You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટ મૅચ, બહિષ્કારની માગ વચ્ચે ટિકિટોનું વેચાણ ઘટી ગયું છે?
આજે એશિયા કપ ટુર્નામેન્ટની છઠ્ઠી મૅચ રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટક્કર થશે.
ક્રિકેટપ્રેમીઓમાં ભારત-પાકિસ્તાનની મૅચ હંમેશાં રસપ્રદ બની રહેતી હોય છે, પરંતુ પહલગામ હુમલા પછી મે મહિનામાં બંને દેશો વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ગયો હતો.
એ પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પહેલી વખત સામસામે ક્રિકેટ મેદાનમાં ઊતરશે. પહલગામ હુમલાનો ભોગ બનેલા લોકોએ પણ આ મૅચ અંગે પ્રતિક્રિયા આપી છે.
કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) તથા આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ આ મૅચનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મૅચના બહિષ્કારની માગ થઈ રહી છે. બીજી બાજુ, ભાજપના નેતાએ આ મૅચનો બચાવ કર્યો છે.
એવી ચર્ચા છે કે આ મૅચની ટિકિટો નથી વેચાઈ રહી. જોકે, આયોજકો આ અંગે અલગ જ વાત કહી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મૅચ પર વિપક્ષના નેતાઓએ સવાલ ઉઠાવ્યા
આમ આદમી પાર્ટીએ આ મૅચની સામે દિલ્હીમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. આપની દિલ્હી પાંખના વડા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો શૅર કરતા લખ્યું :
"આપણી બહેનોના સેંથાનું સિંદૂર ભૂંસનારાઓ સાથે ક્રિકેટ મૅચ રમવી પડે, એવી શું મજબૂરી છે? અમે તેનો સજ્જડ વિરોધ અને બહિષ્કાર કરીએ છીએ."
શિવસેનાના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર ઉપર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લગભગ ત્રણ-ચાર મહિના પહેલાં પહલગામમાં આપણા નાગરિકો મૃત્યુ પામ્યા. અમારી બહેનોના સેંથાનું સિંદૂર ભૂંસી નાખ્યું, જે આજ દિવસ સુધી પૂરાયું નથી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક જૂના નિવેદનની યાદ અપાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, "લોહી અને પાણી એકસાથે ન વહી શકે. જો લોહી અને પાણી એકસાથે ન વહી શકે તો લોહી અને ક્રિકેટ પણ એકસાથે કેવી રીતે હોઈ શકે? રમત અને જંગ એકસાથે કેવી રીતે રમી શકાય?"
ઠાકરેએ કહ્યું કે સરકારે વચ્ચેથી ઑપરેશન સિંદૂર અટકાવી દીધું અને દેશભક્તિને માત્ર વેપાર બનાવી દીધો છે.
શિવસેનાનાં (યુબીટી) રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ નાગરિકોને સીધી જ અપીલ કરી હતી. પોતાના વીડિયો મૅસેજમાં તેમણે કહ્યું, "જો ભારત સરકાર અને બીબીસીઆઈ ભારત-પાકિસ્તાનની મૅચ રદ્દ ન કરી શકતી હોય, તો સમય આવી ગયો છે કે આપણે નાગરિકો આ મૅચ જોવાનો બહિષ્કાર કરીએ. આતંકવાદની ઉપર ક્રિકેટને ન મૂકીએ તથા શહીદ પરિવારજનોની પડખે રહીએ."
કૉંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "પહલગામના આતંકવાદી હુમલામાં જે જિંદગીઓ ગઈ, તેની કિંમત શું ભારત-પાકિસ્તાન વચ્ચેની એક ક્રિકેટ મૅચમાંથી થનારી જાહેરાતની આવક કરતાં પણ ઓછી છે? આ ખેલભાવના નથી, પરંતુ આપણા શહીદોના લોહી કરતાં નફાને મહત્ત્વ આપવાનું શરમજનક ઉદાહરણ છે."
અનુરાગ ઠાકુરે બીબીસીઆઈના નિર્ણયનો બચાવ કર્યો
ભાજપના સાંસદ તથા બીબીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ભારત-પાકિસ્તાન મૅચના આયોજનના નિર્ણયનું સમર્થન કર્યું છે.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "એસીસી અથવા આઈસીસી દ્વારા મલ્ટીનૅશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ ભાગ લેવો મજબૂરી અને જરૂરી બની રહે છે. જો ભાગ ન લઈએ, તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જઈશું અને બીજી ટીમને પૉઇન્ટ પણ મળશે."
અનુરાગ ઠાકુરે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષી સિરીઝ નથી રમતું.
ઠાકુરે કહ્યું, "આપણે અનેક વર્ષોથી નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા બંધ કરવામાં ન આવે, ત્યાં સુધી પાકિસ્તાન સાથે બાયલૅટરલ નહીં રમીએ."
પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીનાં પત્નીએ શું કહ્યું?
પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમ દ્વિવેદીનાં પત્ની એશન્યા દ્વિવેદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે હુમલા પછી સરકારે કડક પગલાં લીધાં હતાં, પરંતુ પાકિસ્તાન સાથેની મૅચને કારણે ખોટો સંદેશ વહેતો થાય છે.
"બીસીસીઆઈએ ભારત-પાકિસ્તાનની મૅચનો સ્વીકાર નહોતો કરવો જોઈતો. તે બહુ મોટી ભૂલ હતી અને આપણા દેશના લોકો જ આ વાત કહી રહ્યા છે. બીસીસીઆઈને આવી લાગણીઓની કોઈ પરવા જ નથી."
એશન્યા દ્વિવેદીએ કહ્યું કે પાકિસ્તાન સાથે રમીને આપણે તેને જ સશક્ત બનાવી રહ્યા છીએ.
તેમણે કહ્યું, "આ મૅચમાંથી જેટલી આવક થશે, તેને પાકિસ્તાન આતંકવાદ ઉપર જ વાપરશે. આપણને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે, તો તેને આવક મળે એવું શા માટે કરવું જોઈએ?"
એશન્યા દ્વિવેદીએ આ મુદ્દે ક્રિકેટરોની ચુપકીદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોઈ રમતને સૌથી વધુ 'નૅશનલ ફિલિંગ' માનવામાં આવતી હોય, તો તે ક્રિકેટ છે. આમ છતાં કોઈ ક્રિકેટર નથી કહી રહ્યું કે મૅચનો બહિષ્કાર કરવો જોઈએ.
એશન્યા દ્વિવેદીએ ભારતીય ક્રિકેટરોને અપીલ કરતાં પૂછ્યું, "તમે (ભારતીય ક્રિકેટર) શા માટે કોઈ સ્ટેન્ડ નથી લેતા? બીસીસીઆઈની ટીમે તમારા લમણે બંદૂક થોડી તાકી છે? તમે જાતે જ દેશ માટે સ્ટેન્ડ લો, પરંતુ તમે નથી લઈ રહ્યા."
ભારત-પાકિસ્તાન મૅચ માટેની ટિકિટો ઓછી વેચાઈ છે?
એશિયા કપ – 2025ના 'એ' ગ્રૂપના મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. આ ગ્રૂપમાં સંયુક્ત આરબ અમીરાત તથા ઓમાનનો પણ સમાવેશ થાય છે.
જો ભારત અને પાકિસ્તાન આગામી સ્ટેજ માટે ક્વૉલિફાય કરશે, તો 21મી સપ્ટેમ્બરના ફરી તે સામસામે થશે.
બીજી બાજુ, આ મૅચ પહેલાં ટિકિટ વેચાણ અંગે વિરોધાભાસી દાવા થઈ રહ્યા છે. બીબીસી ઉર્દૂએ ઑનલાઇન ટિકિટિંગ વેબસાઇટ્સની તપાસ કરી તો શુક્રવાર બપોર સુધી ટિકિટો ઉપલબ્ધ હતી. 29 ઑગસ્ટથી ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું હતું.
23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રૉફીની મૅચ દુબઈ ખાતે યોજાઈ હતી, જેની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી.
અમીરાત ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે ટિકિટોનું વેચાણ ધીમું છે, એ ધારણા ખોટી છે, કારણ કે મૅચ શરૂ થવામાં બે દિવસની વાર છે અને 70થી 80 ટકા ટિકિટો વેચાઈ ગઈ છે. અમને આશા છે કે રવિવાર સુધીમાં બધી ટિકિટો વેચાઈ જશે.
નિરીક્ષકોના કહેવા પ્રમાણે, યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. જેઓ સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન મૅચ જોવા માટે લાઇનો લગાવતા હોય છે, પરંતુ આ વખતે પાકિસ્તાન સામેની મૅચના બહિષ્કાર માટે જે અભિયાન ચલાવાઈ રહ્યું છે, તેની અસર આ દર્શકો પર પણ જોવા મળી રહી છે.
પાકિસ્તાની દર્શકોને વિઝા મળવા સંદર્ભે આશંકાને કારણે પણ ટિકિટોનું વેચાણ ધીમું છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે કહ્યું, "ભારત-પાકિસ્તાનની મૅચ અગાઉ પરંપરાગત ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. આવું હું પહેલી વાર જોઈ રહ્યો છું."
ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેને પ્રતિસ્પર્ધાના અભાવ સાથે જોડ્યુ હતું. તેમણે કહ્યું કે ભારતીય ટીમ અન્યો કરતાં ખૂબ જ મજબૂત છે. "જો ભારતની 'એ' ટીમને મોકલવામાં આવે, તો તે પણ અન્ય ટીમોને ટક્કર આપી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન