમારી પાસે કંઈ જ બચ્યું નથી, તો અમારા માટે હવે બહાર જઈને મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. હજી સુધી હું પોતાનો ધંધો કરતો હતો, હવે શહેરમાં જઈને મજૂરી કરવી પડશે."

હાલમાં આ ગામમાં બળીયાદેવના મંદિરથી માંડીને બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દુકાનો તોડવામાં આવી છે, જેમાં કોકિલાબહેન દેવીપૂજક જેવા અમુક લોકોનું ઘર પણ તૂટ્યાં છે.

આ વિશે તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમારું મકાન નહીં તૂટે પણ અમને કંઈ પણ કહ્યા વગર મકાન તોડી પાડ્યું છે, અમારી આખી ઘરવખરી બર્બાદ થઈ ગઈ છે."

બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે અગાઉ શું વિવાદ થયો હતો?

નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરે ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ ગામનાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી.

ગાંધીનગર પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘટનાની રાત્રે એક સમુદાયના કેટલાક લોકોએ ગામમાં એક દુકાન પર હુમલો કર્યો હતો. જે બાદ નિકટમાં આયોજિત ગરબાના આયોજન સ્થળે પણ પથ્થર પડ્યા હતા. ત્યાર પછી આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ સંપૂર્ણ વિવાદ શરૂ થવાનું કારણ એક 'સોશિયલ મીડિયા પોસ્ટ' હતી.

ગાંધીનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી રચવી અને આગચંપી સહિતની કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરીને ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકીને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.

આ ઘટનામાં એક સમુદાયના લોકોએ સામા પક્ષના લોકો પર વિવાદની શરૂઆત કરીને 'પથ્થરમારો, આગચંપી અને લૂંટફાટ' કર્યાના આરોપ કર્યો હતો. જ્યારે બીજા સમુદાયના લોકોએ 'પોલીસદમન'ની ફરિયાદ કરી છે.

જોકે, પોલીસે કથિત 'દમનના આરોપો' નકારી કાઢ્યા હતા અને આ મામલામાં 'કોઈ બળપ્રયોગ' ન કર્યાનો દાવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન