You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થૂંક ચોપડવાથી શું ખીલ મટી જાય છે, તમારી લાળમાં શું હોય છે?
- લેેખક, ઓંકાર કરંબેલકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
ચહેરા પર થતાં ખીલ એ ફક્ત કિશોરાવસ્થા દરમિયાન જ નહીં પરંતુ તે પછી પણ ચર્ચા અને ચિંતાનો વિષય છે. અંગ્રેજીમાં ઍક્ને અને પીંપલ્સ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાની અવેજીમાં વપરાય છે.
ખીલ એ ત્વચાનો એક રોગ છે જેમાં બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ, સિસ્ટ્સ, નોડ્યુલ્સ જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે તેલ, ધૂળ, ગંદકી અને બૅક્ટૅરિયા ત્વચાના છિદ્રોમાં ભરાઈ જાય છે, ત્યારે લાલ, પીડાદાયક અને પરુથી ભરેલી નાની ફોલ્લી બને છે. તેમને ખીલ કહેવામાં આવે છે.
આજકાલ આ ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે લોકો જુદા જુદા નુસ્ખા અપનાવતા હોય છે. કેટલાક ઘરેલુ નુસ્ખા પણ હોય છે. પરંતુ જો ખોટી રીતનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા વધુ વણસી શકે છે. ઉપરાંત, જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય, તો સમસ્યા વધે છે. તેથી, જાતે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ડૉક્ટર પાસેથી યોગ્ય સલાહ લેવી જરૂરી છે.
તાજેતરમાં અભિનેત્રી તમન્ના ભાટિયાએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે ટિપ્પણી કરી હતી. તે બાદ આ વિષય પર ઘણી ચર્ચા થઈ હતી. આ ઇન્ટરવ્યૂમાં, તમન્ના ભાટિયાએ દાવો કર્યો હતો કે "હું સવારે બ્રશ કરતા પહેલાં મારા ખીલ પર થૂંક લગાવું છું, તેનાથી ખીલ દૂર થાય છે."
તેમણે કહ્યું હતું કે, " રાત્રે આપણા મોંમાં ઍન્ટીબૅક્ટેરિયલ પદાર્થો બને છે. તેનાથી ખીલને મટાડવામાં મદદ કરે છે."
જોકે તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા વિવાદાસ્પદ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ આપણા માટે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે ખીલનું કારણ શું છે અને લાળમાં શું-શું હોય છે.
ખીલ શું છે?
જ્યારે ત્વચાના છિદ્રોમાં વધારાનું તેલ, મૃત ત્વચા કોષો અને બૅક્ટેરિયા એકઠા થાય છે ત્યારે છિદ્રો બંધ થઈ જાય છે. ઉપરાંત આપણા શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે પણ તેલનું પ્રમાણ વધતું હોય છે અને તેથી તે ભાગમાં સોજો આવતો હોય છે, જેના કારણે ખીલ, બ્લૅકહેડ્સ, નૉડ્યુલ્સ અને સિસ્ટ જેવી સમસ્યાઓ થાય છે.
મુંબઈ સ્થિત ત્વચારોગ વિજ્ઞાની ડૉ. શરીફા ચૌસ કહે છે, "ખીલ થવાનું સૌથી સામાન્ય કારણ હોર્મોનલ ફેરફારો છે. તે તરુણાવસ્થા, માસિક સ્રાવ, ગર્ભાવસ્થા અને તણાવપૂર્ણ સમયમાં વધુ જોવા મળે છે. આ ફેરફારો ત્વચામાં તેલનું પ્રમાણ વધારે છે અને છિદ્રોને બંધ કરી દે છે. ઘણા લોકોમાં સતત ખીલ થવાનું મુખ્ય કારણ હોર્મોન્સ હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ કિશોરાવસ્થામાં 13થી 19 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં વધુ સામાન્ય છે, ઘણા પુખ્ત વયના લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં વીસ, ત્રીસ અને ચાલીસના વર્ષની ઉંમરમાં પણ જોવા મળે છે.
જોકે, ખીલ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ વય જૂથમાં તે વધુ સામાન્ય છે. પ્રદૂષણ અને ધૂળ ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે, જે ત્વચા પર સોજો આવી શકે છે. વાયુ પ્રદૂષકો ઑક્સિડેટિવ તણાવ વધારે છે, જે ત્વચા પર તેલનું પ્રમાણ વધારે છે અને તેને વધુ સંવેદનશીલ બનાવે છે.
ડૉ. શરીફા કહે છે, "આહાર, તણાવ અને ઊંઘ - આ બધું ખીલ સાથે જોડાયેલું છે. વધુ પડતી ખાંડ, ડેરી ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી સોજો અને તેલનું ઉત્પાદન વધે છે. તણાવ કોર્ટિસોલ જેવા હોર્મોન્સ વધારે છે, જે ખીલની પરિસ્થિતિઓમાં વધુ ખરાબ અસર કરે છે. ઉપરાંત, ઊંઘનો અભાવ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે જેને ઠીક કરવું અશક્ય છે. તેથી, સ્વસ્થ આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી અને તણાવમુક્ત રહેવું મહત્ત્વપૂર્ણ છે."
ડૉક્ટર ત્વચાનાં છિદ્રોને સાફ રાખવા માટે ડૉકટરો દિવસમાં બે વાર હળવા ક્લીંઝરથી ચહેરો ધોવાની સલાહ આપે છે. સાથે જ, તેઓ ખીલને ફોડવાની પણ ના પાડે છે.
ડૉ. શરીફા ચૌસે કહે છે કે, "ચહેરા પર વધુ પડતો મેકઅપ કરવાથી અથવા છિદ્રોને બંધ કરતા ઘટકોનો ઉપયોગ કરવાથી ત્વચા પર તેલ અને બૅક્ટેરિયા ફસાઈ શકે છે, અને ખીલ થઈ શકે છે. ચહેરો વારંવાર ધોવાથી અને તેને જોરશોરથી ઘસવાથી, ખંજવાળવાથી ત્વચા પર સોજો આવી શકે છે તેમજ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે."
"તીવ્ર સુગંધ, આલ્કોહૉલ આધારિત ઉત્પાદનો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને ખીલનું પ્રમાણ વધારી શકે છે.
ખીલ અને પેટ વચ્ચે શું સંબંધ છે?
આપણા આંતરડા અને ત્વચાના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. જો આંતરડા સ્વસ્થ ન હોય, તો શરીરમાં બળતરા વધે છે અને તેની અસર ત્વચા પર પડે છે. પેટ સ્વચ્છતાનો અભાવ અને આંતરડામાં હાનિકારક બૅક્ટેરિયાની હાજરી હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, જેનાથી ખીલ પણ થઈ શકે છે.
શું થૂંક લગાવવાથી ખીલમાં પેદા કરતા બૅક્ટેરિયા મરી જાય છે?
ખીલ થવાનાં ઘણાં કારણો છે. તેના વિશે ઘણી ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી છે. કેટલાક લોકો માને છે કે ખીલ ફોડવાથી તે ઝડપથી રૂઝાઈ જશે. પરંતુ આમ કરવાથી સોજો વધે છે અને ડાઘ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે તૈલી ત્વચાવાળા લોકોએ મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવાથી ખીલ વધી શકે છે. ખીલ પર લાળ લગાવવા વિશે પણ એક ગેરમાન્યતા છે.
તે અર્થે અમે ડૉ. કથીજા નાસિકાને આ વિશે પૂછ્યું. ડૉ. કથીજા ચેન્નાઈની રેલા હોસ્પિટલમાં ત્વચારોગ વિભાગમાં સલાહકાર તરીકે કામ કરે છે.
તેઓ કહે છે, "જોકે કેટલાક લખાણ મુજબ એ સાચું છે કે લાળ ગ્રંથીઓમાં ઉત્પન્ન થતા એન્જાઈમ પ્રોક્નિબૅક્ટૅરિયમ ખીલ જેવા બૅક્ટૅરિયાને મારી શકે છે, જ્યારે આપણે લાળ લગાવીએ છીએ, ત્યારે આપણે તેની સાથે આપણા મોંમાંથી અન્ય બેક્ટેરિયા પણ ત્વચા પર લગાવીએ છીએ, તેથી તે ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે. તેથી, ખીલ પર લાળ લગાવવાથી કોઈ ફાયદો થતો નથી."
ડૉ. કથીજા કહે છે, "પિમ્પલ્સ ઘટાડવા માટે, ડૉક્ટર તપાસ કરીને અને દવા લખે છે. આ દવાઓ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. એક દવા દરેક માટે કામ કરતી નથી. ખીલના ડાઘ કોલેજન અથવા પિગમેન્ટેશન અને મેલાનિનમાં ઘટાડો થવાને કારણે થાય છે, અને તે લાળ લગાવવાથી દૂર થતા નથી."
તમારા લાળમાં શું હોય છે?
માનવ લાળ મુખ્યત્વે 98 ટકા પાણી હોય છે. બાકીના બે ટકા ઘણાં રસાયણોનું મિશ્રણ હોય છે. તેમાંના દરેકની અલગ ભૂમિકા હોય છે. તેમાં એમાઇલેઝ જેવા ઉત્સેચકો હોય છે. એમાઇલેઝ જેવા ઉત્સેચકોને કારણે ખોરાકનું પાચન થતું હોય છે.
ચાવતી વખતે તે સ્ટાર્ચને તોડવામાં મદદ કરે છે. જીભમાં રહેલું લાયપેસ ચરબીને પચાવવામાં મદદ કરે છે. લાળમાં લાઇસૉઝૉમ, લૅક્ટોફૅરીન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવા રક્ષણાત્મક પ્રોટીન પણ હોય છે. તે મૌખિક ચેપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પુણેની એપોલો હૉસ્પિટલના કાન, નાક અને ગળાની સર્જરીના સલાહકાર ડૉ. સુશ્રુત દેશમુખે જણાવ્યું હતું કે, "લાળમાં ઇલૅક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ, બાયકાર્બોનૅટ), મ્યુસિન્સ જે ચીકાશ લાવે છે, અને થોડી માત્રામાં વૃદ્ધિ પરિબળો અને ઍન્ટિમાઇક્રોબાયલ પૅપ્ટાઇડ્સ પણ હોય છે. ટૂંકમાં લાળ એક સંતુલિત પ્રવાહી છે જે ખાસ કરીને મોંના વાતાવરણ માટે રચાયેલ છે."
"ભોજનનો સ્વાદ લેવા અને ગળી જવા ઉપરાંત, લાળ મોંના સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મોંમાં નરમ અને ભેજનું પ્રમાણ જાળવી રાખે છે, ખાધા પછી એસિડિટી ઘટાડે છે, ખોરાકના કણોને ધોઈ નાખે છે અને દાંતના સડો અથવા પેઢાના રોગનું કારણ બનેલા બૅક્ટેરિયાને નિયંત્રિત કરે છે."
ડૉ. સુશ્રુત દેશમુખ કહે છે, "ત્વચા પર લાળ લગાવવાથી કોઈ ફાયદો થતો નથી. લાળમાં કેટલાક જંતુનાશક ગુણધર્મો હોવા છતાં, તેમાં મોંમાં રહેલા બૅક્ટેરિયા પણ હોય છે. તેને ખીલ પર લગાવવાથી સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે અથવા નવા બૅક્ટેરિયા દાખલ થઈ શકે છે."
"ત્વચાની પોતાની સુરક્ષાત્મક પરત, સૂક્ષ્મજીવ અને ઉપચાર તંત્ર હોય છે. આમાંથી કોઈ પણ પ્રણાલી લાળ પર નિર્ભર નથી."
તેથી, ખીલ માટે "સ્પોટ ટ્રીટમેન્ટ" તરીકે લાળનો ઉપયોગ કરવાની વાતનો ત્વચારોગ વિજ્ઞાનમાં કોઈ આધાર નથી. તેનાથી વિપરીત, તે સમસ્યાઓ ઊભી કરે તેવી શક્યતા વધુ છે."
જો તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા માંગતા હો, જેમ કે આહારમાં ફેરફાર, સારવાર, દવાઓ, અથવા શારીરિક કસરત શરૂ કરવી, તો ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ લેવી મહત્વપૂર્ણ છે. ડૉક્ટર દ્વારા તમારા શરીર અને લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવીને તેમની સલાહ લઈને જ જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન