અમેરિકાના હુમલા બાદ ઈરાનની સેટેલાઇટ તસવીરોમાં શું દેખાયું? – ન્યૂઝ અપડેટ

બીબીસી વૅરિફાઈના બેનેડિક્ટ ગાર્મનના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર અમેરિકાના હુમલા બાદ હાલની સેટેલાઇટ તસવીરોમાં ઈરાનના ફોર્દો પરમાણુ ઠેકાણાંમાં થયેલી તબાહી દેખાઈ છે.

ફોર્દોમાં પહાડો વચ્ચે જમીનની નીચે ઈરાનનું પરમાણુ ઍનરિચમેન્ટ સેન્ટર છે.

22મી જૂનના રોજ મૅક્સાર ટૅક્નૉલૉજીસે ઇરાનના આ વિસ્તારની હાઇ રિઝોલ્યૂશન તસવીરો જાહેર કરી છે.

જેમાં જોઈ શકાય છે કે ત્યાં છ નવા ખાડાઓ બની ગયા છે. સંભવ છે કે અમેરિકાના હુમલા બાદ મિસાઇલના જમીનમાં અંદર ઘૂસવાને કારણે આ ખાડા બન્યા હોય.

સાથે આ હુમલાને કારણે પહાડનો ઢોળાવ પર ધૂળ અને કાટમાળ વિખેરાયેલો પડ્યો છે.

આ પહેલાં બીબીસી વૅરિફાઈએ જણાવ્યું હતું કે આ પ્રકારે જમીનની નીચે ઠેકાણાંને નિશાન બનાવવા માટે બંકર બસ્ટરનો ઉપયોગ થાય છે.

આ પ્રકારનાં ઠેકાણાં મૅસિવ ઑર્ડિનન્સ પેનિટ્રેટર(એમઓપી) નામના બૉમ્બના નિશાન હેઠળ આવી શકે છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે સેનાએ આ અભિયાનમાં એમઓપીનો ઉપયોગ કર્યો હતો.

મૅકિન્ઝી ઇન્ટેલિજન્સ સર્વિસમાં વરિષ્ઠ વિશ્લેષક સ્ટૂ રેએ બીબીસી વૅરિફાઈને કહ્યું, "જમીનની ઉપર તમને વિસ્ફોટની અસર નહીં દેખાય કારણકે આ બૉમ્બ જમીનની ઉપર નહીં ફાટે પરંતુ જમીનની નીચે જઈને નુકસાન પહોંચાડે છે."

ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટમૅચ: ઇંગ્લૅન્ડ 465 રન પર ઑલઆઉટ, ભારતને 6 રનની લીડ, બુમરાહની પાંચ વિકેટ

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી લીડ્સની ટેસ્ટમૅચમાં ત્રીજા દિવસે ભારતે ઇંગ્લૅન્ડને 465 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું.

ભારતને છ રનની લીડ મળી છે. ભારતની પહેલી ઇનિંગ 471 રન પર સમાપ્ત થઈ હતી. જસપ્રીત બુમરાહે ભારત તરફથી પાંચ વિકેટો ઝડપી હતી જ્યારે કે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ત્રણ અને મોહમ્મદ સિરાઝે બે વિકેટો ઝડપી હતી.

ઇંગ્લૅન્ડ વતી ઑલી પોપે 106 રન બનાવ્યા હતા જ્યારે કે હૅરી બ્રુક સદી બનાવવાથી માત્ર એક રન ચૂકી ગયા હતા અને 99 રને આઉટ થયા હતા.

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમતો

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે દુનિયામાં ઑઇલની કિંમતો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મનાય છે કે સોમવારે સવારે એશિયામાં ઊર્જા બજાર ખુલતાંની સાથે ઑઇલની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે.

ક્રિસ્ટોલ ઍનર્જીનાં ચીફ ઍક્ઝિક્યૂટિવ કૅરોલ નખલેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમેરિકાના હુમલાને કારણે આ સંઘર્ષ એક નવા સ્તર પર પહોંચી ગયો છે. અને ઘણા લોકોને ડર છે કે સ્થિતિ વધારે બગડી શકે છે."

તેમણે કહ્યું, "આ ડરની અસર ઑઇલની કિંમત પર જિયોપૉલિટિકલ પ્રીમિયમના રૂપે દેખાઈ શકે છે. કોઈ નથી જાણતું કે કેટલી વધશે પરંતુ સામાન્ય રીતે જેટલો ડર એટલી વધારે કિંમત."

ગત મહિને લગભગ 20 ટકા વધારા સાથે કાચું તેલ શુક્રવારે સપ્તાહના અંતમાં 77.01 ડૉલર પ્રતિ બૅરલ પર પહોંચી ગયું હતું.

આમ છતાં, કિંમત હજુ ગત વર્ષ કરતાં ઓછી છે. કાચા તેલની વધતી કિંમતને કારણે તમારી કારના ઈંધણથી લઈને સુપરમાર્કેટમાં ખાદ્ય પદાર્થોની કિંમત સુધી તમામ ચીજવસ્તુઓને અસર થઈ શકે છે.

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે પીએમ મોદીએ શું કહ્યું?

ઈરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી છે.

તેમણે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરી.

પીએમ મોદીએ લખ્યું, "અમે વર્તમાન સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા કરી છે. અને હાલના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરી છે."

તેમણે વધુમાં લખ્યું, "અમે વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા ઝડપથી બહાલ થાય તે માટે તાત્કાલિક કામ કરવા, વાતચીત અને કૂટનીતિ દ્વારા આગળ વધવા પર ભાર મૂક્યો."

અમેરિકાએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાંઓ પર હુમલો કર્યો તે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને લઈને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ગુજરાતમાં ગ્રામપંચાતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

રાજ્યમાં ઠેર ઠેર વરસાદ છતાં પણ ઘણાં સ્થળોએ મતદાન અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બીબીસી સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી 73 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 41.22 ટકા મતદાન નોંધાયું હતું.

બીબીસી સહયોગી જિગર પટેલે આપેલી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાની કુલ 94 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 11 વાગ્યા સુધી 28.68 ટકા મતદાન જોવા મળ્યું હતું.

સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 11 વાગ્યા સુધી સરેરાશ 32 ટકા મતદાન નોંધાયું હતું.

અમરેલીના સહયોગી ફારુખ કાદરીએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લાની 86 ગ્રામપંચાયતો માટે હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

ઈરાનના હુમલામાં ઇઝરાયલમાં 16 લોકો ઘાયલ

ઇઝરાયલી ઇમર્જન્સી સર્વિસ મૅગન ડેવિડ એડોમ (એમડીએ)નું કહેવું છે કે રવિવારે ઈરાન તરફથી થયેલા હવાઈ હુમલામાં ઘાયલ થયેલા 16 લોકોનો ઇલાજ થઈ રહ્યો છે.

આ હુમલામાં ઘાયલ 16 લોકોમાં એક 30 વર્ષની વ્યક્તિ પણ સામેલ છે, જેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અન્ય 15 લોકો સામાન્ય ઈજા પામ્યા છે.

આ પહેલાં એમડીએએ જણાવ્યું હતું કે રવિવારે સવારે ઈરાનના હવાઈ હુમલામાં 11 લોકો ઘાયલ થયા હતા.

ઇઝરાયલી પોલીસે જણાવ્યું કે ઈરાનના હુમલા બાદ તેલ અવીવમાં એક ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ છે. આ ક્ષતિગ્રસ્ત ઇમારતમાંથી છ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ લોકોને સામાન્ય ઈજા થઈ છે.

આ સાથે ઇઝરાયલી પોલીસે એમ પણ જણાવ્યું છે કે હજુ આ ઇમારતની અંદર રહેલા લોકોને શોધવાનું કામ ચાલુ છે.

ઈરાન પર થયેલા હુમલાને અમેરિકાના આ નેતાઓએ વખોડ્યો

અમેરિકાના ડેમૉક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓએ ઈરાનનાં પરમાણુ ઠેકાણાંઓ પર કરવામાં આવેલા અમેરિકાના હુમલાની નિંદા કરી છે.

કૉંગ્રેસ સભ્ય એલેક્ઝેન્ડ્રિયા ઓકાસિઓ-કોરટેજે કહ્યું કે આ સંવિધાન અને કૉંગ્રેસના યુદ્ધ સંબંધી અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે અને તેને તેમના (ટ્રમ્પ) સામે મહાભિયોગ ચલાવવાનો આધાર બનાવે છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "તેમણે ઉતાવળમાં આવું પગલું ભર્યું છે. જેનાથી એવું યુદ્ધ થઈ શકે છે જેમાં આપણે લાંબા સમય સુધી ફસાઈ શકીએ છીએ."

કૉંગ્રેસનાં સભ્ય રશીદા તાલિબે પણ હુમલાની નિંદા કરી. તેમણે આ હુમલાને અમેરિકાના સંવિધાનનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે કૉંગ્રેસને તરત જ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી.

આ ઉપરાંત કૉંગ્રેસના સભ્ય જિમ મૅકગવર્ને આ સ્થિતિને 'ઉન્માદી' ગણાવી.

તેમણે કહ્યું, "ટ્રમ્પે કૉંગ્રેસની મંજૂરી વગર ઈરાન પર બૉમ્બમારો કર્યો. અમને ગેરકાયદે મધ્યપૂર્વના યુદ્ધમાં જોતરવા મજબૂર કર્યા. શું અમે અત્યારસુધી કોઈ પાઠ નથી ભણ્યો?"

ઇઝરાયલ અને ઈરાને એકબીજાનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે જણાવ્યું છે કે તેમણે ઈરાનનાં ઘણાં સૈન્ય ઠેકાણાં પર હુમલા શરૂ કરી દીધા છે.

તેની જાણકારી ઇઝરાયલી સેનાએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર આપી.

આઈડીએફે લખ્યું, "ઇઝરાયલી સેનાએ પશ્ચિમી ઈરાનમાં ઘણાં સૈન્ય ઠેકાણાં પર હુમલા શરૂ કરી દીધા છે. આજે સવાલે આઈડીએફે તે મિસાઇલ લૉન્ચર્સને પણ નિશાન બનાવ્યાં જે ઇઝરાયલ પર હુમલો કરવા તૈયાર હતા."

ઇઝરાયલી સેનાએ એમ પણ જણાવ્યું કે તેણે ઈરાની સૈનિકો પર પણ હુમલો કર્યો.

તેણે લખ્યું, "થોડા સમય પહેલાં ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલોને નિષ્ક્રિય કરી દેવામાં આવી."

ત્યાં ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે ઈરાને ઇઝરાયલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા છે. જેમાં બેન ગુરિયન ઍરપૉર્ટ પણ સામેલ છે.

આ ઉપરાંત જે જગ્યા પર હુમલો થયો છે, તેમાં ઇઝરાયલી સેનાની મદદ કરતું કેન્દ્ર, સેનાનો કમાન્ડ અને કંટ્રોલરૂમ, તથા એક જૈવિક રિસર્ચ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.

ઈરાની સરકારી મીડિયા અનુસાર ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સે ઍલાન કર્યું છે કે ઇઝરાયલ પર કરવામાં આવેલો આ હુમલો લાંબા અંતર સુધી ત્રાટકતી મિસાઇલોથી કરવામાં આવ્યો છે.

ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- 'ઘણાં લક્ષ્યોને નિશાન બનાવવાનાં બાકી છે'

ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.

આ સંબોધનમાં તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇઝરાયલી સેનાનો આભાર માન્યો હતો.

આ સાથે, ટ્રમ્પે કહ્યું કે 'ઘણાં લક્ષ્યોને હજુ સુધી નિશાન બનાવવાના બાકી છે.'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હવે ઈરાને શાંતિનો માર્ગ પસંદ કરવો જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો ભવિષ્યમાં વધુ હુમલાઓ થશે."

ઈરાનનાં પરમાણુ સ્થળો વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "લોકો વર્ષોથી આ સ્થળોનાં નામ સાંભળતા આવ્યા છે કારણ કે ત્યાં એક ખતરનાક અને વિનાશક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી."

તેમણે વધુમાં કહ્યું, "હું દુનિયાને કહેવા માંગુ છું કે આજ રાતના હુમલાઓ સંપૂર્ણપણે સફળ રહ્યા છે."

ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, "કાં તો હવે શાંતિ થશે, નહીંતર છેલ્લા આઠ દિવસમાં આપણે જે કંઈ જોયું છે તેના કરતાં ઘણી મોટી ત્રાસદી ઈરાનમાં સર્જાશે"

પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પર ઈરાને શું કહ્યું?

ઈરાને ફોર્દો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની પુષ્ટિ કરી છે.

કોમ પ્રાંતના આપત્તિ વ્યવસ્થાપનના પ્રવક્તા મોર્તેઝા હૈદરીએ તસ્નીમ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "ફોર્દો પરમાણુ સ્થળના એક ભાગ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો."

દરમિયાન, ઇસ્ફહાનના ડેપ્યુટી ગવર્નર અકબર સાલેહીએ જણાવ્યું હતું કે, "નાતાન્ઝ અને ઇસ્ફહાન નજીક અનેક વિસ્ફોટો સંભળાયા હતા. અમે નતાન્ઝ અને ઇસ્ફહાનમાં પરમાણુ સ્થળો નજીક હુમલા જોયા છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં ત્રણ પરમાણુ સ્થળો, ફોર્દો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલાની જાહેરાત કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર આ હુમલાઓ વિશે માહિતી આપી હતી.

ઇઝરાયલે ઈરાન પરના આ અમેરિકન હુમલાઓ અંગે પોતાના સહયોગની પુષ્ટિ કરી છે.

ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલામાં સંપૂર્ણ સહયોગ આપ્યાનો ઇઝરાયલનો દાવો

અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. ઇઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં તેનો સંપૂર્ણ સહયોગ છે.

રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ઇઝરાયલી અધિકારીઓએ ઇઝરાયલી પબ્લિક બ્રૉડકાસ્ટર કાનને જણાવ્યું હતું કે તેઓએ ઇરાનનાં પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓમાં એનો પૂરો સહયોગ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર ઈરાનનાં ત્રણ પરમાણુ સ્થળો પર થયેલા હુમલાની માહિતી આપી હતી.

તેમણે લખ્યું, "અમે ફોર્દો, નાતાન્ઝ અને ઇસ્ફહાન સહિત ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર સફળતાપૂર્વક હુમલા કર્યા છે. બધા વિમાનો હવે ઈરાની હવાઈ ક્ષેત્રની બહાર છે."

ટ્રમ્પે આગળ લખ્યું કે ફોર્દો પર 'બધા બૉમ્બ' ફેંકી દેવામાં આવ્યા છે અને બધા વિમાનો સુરક્ષિત રીતે અમેરિકા પરત ફરી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન