'કુલદીપ સેંગરને મુક્ત કરી શકાય નહીં', દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકતા સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વિધાનસભ્ય કુલદીપ સેંગરની સજા સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.

બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા મુજબ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું હતું કે, "જ્યારે કોઈ ટ્રાયલ કોર્ટ અથવા હાઈકોર્ટ દોષિત અથવા અંડરટ્રાયલ આરોપીને જામીન પર મુક્ત કરે, ત્યારે આ અદાલતે સામાન્ય રીતે તે વ્યક્તિની રજૂઆત સાંભળ્યા વિના આવા આદેશ પર સ્ટે આપવો જોઈએ નહીં, તે હકીકતથી અમે વાકેફ છીએ."

"જોકે, આ કેસની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં અમે તે આદેશ પર સ્ટે આપીએ છીએ. એટલે કે, આરોપીને તે આદેશના આધારે મુક્ત કરવામાં આવશે નહીં."

આ અગાઉ મંગળવાર, 23 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સેંગરની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા હતા. ત્યારબાદ બળાત્કારનો ભોગ બનેલ પીડિતા, તેમનાં માતા, અનેક સામાજિક કાર્યકરો અને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉન્નાવ બળાત્કાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલદીપ સેંગરને 2019માં આજીવન કેદની સજા ફટકારી હતી.

આ સજાના છ વર્ષથી વધુ સમય બાદ 23 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટની એક ખંડપીઠે સેંગરની સજા સ્થગિત કરી હતી. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ અને જસ્ટિસ હરીશ વૈદ્યનાથનની ખંડપીઠે સેંગરને રૂ. 15 લાખના વ્યક્તિગત બૉન્ડ અને તેટલી જ રકમના ત્રણ જામીન આપવાનો આદેશ આપ્યો હતો.

સેંગરની સજા સ્થગિત થયાના થોડા કલાકોમાં જ પીડિતા, તેમનાં માતા અને મહિલા અધિકાર કાર્યકર્તા યોગિતા ભયાનાએ ઇન્ડિયા ગેટ પર વિરોધપ્રદર્શન કર્યું હતું.

ઇન્ડિયા ગેટ પરિસરમાં બેઠેલ પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેંગરને જામીન આપવામાં આવ્યા છે. અદાલતનો ચુકાદો સાંભળીને પોતાને "ઊંડો આઘાત" લાગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પીડિતાએ કહ્યું હતું કે તેમની સાથે "અન્યાય" થયો છે અને ચૂંટણી નજીક હોવાને કારણે સેંગરને જામીન આપવામાં આવ્યા છે, જેથી તેમની પત્ની ચૂંટણી લડી શકે.

તેમણે સવાલ કર્યો હતો કે, "જે વ્યક્તિ પર આવા ગંભીર આરોપો હોય તે જેલની બહાર રહેશે તો અમારી સલામતી કેવી રીતે સુનિશ્ચિત થશે?"

સેંગરની મુક્તિ બાદ પોતે "ભયભીત" હોવાનું કહીને પીડિતાએ જામીન રદ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેપ સર્વાઇવર તથા તેમનાં માતાએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.

ઉન્નાવ રેપ સર્વાઇવર અને તેમનાં માતાએ શું કહ્યું?

રેપ સર્વાઇવર તથા તેમનાં માતાએ સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વેળાએ રેપ સર્વાઇવરે કહ્યું, "આ ચુકાદાથી હું ખુશ છું. જ્યાં સુધી એને (કુલદીપ સેંગર) મોતની સજા ફટકારવામાં ન આવે અને અમારા પરિવાર સાથે ન્યાય ન થાય, ત્યાર સુધી હું આ લડત ચાલુ રાખીશ."

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, રેપ સર્વાઇવરનાં માતાએ સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો અને પરિવાર તથા વકીલોની સુરક્ષાનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો.

રેપ સર્વાઇવરનાં માતાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટનો આભાર. સુપ્રીમ કોર્ટે મારી સાથે ન્યાય કર્યો. અમને સુરક્ષા મળશે તો અમારાં સંતાનો પણ સલામત રહેશે, અમે સુરક્ષિત રહીશું. મારાં બાળકોને સુરક્ષા આપવી જોઈએ. મારા દિયરનાં બાળકોને સુરક્ષા મળવી જોઈએ."

"તેણે અમારી સુરક્ષા ઝૂંટવી લીધી હતી. તે કહેતો હતો કે એમને કોઈ સુરક્ષાની જરૂર નથી, પરંતુ અમને સુરક્ષાની જરૂર છે. મારા વકીલોને પણ સુરક્ષાની જરૂર છે. હું સરકારને અરજ કરીશ કે અમને બધાને સલામત રાખવામાં આવે."

રેપ સર્વાઇવરનાં માતાએ દિલ્હી હાઇકોર્ટના ચુકાદા ઉપર પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું, "હું હંમેશાં કહેતી રહી છું કે અમને સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ છે. અમે હાઇકોર્ટ ઉપર કોઈ આરોપ નથી મૂકી રહ્યા.....જ્યારે મને ન્યાય ન મળ્યો, એટલે અવાજ ઊઠાવ્યો. મારો વિશ્વાસ તૂટી ગયો હતો. મારાં બાળકો રસ્તા ઉપર આવી ગયાં હતાં, હવે કંઈક રાહત થઈ છે."

શું હતો સમગ્ર કેસ?

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી માત્ર 66 કિલોમીટર દૂર આચરવામાં આવેલા આ ગુનાની હકીકત બહાર આવતા લગભગ 10 મહિના લાગ્યા હતા. તે દરમિયાન પીડિતાના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને પોલીસ કસ્ટડીમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યુ થયું હતું.

બાર ઍન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એવો આદેશ આપ્યો હતો કે જામીનના સમયગાળા દરમિયાન પીડિતા જ્યાં હોય તેનાથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં સેંગર પ્રવેશ કરશે નહીં અને દિલ્હીમાં જ રહેશે.

તેને દર સોમવારે પોલીસ સમક્ષ હાજરી નોંધાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. અદાલતે કહ્યું હતું કે, "જો એક પણ શરતનું ઉલ્લંઘન થશે તો જામીન (સજાની સ્થગિતિ) રદ કરવામાં આવશે."

સેંગરે ટ્રાયલ કોર્ટના તે ચુકાદાને પડકાર્યો હતો, જેમાં તેને 17 વર્ષની એક કિશોરી પર બળાત્કારના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

ટ્રાયલ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા અને રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉન્નાવ બળાત્કાર કેસનાં પીડિતા સગીર વયના હતાં. સેંગર પર આરોપ છે કે તેમણે 2017માં 11 થી 20 જૂનની વચ્ચે સગીરાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો.

આખરે સેંગર સામે બળાત્કાર, અપહરણ અને ગુનાહિત ધમકીના આરોપોની સાથે-સાથે પોક્સો ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. ઉન્નાવ બળાત્કાર સંબંધી ચાર કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે ઑગસ્ટ-2019માં દિલ્હી સ્થાનાંતરિત કરી હતી અને આદેશ આપ્યો હતો કે સુનાવણી રોજેરોજ થવી જોઈએ અને 45 દિવસમાં પૂર્ણ થવી જોઈએ.

પીડિતા પર અનેક વખત થયા હુમલા

બળાત્કારના કેસમાં સેંગરને ડિસેમ્બર-2019માં દોષિત ઠેરવતા ટ્રાયલ કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા કરી હતી. પીડિતા તથા તેમના પરિવારના જીવન અને સ્વાતંત્ર્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં લેવાનો આદેશ પણ ટ્રાયલ કોર્ટે આપ્યો હતો. તેમાં જરૂર પડ્યે સલામત આવાસ અને ઓળખ બદલવાની વ્યવસ્થા પણ સામેલ હતી.

સેંગરને મહત્તમ સજા ફટકારતાં ટ્રાયલ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ કેસમાં કોઈ પણ રાહત આપી શકાય તેવા સંજોગો નથી.

અદાલતે જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં લોકસેવક હોવાને કારણે સેંગરને જનતાનો વિશ્વાસ મળેલો હતો, જેનો તેમણે ભંગ કર્યો છે.

આ મામલામાં વિવાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિતા જે કારમાં પ્રવાસ કરી રહ્યાં હતાં તેની સાથે નંબર પ્લેટ વિનાની એક ટ્રક ટકરાઈ હતી.

તે દુર્ઘટનામાં પીડિતા તથા તેમના વકીલ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને પીડિતાનાં બે માસીનું મૃત્યુ થયું હતું.

આ અંગે સેંગર સામે બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. દિલ્હીની એક અદાલતે ડિસેમ્બર-2021માં આ મામલામાં સેંગરને એવું કહીને આરોપમુક્ત કર્યા હતા કે દુર્ઘટનાનું કાવતરું રચવામાં સેંગર સામે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન