દુબઈમાં તેજસ ક્રૅશમાં જીવ ગુમાવનારા પાઇલટ વિંગ કમાન્ડર નમન સ્યાલ કોણ હતા?

દુબઈમાં ઍર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં ફાઇટર પાઇલટ વિંગ કમાન્ડર નમન સ્યાલે પોતાના પ્રાણ ગુમાવ્યા.

દુબઈના અલ મખતૂમ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર અકસ્માત સ્થાનિક સમય અનુસાર, બપોરે બે વાગ્યા આસપાસ થયો હતો.

અકસ્માતનો વીડિયો ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉડાણ ભર્યા પછી તેજસ વિમાન જમીન ઉપર પડ્યું અને તેમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી.

ભારતીય વાયુદળે આ અકસ્માત સંદર્ભે શોક વ્યક્ત કર્યો છે અને તપાસ સમિતિના ગઠનની પ્રક્રિયા હાથ ધરી છે.

કોણ હતા વિંગ કમાન્ડર નમન સ્યાલ?

પાઇલટ વિંગ કમાન્ડર નમન સ્યાલ હિમાચલ પ્રદેશના કાંગડાના હતા. રાજ્યના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'X' (એક્સ) ઉપર વિંગ કમાન્ડર નમનની તસવીર પોસ્ટ કરી અને સાથે લખ્યું:

"દુબઈ ઍર શોમાં તેજસ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વીર સપૂત નમન સ્યાલજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદાયક તથા હૃદયદ્રાવક છે."

"દેશે એક બહાદુર, કર્તવ્યનિષ્ઠ તથા સાહસિક પાઇલટ ગુમાવ્યા છે. શોકાકુળ પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. વીર સપૂત નમન સ્યાલજીની અદમ્ય વીરતા, કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા પ્રત્યેના સમર્પણને હૃદયપૂર્વક નમન."

આ અકસ્માત અંગે ભારતીય વાયુદળે તેના નિવેદનમાં કહ્યું, "દુબઈ ઍર શોમાં શુક્રવારે હવાઈ પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુદળનું એક તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. દુર્ઘટનામાં પાઇલટે પ્રાણ ગુમાવવા પડ્યા."

"ભારતીય વાયુદળ ભરપાઈ ન કરી શકાય તેવી ખોટ બદલ ઊંડું દુઃખ વ્યક્ત કરે છે તથા શોકની આ ક્ષણે પરિવાર સાથે દ્રઢતાપૂર્વક ઊભું છે. દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનું ગઠન કરવામાં આવી રહ્યું છે."

અગ્રણી અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ નમનના પિતા જગન નાથ સ્યાલ સાથે વાત કરી હતી.

જગન નાથ સ્યાલે 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું, "છેલ્લે ગુરુવારે મેં મારા દીકરા સાથે વાત કરી હતી. ત્યારે તેમણે મને ટીવી કે યુટ્યૂબ ઉપર ઍર શો જોવા માટે કહ્યું હતું."

જગન નાથ સ્યાલે કહ્યું, "શુક્રવારે, સાંજે ચારેક વાગ્યે હું યુટ્યૂબ ઉપર ઍર શોનો વીડિયો સર્ચ કરી રહ્યો હતો, ત્યારે મેં પ્લેન ક્રૅશનો રિપોર્ટ જોયો. મેં તરત જ મારી પુત્રવધૂને ફોન કર્યો. મારી પુત્રવધૂ પણ વિંગ કમાન્ડર છે."

"મેં તેને શું થયું છે, તેના વિશે તપાસ કરવા માટે કહ્યું. થોડી વારમાં ઍર ફોર્સના છ અધિકારી અમારા ઘરે પહોંચ્યા અને હું સમજી ગયો કે કંઈક ગડબડ છે."

જગનનાથ સ્યાલ નિવૃત્ત શાળાના આચાર્ય (રિટાયર્ડ સ્કૂલ પ્રિન્સિપાલ) છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, જગનનાથ સ્યાલ તથા તેમનાં પત્ની વીણા સ્યાલ હાલ તામિલનાડુના કૉઇમ્બતુર ખાતે દીકરા નમનના ઘરે જ છે.

અખબારના અહેવાલ મુજબ, દંપતી બે અઠવાડિયાં પહેલાં જ કાંગડામાં પોતાના ગામથી કૉઇમ્બતુર ગયું હતું, કારણ કે નમનનાં પત્નીની કોલકાતામાં તાલીમ ચાલી રહી છે અને પૌત્રીનું ધ્યાન રાખવાનું હતું.

નમને વર્ષ 2009માં એનડીએની (નૅશનલ ડિફેન્સ ઍકેડમી) પરીક્ષા પાસ કરી હતી. જગનનાથ સ્યાલના કહેવા પ્રમાણે, નમન ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.

નમનના પિતાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું, "ઍર ફોર્સના જે અધિકારીઓ અમને માહિતી આપવા માટે આવ્યા હતા, તેમને મેં પૂછ્યું કે 'મૃતદેહ ક્યારે આવશે?' તો તેમણે મને કોઈ ચોક્કસ સમય ન જણાવ્યો, પરંતુ તેમણે અણસાર આપ્યા કે પ્રક્રિયા પૂરી થવામાં બે દિવસનો સમય લાગી શકે છે."

હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠક પરથી સંસદસભ્ય અનુરાગ ઠાકુરે 'X' ઉપર પોસ્ટ મૂકીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું:

"દુબઈ ઍર શો દરમિયાન તેજસ વિમાનના અકસ્માતમાં વીરભૂમિ હિમાચલના કાંગડા જિલ્લાના નમન સ્યાલજીના નિધનના સમાચાર અત્યંત કષ્ટદાયક છે."

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે 'X' ઉપર લખ્યું, "દુબઈ ઍર શોમાં હવાઈ પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુદળના એક બહાદુર પાઇલટના અવસાનથી ઊંડું દુઃખ થયું છે. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. દુઃખની આ ઘડીએ આખો દેશ તેમની પડખે ઊભો છે."

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ તથા ભારતીય સશસ્ત્ર દળોની તમામ રૅન્કના અધિકારીઓએ તેજસ વિમાનની દુર્ઘટના તથા પાઇલટનાં મૃત્યુ અંગે ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્વદેશી તેજસ તથા તેની વિશેષતાઓ

સિંગલ-ઍન્જિન ધરાવતું તેજસ ફાઇટર પ્લેન પૂર્ણ સ્વદેશી છે. તેની નિર્માતા કંપની હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL) છે.

આ વિમાન દૂરથી જ દુશ્મનનાં વિમાનો પર નિશાન તાકી શકે છે તથા દુશ્મનના રડારને પણ માત આપવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાન એટલાં જ હથિયાર અને મિસાઇલ લઈને ઊડી શકે છે જે રીતે સુખોઈ વિમાન ઊડી શકે છે.

વર્ષ 2004 બાદ તેજસમાં અપગ્રેડેડ ઇલેક્ટ્રિક ઍન્જિન F404-GE-IN20 ઉપયોગમાં લેવાય છે. તેજસ માર્ક 1A સંસ્કરણમાં પણ આ જ ઍન્જિન ઉપયોગમાં લેવાય છે. જ્યારે ભવિષ્યમાં આવનારાં તેજસ માર્ક 2માં વધારે શક્તિશાળી જનરલ ઇલેક્ટ્રિક F414 INS6 ઍન્જિન લાગેલું હશે.

તેજસ ફાઇટર પ્લેન સુખોઈ ફાઇટર પ્લેનથી હલકાં હોય છે. તે આઠથી નવ ટન સુધીનો બોજ ઉઠાવી શકે છે. તે ધ્વનિની ગતિ એટલે કે મૅક 1.6થી 1.8ની ઝડપે ઊડી શકે છે.

તેજસમાં ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે ક્રિટિકલ ઑપરેશન ક્ષમતા માટે ઍક્ટિવ ઇલેક્ટ્રોનિકલી-સ્કેન્ડ રડાર (AESA), બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વૉરફેયર સ્યૂટ તથા ઍર-ટુ-ઍર રિફ્યૂલિંગની વ્યવસ્થા.

આ વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતીય સંરક્ષણ મંત્રાલયે હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની સાથે 97 તેજસ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો.

તેની પૂર્તિ 2027માં શરૂ થવાની આશા હતી.

આ પહેલાં 2021માં ભારત સરકારે HAL સાથે 83 તેજસ ઍરક્રાફ્ટની ડીલ સાઇન કરી હતી તેની ડિલિવરી વર્ષ 2024માં થવાની હતી, પરંતુ અમેરિકાથી આયાત કરવામાં આવેલા ઍન્જિનની અછતને કારણે તેમાં મોડું થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન