You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા સરકારનો એ નિર્ણય જે ભારતીય વિદ્યાર્થીઓની 'મુશ્કેલી વધારી' શકે
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલા કેટલાક સમયથી ભારત અને કૅનેડાના રાજદ્વારી સંબંધો વણસ્યા હોવા છતાં ગુજરાત સહિત સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે કૅનેડા હજુ પણ 'ફૅવરિટ ડેસ્ટિનૅશન' મનાય છે.
નોંધનીય છે કે ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચાભ્યાસ અને કૅનેડામાં કામ કરવા તેમજ સ્થાયી થવાના સ્વપ્ન સાથે ત્યાં પહોંચે છે.
જોકે, પાછલા કેટલાક સમયથી એક સમયે 'માઇગ્રન્ટ્સ ફ્રેન્ડલી' મનાતા દેશ કૅનેડામાં માઇગ્રેશન માટેના નિયમો કેટલાક અંશે કડક બનાવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આવી જ એક જાહેરાત તાજેતરમાં પણ કરાઈ. કૅનેડા સરકારની ઇમિગ્રેશન અંગેની માહિતી પૂરી પાડતી વેબસાઇટ પર આપેલી માહિતીને કારણે હવે કૅનેડામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓએ દેશમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની 'મુશ્કેલી થોડી વધી' શકે છે.
વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ કૅનેડા (ક્યુબેક સિવાય) અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓએ હવેથી 'લિવિંગ કોસ્ટ' એટલે કે 'જીવન-જરૂરિયાતના ખર્ચ' માટે લગભગ 14 લાખ રૂ. પોતાની પાસે હોવાનું બતાવવાનું રહેશે.
પહેલાં આ રકમ લગભગ 13 લાખ રૂ. હતી. આમ, નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓએ અગાઉ કરતાં 11 ટકા જેટલી રકમની વધુ વ્યવસ્થા કરવી પડશે. જોકે, નવી જોગવાઈ પહેલી સપ્ટેમ્બર કે એ પછી અરજી કરનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે.
નોંધનીય છે કે પહેલાં કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓએ 'લિવિંગ કોસ્ટ'ના પુરાવા તરીકે 20,635 (લગભગ 12,92,615 રૂ.) કૅનેડિયન ડૉલર બતાવવાના રહેતા. જ્યારે નવી જોગવાઈ પ્રમાણે હવે તેમાં વધારો કરીને 22,895 કૅનેડિયન ડૉલર (14,34,415 રૂ.) કરી દેવાયા છે.
ગુજરાતમાં ઇમિગ્રેશનના જાણકારો આના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હોવાનો મત વ્યક્ત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅનેડા જવા માગતાં વિદ્યાર્થીઓનાં માબાપ પર દબાણ વધશે?
અમદાવાદમાં છેલ્લાં 20 વર્ષથી કાર્યરત્ ઇમિગ્રેશન નિષ્ણાત પ્રસન્ના આચાર્ય આ વધારા અંગે વાત કરતાં કહે છે કે, "અગાઉ કરતાં લિવિંગ એક્સપેન્સની આ રકમ વધુ છે, પરંતુ આ વધારો એ દેશના ફુગાવાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે."
"જોકે, આનાથી કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓનાં માબાપ પર થોડી વધુ રકમની જોગવાઈ કરવાનું દબાણ વધશે, પરંતુ આ બદલાવનું એક હકારાત્મક પાસું પણ છે."
તેઓ આ પરિવર્તન અંગે વધુ વાત કરતાં કહે છે કે, "કૅનેડા દ્વારા લિવિંગ એક્સપેન્સ તરીકે જે રકમની જોગવાઈ કરવાનું જણાવવામાં આવે છે એ કોઈ ખર્ચ નથી, પરંતુ એ રકમ આગામી 12 માસમાં વિદ્યાર્થીને પરત મળી જવાની હોય છે. આ રકમ ફુગાવાને ધ્યાને રાખીને વધારવામાં આવી હોઈ આટલી રકમની વ્યવસ્થા કરનાર વિદ્યાર્થીઓ શાંતિથી પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે છે અને તેમને કૅનેડા જઈને બીજું કંઈ કામ કરવાની જરૂર પડતી નથી."
પ્રસન્ના આચાર્ય આગળ આ અંગે વાત કરતાં કહે છે કે, "આ જાહેરાત પાછળ કૅનેડાનો હેતુ માત્ર અભ્યાસાર્થે કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓને આકર્ષવાનો અને અન્ય હેતુસર કૅનેડા જતા માગતા વિદ્યાર્થીઓને હતોત્સાહિત કરવાનો હોઈ શકે."
કૅનેડા ઇમિગ્રેશન સલાહકાર ડૉ. જુલી દેસાઈ માને છે કે નવા બદલાવથી કૅનેડા જવા માગતા ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 'ઘટાડો' થઈ શકે છે.
તેઓ કહે છે કે, "કૅનેડા જવા માગતા મોટા ભાગના ભારતીયો મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. આ વધારાનો સીધો અર્થ એ થાય છે કે તેમનાં માતાપિતા પર નાણાકીય જોગવાઈનું વધુ દબાણ પેદા થઈ શકે છે, કારણ કે કૅનેડિયન ડૉલરમાં આ વધારો ભલે આશરે બે હજાર જેટલો વધારો થયો હોય, પરંતુ ભારતીય ચલણમાં આ રકમ લગભગ 1.40 લાખ રૂ. થઈ જાય છે."
તેઓ આગળ કહે છે કે, "નાણાકીય જોગવાઈમાં થયેલા વધારા અને કૅનેડામાં ઇમિગ્રેશન સંબંધિત મુશ્કેલીઓમાં વધારો થયેલો હોઈ નવી જોગવાઈ બાદ વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે કૅનેડાનો વિકલ્પ એટલો આકર્ષક ન રહે એવું બની શકે."
વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સિયલ સપોર્ટના કયા પુરાવા જરૂરી?
કૅનેડા સરકારની વેબસાઇટ અનુસાર ફાઇનાન્સિયલ સપોર્ટના પુરાવા તરીકે વિદ્યાર્થીએ કૅનેડામાં કામ કર્યા વગર કેટલાક આર્થિક પુરાવા વિઝા અરજી સાથે મૂકવાના હોય છે.
તમારે એવું સાબિત કરવાનું હોય છે કે કૅનેડામાં કામ કર્યા વગર તમારી પાસે જે તે કોર્સની ટ્યુશન ફી માટેના, તમારા અને તમારી સાથે કૅનેડા જઈ રહેલા સંબંધીઓના જીવન-જરૂરિયાતના ખર્ચ માટેનાં અને કૅનેડાથી સ્વદેશ અને સ્વદેશથી કૅનેડા જવા માટે પૂરતાં નાણાં છે.
તમારી પાસે પૂરતાં નાણાં છે એ બતાવવા માટે નીચેના પૈકી એક અથવા વધુ પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે.
- કૅનેડા ભરેલ ટ્યુશન ફી અને હાઉસિંગ ફી
- જો તમે પૈસા કૅનેડા ટ્રાન્સફર કરી દીધા હોય તો તમારા નામે કૅનેડિયન બૅન્ક એકાઉન્ટ
- પાર્ટિશિપેટિંગ કૅનેડિયન ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી મેળવેલું ગૅરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી)
- બૅન્કમાંથી સ્ટુડન્ટ કે ઍજ્યુકેશન લોનના પુરાવા
- પાછલા ચાર માસનું બૅન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- કૅનેડિયન ડૉલરમાં કન્વર્ટ કરી શકાય તેવું બૅન્ક ડ્રાફ્ટ
- એવી શાળા કે વ્યક્તિનો પત્ર જે તમને નાણાં આપી રહી હોય
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન