You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૌદ્ધ ભિક્ષુઓ સાથે યૌનસંબંધ બાંધીને બ્લૅકમેલ કરવાના આરોપમાં મહિલાની ધરપકડ, 80,000 વીડિયો-ફોટા મળ્યા
- લેેખક, જિરાપોર્ન સ્રીચમ અને કો યૂ
- પદ, બીબીસી ન્યૂઝ
થાઇલૅન્ડ પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જેમના પર આરોપ છે કે તેમણે બૌદ્ધ ભિક્ષુઓ સાથે જાતીય સંબંધ બાંધીને તેને ચોરીછૂપીથી ફિલ્માવ્યા અને પછી પૈસા પડાવવા માટે એ તસવીરો અને વીડિયોનો ઉપયોગ કર્યો.
પોલીસે મંગળવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે 'મિસ ગોલ્ફ' નામની મહિલાએ ઓછામાં ઓછા નવ બૌદ્ધ ભિક્ષુઓ સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા.
પોલીસનું માનવું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં મહિલાને લગભગ 102 કરોડ રૂપિયા (385 મિલિયન બાટ, લગભગ 11.9 મિલિયન ડૉલર) મળ્યા છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, તપાસ અધિકારીઓએ જ્યારે મહિલાના ઘરની જડતી લીધી, ત્યારે તેમાં ભિક્ષુઓને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં 80,000થી વધારે તસવીરો અને વીડિયો મળ્યાં.
આ નવા કાંડે થાઇલૅન્ડમાં ખૂબ જ પવિત્ર મનાતી બૌદ્ધ સંસ્થાને ફરી એક વાર હચમચાવી દીધી છે; કેમ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૌદ્ધ ભિક્ષુઓ પર જાતીય શોષણના અને ડ્રગ તસ્કરીમાં સામેલ હોવાના આરોપ થતા રહ્યા છે.
પોલીસને આ બનાવની જાણ કઈ રીતે થઈ?
પોલીસનું કહેવું છે કે, જૂનના મધ્યમાં આ બાબત પહેલી વાર તેમના ધ્યાનમાં આવી હતી, જ્યારે તેમને જાણવા મળ્યું કે એક મહિલા દ્વારા બૅંગકૉકના એક મઠાધીશને બ્લૅકમેલ કરાયા પછી તેમણે અચાનક ભિક્ષુ જીવન છોડી દીધું હતું.
પોલીસ અનુસાર, 'મિસ ગોલ્ફ'એ મે 2024માં એ ભિક્ષુ સાથે 'સંબંધ બાંધ્યા હતા'. ત્યાર પછી તેમણે દાવો કર્યો હતો કે તે તેમના બાળકની માતા છે અને તેમની પાસેથી ભરણપોષણ માટે 7 મિલિયન બાટ કરતાં વધારે રકમની માગણી કરી હતી.
ત્યાર પછી વહીવટી તંત્રને જોવા મળ્યું કે અન્ય ભિક્ષુઓએ પણ મિસ ગોલ્ફને એ જ પ્રકારે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે તેને મહિલાની 'કામ કરવાની પદ્ધતિ' (મૉડસ ઑપરેન્ડી) ગણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું કે તેમને જોવા મળ્યું છે કે લગભગ બધા પૈસા બૅંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા છે અને કેટલાકનો ઉપયોગ ઑનલાઇન જુગાર રમવામાં પણ કરવામાં આવ્યો.
80,000થી વધારે તસવીરો અને વીડિયો
પોલીસે કહ્યું, ચાલુ મહિનાની શરૂઆતમાં જ્યારે મિસ ગોલ્ફના ઘરની જડતી લેવામાં આવી, ત્યારે તેમનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો અને 80,000 કરતાં વધારે તસવીરો અને વીડિયો શોધી કાઢવામાં આવ્યાં, જેનો ઉપયોગ તે ભિક્ષુઓને બ્લૅકમેલ કરવા માટે કરતાં હતાં.
મહિલા પર બ્લૅકમેલિંગ, મની લૉન્ડરિંગ અને ચોરીનો સામાન રાખવા સહિત ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે 'દુરાચાર કરનારા ભિક્ષુઓ' અંગેની માહિતી આપવા માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે.
આ કાંડ પછી થાઈ બૌદ્ધ ધર્મની ગવર્નિંગ બૉડી સંઘ સુપ્રીમ કાઉન્સિલે જાહેરાત કરી છે કે તે મઠોના નિયમોની સમીક્ષા કરવા માટે વિશેષ સમિતિની રચના કરશે.
સરકાર પણ એવા ભિક્ષુઓ વિરુદ્ધ કડક સજા લાગુ કરવા પર ભાર મૂકી રહી છે, જેઓ મઠની આચારસંહિતાનું ઉલંઘન કરે છે. આ સજાઓમાં આર્થિક દંડ અને જેલ સામેલ છે.
ચાલુ અઠવાડિયે થાઈલૅન્ડના કિંગ વજીરાલોંગકૉર્નએ જૂનમાં બહાર પડેલા શાહી આદેશને રદ કરી દીધો, જેમાં 81 ભિક્ષુઓને ઉચ્ચ પદવી આપવામાં આવી હતી. તેના માટે તેમણે તાજેતરના દુર્વ્યવહારના બનાવોને કારણ ગણાવ્યા છે, જેનાથી "બૌદ્ધ અનુયાયીઓને ભારે આઘાત લાગ્યો છે".
થાઇલૅન્ડમાં 90 ટકા કરતાં વધારે વસ્તી પોતાને બૌદ્ધ માને છે અને અહીં ભિક્ષુઓને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. થાઇલૅન્ડના ઘણા પુરુષ પણ સારાં કર્મો માટે કામચલાઉ રીતે ભિક્ષુ બને છે.
પરંતુ, છેલ્લાં થોડાં વર્ષમાં બૌદ્ધ સંસ્થા પર સતત ઘણા કાંડના આરોપ થયા છે.
બૌદ્ધ ભિક્ષુઓ પર ઊઠતા સવાલ
2017માં વિરાપોલ સુકફોલ નામના એક ભિક્ષુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હતા, તેઓ પોતાની ભવ્ય જીવનશૈલી માટે પ્રખ્યાત થયા હતા. તેની સાથે જ તેમના પર જાતીય શોષણ, છેતરપિંડી અને મની લૉન્ડરિંગના આરોપ થયા હતા.
જ્યારે 2022માં થાઇલૅન્ડના ઉત્તર પ્રાંત ફેચાબૂનના એક મંદિરમાં ચાર ભિક્ષુ ડ્રગ રેડ દરમિયાન પકડાયા હતા.
થાઈ સંઘમાં શિસ્તપાલન અને ઉત્તરદાયિત્વ સાથે સંકળાયેલા મુદ્દાની વર્ષોથી ટીકા થતી રહી છે, પરંતુ ઘણા જાણકારો એવું માને છે કે સદીઓ પુરાણી આ સંસ્થામાં અત્યાર સુધી કોઈ મોટું પરિવર્તન નથી થયું. નિષ્ણાતો અનુસાર, તેનું મોટું કારણ તેની અલગ અલગ પદોવાળી ચુસ્ત પદ્ધતિ છે.
ધાર્મિક સ્કૉલર સુરાફોટ થાવીશાકે બીબીસી થાઈને કહ્યું, "આ થાઈ અમલદારશાહી જેવી એકાધિકારવાદી સિસ્ટમ છે, જેમાં વરિષ્ઠ ભિક્ષુ એક ઉચ્ચ અધિકારી જેવા હોય છે અને કનિષ્ઠ ભિક્ષુ તેમના અધીન હોય છે."
"જ્યારે તેઓ કંઈ અયોગ્ય થતું જુએ છે, ત્યારે બોલવાની હિંમત નથી કરતા; કેમ કે, તેમને મંદિરમાંથી કાઢી મૂકવાનું ખૂબ જ આસાન છે."
જોકે, કેટલાક લોકોને લાગે છે કે પોલીસ અને સંઘ કાઉન્સિલ, બંનેની ચાલી રહેલી તપાસ દ્વારા ચોક્કસપણે સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકાશે.
બૅંગકૉકની થમ્મસાત યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રી પ્રાકૃતિ સાતાસુતે કહ્યું, "સૌથી જરૂરી વાત સચ્ચાઈને ઉજાગર કરવાની છે; જેથી જનતાના મનમાં સંઘની પવિત્રતા બાબતે જે શંકા છે, તે દૂર થઈ શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન