You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : જ્યારે ગૅંગરેપના આરોપીઓને પકડવા માટે પોલીસ ખલાસી બની
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉનાના દરિયાકાંઠેથી અચાનક સરકારી મેસેજ છૂટવા માંડ્યા કે દરિયો તોફાની થઈ રહ્યો છે એટલે દરેક માછીમાર પરત આવી જાય. બીજીતરફ પોલીસ સાદાં કપડાંમાં દરિયાની અંદર જઈ રહી હતી. રાતના અંધારામાં એક બાજુ ઉનાના માછીમારો પાછા આવતા હતા તો બીજી બાજુ પોલીસની ટીમો દરિયામાં જઈ રહી હતી.
આ બાજુ ઉનાથી આશરે 1300 કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતના વિસનગરમાં પોલીસ અવાવરું મકાનમાં સંતાયેલા લોકોને પકડવા મથામણ કરી રહી હતી.
પોલીસ આ કાર્યવાહી ગૅંગરેપની બે અલગઅલગ ઘટનાઓના આરોપીઓને પકડવા માટે કરી રહી હતી.
પ્રથમ કેસ ઉના પાસેના એક નાનકડા ગામમાં રહેતાં વિધવા સાથે ગૅંગરેપનો હતો. તો વિસનગરમાં એક સગીરા સાથે પણ આવું જ કૃત્ય થયાનો કેસ નોંધાયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર પીડિતા સાથે છ લોકોએ અલગઅલગ જગ્યાએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
કેવી રીતે બની ઘટના?
ઉના પોલીસમાં નોંધાયલી ફરિયાદ અનુસાર એક મહિલા સાથે ત્રણ લોકોએ સાત દિવસ પહેલાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પીડિતાની હાલત એવી થઈ ગઈ હતી દવાખાનામાં દાખલ થવું પડ્યું હતું. પીડિતાની ઈજાઓ જોઈ ખુદ ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ તેમની હાલત નાજુક હોવાથી જૂનાગઢ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, 'રાત્રે મારા ઘરે આવ્યા એટલે પરિચિત હોવાને કારણે મેં દરવાજો ખોલ્યો હતો. અચાનક એક વ્યક્તિએ મારું મોઢું રૂમાલથી દબાવ્યું અને હું બેભાન થઈ ગઈ. હું ભાનમાં આવી ત્યારબાદ પણ મારી સાથે બળાત્કાર કર્યો અને ધમકી આપી કે જો હું કોઈને કહીશ તો મને સમાજમાં બદનામ કરી દેશે. હું સાત દિવસ સુધી ચૂપ રહી પરંતુ મારી તબિયત લથડતાં હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.'
ફરિયાદ પ્રમાણે પીડિતા મજૂરી કામ કરે છે અને કામ માટે ઉના જતાં હતાં. કામ દરમિયાન તેઓ 20થી 25 વર્ષની ઉંમર અને માછીમારી કરતાં ત્રણ છોકરાઓના પરિચયમાં આવ્યા હતા.
ગીરસોમનાથ જિલ્લાના એસ .પી .જયદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે સાત દિવસ પહેલાં થયેલા સામૂહિક બળાત્કારની ફરિયાદ આવી હતી. પીડિતાએ ત્રણેય આરોપીઓની ઓળખ આપી અને કહ્યું કે તેઓ નવા બંદર વિસ્તારમાં રહે છે. અમારા માટે આ અઘરો ટાસ્ક હતો કારણ કે સાત દિવસમાં બળાત્કારીઓ ક્યાં ભાગી જાય એ ખબર નહોતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો વિસનગર પોલીસની પણ ઊંઘ હરામ થઈ ગઈ હતી. વિસનગરમાં એક સગીરા પરીક્ષા પત્યા પછી પોતાની બહેનપણીનો જન્મદિવસ ઊજવવા માટે શહેરના ત્રણ ટાવર વિસ્તારમાં ઊભી હતી.
વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતા પોતાની બહેનપણીની રાહ જોઈ રહી હતી ત્યારે એના નજીકના વિસ્તારમાં રહેતા વિજય ઠાકોર ત્યાં આવ્યો હતો.
વિજય ઠાકોરે પીડિતાને જણાવ્યું કે, એ તેમને બહેનપણીના ઘરે મૂકી આવશે. વિજય સાથે તેનો મિત્ર પણ હતો. બંનેએ બળાત્કાર ગુજાર્યા બાદ ડોસાભાઈ બાગ વિસ્તારમાં મૂકીને ભાગી ગયા હતા.
ફરિયાદ મુજબ અહીંથી જ પીડિતાનું ફરીથી અપહરણ થયું હતું અને તેમની પર ગૅંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર આરોપીઓએ તેમને છોડી મૂકતા ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પરિચિત વ્યક્તિએ મદદ કરવાનું કહી અપહરણ કર્યું હતું. આરોપીએ પીડિતાને બે દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી બળાત્કાર કર્યો હતો.
પોલીસે કઈ રીતે ગુનાનો ભેદ ઉકેલ્યો
ગીરસોમનાથ જિલ્લાના એસ .પી .જયદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે ગામના આગેવાનો સાથે વાત કરી એમનું ઘર શોધ્યું તો ખબર પડી કે એ લોકો માછીમારી કરવા માટે દરિયામાં ગયા છે. અમે બોટના માલિકને મળ્યા એને વાતની પુષ્ટિ કરી કે એનીજ બોટ લઈને આ લોકો દરિયામાં ગયા છે 15 કે 20 દિવસે આવશે."
"અમારા માટે બીજો મહત્ત્વનો ટાસ્ક એ હતો કે પોલીસની અવરજવરથી આરોપીઓને ખબર પડે તો એ લોકો બીજા રાજ્યમાં ભાગી જાય. એટલે અમે ઉનાથી નીકળેલા માછીમારોને સૂચના અપાવી કે દરિયામાં તોફાન હોવાથી બધા માછીમારો પરત આવી જાય. બીજી તરફ પોલીસ બોટ લઈને દરિયામાં ગઈ. બધા પાછા આવી રહ્યા હતા એમાંથી અમે આરોપીઓની બોટને દરિયામાં 25 કિલોમીટર જઈને પકડી લીધી હતી."
પોલીસે દરિયામાંથી કેસના આરોપી એવા નરેન્દ્ર બારીયા, સંજય મજેઠીયા અને અંશુ ફુલબારીયાની ધરપકડ કરી છે.
ઉનાના સામાજિક આગેવાન મુકેશ બારીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ ત્રણેય લોકો મિત્રો છે. ગામમાં એમને ક્યારેય કોઈ ખોટી હરકત કરી નથી. આ લોકો માછીમારી માટે 15 દિવસથી પણ વધુ સમય દરિયામાં રહે છે અને પછી થોડા દિવસ આરામ કરે છે."
"પણ આ લોકો એકવાર દરિયામાંથી પાછા આવ્યા પછી તરત જ દરિયામાં ગયા હતા. તેના પરથી બધાને એમની હિલચાલ શંકાસ્પદ લાગતી હતી."
વિસનગરમાં સગીરા સાથે છ લોકોએ ગૅંગરેપ કરાયાનો આરોપ
વિસનગરના ડીવાયએસપી દિનેશ સિંહ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "બે દિવસ પહેલાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર છોકરી ગુમ થઈ ગઈ છે. બે દિવસ બાદ આ છોકરી રાત્રે ઘરે આવતાં ખૂબ ગભરાયલી હતી. સગાવહાલાંઓની સમજાવટ પછી પીડિતાએ કહ્યું કે તેની ઉપર છ લોકોએ બળાત્કાર ગુજાર્યો છે."
"અમે એનું પહેલાં કાઉન્સેલિંગ કરી તમામ આરોપીઓની જાણકારી લીધી હતી અને ટેક્નિકલ સર્વેલાન્સ બાદ ધરપકડ કરી હતી. હાલ પીડિતા ટ્રૉમામાં છે એનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. તે ધીમે ધીમે વિગતો આપી રહી છે. આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયલા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. અમે આ તમામ આરોપીઓના ફોન રેકૉર્ડ અને સીસીટીવી ફૂટેજ ભેગા કર્યા છે, જે આ કેસમાં સજ્જડ પુરાવા સાબિત થશે."
વિસનગરના સ્થાનિક આગેવાન અતુલ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "વિસનગરમાં આવી ઘટના પહેલીવાર બની છે. આ સગીર છોકરીને દરબાર રોડ પર રાત્રે મૂકી દેવાઈ અને ત્યાર બાદ માયા બજાર થઈ શહેરમાં લાવવામાં આવી અને બે દિવસ પોળમાં ગોંધી રાખવામાં આવી હતી."
"જે પોળમાં મકાન છે એ પોળમાં બધાં મકાનો એકબીજાની નજીક છે, આમ છતાં કોઈને બે દિવસ સુધી ખબર ના પડી એ નવાઈની વાત છે. અલબત્ત ગામ નાનું છે અને રાત્રે લગભગ સૂમસામ હોય છે એટલે નજર ચૂકવીને નીકળી ગયા હોય એવું બને પણ સીસીટીવીમાં ઘણા પુરાવા પોલીસને મળ્યા છે."
ગૅંગરેપના કેસ કેમ વધી રહ્યા છે?
ગૅંગરેપ પાછળ કયાં માનસિક અને સામાજિક પરિબળો કામ કરે છે તે વિશે વાત કરતાં જાણીતા મનોચિત્સક ડૉ. જ્યોતિક ભચેચ કહે છે કે, "ગુજરાતમાં ગૅંગરેપની ઘટના ઓછી બને છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી તેમાં વધારો થયો છે. આની પાછળનું મુખ્ય કારણ 'વિધાઉટ પ્લેઝવાળી લાઇફ' છે. સરળ શબ્દોમાં કહીએ તો જીવનમાં ઇચ્છા મુજબની આનંદનો અભાવ."
"આવા લોકોમાં ચાઇલ્ડહૂડ ટ્રૉમા પણ હોય છે. જો વ્યક્તિને નાનપણથી દબાવવામાં આવી હોય, સતત અપમાનિત કરવામાં આવી હોય અથવા એમની સાથે કોઈ ખરાબ કૃત્ય થયું હોય કે એમની આસપાસ કોઈની સાથે થયું હોય તો એ ધરબાયેલી લાગણીઓ સમય જતા ક્રિમિનલ માનસિકતામાં પરિણમે છે. આવા સપ્રેસિવ માનસિકતા ધરાવતા લોકો જ્યારે ભેગા થાય ત્યારે તેઓ ગૅંગરેપ જેવું કૃત્ય કરે છે."
ડૉ. જ્યોતિક ભચેચ વધુમાં જણાવે છે કે, ''આવા લોકો નબળા લોકોને પોતાનો શિકાર બનાવે છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં આ પ્રકારના વ્યવહારને 'રિવેંજફૂલ બિહેવિયર' કહેવાય છે. આ પ્રકારના કૃત્યમાં એવા લોકો વધુ હોય છે જેમનું કાર્યક્ષેત્રમાં અપમાન થતું હોય અથવા સમાજમાં આર્થિક રીતે ઉપેક્ષિત થયા હોય. આવા લોકો એકાંત જગ્યા પર ગૅંગરેપ જેવું કૃત્ય કરે છે, જે બતાવે છે કે એ લોકો સાથે મળીને પ્લાન કરે છે કારણ કે એક રાતમાં જગ્યા નક્કી ન થઈ શકે."
જાણીતા સમાજશાસ્ત્રી ડૉ . કિરણ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સમાજમાં હવે સોશિયલ ઑડિટિંગ થતું નથી. પહેલાંના સમયમાં ગામના ચોરે બેસતા વડીલોની યુવાનો પર નજર રહેતી હતી. વડીલોની આમન્યા જળવાતી હતી . હવે સમાજ કે કુટુંબની ભાવના ઓછી થઇ છે. હવે સામાજિક શરમ રહી નથી એટલે આપણે ઘણી વાતોને નજર અંદાજ કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન