You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પોલીસ પાસેથી આઈકાર્ડ માગ્યું તો માર માર્યો, લાફા ઝીંક્યા' બોટાદના યુવાનના પરિવારનો દાવો, પોલીસે શું કહ્યું?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
“મારા દીકરાએ આઈકાર્ડ માગ્યું તો તેમણે સ્થળ પર જ મારા દીકરાને લાફા ઝીંકી દીધા અને પછી પોલીસસ્ટેશન લઈ ગયા હતા.”
આ શબ્દો બોટાદના ઉસ્માનભાઈ પદારસીના છે અને તેઓ પોતાના 28 વર્ષના દીકરા કાળુભાઈ વિશે આ વાત કરી રહ્યા છે.
ફર્નિચરના કારીગર તરીકે કામ કરી ગુજરાતના ચલાવતા કાળુભાઈ પદારસી છેલ્લા 20 દિવસથી પથારીવશ છે.
પરિવારજનો કહે છે કે, "તેમનાં બે ઑપરેશન થઈ ચૂક્યાં છે અને હજી સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નથી, પોલીસે માર માર્યો હોવાથી આ હાલત થઈ છે."
મહિને 25-30 હજાર રૂપિયાની કમાતો પરિવાર હવે કાળુભાઈના ઇલાજ માટે પૈસાની તંગી અનુભવી રહ્યો છે.
જોકે આ મામલે બોટાદ પોલીસના અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કાળુભાઈના માથાની ઈજા વિશે કહ્યું કે, "પોલીસ સ્ટેશનમાં તેમને ઈજા થઈ ન હતી. 14મી એપ્રિલના રોજ તેમને અહીંથી લઈ ગયા હતા, એ બાદ બે-ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમને પોલીસ દ્વારા ઈજા પહોંચાડવામાં આવી નથી."
જોકે ત્રણ પોલીસ અમલદારોની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બદલી કરી દેવામાં આવી છે. અને પોલીસનું કહેવું છે કે આનો કાળુભાઈની સાથે કોઈ સંબંધ નથી.
મુસ્લિમ સમાજના આગેવાનો બોટાદમાં પોલીસ એસપીને આવેદન આપીને આ મામલે કડક કાર્યવાહીની માગ કરી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ આ અંગે બોટાદના એસપી કે. એફ.બલોલિયાએ, "આ અંગે મેડિકલ લીગલ કેસ આધારે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવી છે, તેની તપાસ ચાલુ છે."
"એ વ્યક્તિએ ત્યાર બાદ ક્યાં ક્યાં સારવાર લીધી હતી અને જે ડૉક્ટરે તેમની સારવાર કરી છે, તેમનાં નિવેદનો લઈને તપાસ કરવામાં આવશે."
"આ મામલે પોલીસ વિરુદ્ધના આક્ષેપ હોવાને કારણે ડીવાય. એસ. પી. કક્ષાના અધિકારી અલગથી તપાસ કરી રહ્યા છે."
"તપાસ ચાલી રહી છે. જે પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે."
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના વિશે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ કાળુભાઈના પિતા ઉસ્માનભાઇ પદારસી સાથે વાત કરી હતી.
બોટાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઈને ત્રણ બાળકો છે, મોટો દીકરો કાળુભાઈ છે અને તેમનાથી નાનો દીકરો 20 વર્ષનો છે, તેમજ એક દીકરી પણ છે.
કાળુભાઈનાં લગ્ન થઈ ગયાં છે અને તેમને પણ એક દીકરી છે. ઉસ્માનભાઈ અને તેમનાં પત્ની ઘાસચારાના ખેતરમાં છૂટક મજૂરી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે.
કાળુભાઈના પરિવારજનો 14મી એપ્રિલે બોટાદ ટાઉન પોલીસસ્ટેશનના આલ્કુભાઈ દરબાર, નીકુલભાઈ અને રાહીલભાઈ સીદસર નામના ત્રણ પોલીસ કર્મચારીઓએ કાળુભાઈની ઢોર માર માર્યાનો આરોપ લગાવે છે.
પરિવારજનો કહે છે કે 14 એપ્રિલે બપોરે કાળુભાઈ બાઇક પર બેઠા હતા, ત્યારે ત્રણ પોલીસ અમલદારો બાઇક ચોરીના કેસ સંદર્ભે એક આરોપીની શોધખોળ કરવા માટે આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઉસ્માનભાઈ કહે છે કે, “તેમણે કોઈ આરોપીનો ફોટો બતાવીને તેના વિશે પૂછપરછ કરી, ત્યારે કાળુએ કહ્યું કે તેને આ વિશે ખબર નથી.”
“પોલીસે કાળુ પાસે બાઇકના કાગળ માગ્યા હતા. આ સાંભળીને મારા દીકરાએ તેમનું આઈકાર્ડ માગ્યું હતું, એ પછી તેમણે સ્થળ પર જ મારા દીકરાને લાફા ઝીંકી દીધા અને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.”
પરિવારજનોનો આરોપ છે તે અરેસ્ટ વૉરંટ કે સમન્સ વગર પોલીસસ્ટેશને લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો.
લૉકઅપમાં કાળુભાઈને માર મારવાનો દાવો
ઉસ્માનભાઇ પ્રમાણે તેમના દીકરાને બોટાદ પોલીસસ્ટેશનમાં આશરે ત્રણ કલાક સુધી રાખવામાં આવ્યો અને જ્યારે તેઓ તેને પોલીસ સ્ટેશનેથી છોડાવીને પાછા લાવ્યા, ત્યારે કાળુભાઈએ લૉકઅપમાં જે થયું તેનું વિગતવાર વર્ણન કર્યું હતું.
ઉસ્માનભાઈ કહે છે કે, “કાળુએ અમને કહ્યું હતું કે ત્રણેય અમલદારોએ તેને દીવાલ સાથે માથું ભટકાવીને ખૂબ માર માર્યો હતો.”
"તે દરમિયાન એક ચોથા અધિકારી ત્યાં હાજર હતા અને તેમણે મધ્યસ્થી બનીને એ લોકોને કાળુને માર મારતા રોક્યા હતા. કાળુને સતત બેથી ત્રણ કલાક સુધી માર માર્યો હતો."
શું કહેવું છે બોટાદ પોલીસનું?
14મી એપ્રિલના રોજ પોલીસ જ્યારે કાળુને લઈ ગઈ હતી, તે જ દિવસે તેના પરિવારજનો તેને પોલીસ સ્ટેશનેથી પાછા લઈ આવ્યા હતા. પોલીસે તેના પર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કર્યો ન હતો.
આ વિશે બોટાદ ટાઉન પોલીસસ્ટેશનના ઇન્સપેક્ટર એસ. વી. ખરાડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કાળુભાઈને બાઇકચોરીના ગુનાની પૂછપરછ માટે પોલીસસ્ટેશને લવાયા હતા.”
ખરાડેને કાળુભાઈના માથાની ઈજા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "પોલીસ સ્ટેશનમાં તેમને ઈજા થઈ ન હતી. 14મી એપ્રિલના રોજ તેમને અહીંથી લઈ ગયા હતા, એ બાદ બે-ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમને પોલીસ દ્વારા ઈજા પહોંચાડવામાં આવી નથી."
જોકે બોટાદ પોલીસે આ ત્રણેય પોલીસ અમલદારોની બોટાદ ટાઉન પોલીસસ્ટેશનમાંથી બદલી કરી નાખી છે.
ખરાડે કહે છે કે "તેમની બદલી પાછળ કાળુભાઈની ઈજા જવાબદાર નથી, પરંતુ તેમની બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે."
જોકે બીજી બાજુ ઉસ્માનભાઈનું કહેવું છે કે, "14 એપ્રિલે કાળુભાઈ આવ્યા ત્યારથી જ તેઓ માથામાં દુખાવો થવાની ફરિયાદ કરી રહ્યા હતા, તેથી અમે તેમને માથાના દુખાવાની ગોળીઓ આપતા હતા."
"દુખાવો વધ્યો ત્યારે અમે પહેલાં બોટાદ હૉસ્પિટલ અને પછી ભાવનગર સિવિલ અને છેલ્લે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા."
કાળુભાઈની હવે કેવી હાલત છે?
કાળુભાઈના રિપોર્ટ પ્રમાણે તેમની બે ન્યૂરો સર્જરી થઈ છે, તેઓ હાલમાં બેભાન છે.
ઉસ્માનભાઈ કહે છે કે તેમની પ્રથમ સર્જરી બાદ તેઓ થોડી વાર માટે ભાનમાં આવ્યા હતા અને એ બાદ બીજી સર્જરી કરવી પડી હતી, ત્યારથી તેઓ બેભાન અવસ્થામાં છે.
પરિવારજનોએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પીઠવાને જણાવ્યું કે, "હજુ પણ કાળુભાઈ કોમામાં છે અને હૉસ્પિટલમાં ડૉક્ટરે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે."
મુસ્લિમ આગેવાનોએ કરી કાર્યવાહીની માગ
પોલીસે કાળુભાઈને કથિત માર માર્યો હોવાના મામલામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ બોટાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને કડક કાર્યવાહીની માગ કરી હતી.
મુસ્લિમ આગેવાન મકસૂદ શાહે કહ્યું હતું કે, " મુસ્લિમ સમાજના યુવાનને કોઈ ગુના વિના ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલો માર મારવામાં આવ્યો કે તે હવે કોમામાં છે અને જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે." તેમનું કહેવું છે કે યુવક સામે કોઈ કેસ પણ નથી.
આ ઘટનાના પડઘા મુસ્લિમ સમુદાયમાં પડ્યા છે. અનેક મુસ્લિમ સંસ્થાઓ એ પરિવારની મુલાકાત લીધી છે. 'માઇનોરિટી કૉ-ઑર્ડિનેશન કમિટી' નામની સંસ્થાના કન્વીનર મુજાહિદ નફીસે પોતાની સંસ્થા મારફતે ગુજરાતના ડી. જી. પી. વિકાસ સહાયને એક પત્ર લખીને આ ઘટના માટે કાળુભાઈને મુસ્લિમ હોવાને કારણે પોલીસે માર માર્યો હોવાનો આરોપ કરીને પોલીસની સામે ફરિયાદ નોંધવાની માગ કરી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "અમને લાગે છે કે બોટાદ પોલીસે મુસ્લિમ યુવાનને માત્ર તેના ધર્મના આધારે માર માર્યો છે."
ડી. જી. પી.ને લખેલા પત્રમાં અમે આ વાતનું ખાસ ધ્યાન દોર્યું છે કે મુસ્લિમ સમુદાયના યુવાન કાળુભાઇને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ડી. કે. બસુની ગાઇડલાન્સનું ઉલ્લંઘન કર્યું છે." તેઓ કહે છે કે માઇનોરીટી કૉ-ઑર્ડિનેશન કમિટી એવા કિસ્સાઓ વિશે પણ જાણ થઈ છે કે જેમાં મુસ્લિમ યુવાનોને પોલીસે ગેરકાયદેસર ગોંધી રાખીને માર માર્યો હોય.
ગુજરાત પોલીસ સામે કેસ કેટલા
NCRBના 2021ના ક્રાઇમ ઇન ઇન્ડિયાના આંકડાની વાત કરીએ તો પોલીસ અધિકારીઓ કે અમલદારો સામે કેસ દાખલ થતા હોય તેવા ટોચનાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.
બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ ગુજરાતના પોલીસ અધિકારીઓ પર સૌથી વધુ ફરિયાદો દાખલ થઈ છે.
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 209 પોલીસ અધિકારીઓ સામે ગુના દાખલ થયા છે અને 203 પોલીસ અધિકારીઓની ધરપકડ પણ થઈ છે, જ્યારે 178 પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ થઈ છે. માત્ર એક જ પોલીસ અધિકારને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.