પુતિનની ભારત મુલાકાત : S-400 ઍર ડિફેન્સ સિસ્ટમ અને સુખોઈ-57 વિમાનના સંભવિત સોદા પર અમેરિકાની કેમ છે નજર?

4 ડિસેમ્બર એટલે કે આજથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે તથા ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પુતિનના સન્માનમાં આયોજિત ભોજનકાર્યક્રમમાં પણ ભાગ લેશે.

છેલ્લે વર્ષ 2021માં પુતિન ભારત-રશિયા વાર્ષિક શિખર મંત્રણામાં ભાગ લેવા માટે તેઓ ભારત આવ્યા હતા.

ભારત અને રશિયા વચ્ચે "વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી" પ્રવર્તે છે તથા અનેક પ્રસંગોએ બંને દેશોએ મક્કમતાપૂર્વક એકબીજાનો સાથ આપ્યો હતો.

પુતિનની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વધારાની એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમ, સુખોઈ-57 ફાઇટર જેટ તથા અન્ય કેટલાક સંરક્ષણકરારોમાં પ્રગતિ થાય તેવી શક્યતા છે.

અમેરિકાએ રશિયાના ક્રૂડઑઇલની ખરીદી ઉપર નિયંત્રણો લાદ્યા છે, ત્યારે ભારત અને રશિયા વચ્ચે ઊર્જાક્ષેત્રે સહયોગ અંગે પણ મંત્રણા થઈ શકે છે. આ સિવાય પરમાણુઊર્જા, ટૅક્નૉલૉજી તથા વેપારક્ષેત્રે પણ બંને દેશો દ્વિપક્ષીય સમીક્ષા હાથ ધરશે.

ભારતની સરકારી ટેલિવિઝન ચૅનલ દૂરદર્શન સાથે વાત કરતાં પૂર્વ રાજદ્વારી મેજર જનરલ (રિટાયર્ડ) મંજીવસિંહ પુરીએ કહ્યું, "વિશ્વના બે મહત્ત્વપૂર્ણ દેશ રશિયા અને ભારત સર્વોચ્ચસ્તરે બેઠક કરે, તે વિશેષરુપે મહત્ત્વપૂર્ણ છે."

મેજર જનરલ (રિટાયર્ડ) મંજીવસિંહ પુરીએ ઉમેર્યું, "તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર દરમિયાન રશિયા પાસેથી મળેલાં હથિયાર વિશેષ કરીને એસ-400એ ભારત માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખૂબ જ ઉન્નત એવા એસયૂ-57 ફાઇટર જેટ વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

"બંને દેશો પરંપરાગત ક્ષેત્રોમાં જ સહયોગી નથી, પરંતુ પરમાણુઊર્જા જેવાં અનેક ક્ષેત્રોમાં નવી ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છે."

પુતિનની અગાઉની ભારતયાત્રા

રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું, એ પહેલાં ભારત અને રશિયા એમ બંને દેશના ટોચના નેતાઓ દર વર્ષે મુલાકાત કરતા હતા.

બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકતા જણાવ્યું હતું કે પુતિને યુક્રેનયુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી, એ પછી ભારતના ટોચના નેતૃત્વે ડિસેમ્બર-2022માં પુતિન સાથે બેઠક નહોતી કરી.

યુક્રેનનું યુદ્ધ શરુ થયું એ પછી જુલાઈ-2024માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો, ત્યારે પણ પુતિન અને મોદીની વચ્ચે મુલાકાત થઈ હતી.

નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત અને રશિયા વચ્ચેની આ પહેલી દ્વિપક્ષીય બેઠક હતી.

ઑક્ટોબર-2024માં રશિયા ખાતે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશોનું સંમેલન યોજાયું હતું. ત્યારે પુતિન અને મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.

યુક્રેનની રાજધાની કિએવમાં બાળકોની હૉસ્પિટલને રશિયાએ મિસાઇલથી ટાર્ગેટ કરી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાના એક દિવસ પછી પુતિન અને મોદીની વચ્ચે મુલાકાત થઈ હતી.

એ મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેંટ્યા હતા અને પોતાના 'મિત્ર' કહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ બે વખત રશિયાનો પ્રવાસ કર્યો, ત્યારથી જ પુતિનની સંભવિત ભારતયાત્રા અંગે મીડિયામાં ચર્ચા થવા માંડી હતી.

બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અંગે અમેરિકાના અખબાર બ્લૂમબર્ગે એક લેખમાં લખ્યું,

"આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનને મળવા ગયા, ત્યારે આ મુલાકાત વિશે અમેરિકામાં ચિંતા ઉત્પન્ન થઈ હતી. યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકાની વ્યહરચના રશિયાના રાષ્ટ્રપતિને પરિત્યક્ત કરી દેવા માંગતા હતા."

"જોકે અમેરિકા પણ સમજે છે કે એશિયા-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ચીનના પ્રભુત્વને સંતુલિત કરવા માટે તેને ભારતની જરૂર છે."

ભારત રશિયા મૈત્રી

શીતયુદ્ધના સમયથી જ ભારત અને રશિયાની વચ્ચે નિકટતાપૂર્ણ સંબંધ રહ્યા છે. ભારત એ રશિયાના હથિયારોના મોટા ખરીદદારોમાંથી એક છે.

યુક્રેનયુદ્ધને પગલે અમેરિકા તથા તેના સહયોગી દેશોએ રશિયન ક્રૂડઑઇલ ઉપર પ્રતિબંધ લાદ્યા હતા. એ પછી ભારત રશિયન ક્રૂડઑઇલનું મોટું ખરીદદાર બની રહ્યું હતું.

બ્લૂમબર્ગ ઉપરોક્ત લેખમાં લખે છે, "ગત વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયે યુક્રેનના કિએવમાં યુદ્ધ અપરાધો માટે પુતિન વિરુદ્ધ ધરપકડનું વૉરંટ કાઢ્યું હતું. ત્યારે પુતિન ભારત આવે, તો તે પુતિનના વિદેશયાત્રા કરવાના વિશ્વાસને પણ દેખાડશે."

ભારત આઈસીસીનું સભ્ય નથી એટલે તે આ વૉરંટનું અમલીકરણ કરવા માટે બાદ્ય નથી. આમ છતાં વર્ષ 2023માં જ્યારે ભારત ખાતે જી-20 શિખરસંમેલન આયોજિત થયું હતું, ત્યારે પુતિન તેમાં સામેલ નહોતા થયા.

સપ્ટેમ્બર-2024માં પુતિને મંગોલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યારે મંગોલિયાએ આઈસીસીના વૉરંટ ઉપર અમલ નહોતો કર્યો. મંગોલિયા આઈસીસીનું સભ્યરાષ્ટ્ર છે, એટલે વૉરંટને લાગુ ન કરવા બદલ આંતરરાષ્ટ્રીયસ્તરે તેની ભારે ટીકા પણ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય મીડિયાનું કહેવું છે કે કપરા સમયમાં પુતિન ભારતની યાત્રા ખેડી રહ્યા છે.

ફૉરેન પૉલિસી પત્રિકાએ એક લેખમાં લખ્યું, "પુતિનની યાત્રા પહેલાં ભારતે તેની વ્યૂહાત્મક મૂડી ખર્ચી છે."

આ યાત્રા માટે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર નવેમ્બર મહિનામાં મૉસ્કો ગયા હતા. જ્યાં તેમણે શાંઘાઈ સહયોગ સંગઠનનાં (એસસીઓ) પ્રતિનિધિમંડળની બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે મુલાકાત પણ કરી હતી.

આ પહેલાં ઑગસ્ટ મહિનામાં પણ એસ. જયશંકર તથા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ મૉસ્કોનો પ્રવાસ ખેડ્યો હતો.

પુતિન તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થવાની હતી, પરંતુ તે યોજાઈ ન હતી. એ પહેલાંની અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં કોઈ પરિણામ નહોતું આવ્યું. એવામાં પુતિનની ભારતયાત્રા મહત્ત્વપૂર્ણ બની રહે છે.

અલાસ્કાની બેઠક પછી ટ્રમ્પ સરકાર સતતપણે મર્યાદિત પ્રમાણમાં નાટો દેશો મારફત હથિયાર યુક્રેન મોકલી રહી છે. નવેમ્બર મહિનામાં અમેરિકાએ અગાઉથી યુક્રેન મોકલવામાં આવેલી પેટ્રિયટ મિસાઇલોને અપગ્રેડ કરી આપી હતી.

ટ્રમ્પ શું પગલું લેશે?

ફૉરેન પૉલિસીમાં પ્રકાશિત લેખમાં સ્ટેનફર્ડ યુનિવર્સિટીની હૂવર ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફૅલો સુમિત ગાંગુલી લખે છે, "ભારત અને રશિયા એમ બંને દેશોને અમેરિકાનું દબાણ અનુભવાય રહ્યું છે, એટલે જ તેઓ નજીક આવી રહ્યા છે."

જોકે ટ્રમ્પે તેમના પૂરોગામી જો બાઇડનની જેમ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે કોઈ જક્કી વલણ નથી અપનાવ્યું અને તાજેતરમાં શાંતિયોજનાની જાહેરાત પણ કરી હતી. જે હેઠળ યુક્રેને ભારે છૂટછાટો આપવી પડશે.

આમ છતાં અમેરિકા સતતપણે યુક્રેનને સમર્થન આપી રહ્યું હોવાથી રશિયા તેનાથી નારાજ છે.

રશિયા પાસેથી ક્રૂડઑઇલની ખરીદીને કારણે ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરના મહિનામાં તણાવ વધ્યો છે.

જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂંકો, પરંતુ ભયાનક સૈન્યસંઘર્ષ થયો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને 'ખતમ કરાવવાનો શ્રેય' ટ્રમ્પને નહોતો આપ્યો. જે ટ્રમ્પની 'નારાજગી'નું મૂળ કારણ છે.

ફૉરેન પૉલિસીના લેખમાં જણાવ્યા પ્રમાણે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયો એ પછી, રિપોર્ટો મુજબ, ટ્રમ્પના ચાર ફોન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊઠાવ્યા ન હતા. એ પછી તરત જ ટ્રમ્પે ભારતનાં અનેક ઉત્પાદનો ઉપર 50 ટકા ટેરિફ લાદી દીધો હતો અને બંને દેશો વચ્ચેના દ્વીપક્ષીય સંબંધ ધરાશાઈ થઈ ગયા."

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધમાં પીછેહઠ થઈ છે એટલે ભારત રશિયા તરફ આગળ વધ્યું, તે બાબત આશ્ચર્યજનક નથી.

લેખમાં જણાવ્યા પ્રમાણે, "અનેક રિપોર્ટો દ્વારા એ વાતના અણસાર મળે છે કે આ સંમેલન મહત્ત્વપૂર્ણ બની રહેશે. જેમાં અનેક સોદા અને કરાર વિશે ચર્ચા થશે. જેમાં સુખોઈ-57 વિમાન અંગેનો કરાર પણ સામેલ છે."

પુતિનની આ ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે જે કોઈ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, એ તમામ કરાર કે સોદા ઉપર સહીસિક્કા ન થાય, તો પણ કેટલીક બાબતોમાં નોંધપાત્ર પરિણામ નીકળશે, એવું માનવામાં આવે છે.

પુતિનની દિલ્હીયાત્રા બાદ ભારત અને રશિયા એમ બંને તરફથી વિશ્વને એક સંદેશ ચોક્કસથી જશે કે 'બંને પાસે શક્તિશાળી મિત્ર છે.'

ફૉરેન પૉલિસી લખે છે, "આ સંદેશ ચોક્કસપણે અમેરિકા સુધી પહોંચશે, પરંતુ ભારત અને રશિયા વચ્ચેના આ ઉષ્મપૂર્ણ સંબંધો અંગે ટ્રમ્પ શું પ્રતિક્રિયા આપશે, તે નક્કી નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન