13 વર્ષની વયની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ફસાવતી 'મેડમો' કોણ છે? ગુપ્ત રીતે લેવાયેલા વીડિયોમાં શું જાણવા મળ્યું

    • લેેખક, નજેરી મ્વાંગી
    • પદ, બીબીસી આફ્રિકા આઈ
    • લેેખક, તમાસિન ફોર્ડ
    • પદ, બીબીસી આફ્રિકા આઈ

"મેડમ" તરીકે ઓળખાતી મહિલાઓ કેન્યામાં 13 વર્ષની વયના બાળકોને વેશ્યાવૃત્તિમાં કેવી રીતે ફસાવે છે તેનો ખુલાસો બીબીસી આફ્રિકા આઈની તપાસમાં થયો છે.

કેન્યાની રિફ્ટ વેલીમાં આવેલા માઈ માહિયુ નામના ટ્રાન્ઝિટ ટાઉનમાં ટ્રકો તથા લૉરીઓ દિવસ-રાત આવતી રહે છે અને દેશભરમાંથી માલસામાન તથા લોકોને યુગાન્ડા, રવાન્ડા, દક્ષિણ સુદાન તેમજ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં લઈ જાય છે.

રાજધાની નૈરોબીથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલું આ મુખ્ય પરિવહન કેન્દ્ર વેશ્યાવૃત્તિ માટે જાણીતું છે એટલું જ નહીં, પરંતુ બાળકોના જાતીય શોષણનું સંવર્ધન કેન્દ્ર પણ છે.

"મેડમ" કેવી રીતે બનવું તે શીખવા માંગતા સેક્સ વર્કર્સના અંચળા હેઠળ બે ગુપ્ત તપાસકર્તાઓએ ચાલુ વર્ષની શરૂઆતમાં આ શહેરમાંના સેક્સ ટ્રેડની તપાસમાં મહિનાઓ વિતાવ્યા હતા.

તેમણે બે મહિલાઓનું ગુપ્ત રીતે ફિલ્માંકન કર્યું હતું. સિક્રેટ ફિલ્મિંગમાં એ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે તેઓ જે કામ કરી રહ્યા છે તે ગેરકાયદેસરનું છે.

એ પછી તેમણે તપાસકર્તાઓનો પરિચય સેક્સ ઉદ્યોગમાંની સગીર છોકરીઓ સાથે કરાવ્યો હતો.

"બાળકોનું મિઠાઈ આપીને સરળતાથી શોષણ કરી શકાય છે"

બીબીસીએ માર્ચમાં કેન્યા પોલીસને બધા પુરાવા આપ્યા હતા. એ પછી આવી મેડમોએ સ્થાન બદલ્યું હોવાનું બીબીસી માને છે.

પોલીસે જણાવ્યું હતું કે બીબીસીના બે તપાસકર્તાઓએ જે મહિલાઓ તથા યુવતીઓનું ફિલ્માંકન કર્યું હતું તેને શોધી શકાઈ નથી. આ મામલે આજ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

કેન્યામાં ભાગ્યે જ કોઈને સજા થાય છે. સફળ કાર્યવાહી માટે પોલીસને બાળકોની જુબાનીની જરૂર પડે છે. સંવેદનશીલ સગીરો જુબાની આપતાં ઘણીવાર બહુ ડરતા હોય છે.

બીબીસીએ અંધારી શેરીમાં પોતાને ન્યામ્બુરા કહેતી એક મહિલા સાથે વાત કરી હતી. એ વાતચીતના ઝાંખી સિક્રેટ ફૂટેજમાં ન્યામ્બુરા હસતાં-હસતાં કહે છે, "બાળકો આખરે બાળકો હોય છે. તેથી મીઠાઈ આપીને તેમનું સરળતાથી શોષણ કરી શકાય છે."

"માઈ માહિયુમાં વેશ્યાવૃત્તિ એક રોકડિયો પાક છે. મુખ્યત્વે ટ્રકચાલકો તેને પોષે છે અને આ રીતે અમને ફાયદો થાય છે. માઈ માહિયુમાં તે નોર્મલ થઈ ગયું છે,"

એવું કહેતાં ન્યામ્બુરા ઉમેરે છે કે તેની 13 વર્ષની એક છોકરી હતી, જે છ મહિનાથી "કામ" કરી રહી છે.

ન્યામ્બુરા કહે છે, "સગીર વયનાં બાળકો સાથે કામ કરવાનું બહુ જોખમી હોય છે. તેમને શહેરમાં ખુલ્લેઆમ લાવી શકાતાં નથી. હું તેમને રાત્રે ખૂબ જ ગુપ્ત રીતે બહાર કાઢું છું."

સેક્સ માટે દરરોજ દુર્વ્યવહાર કરવામાં આવે છે

કેન્યાની દંડ સંહિતા મુજબ, વેશ્યાવૃત્તિની કમાણીમાંથી ગુજરાન ચલાલવું, સેક્સ વર્કર તરીકે કામ કરવું અથવા વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપતી થર્ડ પાર્ટી તરીકે કામ કરવું ગેરકાયદેસર છે.

18 વર્ષથી ઓછી વયના સગીરોની તસ્કરી અથવા વેચાણ બદલ 10 વર્ષથી માંડીને આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.

ગ્રાહકો કોન્ડોમ પહેરે છે કે નહીં, એવા સવાલના જવાબમાં ન્યામ્બુરાએ જણાવ્યું કે ગ્રાહકો કોન્ડોમ પહેરે એ તે સુનિશ્ચિત કરે છે, પરંતુ અમુક ગ્રાહકો કોન્ડોમ પહેરતા નથી.

ન્યામ્બુરા કહે છે, "કેટલાંક બાળકો વધુ કમાણી કરવા ઇચ્છતાં હોય છે (તેથી તેનો ઉપયોગ કરતા નથી). કેટલાંક બાળકો પર (તેનો ઉપયોગ ન કરવાનું) દબાણ કરવામાં આવે છે."

બીજી એક મીટિંગમાં ન્યામ્બુરા ગુપ્ત તપાસકર્તાને એક ઘરમાં લઈ ગઈ હતી, જ્યાં ત્રણ છોકરીઓ સોફા પર અને એક છોકરી મજબૂત ખુરશી પર બેઠી હતી.

એ પછી ન્યામ્બુરા રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. તેથી તપાસકર્તાઓને છોકરીઓ સાથે વાત કરવાની તક મળી હતી.

એ છોકરીઓએ તેમની સાથે સેક્સ માટે દરરોજ દુર્વ્યવહાર થતો હોવાનું જણાવ્યું હતું.

એક છોકરીએ કહ્યું હતું, "ઘણીવાર અનેક લોકો સાથે સેક્સ કરવું પડે છે. ગ્રાહકો અકલ્પનીય કામ કરવા માટે દબાણ કરતા હોય છે."

કેન્યા સેક્સ ઉદ્યોગમાં કેટલાં બાળકો જોડાયેલાં છે?

કેન્યામાં સેક્સ ઉદ્યોગમાં કામ કરવા માટે કેટલાં બાળકો મજબૂર છે તેની સંખ્યાના કોઈ તાજા આંકડા ઉપલબ્ધ નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના કેન્યાના કન્ટ્રી રિપોર્ટ ઓન હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસમાં આવાં બાળકોની સંખ્યા 30,000 હોવાનો અંદાજ ટાંકવામાં આવ્યો હતો.

તે આંકડો કેન્યા સરકાર અને હવે નિષ્ક્રિય બિન-સરકારી સંસ્થા (એનજીઓ) ઇરેડિકેટ ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન ઇન કેન્યાના અંદાજમાંથી તારવવામાં આવ્યો હતો.

અન્ય અભ્યાસોમાં ચોક્કસ વિસ્તારો પર, ખાસ કરીને ટુરિસ્ટ રિસોર્ટ્સ માટે જાણીતા દેશના દરિયાકાંઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ ફંડ ટુ ઍન્ડ મોર્ડન સ્લેવરી નામના એક એનજીઓના 2022ના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ફિલિફી અને ક્વાલે કાઉન્ટીમાં લગભગ 2,500 બાળકોને સેક્સ વર્ક માટે ફરજ પાડવામાં આવી હતી.

ખુદને ચેપ્ટુ કહેતી એક મહિલાનો વિશ્વાસ બીજા તપાસકર્તાએ મેળવ્યો હતો અને તેની સાથે ઘણી સીક્રેટ મીટિંગ કરી હતી.

ચેપ્ટુએ કહ્યું હતું, "આ પ્રકારનો વ્યવસાય ખૂબ ગુપ્ત રીતે કરવો પડે છે, કારણ કે તે ગેરકાયદે છે."

"કોઈ મને યુવતીની વ્યવસ્થા કરવાનું કહે તો હું તેમને એ માટે પૈસા ચૂકવવા કહું છું. અમારી પાસે નિયમિત કર્મચારીઓ પણ છે, જેઓ તેમના માટે કાયમ ઉપલબ્ધ હોય છે."

ચેપ્ટુ તેની ચાર છોકરીઓને મળવા માટે ગુપ્ત તપાસકર્તાને એક ક્લબમાં લઈ ગઈ હતી. સૌથી નાની છોકરીએ જણાવ્યું હતું કે તે 13 વર્ષની છે. અન્ય છોકરીઓએ તેમની વય 15 વર્ષ હોવાનું જણાવ્યું હતું.

આ કામમાંથી થતી કમાણી વિશે મોકળાશથી વાત કરતાં ચેપ્ટુએ જણાવ્યું હતું કે છોકરી 3,000 કેન્યન શિલિંગ (23 ડોલર કે 17 પાઉન્ડ)ની કમાણી કરે તો તેમાં તેનો હિસ્સો 2,000 કેન્યન શિલિંગ (19 ડૉલર કે 14 પાઉન્ડ) હોય છે.

'મારે સેક્સ કરવું જ પડે છે'

માઈ માહિયુના એક ઘરમાં ચેપ્ટુ મારફત ગોઠવાયેલી બીજી એક મીટિંગમાં ગુપ્ત તપાસકર્તાએ બે સગીર છોકરીઓ સાથે વાત કરી હતી.

એ પૈકીની એક છોકરીએ જણાવ્યું હતું કે તે રોજ સરેરાશ પાંચ પુરુષો સાથે સેક્સ કરે છે. તું કોન્ડોમ વિના સેક્સનો ઈનકાર કરે તો શું થાય, એવો સવાલ કર્યો ત્યારે છોકરીએ જણાવ્યું હતું કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી.

"મારે (કોન્ડોમ વિના) સેક્સ કરવું જ પડે છે. તેઓ મને ભગાડી મૂકશે અને મારી પાસે ભાગીને જવા જેવું કોઈ સ્થળ નથી. હું અનાથ છું."

કેન્યાનો સેક્સ ઉદ્યોગ એક જટિલ, ભેદી દુનિયા છે, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ બંને બાળ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં સામેલ છે.

માઈ માહિયુમાં કેટલાં બાળકોને સેક્સ વર્કમાં ધકેલી દેવામાં આવે છે, એ જાણી શકાયું નથી, પરંતુ લગભગ 50,000 લોકોની વસ્તીવાળા આ શહેરમાં તેમને શોધવાનું આસાન છે.

"બેબી ગર્લ" નામે ઓળખાતી એક ભૂતપૂર્વ સેક્સ વર્કર, જાતીય શોષણથી બચી ગયેલી છોકરીઓને માઈ માહિયુમાં આશરો આપે છે.

રહેવાનો આશરો આપ્યો અને જાતીય શોષણ કર્યું

61 વર્ષનાં બેબી ગર્લે 40 વર્ષ સુધી સેક્સ ઉદ્યોગમાં કામ કર્યું હતું. આયુષ્યની વીસીના દાયકામાં બેબી ગર્લે સેક્સ વર્કર તરીકે કામ શરૂ કર્યું હતું.

તેઓ ત્યારે ગર્ભવતી હતાં અને ઘરેલુ હિંસાને કારણે પતિને છોડીને ત્રણ નાનાં સંતાનો સાથે નાસી છૂટ્યાં હતાં.

પોતાના ઘરની સામે આવેલા એક પાર્લરમાં તેમણે ચાર ચુવતીઓ સાથે બીબીસીને પરિચય કરાવ્યો હતો.

એ યુવતીઓ છોકરીઓ હતી ત્યારે માઈ માહિયુમાં મેડમોએ તેમને બળજબરીથી વેશ્યા વ્યવસાયમાં ધકેલી હતી.

દરેક યુવતીએ ભાંગેલા પરિવારો અથવા ઘરમાં દુર્વ્યવહારની સમાન કથની જણાવી હતી. તેનાથી બચવા તેઓ માઈ માહિયુ આવી હતી અને તેમણે ફરીથી હિંસક દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું.

મિશેલે જણાવ્યું હતું કે તેઓ 12 વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાપિતા એઈડ્સને કારણે મૃત્યુ પામ્યાં હતાં અને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

તેમને એક માણસે આશરો આપ્યો હતો. એ પુરુષે તેમનેે રહેવા જગ્યા આપી હતી અને તેમની જાતીય સતામણી શરૂ કરી હતી.

મિશેલે કહ્યું હતું, "મને શિક્ષિત કરવા બદલ મારે તેને શબ્દશઃ ચૂકવણી કરવી પડી હતી. હું વાજ આવી ગઈ હતી, પરંતુ મારી પાસે કોઈ સહારો ન હતો."

બે વર્ષ પછી એક મહિલાએ મિશેલનો સંપર્ક કર્યો હતો. એ મહિલા માઈ માહિયુની મેડમ હતી અને તેણે મિશેલને વેશ્યાવૃત્તિ માટે ફરજ પાડી હતી.

ભૂતકાળથી ભાગવાની કોશિશ અને નવું જીવન

હવે 19 વર્ષનાં લિલિયને પણ ખૂબ જ નાની વયે તેમનાં માતાપિતા ગુમાવ્યાં હતાં. એ કાકાને આશરે હતી.

લિલિયન સ્નાન કરતાં હતાં ત્યારે કાકાએ તેમના ફોટા પાડ્યા હતા અને એ ફોટા દોસ્તોને વેચ્યા હતા. એમની લોલૂપતા ટૂંક સમયમાં બળાત્કારમાં પરિણમી હતી.

લિલિયને કહ્યું હતું કે, "એ મારો સૌથી ખરાબ દિવસ હતો. ત્યારે હું 12 વર્ષની હતી."

લિલિયન નાસી છૂટ્યાં ત્યારે એક ટ્રક ડ્રાઇવરે તેમના પર ફરી બળાત્કાર કર્યો હતો અને તેમને માઈ માહિયુ લઈ ગયો હતો.

માઈ માહિયુમાં મિશેલની માફક લિલિયનનો પણ એક મહિલાએ સંપર્ક કર્યો હતો અને તેમણે લિલિયનને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.

આ યુવતીઓનું ટૂંકુ જીવન હિંસા, ઉપેક્ષા અને દુવ્યવહારભર્યું રહ્યું છે.

હવે બેબી ગર્લના આશરે રહેતી આ યુવતીઓ નવા કૌશલ્ય મેળવી રહી છે. બે યુવતીઓ એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં અને બે એક બ્યુટી સલૂનમાં કામ કરે છે.

તેઓ સામુદાયિક કાર્યોમાં બેબી ગર્લને મદદ પણ કરે છે.

કેન્યાની નાકુરુ કાઉન્ટીમાં એચઆઈવીના ચેપનું પ્રમાણ સૌથી વધારે છે અને અમેરિકાની સહાય એજન્સી યુએસએઈડના સમર્થન વડે બેબી ગર્લ લોકોને અસુરક્ષિત સેક્સના જોખમો વિશે માહિતગાર કરવાનું અભિયાન ચલાવે છે.

લેક નૈવાસા નજીકના કારાગીતા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બેબી ગર્લની ઑફિસ છે, જ્યાં તેઓ કોન્ડોમ્સ પૂરાં પાડે છે અને સલાહ આપે છે.

જોકે, યુએસએઈડનું ભંડોળ પાછું ખેંચી લેવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે બેબી ગર્લનું આ અભિયાન બંધ થવાના આરે છે.

બેબી ગર્લે બીબીસી વર્લ્ડ સર્વિસને કહ્યું હતું, "સપ્ટેમ્બરથી અમે બેરોજગાર થઈ જઈશું." પોતે તેમના પર નિર્ભર યુવતીઓ અને છોકરીઓ માટે કેટલાં ચિંતિત છે, એ પણ તેમણે જણાવ્યું હતું.

"તમે જુઓ કે આ બાળકો કેટલી દયનીય સ્થિતિમાં છે. તેઓ જાતે કેવી રીતે ટકી શકશે? તેઓ હજુ સુધી આઘાતમાંથી પણ બહાર આવ્યાં નથી."

યુએસએઈડ ભંડોળમાં કાપ મૂકવાની સંભવિત અસર વિશેના સવાલનો કોઈ જવાબ આ તપાસમાં અમેરિકન સરકારે આપ્યો નથી. યુએસએઈડ ગયા મહિને સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે.

લિલિયન હાલ ફોટોગ્રાફી શીખી રહ્યાં છે અને દુર્વ્યવહારના આઘાતમાંથી બહાર આવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

લિલિયન કહે છે, "હવે હું ડરતી નથી, કારણ કે બેબી ગર્લ અમારી સાથે છે. તેઓ ભૂતકાળને દફનાવવામાં અમને મદદ કરી રહ્યાં છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન