You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
30 વર્ષ પહેલાંના ભ્રૂણમાંથી હવે બાળકનો જન્મ થયો, તબીબી જગતમાં આ ચમત્કાર કેવી રીતે થયો?
- લેેખક, ડેનાઈ નેસ્ટા કુપેમ્બા
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકામાં 30 વર્ષ કરતા વધારે જૂના ભ્રૂણમાંથી બાળકનો જન્મ થયો છે અને આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.
ઓહાયોના એક દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. મહત્ત્વની વાત એ છે કે 30 વર્ષ કરતાં વધુ સમય અગાઉ એક ભ્રૂણને થીજાવી દેવાયું હતું જેમાંથી આ બાળક પેદા થયું છે અને તેની સાથે એક નવો રેકૉર્ડ સર્જાયો છે.
35 વર્ષીય લિન્ડસે અને 34 વર્ષના ટિમ પિયર્સને ત્યાં બાળક આવ્યું છે જેનું નામ થેડ્યુસ ડેનિયલ પિયર્સ રાખવામાં આવ્યું છે. પિયર્સે એમએઈટી ટેકનૉલૉજી રિવ્યૂને જણાવ્યું કે તેમના પરિવારને લાગે છે કે "આ સાયન્સ ફિક્શન મૂવીની વાત હોય એવું લાગે છે."
કોઈ ભ્રૂણને આટલા લાંબા સમય સુધી થીજાવી રાખવામાં આવ્યું હોય અને તેમાંથી સફળ રીતે બાળકનો જન્મ થયો હોય તેવી આ દુર્લભ ઘટના છે. અગાઉ 2022માં એક દંપતીને ત્યાં જોડિયા બાળકો જન્મ્યાં હતાં જેના ભ્રૂણને 1992માં થીજાવવામાં આવ્યા હતા.
પિયર્સ દંપતી સાત વર્ષથી બાળક માટે પ્રયાસ કરતું હતું પરંતુ સફળતા નહોતી મળી. ત્યાર પછી તેમણે 62 વર્ષીય લિન્ડા આચર્ડના ભ્રૂણને એડૉપ્ટ કરવાનો નિર્ણય લીધો. 1994માં લિન્ડાએ પોતાના તે સમયના પતિ મારફત આ ભ્રૂણ વિકસાવ્યું હતું.
તે સમયે આચર્ડે શરૂઆતમાં ચાર ભ્રૂણ વિકસાવ્યાં હતાં, તેમાંથી તેમને એક દીકરી થઈ હતી જે હાલમાં 30 વર્ષની છે. આ ઉપરાંત ત્રણ ભ્રૂણને સ્ટોરેજમાં રાખી મુકાયા હતા.
આચર્ડ તેમના પતિથી અલગ થઈ ગયાં, પરંતુ તેઓ ભ્રૂણનો નિકાલ કરવા નહોતા માંગતા. તેઓ રિસર્ચ માટે પણ ભ્રૂણને ડૉનેટ કરવા અથવા અજ્ઞાત રહીને કોઈ બીજા પરિવારને પણ આપવા નહોતા માંગતા.
તેમણે કહ્યું કે તેઓ આ બાળક સાથે સંકળાયેલા છે તે બહુ મહત્ત્વનું છે, કારણ કે આ બાળક તેમની 30 વર્ષીય પુત્રી સાથે સંકળાયેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ભ્રૂણ અત્યાર સુધી સ્ટોરેજમાં હતું જેના માટે આર્ચર્ડ દર વર્ષે હજારો ડોલરની રકમ ચૂકવતા હતા. ત્યાર પછી નાઇટલાઇટ ક્રિશ્ચિયન ઍડોપ્શન્સ નામે એક ખ્રિસ્તી ભ્રૂણ ઍડોપ્શન એજન્સી સાથે તેમનો સંપર્ક થયો. આ એજન્સી 'સ્નોફ્લેક્સ' નામે એક પ્રોગ્રામ ચલાવે છે. આવી એજન્સીઓ માને છે કે તેઓ જીવ બચાવવાનું કામ કરે છે.
આ પ્રોગ્રામ હેઠળ એક દંપતી પસંદ કરવામાં આવે છે, જેથી કરીને ધાર્મિક, વંશીય અથવા રાષ્ટ્રીય પસંદગી જળવાઈ રહે છે.
આર્ચર્ડની ઇચ્છા હતી કે તેઓ પરિણીત કૉકેશિયન, ખ્રિસ્તી દંપતીને તેમના ભ્રૂણનું દાન કરે જે અમેરિકામાં રહેતું હોય. તેઓ નહોતા ઇચ્છતા કે આ ભ્રૂણ દેશની બહાર જાય, તેવું તેમણે એમઆઈટી ટેકનૉલૉજી રિવ્યૂને જણાવ્યું હતું.
અંતે તેમની પસંદગી સાથે મેળ ખાય એવું પિયર્સ દંપતી મળી ગયું.
પિયર્સ દંપતીએ ટેનેસી ખાતેના આઈવીએફ ક્લિનિક રિજૉઇસ ફર્ટિલિટીમાં પ્રોસિઝર કરાવી હતી. આ ક્લિનિકે કહ્યું કે તેમનો હેતુ તેમને મળેલા ભ્રૂણને ટ્રાન્સફર કરવાનો હતો, ભલે પછી ગમે તે ઉંમર અથવા કંડિશન હોય.
પિયર્સે જણાવ્યું કે તેઓ અને તેમના પતિ "કોઈ રેકૉર્ડ તોડવા માંગતા ન હતા, પરંતુ તેમને માત્ર એક બાળક જોઈતું હતું."
આચર્ડે એમઆઈટી ટેકનૉલૉજી રિવ્યૂને જણાવ્યું કે તેઓ હજુ સુધી બાળકને રુબરુ મળ્યા નથી. પરંતુ બાળક અત્યારથી જ તેમની પુત્રી જેવું દેખાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન