'ડિજિટલ રેપ' શું હોય છે, કાયદા પ્રમાણે બળાત્કારીને કેટલી સજા થઈ શકે?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

'ડિજિટલ રેપ' એક ગંભીર જાતીય અપરાધ છે. ડિજિટલ શબ્દના કારણે ઘણા લોકોને લાગે છે કે તે કોઈ ઑનલાઇન ગતિવિધિ સાથે સંકળાયેલો ગુનો હશે, પરંતુ હકીકતમાં તેનો અર્થ અલગ જ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરની અદાલતોમાં એવા ઘણા ચુકાદા આવ્યા છે, જેમાં 'ડિજિટલ રેપ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તા. 13 ઑગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ડિજિટલ રેપના મામલામાં દોષિત સાબિત થયેલી એક વ્યક્તિને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

આવો જ એક મામલો 2014નો છે, જેમાં એક ટ્યૂશન ટીચરના સ્વજન પ્રદીપ કુમાર પર ચાર વર્ષની બાળકી સાથે જાતીય હિંસા આચરવાનો આરોપ હતો.

આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ઑગસ્ટ 2021માં તે વ્યક્તિને દોષિત ઠેરવી હતી અને વીસ વર્ષની જેલની સજા ફટકારી હતી.

તે જ સમયે, આ કેસમાં ચુકાદો આપતી વખતે દિલ્હી હાઇકોર્ટે 'ડિજિટલ રેપ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

જસ્ટિસ અમિત બંસલે કહ્યું, "હવે હું સજાના પાસા વિશે વાત કરીશ. નીચલી કોર્ટે અપીલકર્તાને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, કારણ કે અપીલકર્તાએ ઘટના સમયે ચાર વર્ષની બાળકી પર 'ડિજિટલ રેપ' કર્યો હતો."

કોર્ટે પ્રદીપ કુમારને દોષિત જાહેર કરીને 12 વર્ષની સજા સંભળાવી હતી.

'ડિજિટલ રેપ' શું હોય છે?

'ડિજિટલ રેપ'માં ઉપયોગ થતો શબ્દ ડિજિટલ એ લેટિન ભાષાના શબ્દ 'ડિજિટસ' પરથી આવ્યો છે.

'ડિજિટસ'નો અર્થ આંગળી થાય છે. તે હાથ કે પગ, ગમે તેની હોઈ શકે છે.

સુપ્રીમ કોર્ટનાં વકીલ અને જોતવાની ઍસોસિયેટ્સ સાથે સંકળાયેલાં દિવ્યા સિંહે જણાવ્યું, "ડિજિટલ રેપ એટલે એવો જાતીય અપરાધ, જેમાં સહમતિ વગર છોકરી કે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં આંગળી કે બીજી કોઈ ચીજ દાખલ કરવામાં આવે છે."

બળાત્કાર અને 'ડિજિટલ રેપ' વચ્ચેનો ફરક

જાણકારોનું કહેવું છે કે જાતીય અપરાધના મામલામાં, જ્યાં પ્રાઇવેટ પાર્ટનો ઉપયોગ થયો ન હોય, ત્યાં પીડિતને ન્યાય મળવામાં મુશ્કેલી પડતી હતી.

ઘણી વખત આરોપીઓ ટેકનિકલ બહાનાથી બચી જતા હતા. વર્ષ 2012માં નિર્ભયા કેસ પછી જાતીય અપરાધ સાથે સંકળાયેલા કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં દિવ્યા સિંહે કહ્યું, "2013 અગાઉ માત્ર સ્ત્રીની યોનિમાં પુરુષના લિંગપ્રવેશને જ બળાત્કાર ગણવામાં આવતો હતો. વજાઇનામાં આંગળી અથવા બીજી કોઈ વસ્તુના પ્રવેશને બળાત્કાર સંબંધિત કલમ 375ની જગ્યાએ કલમ 354 (મહિલાની મર્યાદાનો ભંગ કરવો) અથવા કલમ 377 (અકુદરતી જાતીય સંબંધ) હેઠળનો ગુનો ગણવામાં આવતો હતો."

દિવ્યાસિંહ કહે છે, "આવા મામલામાં રેપના આરોપો ન હોવાને કારણે દોષિત વ્યક્તિને ઓછી સજા મળતી હતી, પરંતુ નિર્ભયા કેસ પછી કાયદો બદલાયો છે. ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ, 2013 હેઠળ આઈપીસીની કલમ 375માં રેપની વ્યાખ્યાને વિસ્તારવામાં આવી."

દિવ્યાનું કહેવું છે, "હવે ડિજિટલ પેનિટ્રેશનને પણ સ્પષ્ટ રીતે બળાત્કાર માનવામાં આવે છે અને કોઈ પ્રકારની નરમાઈ દાખવવામાં આવતી નથી.

ભારતીય ન્યાય સંહિતા, 2023 (બીએનએસ) લાગુ થતા જ આઈપીસીની કલમ 375ની જગ્યાએ બીએનએસની કલમ 63 આવી ગઈ છે.

સજાની જોગવાઈ

'ડિજિટલ રેપ' એ બીએનએસની કલમ 63-બી હેઠળ ગંભીર જાતીય ગુનો છે.

બીએનએસની કલમ 64 હેઠળ આવા કેસોમાં સજાની જોગવાઈ છે. કાયદા અનુસાર, 'ડિજિટલ બળાત્કાર'ના કેસમાં ઓછામાં ઓછી દસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.

બીએનએસની કલમ 65 (2) હેઠળ 12 વર્ષથી ઓછી વયની છોકરી પર બળાત્કારના મામલામાં ઓછામાં ઓછા 20 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે.

આ સજા વધુમાં વધુ આજીવન કેદ અને મૃત્યુદંડ સુધી બદલાઈ શકે છે. આ ઉપરાંત આર્થિક દંડ પણ ફટકારી શકાય છે.

પોલીસ કાર્યવાહી

'ડિજિટલ રેપ'ના મામલામાં પોલીસે તરત મેડિકલ ઍક્ઝામિનેશન, ફૉરેન્સિક સૅમ્પલ અને પીડિતનું નિવેદન નોંધવાનું હોય છે.

ઍડવોકેટ દિવ્યા સિંહ કહે છે, "ઘણી વખત મેડિકલ રિપોર્ટમાં લખી નાખવામાં આવે છે કે પ્રાઇવેટ પાર્ટ પર કોઈ ઈજા નથી થઈ. તેનાથી કેસ નબળો પડી જાય છે, પરંતુ કાયદા મુજબ બળાત્કારના મામલામાં પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થવી જરૂરી નથી."

દિવ્યા સિંહ કહે છે, "સમાજમાં જાગૃતિ ફેલાવવાની જરૂરી છે કે પેનિસ પેનિટ્રેશન વગર પણ બળાત્કાર થાય છે અને કાયદામાં પણ એટલી જ ગંભીર સજાની જોગવાઈ છે."

'ડિજિટલ રેપ'ના પીડિત પર અસર

સુપ્રીમ કોર્ટનાં વકીલ કામિની જયસ્વાલ કહે છે કે 'ડિજિટલ રેપ'ના કેસમાં માનસિક અને ભાવનાત્મક આઘાત અન્ય બળાત્કારના કેસ જેટલો જ હોય છે.

કામિની જયસ્વાલ કહે છે, "ઘણી વખત લોકો 'ડિજિટલ રેપ'ને સમજી શકતા નથી, પરંતુ કાયદા મુજબ તે બળાત્કાર જ છે અને બીએનએસની કલમ 63 હેઠળ જ આવે છે."

જયસ્વાલ કહે છે, "સ્કૂલ અને કૉલેજથી પહેલાં ઘરથી સેક્સ ઍજ્યુકેશન શરૂ થવું જોઈએ. 'ગુડ ટચ, બેડ ટચ' જેવી ચીજો બાળકોને શીખવવી જોઈએ."

તેમનું કહેવું છે, "સમાજમાં આવા અપરાધને ગંભીરતાથી લેવા જોઈએ અને પીડિતને દોષ આપવાનું બંધ કરવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન