You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રીવાબા જાડેજા : એ કારણો, જેના લીધે પહેલી વાર ધારાસભ્ય બન્યાં અને મંત્રીપદ મળ્યું
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં પ્રથમ વાર ધારાસભ્ય બનેલાં રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથગ્રહણ કર્યાં.
રીવાબા જાડેજાને (પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ) વિભાગ ફાળવવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2016માં રીવાબા જાડેજાની સગાઈ ભારતના ઑલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે થઈ, ત્યારે તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
રીવાબાના પતિ અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ તેમને મંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "તમારી સિદ્ધિ બદલ અમને બહુ ગર્વ છે. હું જાણું છું કે તમે તમારું શાનદાર કામ ચાલુ રાખશો અને દરેક વર્ગના લોકોને પ્રેરણા આપતા રહેશો. હું ગુજરાત સરકારનાં મંત્રી તરીકે તમારી સફળતાની કામના કરું છું."
એક મહિલાને ભાજપે મંત્રી બનાવીને અનેક સમીકરણો સાધ્યાં છે, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
રીવાબા જાડેજા કોણ છે?
રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મોટા ઉદ્યોગપતિ અને કૉન્ટ્રાક્ટર છે. રીવાબાનાં માતા પ્રફુલ્લાબા સોલંકી રેલવેમાં કામ કરતાં હતાં. રીવાબાને ભાઈ કે બહેન નથી. તેમણે રાજકોટની એક સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે.
તેમણે 2011માં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સમાંથી મિકેનિકલ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે. 2015માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીઇનો અભ્યાસ કર્યો હતો. રવીન્દ્ર જાડેજા અને રીવાબાને એક દીકરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑક્ટોબર 2018માં રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય તેવા રાજપૂતોના સંગઠન મહિલા પાંખનાં પ્રમુખ નીમ્યાં. તેના બે મહિના પછી રવીન્દ્ર જાડેજા અને રીવાબા નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. આ કપલની મોદી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
મોદી સાથેની આ મુલાકાત પછી રીવાબાની રાજકારણમાં ઍન્ટ્રીની અટકળો થવા લાગી. આ અટકળો સાચી પડતા 3 માર્ચ, 2019માં રીવાબા જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ ગયાં.
નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2019માં જામનગરની મુલાકાતે આવવાના હતા અને તેના એક દિવસ પહેલાં જ રીવાબા ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
રવીન્દ્ર જાડેજા જામનગરના છે, જ્યારે રીવાબા તેમનાં લગ્ન પહેલાં મોટા ભાગનો સમય રાજકોટમાં વિતાવતાં હતાં.
2022માં ભાજપે ટિકિટ આપી
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જામનગર (ઉત્તર) સીટ પરથી રીવાબાને ટિકિટ આપી. આ સીટ પર ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા ધારાસભ્ય હતા. આ હકુભા મૂળ કૉંગ્રેસના ધારાસભ્ય હતા. 2017માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા અને પછી ભાજપ સરકારમાં મંત્રી પણ બન્યા હતા.
હકુભાનો દબદબો ધરાવતી સીટ પર કૉંગ્રેસનું પલ્લું ભારે રહેતું હતું. આ સીટ પર ભાજપે રીવાબાને ઉમેદવાર બનાવતા ઘણા તર્કવિતર્ક થયા હતા. રવીન્દ્ર જાડેજા પણ તેમનાં પત્ની માટે ચૂંટણીપ્રચારમાં જોડાયા અને છેવટે રીવાબાનો 50,000 કરતાં વધુ મતથી વિજય થયો હતો.
ગત વર્ષે જામનગર શહેરમાં પૂર આવી જતાં લોકોને મદદ કરવા કમર સુધીના પાણીમાં રીવાબા ગયાં તેવા ફોટો અને વીડિયો વાઇરલ થયા હતા. એવી જ રીતે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને રોડ બાબતે રીવાબાએ ખખડાવ્યા હતા અને તેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. સપ્ટેમ્બર 2024માં રીવાબાએ જાહેરાત કરી હતી કે તેમના પતિ રવીન્દ્ર જાડેજા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
રીવાબા ભાજપમાં જોડાયા તેના થોડા દિવસો બાદ રવીન્દ્ર જાડેજાનાં મોટાં બહેન નયનબા જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં હતાં.
પ્રથમ વારનાં ધારાસભ્ય રીવાબાને મંત્રી કેમ બનાવાયાં?
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ પટેલે મંત્રીમંડળમાં પ્રથમ વારનાં ધારાસભ્ય એવાં રીવાબા જાડેજાની ઍન્ટ્રી પાછળનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહ્યું, "જો જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં રાજપૂત અને પટેલ આ બંને જ્ઞાતિનું પ્રભુત્વ છે. જામનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય રાઘવજી પટેલને પાટીદાર અગાઉ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. હવે રીવાબા જાડેજાને લાવીને ભાજપે જામનગરમાં ક્ષત્રિય સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપ્યું છે. આવી રીતે પ્રદેશ અને જ્ઞાતિલક્ષી સમીકરણો રીવાબા જાડેજાને મંત્રી બનાવવાથી સાધવામાં ભાજપને સફળતા મળી છે."
તેઓ આગળ કહે છે કે, "ભાજપે રીવાબા જાડેજાને મંત્રીપદ આપીને ખૂબ સિફતપૂર્વક જામનગરમાં પૂનમ માડમનો વિકલ્પ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. આ નિમણૂકથી પૂનમ માડમનો રાજકીય હરીફ પણ ઊભો થયો હોવાનું લાગે છે."
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી રીવાબા જાડેજાની મંત્રીમંડળમાં ઍન્ટ્રી પાછળ સૌથી મોટું કારણ તેમની જ્ઞાતિ અને ક્ષત્રિયોમાં મહિલા નેતૃત્વના ફેક્ટરને માને છે.
તેઓ કહે છે કે, "રીવાબા જાડેજાને મંત્રી બનાવીને ભાજપે એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં છે. એક તો આ નિમણૂકથી પક્ષ જ્ઞાતિ સમીકરણ સાધી શક્યો, આ સિવાય મહિલા અને યુવા ફેક્ટરને પણ ધ્યાનમાં લઈ લીધું. તેઓ યુવા છે, મહિલા છે અને તેમની જ્ઞાતિના અન્ય ઉમેદવારોથી તેમની છબિ સાવ અલગ છે."
ભાજપે રીવાબા જાડેજાને મંત્રીપદ આપીને આપેલા સંદેશ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "આ પસંદગીથી ભાજપ એવો સ્પષ્ટ મૅસેજ આપી રહ્યો છે કે એ યુવાનો અને ભણેલી મહિલાઓને પ્રાથમિકતા આપવા માગે છે."
પરંતુ રાજકોટના વરિષ્ટ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે કે રીવાબા અને બીનાબહેન-પૂનમબહેન વચ્ચે રાજકીય હરીફાઈ કરતાં અન્ય સમીકરણોએ રીવાબાને મંત્રીપદ અપાવ્યું છે.
તેઓ કહે છે, "તે સીટમાં હકુભા ક્ષત્રિય તરીકે હતા હતા. કિરીટસિંહ (રાણા)નું નામ પણ ચાલતું હતું. એ બધામાં રીવાબા ફિટ બેસે અને પાછા તે મહિલા પણ છે. ભાનુબહેન બાબરિયાને રાજકોટથી તમે પડતાં મૂક્યાં તો રીવાબા તેમનો વિકલ્પ થઈ જાય. એ બહુ સારાં છે, પ્રભાવશાળી છે, કામ બહુ કરશે એ મુદ્દો નથી. એમાં ઇક્વેશન જ્ઞાતિ અને વિસ્તારનું, અને ખાસ કરીને મહિલાનું છે તેમ હું માનું છું."
"એ રીતે ભાનુબહેનનો વિકલ્પ પણ આપી દીધો એમ તમે એમ કહી શકો અને ક્ષત્રિયનું એક સમીકરણ છે તેમાં તે ગોઠવાઈ ગયાં. હવે ભાજપ શિસ્તવાળો પક્ષ છે, બહુ એવું બનતું જ નથી અને અનુશાસન છે એ બધો જમાનો ગયો હવે. મને લાગે છે મતદારોએ પણ આવી વાતોમાંથી નીકળી જવું જોઈએ. હવે બધી પાર્ટીઓ આવી જ છે."
રીવાબા અને વિવાદ
રીવાબાની રાજકીય કારકિર્દી ભલે તેજ ગતિએ ચાલી હોય, પરંતુ આ યુવા મહિલા રાજકારણી વિવાદોમાં પણ રહ્યાં છે.
2018માં રીવાબાની કારે જામનગરમાં મોટરસાઇકલ પર જઈ રહેલા એક પોલીસ કૉન્સ્ટેબલને કથિત રીતે ટક્કર મારી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
2020માં રાજકોટ શહેરના કિસાનપરા ચોકમાં એક મહિલા પોલીસ કૉન્સ્ટેબલે માસ્ક ન પહેરવા બદલ રીવાબાને અટકાવ્યાં હતાં. રીવાબા અને કૉન્સ્ટેબલ વચ્ચે દલીલ થતા કૉન્સ્ટેબલને અકળામણ અનુભવાતા તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
જોકે, રીવાબાએ દાવો કર્યો હતો કે તેમણે માસ્ક પહેરેલું હતું.
આ પહેલા 2016માં આ દંપતીના રાજકોટની એક હોટલમાં યોજાયેલ લગ્નસમારોહ દરમિયાન ઉજવણીમાં કરાયેલા કથિત ગોળીબાર વિશે પણ રાજકોટ પોલીસે તપાસ આદરી હતી.
ધારાસભ્ય બન્યાં બાદ પણ રીવાબા એક વાર વિવાદમાં સપડાયાં હતાં. 17 ઑગસ્ટ, 2023ના રોજ જામનગર શહેરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના એક જાહેર કાર્યક્રમમાં 'શહીદોને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપવી' તે બાબતે રીવાબા અને જામનગર શહેરનાં તત્કાલીન મેયર બીનાબહેન કોઠારી અને જામનગરનાં સાંસદ પૂનમ માડમ સામે જાહેરમાં બોલાચાલી થઈ હતી.
એક બાજુ રીવાબા અને બીજી બાજુ બીનાબહેન અને પૂનમબહેન તેવો ઘાટ સર્જાયો હતો અને કાર્યક્રમમાં હાજર આગેવાનો અને લોકો આ ઝઘડાથી સ્તબ્ધ થઈ ગયા હતા.
ત્યાર પછી બીનાબહેને જણાવ્યું હતું કે રીવાબાએ 'ઔકાત'ની વાત કરીને તેમના પરિવારની ભાવનાઓને દુભાવી છે. જોકે, પછીથી ભાજપના આગેવાનોએ રીવાબા અને બીનાબહેન અને પૂનમબહેન વચ્ચે સમાધાન કરાવી દીધું હતું.
આ ઘટના બાદ ધ ઇન્ડિયન ઍક્સપ્રેસે ભાજપના એક નેતાને એમ કહીને ટાંક્યા હતા કે તે ઘટના કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષાનું પરિણામ ન હતી, પરંતુ રીવાબાની "અપરિપક્વતા અને અશિસ્ત"નું ઉદાહરણ હતી. એ નેતાને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા, "ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા પ્રગતિ કરેલા નેતામાં આવી અપરિપક્વતા કે અશિસ્ત જોવા ન મળે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન