You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : નિઃસંતાન દંપતી માટે સ્ત્રીબીજ વેચતી મહિલાઓ બાળક ચોરીના રૅકેટમાં કેવી રીતે ઝડપાઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
તારીખ 30 જુલાઈ, 2025
અમદાવાદના ધોળકામાં સાત માસની બાળકીના અપહરણની ઘટના સામે આવે છે.
ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરે છે. જેમ-જેમ તપાસ આગળ વધે છે એમ પ્રાથમિક નજરે સરળ લાગતા અપહરણ કેસ પરથી પરદો ઊઠતો જાય છે.
પોલીસ તપાસ અનુસાર આ માત્ર અપહરણની એક સામાન્ય ઘટના નથી પરંતુ આ કેસની પાછળ બાળ તસ્કરી રૅકેટની મસમોટી જાળ પથરાયેલી છે.
બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રૅકેટ કેવી રીતે ચાલતું હતું? પોલીસે મુખ્ય આરોપીઓને કેવી રીતે પકડ્યા? બાળકીને કેવી રીતે સુરક્ષિત બચાવી લેવામાં આવી?
શું છે સમગ્ર મામલો?
પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના ટોંક જિલ્લાના નાનકડા ગામ રાઔલીનો બગડિયા પરિવાર રોજગારી અર્થે ગુજરાત આવ્યો હતો.
આ પરિવાર ધોળકામાં બાળકોનાં રમકડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
30 જુલાઈ, 2025ના રોજ આ પરિવાર પોતાનાં બાળકો સાથે અહીંના એક શૉપિંગ કૉમ્પ્લેક્સમાં સૂતો હતો એ દરમિયાન એમની સાત મહિનાની દીકરીનું કોઈએ અપહરણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરિવારે તાત્કાલિક ધોળકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એમણે શંકા વ્યક્ત કરી હતી કે એમની દીકરીનું કોઈ નિઃસંતાન દંપતીએ અપહરણ કર્યું છે .
ચાર ટીમ બની, 100થી વધુ સીસીટીવી તપાસ્યા
આ કેસમાં પોલીસે સઘન તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા. આ ઑપરેશન અંગે અમદાવાદ રૂરલના એસ.પી. ઓમપ્રકાશ જાટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે ફરિયાદ આવી એટલે તાત્કાલિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ડિપાર્ટમેન્ટ અને હ્યુમન રિસોર્સમાં કાબેલ પોલીસકર્મીઓની ચાર ટીમ બનાવવામાં આવી હતી.''
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓને શોધવા માટે ધોળકાના 100થી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યાં હતાં.
ઓમપ્રકાશ જાટે આગળ જણાવ્યું કે, "ધોળકાના 100 સીસીટીવી અમે કલાકો સુધી તપાસ્યા ત્યારે એક સીસીટીવી ફૂટેજમાં અમને સવારે 6 વાગ્યે એક મોટરસાયકલ પર આ બાળકને ઉઠાવી જતા જોયા. હવે અહીંથી અમારી કામગીરી કપરી થઈ ગઈ હતી."
"આ કેસમાં કોઈ ગૅંગ સક્રિય થઈ હોવાની પોલીસને શંકા હતી. કારણ કે મોટરસાયકલ પર કોઈ સાત મહિનાના બાળકનું અપહરણ કરે એટલે સ્થાનિક લોકોએ જ અપહરણ કર્યું હોવાની શક્યતા હોઈ શકે."
"અમારા બાતમીદાર પાસેથી બાતમી મળી કે..."
ધોળકાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આર.એન. કરમટિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે સીસીટીવી ફૂટેજ આવતાં જ હ્યુમન ઇન્ટેલિજન્સને ઍક્ટિવ કરી."
"અમારા કૉન્સ્ટેબલ વિશાલના બાતમીદાર પાસેથી માહિતી મળી કે ધોળકાના રણોડા રોડ પરની આનંદનગર સોસાયટીમાં રહેતી એક મહિલા અને એનો મિત્ર આ અપહરણમાં સામેલ છે. અમે તુરંત આ મહિલાનું ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું તો એના ફોનનું લોકેશન મહારાષ્ટ્ર આવતું હતું."
પોલીસના જણાવ્યા પ્રમાણે આ મહિલાનું નામ મનીષા સોલંકી હતું. મનીષા અને તેમના પતિ ખેડાના અસ્માલી ગામથી થોડાં વર્ષો પહેલાં જીઆઈડીસીમાં મજૂરી કરવાં આવ્યાં હતાં.
ઓમપ્રકાશ જાટ કહે છે કે, "અમે ત્યાર બાદ ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું તો એના નંબર પરથી સિદ્ધાંત જાગતાપ નામના મહારાષ્ટ્રના હિસ્ટ્રીશીટર સાથેના સંપર્ક ખુલ્યા. સિદ્ધાર્થ જાગતાપ સામે મારામારી અને અપહરણના ગુનાઓ નોંધાયેલા હતા."
બાળકીને વેચવા માટે ઔરંગાબાદ જવા નીકળ્યા અને પકડાઈ ગયા
પોલીસે આપેલી માહિતી અનુસાર મનીષાના પતિ મહેશની કડક પૂછપરછ કરતાં મનીષા બાળકીને લઈને એની મિત્ર બિનલ સોંલકી સાથે રાજકોટથી આવેલા એના મિત્ર જયેશ સાથે ઔરંગાબાદ જવા નીકળી હોવાની જાણકારી મળી.
આ લોકો બીજાની નજરથી બચવા માટે રીક્ષામાં ધોળકાથી માંડવાળ આવ્યા હતા અને અમદાવાદથી ઔરંગાબાદ જતી વૉલ્વો બસમાં બેસી ગયા હતા.
એસપી ઓમપ્રકાશ કહે છે કે, "અમે અહીંથી બાળકનાં માતા સાથે એક ટીમ રવાના કરી અને મહારાષ્ટ્ર પોલીસ સાથે સંપર્કમાં રહ્યા. આખરે સતર્કતાથી અમે મનીષા બિનલ એનો મિત્ર જયેશ અને સિદ્ધાર્થ જાગતાપને એ લોકો બાળક વેચે એ પહેલાં પકડી પાડયા અને બાળકીને બચાવવામાં સફળતા મળી."
અત્યાર સુધીમાં કેટલાં બાળકોની ચોરી કરી હતી?
એસપી ઓમપ્રકાશ કહે છે કે, "મનીષાએ ઊલટ તપાસમાં કબૂલ્યું કે એણે અત્યાર સુધીમાં ચાર બાળકો ચોરીને વેચ્યાં છે. પાંચમું બાળક વેચવા જતા પકડાઈ ગઈ છે."
"સિદ્ધાર્થ જાગતાપને આઈવીએફ સેન્ટરમાં સંપર્કો હતા, જે દંપતીને આઈવીએફ પછી પણ બાળક ના થયા હોય એમનો સંપર્ક સાધી 1.5 થી 3 લાખ રૂપિયા સુધીમાં આ બાળકો વેચ્યાં હતાં."
એસપી ઓમપ્રકાશ જણાવે છે, "અમે તાજેતરમાં હૈદરાબાદમાં આવા બેથી આઠ મહિનાનાં બાળકો નિઃસંતાન દંપતીને વેચવાનું કૌભાંડ પકડાયું છે, એની સાથે આ લોકો સંડોવાયેલાં છે કે નહીં એની તપાસ કરી રહ્યા છીએ તેમજ ગુજરાતભરમાંથી બે વર્ષમાં આવા ગુમ થયેલાં બાળકોનો ડેટા એકત્રિત કરી રહ્યા છીએ."
કેવી રીતે આખું રૅકેટ ચાલતું હતું
અમદાવાદ રૂરલના એસપી ઓમપ્રકાશ જાટે આપેલી માહિતી પ્રમાણે ધોળકાની આનંદનગર સોસાયટીમાં રહેતી મનીષા સોલંકી પોતે સ્ત્રીબીજ વેચતી હતી અને ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી પણ જતી હતી.
તેઓ આગળ જણાવે છે કે, "કોરોના દરમિયાન એને ખબર પડી કે નિઃસંતાન દંપતી બાળકો માટે સ્ત્રીબીજ વેચીને સારા પૈસા કમાઈ શકે છે એટલે એણે જીઆઈડીસીના કારખાનામાં નોકરી છોડી સ્ત્રીબીજ વેચવાનું શરૂ કર્યું હતું."
પોલીસ તપાસ અનુસાર મનીષા બીજી પરિચિત મહિલાઓને આર્થિક જરૂરિયાત હોય તો સ્ત્રીબીજ વેચવાની દલાલી કરતી હતી, જેમાં એને પાંચ હજાર રૂપિયાનું કમિશન મળતું હતું એના કારણે એ ઘણા આઈવીએફ સેન્ટર સાથે સંકળાયેલી હતી.
એસપી ઓમપ્રકાશ જાટ કહે છે, "મનીષાનો બિનલ સોલંકી સાથે પરિચય થયો હતો. મનીષાએ બિનલને પણ સ્ત્રીબીજ વેચવામાં બીજી મહિલાઓને આમ જોડવાનું કામ સોંપ્યું હતું."
"આ લોકોએ એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં ગરીબ મહિલાઓને સ્ત્રીબીજ વેચવા લવાતી અને કમિશન અપાતું હતું."
"આવી જ રીતે મનીષા રાજકોટની હેતલ નામની યુવતીના પરિચયમાં આવી હતી. હેતલનો ભાઈ જયેશ બેલદાર એનો મિત્ર બની ગયો હતો. જયેશને કામ આપવાના નામે ધોળકા બોલાવવામાં આવ્યો હતો."
"આ લોકોએ એમના ઘરની પાસે ફુગ્ગા વેચતા મૂળ રાજસ્થાનના પરિવારની પાંચ દિવસ સુધી રેકી કરી હતી અને સવારે છ વાગ્યે એમની બાળકીને ઉઠાવી હતી."
" લોકોના વૉટ્સઍપ ગ્રૂપમાંથી અમને કેટલીક શંકાસ્પદ ચેટ મળી છે જેની અમારી ટેક્નિકલ ટીમ ઍનાલિસિસ કરી રહી છે, જેના આધારે અમે એમના મુંબઈ અને હૈદરાબાદના સંપર્કોની પણ તપાસ કરીશું."
"એ લોકો આવા ધંધામાં હશે એની નહોતી ખબર"
મૂળ ખેડાના નાનકડા ગામ અસ્માલીના રોહિતવાસમાં રહેતા મહેશનાં લગ્ન થોડાં વર્ષો પહેલાં મનીષા સાથે થયાં હતાં.
અસ્માલી રોહિતવાસમાં રહેતા અને મહેશના કૌટુંબિક ભાઈ જગદીશ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "બંને જણા 2018ના અંતમાં ગામ છોડીને ધોળકા ગયાં હતાં, ત્યાં મજૂરી કામ કરતા હતા ત્યાર બાદ કોરોનામાં એમની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી."
"વર્ષ 2024 આસપાસ તેમની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સદ્ધર થઈ હતી. જોકે તેમણે અમને એવું જ કહ્યું હતું કે ધોળકામાં કામ સારું મળ્યું હોવાથી એ લોકો પૈસા કમાયા છે, પણ એ લોકો આવા ધંધામાં હશે એની અમને ખબર ન હતી."
પોલીસની તપાસ અનુસાર સ્ત્રીબીજ વેચવાના આ રૅકેમાં રાજ્યભરમાંથી ગરીબ મહિલાઓને જોડવામાં આવતી હતી.
રાજકોટમાં હુડકા ચોકડી પાસે રહેતા જયેશ બેલદારની બહેન હેતલ પણ સ્ત્રીબીજ વેચવાનું કામ કરતી હતી.
અહીંના સામાજિક કાર્યકર કે.સી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જયેશ અહીં બેકાર રખડતો હતો છ મહિનાથી એ ધોળકા ગયો હતો , પણ ત્યાં શું કામ કરતો હતો એની અમને ખબર નથી."
શું સ્ત્રીબીજ વેચી શકાય?
સ્ત્રી બીજ વેચવા મામલે બીબીસીએ ગુજરાત હાઈકોર્ટના વકીલ આશિષ શુક્લ સાથે પણ વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે, "આઈવીએફ સેન્ટર સ્ત્રીબીજ ખરીદી ના શકે પણ સ્ત્રીબીજ આપનારને કેટલાક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે અને એના સ્ત્રીબીજ પકવવાની ટ્રીટમેન્ટ કરવી પડે છે."
"એટલે એને કન્વેન્સ અને કોમ્પન્સેશનના ભાગ તરીકે એગ ડોનરને પૈસા આપી પહોંચ આપવામાં આવે છે."
"સ્ત્રીબીજ વેચવા અને ડોનેટ કરવા વચ્ચેની પાતળી ભેદ રેખા છે, જેનો આવા દલાલો મહિલાઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી ફાયદો ઉઠાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન