You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા : પ્રેમી સાથે મૈત્રી કરાર કરનાર યુવતીની હત્યાનો આરોપ પિતા અને કાકા પર, સમગ્ર મામલો શું છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"ચંદ્રિકાના પિતાએ જ તેની હત્યા કરી છે. તેના પિતા અને કાકા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતકના કાકા શિવારામભાઈને પોલીસે ધરપકડ કરી છે. ચંદ્રિકાના પિતાની ધરપકડ અંગે પોલીસ તપાસ કરી રહી છે."
બનાસકાંઠા જિલ્લાના દાંતિયા ગામનાં યુવતી ચંદ્રિકા ચૌધરીના હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
દીકરીની તેના જ પરિવારજનોએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. ભારતમાં દુર્ભાગ્યે આવી ઘટનાઓ ઘણી વાર સામે આવી ચૂકી છે.
ગત 10 જુલાઈની સવારે રાષ્ટ્રીય કક્ષાનાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા કરી દેવાઈ હતી, જેનો આરોપ તેમના જ પિતા પર લાગ્યો હતો. આરોપ હતો કે રાધિકાના પિતાએ દીકરી પર પાછળથી ત્રણ ગોળીઓ ચલાવી હતી. આ મામલો સામે આવતાં રાષ્ટ્રીય કક્ષાએ સમાચારોમાં છવાઈ ગયો હતો અને પરિવારજનો દ્વારા જ દીકરીની હત્યા મામલે ફરી એક વાર વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી.
હવે આ જ કડીમાં ચંદ્રિકા ચૌધરીની હત્યાનો કેસ પણ ઉમેરાઈ ગયો છે.
ચંદ્રિકા ચૌધરીની 24 જૂનના રોજ મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. ચંદ્રિકાએ તેમના પ્રેમી હરેશ ચૌધરી સાથે મૈત્રીકરાર કર્યો હતો. ચંદ્રિકા પ્રેમી હરેશ સાથે ભાગી જશે તેવું માનીને તેમના કાકા અને પિતાએ તેમની હત્યા કરી હોવાનો આરોપ છે.
પોલીસ એફઆઈઆર અનુસાર "'તું આવીને મને લઈ જા નહિતર મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન કરાવશે અને લગ્નની વાત નહી માનું તો મને મારી નાખશે. તું મને બચાવી લે.' ચંદ્રિકા ચૌધરીએ મૃત્યુ પહેલાં પોતાના પ્રેમી હરેશને કંઈક આવો મૅસેજ કર્યો હતો."
ચંદ્રિકાના એ મૅસેજને આધારે હરેશે 23 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ રીટ અરજી દાખલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સુનાવણીના બે દિવસ પહેલાં જ ચંદ્રિકાની હત્યા કરવામાં આવી હતી.
ચંદ્રિકાનું મોત નહીં, પરંતુ હત્યા થઈ હોવાની હરેશ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લા પોલીસને અરજી કરી હતી.
અરજી અંગે લીધેલાં પરિવારનાં નિવેદનોમાં ચંદ્રિકાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
ચંદ્રિકાના લિવ-ઇન પાર્ટનર હરેશ ચૌધરીએ ચંદ્રિકાની હત્યા માટે ચંદ્રિકાના પિતા અને કાકા સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે હત્યા થયાના 41 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોધવામાં આવી.
હરેશ અને ચંદ્રિકા કેવી રીતે સંપર્કમાં આવ્યાં હતાં?
હરેશે કરેલી પોલીસ ફરિયાદમાં આપેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના દાંતિયા ગામનાં ચંદ્રિકા એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષાની તૈયારી કરતાં હતાં.
જે દરમિયાન તેઓ પાલનપુર ખાતે હૉસ્ટેલમાં રહેતાં હતાં. તેઓ હૉસ્ટેલમાં જવા માટે થરાદથી પાલનપુર જઈ રહ્યાં હતાં, એ દરમિયાન તેઓ જ હરેશના સંપર્કમાં આવ્યાં હતાં.
રસ્તામાં વાતો કર્યા બાદ બંનેએ એકબીજાના ફોન નંબર અને ઇન્સ્ટા આઇડી એકબીજા સાથે શૅર કર્યા હતા. બાદમાં બંને એકબીજા સાથે વાત કરતાં અને મળતાં પણ ખરાં.
પોલીસ ફરિયાદ અનુસાર ગત 4 મેના રોજ ચંદ્રિકાના પિતરાઈ ભાઈ તેમને પાલનપુરથી કોઈ સગાના ઘરે લગ્નમાં લઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ તેમના ગામ દાંતિયા ગયાં હતાં. ત્યાર બાદ ચંદ્રિકા તેમના ઘરે જ હતાં. ચંદ્રિકાની નર્સિંગના કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી હતી, તે અંગે તેમણે હરેશ સાથે વાત કરી હતી. જોકે, કોઈક કારણોસર તેમનું નર્સિગમાં ઍડમિશન થયું ન હતું.
ચંદ્રિકા અને હરેશ મૈત્રી કરાર કરી ક્યાં ફરવા ગયાં હતાં અને શું થયું હતું?
હરેશ ચૌધરીએ પોતાની પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે ચંદ્રિકાએ તેમને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે, "મારા પપ્પા મને ભણવા નહીં મૂકે અને મારો મોબાઇલ લઈ લેશે અને ચેક કરશે. મારાં મા-બાપ અને કાકાને આપણા પ્રેમ વિશે ખબર પડશે તો મને મારી નાખશે, તું મને લઈ જા."
હરેશે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 4 જૂનના રોજ રાત્રે આશરે અગ્યારેક વાગ્યે તેઓ પોતાનું વાહન લઈને ચંદ્રિકાના ઘર પાસે તેમને લેવા ગયા હતા.
હરેશની પોલીસ ફરિયાદ પ્રમાણે, "ચંદ્રિકા તેમના દસ્તાવેજોની ફાઇલ અને મોબાઇલ લઈને આવી હતી. અમે ત્યાંથી સીધા અમદાવાદ આવ્યાં હતાં. બીજા દિવસે 5 જૂનના રોજ અમે મિર્ઝાપુર કોર્ટમાં મૈત્રી કરાર કર્યો હતો. ત્યાર બાદ અમે મધ્યપ્રદેશમાં ઉજજૈન, ગ્વાલીયર, રાજસ્થાનના જયપુર અને ખાટુ શ્યામ વગેરે સ્થળોએ ફરવા ગયાં હતાં."
નોંધનીય છે કે હરેશે પોલીસ ફરિયાદમાં જ પોતે પહેલાંથી પરીણિત હોવાની વાત લખાવી છે, તેમણે પોતાનો એક દીકરો હોવાની વાત પણ પોલીસ ફરિયાદમાં કબૂલી છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ચંદ્રિકાના પિતાએ ચંદ્રિકાના ગુમ થયાની થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
હરેશે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, "12 જૂનના રોજ અમે રાજસ્થાનના ભાલેશ્વરના રિસોર્ટમાં રોકાયેલાં હતાં ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ થરાદ પોલીસ અને ચંદ્રિકાના પિતરાઈ ભાઈ રિસોર્ટમાં આવ્યાં હતાં અને અમને ગાડીમાં બેસાડીને થરાદ પોલીસ સ્ટેશન લાવ્યાં હતાં."
"પોલીસ સ્ટેશનમાંથી ચંદ્રિકાને તેમના પરિવારને સોંપી દીધી હતી. મારી મારા વિરુદ્ધ દાખલ થયેલા મારામારીના ગુનામાં અટકાયત કરી અને મોડેથી જામીનમુક્ત કર્યો હતો. તે વખતે ભચાઉ પોલીસ મને અગાઉના પ્રોહિબિશનના ગુના માટે પકડવા માટે થરાદ આવી હતી. ભચાઉ પોલીસ મને સરકારી ગાડીમાં ભચાઉ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી."
બીબીસી ગુજરાતીએ આ ઘટનાક્રમ અંગે ચંદ્રિકાના પરિવાર પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
હાઇકોર્ટમાં સુનાવણીના બે દિવસ પહેલાં જ ચંદ્રિકાની હત્યા
હરેશ ચૌધરીની પોલીસ ફરિયાદ અનુસાર તેમને 21 જૂનના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ ઘરે આવ્યા હતા.
હરેશની પોલીસ ફરિયાદમાં લખેલી વિગતો અનુસાર "હરેશે તેમના ફોન પર પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલ્યું હતું. જેમાં 17 જૂનના રોજ ચંદ્રિકએ તેને પરિવારના લોકો મારી નાખશે તેવા બીક વ્યક્ત કરતા મૅસેજ કર્યા હતા."
હરેશે પોલીસ ફરિયાદમાં આગળ લખાવ્યું છે કે, "મૅસેજ જોયા બાદ મે વકીલની મદદથી 23 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ રીટ પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી 27 જૂને થવાની હતી, જેમાં ચંદ્રિકાને કોર્ટ સમક્ષ હાજર કરવાની હતી."
"પરંતુ તેના બે દિવસ અગાઉ એટલે કે 25 જૂનના રોજ સવારે સાત વાગ્યે મને ચંદ્રિકાના મુત્યુ અંગે જાણ થઈ હતી. મને જાણવા મળ્યું કે તેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેથી તેના મોતની ન્યાયિક તપાસ માટે મેં જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી."
કેવી રીતે હત્યા કરવામાં આવી હતી?
હરેશની ફરિયાદમાં જણાવ્યાનુસાર હરેશની અરજી અંગે પોલીસે ચંદ્રિકાના પરિવારના લોકોનાં નિવેદન લીધાં હતાં.
આ નિવેદનોમાં ચંદ્રિકાની હત્યા થઈ હોવાની હકીકત બહાર આવી હતી.
હરેશની પોલીસ ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, "ચંદ્રિકાના કાકા શિવારામભાઈને તેમના વેવાઈ પ્રકાશભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે હરેશ ચંદ્રિકાને ઉપાડી જશે તેનું ધ્યાન રાખજો એવી બીક વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ચંદ્રિકાના પિતા સેંધાભાઈએ શિવારામને સાંજે આ વાતનો નિકાલ કરવાની વાત કરી હતી."
હરેશની પોલીસ ફરિયાદમાં પરિવારનાં નિવેદનો બાદ જાણવા મળેલી હકીકત વિશે લખાયું છે એ મુજબ, "શિવારામભાઈએ ચંદ્રિકાને તેમના ઘરે જમાડી અને તેમની ઊંઘની ગોળીઓ દૂધમાં ભેળવીને ચંદ્રિકાને પિવડાવી હતી. ચંદ્રિકા સૂઈ ગઈ હતી. બાદમાં મોડી રાત્રે સેંધાભાઈ તેમના ઘરેથી શિવારામના ઘરે આવ્યા હતા. શિવારામ અને સેંધાભાઈ ચંદ્રિકાને ઉપાડીને તેમના ઢાળીયાની ઓરડીમાં લઈ ગયા હતા."
"ત્યાં જ ચંદ્રિકાના પિતા અને કાકાએ ચંદ્રિકાને દુપટ્ટાથી ગળે ટૂંપો દઈને તેની હત્યા કરી હતી. લોકોને આ ઘટના આત્મહત્યા જેવી લાગે એ માટે તેમણે લાશ ઓરડીની ચૅનલ પર દુપટ્ટા વડે લટકાવી દીધી હતી."
સમગ્ર મામલે પોલીસે શું કહ્યું?
પોલીસે આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હત્યા,123(નુકસાન પહોંચાડવાના અથવા કોઈ પણ ગુનાને સરળ બનાવવાના ઇરાદાથી કોઈ પણ વ્યક્તિને ઝેર, બેહાશીની દવા અથવા અન્ય હાનિકારક પદાર્થ આપવો, 238 (પુરાવાનો નાશ કરવો) 54 (ગુનો કરવા માટે ઉશ્કેરવા) અંતર્ગત ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના કારણ અંગે પૂછતાં ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાએ જણાવ્યું હતું કે, "પોલીસ તપાસ ચાલી રહી છે. હાલ આ અંગે વાત કરી શકાય નહીં."
સમગ્ર ઘટનાક્રમ અને પરિવાર પર લાગેલા આક્ષેપો અંગે પરિવારનો મત જાણવા માટે બીબીસી ગુજરાતીએ ચંદ્રિકાના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
ચંદ્રિકા સાથે પોતાના ભવિષ્ય માટે કેવાં સ્વપ્ન જોયાં હતાં? આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતી આ કેસના ફરિયાદી હરેશ ચૌધરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પોતે કોઈ કામમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું, અને બાદમાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન