ઈરાન પર હુમલો કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કેટલું મોટું જોખમ લીધું છે?

    • લેેખક, ઍન્થની ઝર્ચર
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તર અમેરિકા

આ વર્ષે જાન્યુઆરીમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને 'શાંતિ નિર્માતા' ગણાવીને સત્તામાં પાછા ફર્યા. પરંતુ હવે તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જટિલ સંઘર્ષમાં અમેરિકાને સામેલ કરવાનું પગલું ભર્યું છે.

ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી મધ્ય-પૂર્વમાં શાંતિ લાવી શક્યા નથી.

તેઓ હવે એક એવા પ્રદેશનું નેતૃત્વ કરી રહ્યા છે જે એક મોટા યુદ્ધની અણી પર છે જેમાં અમેરિકા સક્રિય રીતે ભાગીદાર બની રહ્યું છે.

ઈરાન પર અમેરિકાના હુમલાના બે કલાક પછી, તેમણે વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં, ટ્રમ્પે આ કાર્યવાહીને 'મહાન સફળતા' ગણાવી.

તેમણે આશા વ્યક્ત કરી કે તેમનાં આ પગલાંથી કાયમી શાંતિનો માર્ગ ખુલશે અને ઈરાનના પરમાણુ શક્તિ ધરાવતા દેશ બનવાની શક્યતા નહીં રહે.

''હજુ ઘણાં લક્ષ્યો બાકી છે''

અમેરિકાના હુમલાને લઈને ઈરાને કહ્યું છે કે તેના ફોર્ડો પરમાણુ સ્થળને માત્ર નજીવું નુકસાન થયું છે. હવે આવનારો સમય જ કહેશે કે કોણ સાચું છે.

ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથ સાથે ઊભા રહીને ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે તેના પરમાણુ કાર્યક્રમને રદ નહીં કરે તો ભવિષ્યમાં હુમલાઓ 'ઘણા વિનાશક' હશે.

ટ્રમ્પે કહ્યું કે 'હજુ ઘણાં લક્ષ્યો બાકી છે' અને અમેરિકા વધુ 'ઝડપ, ચોકસાઈ અને કુશળતા' સાથે તેના પર હુમલો કરશે.

રાષ્ટ્રપતિના વિશ્વાસ છતાં, ઈરાનમાં સતત યુએસ લશ્કરી હસ્તક્ષેપ અમેરિકા, મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વ માટે સૌથી ખતરનાક પરિસ્થિતિ પેદા કરી શકે છે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે જો સંઘર્ષ વધશે તો અમેરિકાના નિર્ણયથી 'અરાજકતાનો ક્રમ' શરૂ થઈ શકે છે, કારણ કે મધ્ય-પૂર્વ પહેલેથી જ 'તણાવની સ્થિતિ' માં છે.

જો ઈરાન બદલો લેશે, તો અમેરિકાએ પણ જવાબ આપવો પડી શકે છે. ઈરાનના સુપ્રીમ નેતા જેમ કે આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ચેતવણી તો આપી જ છે.

'બે અઠવાડિયા'ની સમયમર્યાદા એ ટ્રમ્પની છેતરપિંડી?

આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પના નિવેદન કે ઈરાને 'બિનશરતી' શરણાગતિ સ્વીકારવી પડશે, તેને એવી સ્થિતિમાં મૂકી દીધા જ્યાં તેમના માટે પીછેહઠ કરવી મુશ્કેલ બની ગઈ. ઈરાનના કિસ્સામાં પણ આવી જ સ્થિતિ હતી.

આ રીતે જ યુદ્ધો શરૂ થાય છે, અને આ રીતે તેઓ સામેલ લોકોની વિચારધારાથી વધી શકે છે.

ગુરુવારે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને બે અઠવાડિયાની સમયમર્યાદા આપી હતી પરંતુ તે અપેક્ષા કરતાં ઘણી ઓછી નીકળી. માત્ર બે દિવસ પછી જ હુમલો થયો.

શનિવારે, સ્થાનિક સમય મુજબ, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે પગલાં લીધાં છે.

શું 'બે અઠવાડિયાની સમયમર્યાદા' એક છેતરપિંડી હતી? શું આ અઠવાડિયે ઈરાનને સુરક્ષાની ખોટી ભાવનામાં ફસાવવાનો પ્રયાસ હતો? કે પછી ટ્રમ્પ દ્વારા શાંતિ માટે પસંદ કરાયેલા સ્ટીવ વિટકૉફની આગેવાની હેઠળની પડદા પાછળની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે?

હુમલા પછી તરત જ વધુ માહિતી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રાષ્ટ્રને સંબોધનમાં શાંતિનો માર્ગ ખોલવાનો પ્રયાસ કર્યો.

જોકે, આ દૃષ્ટિકોણ વધુ પડતો આશાવાદી લાગી શકે છે. ઇઝરાયલે ઈરાનની લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ આયાતુલ્લાહ પાસે હજુ પણ શસ્ત્રો છે. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી શકે છે.

હવે રાહ જોવાનો સમય છે. ઈરાન તેનાં ત્રણ ઠેકાણાંઓ પરના હુમલાઓનો કેવી રીતે જવાબ આપશે? આ ઠેકાણાંઓમાં ફોર્ડો પણ સામેલ છે, જે તેના પરમાણુ કાર્યક્રમનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

ટ્રમ્પને આશા છે કે અમેરિકાના હુમલાઓ ઈરાન વાટાઘાટો માટે તૈયાર થશે, પણ જે દેશ ઇઝરાયલી હુમલાઓનો સામનો કરતી વખતે વાટાઘાટો કરવા તૈયાર ન હતો એ દેશ અમેરિકન બૉમ્બમારા પછી વાટાઘાટો કરવા તૈયાર થાય કે કેમ એ મોટો સવાલ છે.

ટ્રમ્પ અમેરિકાના હુમલાને એક વખતના સફળ હુમલા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એ જાણવામાં સમય લાગશે કે અમેરિકા ખરેખર ઈરાનની ભારે સુરક્ષાવાળી પરમાણુ રિસર્ચ સુવિધાઓનો નાશ કરવામાં સફળ થયું છે કે નહીં?

જો આમ નહીં થાય, તો ફરીથી હુમલો કરવાનું દબાણ વધશે અથવા રાષ્ટ્રપતિએ નાના લશ્કરી લાભ માટે મોટું રાજકીય જોખમ લેવું પડશે.

અમેરિકન રાજકારણ પર શું પ્રભાવ પડશે?

આ જોખમમાં સ્થાનિક રાજકીય ચિંતાઓ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પ્રશ્નોનો સમાવેશ થાય છે.

ઈરાન પર અમેરિકાના હુમલાને લઈને ડેમૉક્રેટ્સ તેમજ ટ્રમ્પની પોતાની 'અમેરિકા ફર્સ્ટ' વિચારધારાના નજીકના લોકોમાં પણ આલોચનાનો તીખો સૂર ઉઠ્યો હતો.

રાષ્ટ્રપતિનો તેમના ત્રણ નજીકના સલાહકારો સાથે રાષ્ટ્રને સંબોધન કરવાનો અસામાન્ય નિર્ણય કદાચ પક્ષની અંદર એકતા દર્શાવવાનો પ્રયાસ હોઈ શકે છે.

ખાસ કરીને, વેંસે ખુલ્લેઆમ સંયમિત યુએસ વિદેશ નીતિને ટેકો આપ્યો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર દલીલ કરી છે કે ટ્રમ્પ હજુ પણ એક બિન-હસ્તક્ષેપવાદી નેતા છે.

જો આ હુમલો એક વખતનો હુમલો હોત, તો ટ્રમ્પ તેમના સમર્થકોની નારાજગીને દૂર કરી શકે. પરંતુ જો અમેરિકા મોટા સંઘર્ષમાં જોડાય છે, તો "શાંતિ નિર્માતા"ની છબિ ઊભી કરતા રાષ્ટ્રપતિને તેમના પોતાના જ લોકો તરફથી વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે.

શનિવારનો હુમલો એવા રાષ્ટ્રપતિએ ભરેલું આક્રમક પગલું હતું કે જેમણે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન કોઈ નવાં યુદ્ધો શરૂ ન કરવાનો ગર્વ અનુભવ્યો હતો. તેઓ એ જ છે જેમણે ગયા વર્ષે અમેરિકાને વિદેશી યુદ્ધોમાં જોડવા બદલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ સામે પ્રચાર કર્યો હતો.

ટ્રમ્પે હવે આ પ્રકારનું પોતાનું પગલું ભર્યું છે. પરંતુ તે તેમને ભવિષ્યમાં કયા માર્ગે લઈ જઈ શકે છે તેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન