ગુજરાત : 'વ્હૉટ હૅપન્ડ સાવન?' આ ત્રણ શબ્દોએ હત્યારાને કઈ રીતે પકડાવી દીધો?

    • લેેખક, અપૂર્વ પારેખ
    • પદ, બીબીસી માટે

ફેબ્રુઆરી-2022માં સંઘ પ્રદેશ દમણ નર્સિંગ કૉલેજનાં મહિલા આચાર્ય ડૉ. એ. કનિમોઝીની તેમની જ કારમાં ગળું દબાવી હત્યા કરીને કારને સળગાવી મૂકવાના ગુના સબબ તત્કાલીન એકાઉન્ટન્ટને અદાલતે જનમટીપની સજા ફટકારી છે.

પોલીસના આરોપનામા મુજબ, આ ઘટનાને તેમની જ કૉલેજના એકાઉન્ટન્ટ સાવન પટેલે 'અંજામ' આપ્યો હતો.

આરોપનામા પ્રમાણે, તેણે પોતે કરેલા 'ફીના ગોટાળા'ની ગંધ પ્રિન્સિપાલને આવી જતાં સાવને આ 'ગુનાને અંજામ આપ્યો હતો.'

સાવન વિરૂદ્ધ દાદરા નગર હવેલીની સેસન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં સાવન જગદીશ પટેલ દોષિત ઠર્યો હતો.

જજ વિભા ઇન્ગ્લેએ તેને 'અમાનવીય અને ક્રૂરતાપૂર્વક'નો ગુનો ઠેરવીને તેને જનમટીપની સજા ફટકારી હતી.

શું હતી આખી ઘટના?

ગવર્મેન્ટ કૉલેજ ઓફ નર્સિંગ, દમણમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતાં મૂળ પુડ્ડુચેરીનાં (અગાઉ પોંડીચેરી) વતની ડૉ. એ. કનિમોઝીની (ઉ.વ.45) તા. 28મી ફેબ્રુઆરી 2022ના રોજ તેમની કારમાં રાબેતા મુજબ સવારે સેલવાસથી દમણ જઈ રહ્યાં હતાં.

એ સમયે મોટી દમણસ્થિત રૂઇન્ડ ચર્ચ પાસે સાવન પટેલે તેમની કાર અટકાવી તેમાં બેસી જઈ તેમનું ગળું દબાવી હત્યા કરી હતી.

અદાલતમાં ચાલી ગયેલા કેસ અને પોલીસે દાખલ કરેલી ચાર્જશિટની વિગતો અનુસાર, ત્યારબાદ સાવન પટેલ તેમની કારને દમણની હદ બહાર ગુજરાતના પારડી તાલુકાના એક ગામમાં લઈ ગયો અને તેને સળગાવી દીધી હતી.

બીજી તરફ એ. કનીમોઝીનો સંપર્ક ન થતાં તેમના પતિ સી. મનીમારને આ સંદર્ભે સેલવાસ પોલીસને ફરિયાદ કરી હતી. સેલવાસ પોલીસે વૉટ્સઍપ પર તેમની ફરિયાદ લઈ એ. કનીમોઝીની તપાસ હાથ ધરી હતી.

ત્રણ શબ્દના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો

નર્સિંગ કૉલેજનાં મહિલા આચાર્ય એ. કનિમોઝી ગુમ થવાની ફરિયાદને સેલવાસ પોલીસે ખૂબ ગંભીરતાથી લીધી હતી. તેમણે પ્રથમ તેમનો ફોન રેકૉર્ડ કઢાવ્યો હતો.ત્યારે તેમણે 28મી ફેબ્રુઆરીના સવારે જેમની સાથે કનિમોઝીની વાત થઈ હતી, તેમનાં સ્ટેટમેન્ટ લીધાં હતાં.

જેના પરથી જાણવા મળ્યું કે, કનિમોઝીએ કાર અટકાવીને ચાલુ ફોને 'વ્હૉટ હૅપન્ડ સાવન?' એવું કહ્યું હતું.

ત્યારબાદ કનિમોઝીનો ફોન કટ થઈ ગયો અને થોડી વાર પછી સ્વીચ્ડ ઑફ થઈ ગયો હતો, જેના કારણે પોલીસને તપાસની દીશા મળી ગઈ હતી.

પોલીસે આ સ્ટેટમેન્ટના આધારે કૉલેજના એકાઉન્ટન્ટ સાવન જગદીશ પટેલની તપાસ હાથ ધરી અને પોલીસે તેની અટકાયત કરી હતી. એ દરમિયાન તેની વચલી આંગળીમાં તે દાઝી ગયો હોવાનું જોવા મળ્યું હતું.

આરોપી સામે કયા પુરાવા મળ્યા?

સેલવાસ પોલીસે સાવન પટેલની ધરપકડ કરી અને તેના ઘરની તપાસ કરી હતી, જેમાં તેમને કનિમોઝીનાં કેટલાક ઘરેણાં અને બે મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં.

પોલીસે તેની પૂછતાછ કરતાં તેણે જ્યાં કાર સળગાવી એ જગ્યા બતાવતા પોલીસે ત્યાં પહોંચી અને કુંતા ગામ નજીક ગુજરાતની હદમાં આવતા જંગલ વિસ્તારમાંથી સળગેલી હાલતમાં કાર અને અંદર મૃતક કનિમોઝીનો મૃતદેહ હાડપિંજર અવસ્થામાં મળી આવ્યો હતો.

પોલીસને નાકમાં પહેરેલી જડ અને કિચેઇન મળી આવ્યાં હતાં. પોલીસે આ હાડપીંજરનાં અવશેષ પુત્રનાં ડીએનએ મૅચ કરતાં કનિમોઝીની ઓળખ થઈ ગઈ હતી. આના આધારે સાવન વિરુદ્ધ હત્યાના પુરાવા મજબૂત બન્યા હતા.

પૈસાની ઉચાપતની જાણ થતાં સાવને હત્યા કરી

દમણનો રહેવાસી સાવન જગદીશ પટેલ (ઉ.વ.26) આઠ મહિનાથી જ કૉલેજમાં એકાઉન્ટન્ટની નોકરીએ લાગ્યો હતો. તેને ખૂબ ટુંકાગાળામાં પૈસાદાર થઈ જવાની લાલચે વિદ્યાર્થીઓ પાસેથી આવેલી મૅસ(કૅન્ટીન) ફી ઉઘરાવી તો લીધી હતી, પરંતુ તેને બૅન્કમાં જમા કરી ન હતી.

સાવને અંદાજિત રૂ. 12.75 લાખ જેટલી રકમ બૅન્કમાં જમા કરાવી ન હતી. બીજી તરફ, મૅસના કૉન્ટ્રેક્ટરે આચાર્ય ડૉ. કનિમોઝી પાસેથી વર્ષ 2021ના સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બરના રૂ. 10.55 લાખની માંગણી કરી હતી. ત્યારે કનિમોઝીએ તપાસ કરતાં આ પૈસા સાવને જમા કરાવ્યા ન હોવાનું અને તેણે ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.

જેના પગલે તેમણે એકાઉન્ટન્ટ સાવન પટેલે તાત્કાલિક આ રકમ જમા કરાવવા જણાવ્યું હતું અને જો તે રકમ જમા ન કરાવે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

સાવન પટેલે મૅસ ફીની ઉચાપત કરેલી રકમથી પોતાનું ઘર રિનોવેટ કરાવ્યું હતું, જેના કારણે તે આ પૈસા પરત કરી શકે એવી સ્થિતિમાં ન હોય, તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

'અમાનવીય અને ક્રૂરતાપૂર્વકનો ગુનો'

આ કેસના ચુકાદામાં દાદર નગર હવેલીની સેસન્સ કોર્ટનાં ન્યાયાધીશ વિભા ઇન્ગ્લેએ ટાંક્યું કે, આ ગુનો અમાનવીય છે. આ હત્યાની ઘટનાને જોતાં તે ખૂબ જ 'ક્રૂરતાપૂર્વક' કરી હોવાનું જોવા મળ્યું છે.

જજે આરોપી સાવન જગદીશ પટેલને દોષિત ઠેરવી તત્કાલીન ઇન્ડિયન પીનલ કોડની (આઈપીસી, ભારતીય દંડ સંહિતા) કલમ 365, 346, 302, 201 અને 392 મુજબ આજીવન કેદ અને રૂ. 15 હજારનો દંડ ફટાકર્યો હતો.

આ ઉપરાંત જો દંડ ન ભારય તો વધુ એક વર્ષની કેદની સજા ગુનેગારને ફટકારતો હુકમ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન