You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એટલા પુરુષોએ સગીરાઓનો બળાત્કાર કર્યો કે ગણી ન શકાય', યુકેના રેપ મામલે પાકિસ્તાની મૂળના આરોપીને 35 વર્ષની જેલ
- લેેખક, લૉરેન હર્સ્ટ અને ફિલ મૅકકેન
યુકેના રોચડેલમાં સ્કૂલમાં અભ્યાસ કરતી બે સગીરાઓ પર બળાત્કાર કરનાર ગ્રૂમિંગ ગૅંગના લીડરને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
બૉસ મૅન તરીકે જાણીતા 65 વર્ષીય મોહમ્મદ ઝાહિદે તેના બજારના સ્ટૉલ પરથી છોકરીઓને નિયમિત સેક્સની અપેક્ષાએ મફત અન્ડરવેર આપ્યાં હતાં.
એ ત્રણ બાળકોનો પિતા હતો, જેણે છોકરીઓ પ્રત્યે "ભયંકર ખરાબ વ્યવહાર કર્યો હતો. તે વર્ષ 2001 અને 2006ની વચ્ચે અનેક જાતીય ગુનાઓ આચરવા બદલ જૂનમાં દોષિત ઠેરવવામાં આવેલા સાત પુરુષોમાંનો એક હતો.
આ સિવાય માન્ચેસ્ટરની મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં મુશ્તાક અહેમદ (67), કાસીર બશીર (50), મોહમ્મદ શહઝાદ (44), નાહીમ અકરમ (49), નિસાર હુસૈન (41) અને રોહીઝ ખાન (39)ને પણ લાંબી જેલની સજા ફટકારવામાં આવી છે.
કેવી રીતે થતું હતું છોકરીઓનું જાતીય શોષણ?
યુકેની કોર્ટને જણાવવામાં કે ગ્રેટર માન્ચેસ્ટર શહેરમાં 13 વર્ષની ઉંમરથી ગંદા ફ્લેટ, કાર પાર્ક, ગલીઓ અને બિનઉપયોગી વેરહાઉસમાં સગીરાઓનું જાતીય શોષણ કેવી રીતે કરવામાં આવતું હતું.
આ કેસમાં ગર્લ-A અને ગર્લ-B તરીકે ઓળખતી સગીરાઓ સાથે "સેક્સ સ્લેવ" તરીકે વ્યવહાર કરવામાં આવતો હતો અને "પુરુષો જ્યારે પણ અને જ્યાં ઇચ્છે ત્યાં તેમની સાથે સેક્સ માણવાની" અપેક્ષા રાખવામાં આવતી હતી.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે બંને છોકરીઓ, જે એકબીજાને ઓળખતી ન હતી, તેમનાં "ઘરે તેમનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હતું" અને તેમને ડ્રગ્સ, દારૂ અને સિગારેટ આપવામાં આવતી હતી અને પુરુષો દ્વારા તેમને રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી.
કોર્ટે શું કહ્યું?
સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ જોનાથન સીલીએ કહ્યું કે 'શિકારી' પુરુષો દ્વારા સગીરાઓ સાથે થતો વ્યવહાર ભયાવહ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું, એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, એમને અપમાનિત કરવામાં આવી અને પછી તેમનો ત્યાગ કરવામાં આવ્યો.
તેમની પાસે નિરંતર યૌન શોષણને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
અદાલતને જણાવવામાં આવ્યું કે બધા પીડિયોફાઇલ્સ બજારમાં કામ કરતા હતા અથવા તો ટૅક્સી ચાલક તરીકે કામ કરતા હતા.
'એમની સંંખ્યા એટલી વધારે હતી કે ગણતરી કરવી પણ મુશ્કેલ હતી'
સગીરાએ જ્યુરીને જણાવ્યું કે તેમનો ફોન નંબર પુરુષો વચ્ચે ફરતો રહ્યો હતો અને સેંકડો પુરુષોએ તેમને પોતાનો શિકાર બનાવી હતી. તેમણે આગળ કહ્યું, 'એમની સંંખ્યા એટલી વધારે હતી કે ગણતરી કરવી પણ મુશ્કેલ હતી.'
કોર્ટમાં જણાવ્યા અનુસાર, તેમણે 2004માં લોકલ ચાઇલ્ડ સર્વિસને જણાવ્યું હતું કે તેઓ મોટી ઉંમરના પુરુષો સાથે હરતી-ફરતી હતી. દારૂ અને ગાંજો લેતી હતી.
ગર્લ-બી કે જે બજારમાં કામ કરતા પુરુષોના સંપર્કમાં આવ્યાં ત્યારે બાળગૃહમાં રહેતાં હતાં. તેમણે જણાવ્યું કે પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓને ખબર હતી કે શું ચાલી રહ્યું છે પરંતુ તેઓ આ મુદ્દા અંગે કશું પણ કરવા માટે ચિંતિત ન હતા.
હવે 30 વર્ષની ઉંમરે પહોંચેલાં મહિલાએ અદાલતને જણાવ્યું કે, મને દસ વર્ષની ઉંમરે હરવા-ફરવા અને વેશ્યાવૃત્તિના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી.
સોશિયલ સર્વિસ અને પોલીસે પહેલાં પણ છોકરીઓ સંબંધિત પોતાની પાછલી ભૂલો અંગે માફી માંગી છે.
કોને કેટલી સજા થઈ?
પાકિસ્તાનમાં જન્મેલા 65 વર્ષીય મોહમ્મદ ઝાહિદ, સ્ટેશન રોડ, ક્રમ્પ્સોલના રહેવાસી, ગર્લ A અને ગર્લ B પર બળાત્કાર કરવા, બાળક સાથે અશ્લીલ વર્તન કરવા અને સેક્સ માટે બાળકને લાવવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ઓલ્ડહામના કોરોના એવન્યુના 67 વર્ષીય મુશ્તાક અહેમદ અને ઓલ્ડહામના નેપિયર સ્ટ્રીટ ઈસ્ટના 50 વર્ષીય કાસીર બશીર, જેનો જન્મ પણ પાકિસ્તાનમાં થયો હતો, તેને ગર્લ બીના સંબંધમાં બાળક સાથે વારંવાર બળાત્કાર અને અશ્લીલતા કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને અનુક્રમે 27 અને 29 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
રોચડેલના બેસ્વિક રોયડ્સ સ્ટ્રીટના 44 વર્ષીય મોહમ્મદ શહઝાદ; રોચડેલના મેનલી રોડના 49 વર્ષીય નાહીમ અકરમ; રોચડેલના ન્યૂ ફિલ્ડ ક્લોઝના 41 વર્ષીય નિસાર હુસૈનને ગર્લ A પર વારંવાર બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 26, 26 અને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
પાકિસ્તાનમાં જન્મેલા રોચડેલના એથોલ સ્ટ્રીટના 39 વર્ષીય રોહીઝ ખાનને છોકરી A સામે બળાત્કારના એક જ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
2016 માં, ઝાહિદને 2005 અને 2006 માં 14 વર્ષની છોકરી સાથે જાતીય પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જામીન પર ફરાર થઈ ગયા બાદ બશીરને તેની ગેરહાજરીમાં સજા ફટકારવામાં આવી હતી.
'કોઈને પણ પસ્તાવો નહીં'
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર ગાય લેકોકે જણાવ્યું હતું કે પુરુષો "પોતાના જાતીય ફાયદા માટે છોકરીઓની નબળાઈનો ગેરલાભ ઉઠાવતા હતા".
તેમણે કહ્યું કે, "આટલી લાંબી તપાસ અને કોર્ટ કેસમાં તેમના ઇનકાર છતાં, આ ભયાનક દુર્વ્યવહારની કોઈ મર્યાદા નહોતી."
"જ્યારે તેઓ સગીર હતી ત્યારે તેઓ આ મહિલાઓ પ્રત્યે ખરાબ વ્યવહાર કરતા હતા અને તેમના અક્ષમ્ય અપરાધ માટે કોઈ પસ્તાવો પણ ન હતો."
ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના નિષ્ણાત પ્રૉસિક્યુટર લિઝ ફેલે જણાવ્યું હતું કે પુરુષોએ કિશોરીઓના નબળા સંજોગોનો ફાયદો ઉઠાવ્યો હતો.
તેમણે પીડિતાને આગળ આવવા બદલ ધન્યવાદ આપ્યા હતા.
તેમણે કહ્યું, "બંને પીડિતોએ લાંબી અને પડકારજનક કાનૂની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ હિંમત અને શક્તિ દાખવી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન