'અમે પણ ભારતીય અને દેશને પ્રેમ કરીએ છીએ', દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થીની હત્યા, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, આસિફ અલી
    • પદ, દેહરાદૂનથી, બીબીસી હિંદી માટે

દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ, ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે.

તા. 9 ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકુઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી ખાનગી યુનિવર્સિટીમાં એમબીએના (માસ્ટર ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા એંજલ ચકમા (ઉં.વ.24) ઉપર હાથનાં કડાં અને ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં એંજલ ગંભીર રીતે ઘયાલ થઈ ગયા હતા. તેમણે હૉસ્પિટલમાં 16 દિવસ સુધી જિંદગી માટે જંગ લડ્યો, પરંતુ એ પછી તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે હિંસક ઘટના ઘટી, ત્યારે એંજલના ભાઈ માઇકલ પણ ત્યાં હાજર હતા.

દેહરાદૂન પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં બે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છઠ્ઠો આરોપી હજુ પણ ફરાર છે. સ્થાનિક પોલીસે ફરાર આરોપી ઉપર રૂ. 25 હજારનું ઇનામ જાહેર કર્યું છે.

સમગ્ર ઘટનાક્રમને કારણે દેહરાદૂન તથા આજુબાજુના વિસ્તારોમાં અભ્યાસ કરતા પૂર્વોત્તરનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

નાના ભાઈ માઇકલે વર્ણવ્યો ઘટનાક્રમ

માઇકલ ચકમા 21 વર્ષના છે. તેઓ દેહરાદૂનસ્થિત ઉત્તરાંચલ યુનિવર્સિટીમાં બીએના (બેચરલ ઑફ આર્ટ્સ) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

માઇકલે એ દિવસને યાદ કરતા બીબીસીને જણાવ્યું કે એ દિવસે સાંજે લગભગ સાડા છ વાગ્યા આસપાસ તેઓ, એંજલ તથા તેમના બે મિત્ર સેલાકુઈ બજારમાં ગયા હતા.

માઇકલના કહેવા પ્રમાણે, બજારમાં પાર્ક કરેલી મોટરસાઇકલ કાઢતી વખતે એંજલ આગળ હતા અને ફોન ઉપર હતા. એ અરસામાં ત્યાં ઊભેલા કેટલાક યુવકોના ટોળાએ તેમની ઉપર ટિપ્પણી કરવાનું ચાલુ કરી દીધું હતું.

માઇકલનું કહેવું છે, "તેઓ એંજલને 'ચિકનો', 'ચિંકી' અને 'ચાઇનિઝ' કહેવા ઉપરાંત જાતિસૂચક શબ્દો કહી રહ્યા હતા. પહેલાં તો તેમણે આ વાતને અવગણી, પરંતુ તેઓ મોટરસાઇકલ ઉપર બેઠા કે આ શખ્સો એકદમ સામે આવી ગયા અને ગાળો પણ ભાંડવા લાગ્યા."

માઇકલનું કહેવું છે કે જ્યારે એંજલે તેની સામે વાંધો વ્યક્ત કર્યો અને ગાળો ભાંડવાનું કારણ પૂછ્યું કે પેલા યુવકોએ તેમની ઉપર હુમલો કરી દીધો.

માઇકલનું કહેવું છે કે એંજલને બચાવવા માટે તેઓ ધસી ગયા, તો હુમલાખોરોએ તેમની સાથે પણ મારઝૂડ કરી.

માઇકલના કહેવા પ્રમાણે, "એમણે જમીન ઉપર પટકીને લાતો મારી. એટલામાં એક યુવકે માથા ઉપર હાથમાં પહેરવાના કડાથી વાર કર્યો, જેના કારણે બેભાન થયો. થોડી વાર પછી ભાન આવ્યું, તો માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને યુવકોનું ટોળું એંજલ સાથે મારઝૂડ કરીને ત્યાંથી નાસી છૂટ્યું હતું."

માઇકલે જણાવ્યું કે એંજલ લોહીથી લથપથ અવસ્થામાં મળ્યા. ભાઈની આવી પરિસ્થિતિ જોઈને તેઓ ખૂબ જ ગભરાઈ ગયા.

માઇકલે જણાવ્યું, "સાંજે લગભગ સાતેક વાગ્યે જેમ-તેમ કરીને એંજલને ઍમ્બુલન્સમાં નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા. હૉસ્પિટલમાં માલૂમ પડ્યું કે એંજલના માથા ઉપર પણ કડાથી પ્રહાર કરવામાં આવ્યા હતા અને તેમની પીઠમાં નીચેના ભાગમાં ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો."

માઇકલનું કહેવું છે કે તા. 9ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી તેઓ સતત એંજલની સાથે હૉસ્પિટલમાં રહ્યા, પરંતુ ભાઈનો જીવ ન બચ્યો.

માઇકલ કહે છે, "કોઈ ભારતીયને 'ચાઇનિઝ' કહેવું પોતે જ વિવાદાસ્પદ છે. અમે પણ ભારતીય છીએ અને પોતાના દેશને એટલો જ પ્રેમ કરીએ છીએ."

તા. 28 ડિસેમ્બરના રોજ ઉનાકોટી જિલ્લામાં આવેલાં પૈત્તૃક ગામ મચમરા ખાતે એંજલની અંતિમવિધિ કરવામાં આવી.

એંજલ અને માઇકલના પિતા તરૂણપ્રસાદ ચકમા બીએસએફની (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ) 50મી બટાલિયનમાં હેડ કૉન્સ્ટેબલ છે અને મણિપુરમાં પોસ્ટેડ છે. જુવાનજોધ દીકરાના કમોતથી તેઓ આઘાતમાં છે અને વાત કરવાની સ્થિતિમાં નથી, જ્યારે એંજલનાં માતા પણ રડી-રડી હાલ-બેહાલ છે.

એફઆઇઆર અને પોલીસની કાર્યવાહી ઉપર સવાલ

એંજલ ચકમાની હત્યા બાદ દેહરાદૂન પોલીસની ભૂમિકા અંગે પણ ગંભીર સવાલ ઊઠી રહ્યા છે. માઇકલ ચકમાએ તા. 12મી ડિસેમ્બરના રોજ સમગ્ર ઘટનાક્રમ વિશે ફરિયાદ દાખલ કરી. જેમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ નશાની અવસ્થામાં ઇરાદપૂર્વક મારઝૂડ કરવા જેવી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો.

માઇકલ ચકમાએ માહિતી આપી હતી કે તેમના ભાઈ ઉપર કડા અને ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો, આમ છતાં પોલીસે એફઆઇઆરમાં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) જીવલેણ હુમલા સંબંધિત કલમો દાખલ નહોતી કરી.

તા. 14 ડિસેમ્બરના રોજ પાંચ આરોપીઓની ધરપકડ બાદ દેહરાદૂન પોલીસે પ્રેસ વિજ્ઞપ્તી બહાર પાડી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમ 109, એટલે જે હત્યાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

માઇકલ ચકમાના કહેવા પ્રમાણે, "તા. 10 ડિસેમ્બરના રોજ સેલાકુઈ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ ત્યાં રહેલા પોલીસવાળાઓએ આ ઘટનાને ગંભીરતાથી ન લીધી. ઊલ્ટું, તમે જાતિવાદને કેમ પ્રોત્સાહન આપી રહ્યા છો, એમ કહીને નારાજગી વ્યક્ત કરી હતી."

માઇકલ ચકમા કહે છે કે તા. 12 ડિસેમ્બરના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી. એંજલ ઉપર ચાકૂથી હુમલો થયો હોવા છતાં 'ઍટેમ્પટ ટુ મર્ડર'ની કલમ ઉમેરવામાં નહોતી આવી. એ સમયે અમારો પરિવાર ઇચ્છતો હતો કે ઉપરોક્ત કલમ પણ દાખલ કરવામાં આવે.

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે આ કેસ હાથ ધર્યો છે. તા. 23 ડિસેમ્બરના રોજ ઉત્તરાંખડના ડીઆઈજી, દેહરાદૂનના કલેક્ટર તથા પોલીસ વડાને નોટિસ કાઢીને એફઆઇઆર દાખલ કરવામાં શા માટે મોડું થયું તથા નિષ્પક્ષ તપાસ ન થવા વિશે જવાબ માંગ્યો છે.

ઑલ ઇન્ડિયા ચકમા સ્ટુડન્ટ્સ યુનિયનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બિપુલ ચકમાએ પંચ સમક્ષ ફરિયાદ કરી હતી, જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આયોગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા વિસ્તૃત અહેવાલ સોંપવા કહ્યું હતું અને સંતોષકારક જવાબ ન મળે, તો આયોગને મળેલી બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને આગળની કાર્યવાહી કરવાની વાત પણ કહી હતી.

દેહરાદૂન પોલીસે શું જણાવ્યું?

દેહરાદૂનના એસપી (સિટી) પ્રમોદ કુમારના કહેવા પ્રમાણે, "તા. નવમી ડિસેમ્બરના રોજ ત્રિપુરાના બંને ભાઈઓ કોઈ કામસર બહાર નીકળ્યા હતા. ત્યાં અગાઉથી રહેલા શખ્સો સાથે કોઈ વાતે માથાકૂટ થઈ, જેણે મારઝૂડનું સ્વરૂપ ધારણ કરી લીધું."

પ્રમોદ કુમારના કહેવા પ્રમાણે, "એક યુવકે બંને ભાઈઓ ઉપર ચાકૂ અને કડાથી હુમલો કર્યો, એ પછી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. પીડિત પક્ષ દ્વારા સેલાકુઈ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવવામાં આવી. પીડિતના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને સીસીટીવી (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢવામાં આવ્યા."

એસપી (સિટી) પ્રમોદ કુમારના જણાવ્યા મુજબ, "તપાસ દરમિયાન બે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને સગીરોને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને સુધારગૃહમાં મોકલી દેવાયા હતા. આ સિવાયના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે."

પ્રમોદ કુમાર કહે છે, "આ ઘટનામાં સંડોવાયેલો એક આરોપી હજુ પણ ફરાર છે. તે બીજા દેશનો રહીશ છે. તેની ઉપર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને તેની ધરપકડ માટે પોલીસની એસઓજી (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ) ટીમો પ્રયાસ કરી રહી છે."

પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે એંજલ ચકમાના અવસાન બાદ બીએનએસની હત્યાસંબંધિત કલમો પણ આ કેસમાં દાખલ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થી સંગઠનો ચિંતિત

હાલ દહેરાદૂનમાં ત્રિપુરાના લગભગ 300 વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ કરી રહ્યાં છે. સાથે જ પૂર્વોત્તરના સ્ટુડન્ટ્સની સંખ્યા 500 જેટલી હોવાનું જણાવાય રહ્યું છે.

યુનાઇફાઇડ ત્રિપુરા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન દેહરાદૂન (યુટીએસએડી) શહેરમાં ત્રિપુરાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પડતી સમસ્યાઓને ઉકેલવાની દિશામાં કામ કરે છે.

ત્રિપુરાના ટોંગક્વચાંગે તાજેતરમાં જ દેહરાદૂનની એક કૉલેજમાંથી બી-ફાર્મસીનો (બેચલર ઇન ફાર્મસી) અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ સેલાકુઈસ્થિત એક ફાર્મસી કંપનીમાં કામ કરે છે અને યુટીએસએડીના પ્રવક્તા પણ છે.

ટોંગક્વચાંગે બીબીસી સાથે વાત કરતી વેળાએ એંજલ ચકમાના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મૃતક એંજલ તેમના નાના ભાઈ જેવા હતા.

ટોંગક્વચાંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "એંજલ ખૂબ સારો છોકરો હતો. તેનો ક્યારેય કોઈની સાથે ઝગડો થયો હોય, એવું મેં ક્યારેય નહોતું સાંભળ્યું. કોઈકની હત્યા કરવી તો બહુ મોટી વાત છે. જે લોકોએ એંજલની હત્યા કરી છે, તેમને કડક સજા મળવી જોઈએ. અમને ન્યાય જોઈએ છે."

ટોંગક્વચાંગે કહ્યું હતું કે, "તા. 28 ડિસેમ્બરના રોજ અમે એક વખત સેલાકુઈ પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં પોલીસે અમને કહ્યું હતું કે છમાંથી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી નેપાળ નાસી છૂટ્યો છે, તેની શોધખોળ ચાલુ છે."

ટોંગક્વચાંગે આરોપ મૂક્યો હતો કે એંજલ જિજ્ઞાસા કૉલેજમાં અભ્યાસ કરતા હતા, પરંતુ કૉલેજે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ સહકાર ન આપ્યો. ટોંગક્વચાંગનું કહેવું છે કે કૉલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો હતો, પરંતુ તેમણે કોલ લીધો સુધ્ધાં ન હતો. સમગ્ર ઘટનાક્રમ અંગે ખાનગી કૉલેજની પ્રતિક્રિયા મળી શકી ન હતી.

ટોંગક્વચાંગનું કહેવું છે કે આ પ્રકારની નસલભેદી ટિપ્પણીની સમસ્યા દેહરાદૂન પૂરતી મર્યાદિત નથી. દિલ્હી, બેંગ્લુરુ અને હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ પૂર્વોત્તરના સ્ટુડન્સ્ટ્સને ભેદભાવ અને વંશવાદનો સામનો કરવો પડે છે.

ટોંગક્વચાંગ પૂછે છે, "અમને કયા આધારે 'ચિંકી', 'મિંકી' કે 'ચાઇનિઝ' કહીને બોલાવવામાં આવે છે. અમારી નાગરિકતા ભારતીય છે અને તેની સાથે જોડાયેલા બધા ડૉક્યુમેન્ટ અમારી પાસે છે."

ટોંગક્વચાંગનું કહેવું છે કે તેઓ કૉલેજમાં ભણતા હતા, ત્યારથી લઈને અત્યારસુધી તેમણે વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.

"મને કહેવામાં આવ્યું હતું કે તું ચાઇનિઝ છે, ભારતમાંથી જતો રહે. ક્યારેક પૂછવામાં આવ્યું કે ત્રિપુરા...જાપાનમાં છે કે ભુટાનમાં."

ટોંગક્વચાંગે આરોપ મૂક્યો હતો કે તેઓ જે કંપનીમાં કામ કરે છે, ત્યાંના સિનિયર અધિકારી બધાની સામે તેમને 'ચાઇનિઝ' કહીને બોલાવે છે અને વાંધાજનક ટિપ્પણીઓ કરે છે.

ટોગક્વચાંગ કહે છે કે દેહરાદૂનને શાંત અને શિક્ષણ માટે સારું શહેર માનવામાં આવે છે, પરંતુ જો તમે તમારી આપવીતી ક્યારેય, ક્યાંય, કોઈનેય જણાવો તો કહેશે કે તેનાથી શહેરની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે.

ટોગક્વચાંગ ઉમેરે છે, "હું એવું નહીં કરું, કારણ કે હું કંઈક બનવા માટે ઘરની બહાર નીકળ્યો છું."

ટોગક્વચાંગ જણાવે છે કે એંજલ ચકમાની હત્યા બાદ દેહરાદૂનમાં રહેતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, તેમનાં માતા-પિતા અને વાલીઓમાં ભયનો માહોલ પ્રવર્તે છે.

ટોગક્વચાંગે કહ્યું, "અમે ખુદને સુરક્ષિત નથી અનુભવી શકતા. જો એંજલની હત્યા થઈ શકતી હોય, તો અમારામાંથી કોઈપણની સાથે કંઈ પણ થઈ શકે છે."

તેઓ કહે છે કે પૂર્વોત્તરના સ્ટુડન્ટ્સ સારું શિક્ષણ મેળવવાની આશાએ છેવાડાના વિસ્તારોમાંથી અહીં આવે છે. તેમનો પરિવાર નથી ઇચ્છતો કે પોતાનાં સંતાનોનાં શબ લઈને પરત જવું પડે.

તેઓ કહે છે, "અમે ભારતીય છીએ અને એવો કાયદો હોવો જોઈએ કે કોઈ અમને 'ચાઇનિઝ' કહીને ન બોલાવે."

પ્રાદેશિક પક્ષે સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા

ટિપરા મહિલા ફેડરેશન એ ત્રિપુરાના પ્રાદેશિક પક્ષ ટિપરા મોથા પાર્ટીનું એકમ છે. તેના પશ્ચિમ જિલ્લા સચિવ નાઇસા મારી દેબબર્માએ એંજલ ના મૃત્યુની ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે એંજલ ભણવા માટે ત્રિપુરાથી દેહરાદૂન ગયો હતો, જીવ ગુમાવવા માટે નહીં.

દેબબર્માએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ પણ સાત વર્ષ દેહરાદૂનમાં રહીને ભણ્યાં છે, એટલે આ શહેર તેમના માટે બીજા ઘર જેવું છે.

તેમણે કહ્યું હતું કે તેઓ દેહરાદૂનમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનાં સિનિયર હોવાને કારણે પોતાની સમસ્યાઓ અને બાબતો લઈને તેમની પાસે આવે છે.

નાઇશાએ જણાવ્યું હતું કે તા. 11 ડિસેમ્બરના રોજ તેઓ એંજલને જોવા માટે હૉસ્પિટલે ગયાં હતાં, ત્યારે તે આઈસીયુમાં (ઇન્ટેન્સિવ કેર યુનિટ) સારવાર લઈ રહ્યા હતા.

નાઇશાના કહેવા પ્રમાણે, "ડૉક્ટરોએ મને કહ્યું હતું કે એંજલને પીઠના ભાગે બે જગ્યાએ ચાકૂથી ઘા મારવામાં આવ્યા હતા અને ગળા ઉપર હાથમાં પહેરવામાં આવતા કડાથી હુમલો કરવામાં આવ્યો હતો."

નાઇશા તા. 20 ડિસેમ્બરના ફરી એક વખત એંજલને જોવા માટે પહોંચ્યાં હતાં, પરંતુ, ત્યાર સુધીમાં તેમની પરિસ્થિતિમાં કોઈ સુધાર નહોતો થયો.

નાઇશા મારી દેબબર્માના કહેવા પ્રમાણે, તેઓ આ કેસમાં ન્યાયની આશા રાખે છે અને ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં પૂર્વોત્તરના લોકો સાથે આવી ઘટનાઓ ન ઘટે.

નાઇશા કહે છે કે પૂર્વોત્તરના લોકો ખૂબ જ શાંતિપૂર્વક હોય છે. તેમને 'ચાઇનિઝ', 'ચિંકી' કે 'ચિંકૂ' જેવા શબ્દોથી સંબોધવા ખૂબ જ પીડાદાયક હોય છે.

નાઇશાનું કહેવું છે કે દેહરાદૂનમાં અભ્યાસકાળ દરમિયાન તેઓને પણ વ્યક્તિગત રીતે આવા ત્રણ-ચાર અનુભવ થયા હતા, એટલે તેઓ સમજી શકે છે કે તેના કારણે કેટલો આઘાત લાગે છે.

નાઇશા કહે છે કે પૂર્વોત્તરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દેહરાદૂનને શાંત અને સુરક્ષિત શહેર માનીને અહીં આવે છે, પરંતુ આ ઘટનાને કારણે એ ભાવના નબળી પડી છે અને આ શહેર અગાઉની જેમ સુરક્ષિત છે કે નહીં, જેવા સવાલ ઊભા થવા લાગ્યા છે.

ટિપરા મોથા પાર્ટીના સ્થાપક પ્રદ્યુત કિશોર માણિક્યે મૃતક એંજલ ચકમાના પરિવારને ત્રણ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

કૉંગ્રેસે ઉત્તરાખંડમાં કાયદો-વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા

કૉંગ્રેસનાં નેતા તથા વિરષ્ઠ પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીએ આ ઘટનાને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ અને વહિવટી નિષ્ફળતાના સંકેત ગણાવ્યા હતા.

ગરિમા મેહરા દસૌનીએ કહ્યું કે જો રાજ્ય સરકાર તથા પોલીસતંત્ર સમયસર સક્રિય થયાં હોત, તો આવી દુઃખદ ઘટના ટાળી શકાઈ હોત.

તેમણે કહ્યું કે તાજેતરમાં જ પ્રદેશમાં ગુનાખોરીમાં વધારો, વિશેષ કરીને સ્ટુડન્ટ્સ અને લઘુમતી સમુદાય સાથે હિંસા ગંભીર ચિંતાનો વિષય છે.

ગરિમાએ માંગ કરી હતી કે આરોપીઓનો કેસ ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે. આ સિવાય રાજ્યમાં સ્ટુડન્ટ્સ તથા લઘુમતીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વિશેષ સેલ તથા હેલ્પલાઇન ચાલુ કરવામાં આવે. આ સિવાય પોલીસ અને વહીવટી તંત્ર સંવેદનશીલ બને તે માટે તેમને અનિવાર્યપણે તાલીમ આપવામાં આવે.

ગરિમા મહેરા દસૌનીએ કહ્યું કે દુઃખની આ ઘડીએ કૉંગ્રેસ પાર્ટી એંજલ ચકમાના પરિવારની સાથે છે અને તેમને ન્યાય મળે તે માટે જરૂરી બધાં પગલાં લેવા જોઈએ.

બીજી બાજુ, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ એંજલ ચકમાનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પુષ્કરસિંહ ધામીએ આ કેસ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આવી કોઈપણ જાતની ઘટના પ્રદેશમાં સ્વીકાર્ય નથી. મુખ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે ફરાર આરોપી ટૂંક સમયમાં પોલીસના શિકંજામાં હશે.

પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું, "કાયદો અને વ્યવસ્થા સાથે રમત કરનારા લોકો સરકાર પાસેથી કોઈ પણ જાતની દયાની અપેક્ષા ન રાખે. આવા અરાજક તત્ત્વોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે. રાજ્ય સરકાર ઉત્તરાખંડમાં રહેતા દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન