You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનનાં પરમાણુ સ્થળે હુમલા બાદ ટ્રમ્પે કહ્યું - 'ઈરાન શાંતિ રાખે, નહીં તો ભવિષ્યમાં વધુ હુમલા થશે'
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સામસામે હુમલા ચાલુ છે અને સંઘર્ષ વધી રહ્યો છે. એમાં હવે અમેરિકાએ પણ ઈરાન પર હુમલા કર્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા પૂર્ણ કરી લીધા છે. આ હુમલાઓ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન ખાતે થયા છે.
તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમે ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન સહિત ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર સફળતાપૂર્વક હુમલા કર્યા છે. બધાં વિમાનો હવે ઈરાની હવાઈ ક્ષેત્રની બહાર છે."
ટ્રમ્પે આગળ લખ્યું કે ફોર્ડો પર 'બધા બૉમ્બ' ફેંકી દેવામાં આવ્યા છે અને બધાં વિમાનો સુરક્ષિત રીતે અમેરિકા પરત ફરી રહ્યાં છે.
અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'ચેતવણી' પણ આપી છે.
ટ્રમ્પે એમ પણ લખ્યું, 'આપણા મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન. દુનિયામાં બીજી કોઈ સેના નથી જે આ કરી શકી હોત. હવે શાંતિનો સમય છે.'
અમેરિકાના હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું વારંવાર કહીએ છીએ કે 'શક્તિ દ્વારા શાંતિ.' પહેલા શક્તિ આવે છે અને પછી શાંતિ આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેતન્યાહૂએ કહ્યું, "આજે રાત્રે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુનાઇટેડ સ્ટેટ્સે ખૂબ જ બળથી કામ કર્યું છે."
તો ઈરાને પણ આ મામલે નિવેદન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ધમકી આપી?
ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.
આ સંબોધનમાં તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇઝરાયલી સેનાનો આભાર માન્યો હતો.
આ સાથે ટ્રમ્પે કહ્યું કે 'ઘણાં લક્ષ્યોને હજુ નિશાન બનાવવાનાં બાકી છે.'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હવે ઈરાને શાંતિનો માર્ગ પસંદ કરવો જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો ભવિષ્યમાં વધુ હુમલાઓ થશે."
ઈરાનનાં પરમાણુ સ્થળો વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "લોકો વર્ષોથી આ સ્થળોનાં નામ સાંભળતા આવ્યા છે, કારણ કે ત્યાં એક ખતરનાક અને વિનાશક યોજના તૈયાર કરાઈ રહી હતી."
તેમણે વધુમાં કહ્યું, "હું દુનિયાને કહેવા માગું છું કે આજ રાતના હુમલાઓ સંપૂર્ણપણે સફળ રહ્યા છે."
ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, "કાં તો હવે શાંતિ થશે, નહીંતર છેલ્લા આઠ દિવસમાં આપણે જે કંઈ જોયું છે તેના કરતાં ઘણી મોટી ત્રાસદી ઈરાનમાં સર્જાશે."
અમેરિકાએ ઈરાન પર કેવી રીતે હુમલો કર્યો?
સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, ઇઝરાયલના સરકારી પ્રસારણકાર કેનને એક ઇઝરાયલી અધિકારીએ કહ્યું કે ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલામાં ઇઝરાયલે અમેરિકા સાથે 'સંપૂર્ણ તાલમેલ' રાખ્યો છે.
રૉઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે ઈરાન પરના અમારા હુમલામાં B-2 બૉમ્બર સામેલ છે.
અગાઉ, એવા અહેવાલો સામે આવ્યા હતા કે અમેરિકાએ કથિત રીતે ગુઆમ ટાપુ પર યુએસ બી-2 સ્ટીલ્થ બૉમ્બરો મોકલ્યા છે. આ પછી, એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે અમેરિકા તેનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરી શકે છે.
ઈરાન તરફથી શું કહેવામાં આવ્યું?
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકા પર યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કર્યું, "યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય, યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનનાં શાંતિપૂર્ણ પરમાણુ સ્થાપનો પર હુમલો કરીને યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને એનપીટીનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે."
"આજ સવારની ઘટનાઓ ક્રૂર છે અને તેના લાંબા ગાળાનાં પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્યે આ અત્યંત ભયાવહ, અરાજક અને ગુનાહિત વર્તનથી ચિંતિત રહેવું જોઈએ."
આ સાથે, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ લખ્યું કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સ્વ-બચાવ માટે તેમાં માન્ય કાયદેસર પ્રતિભાવ હેઠળ, ઈરાન પાસે તેની સાર્વભૌમત્વ, તેનાં હિત અને તેના નાગરિકોના રક્ષણ માટે ઉપલબ્ધ તમામ વિકલ્પો છે.
દરમિયાન, ઈરાનની સરકારી ટીવી ચૅનલના ડેપ્યુટી પૉલિટિકલ ડિરેક્ટર હસન અબેદીનીએ સરકારી ટીવી ચૅનલ પર દાવો કર્યો હતો કે ઈરાને પરમાણુ સ્થળો 'પહેલેથી જ ખાલી' કરી દીધાં છે.
તેમણે એમ પણ કહ્યું કે જો ટ્રમ્પ જે કહી રહ્યા છે તે સાચું હોય, તો પણ ઈરાનને 'કોઈ મોટા વિસ્ફોટથી કોઈ નુકસાન થયું નથી, કારણ કે સામગ્રી પહેલાં જ દૂર કરવામાં આવી હતી.'
તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, કોમ પ્રાંતના કટોકટી વ્યવસ્થાપન પ્રવક્તા મોર્તેઝા હૈદરીએ જણાવ્યું હતું કે "ફોર્ડો પરમાણુ કેન્દ્ર વિસ્તારનો એક ભાગ હવાઈ હુમલાથી અસરગ્રસ્ત થયો હતો."
ઈરાનની પરમાણુ એજન્સી AEOIએ ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના "બર્બર હુમલાઓ"ની નિંદા કરી છે.
સંગઠને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની આ મામલે ઉદાસીન વલણ અને તેમાં પણ સંડોવણી" બદલ પણ નિંદા કરી છે.
એઈઓઆઈએ વૈશ્વિક સમુદાયને 'હુમલાની નિંદા કરવા અને ઈરાનના વલણને ટેકો આપવા' અપીલ કરી છે.
ઇસ્ફહાનના ડેપ્યુટી સિક્યૉરિટી ગવર્નર અકબર સાલેહીએ કહ્યું છે કે, "નતાન્ઝ અને ઇસ્ફહાનમાં અનેક વિસ્ફોટો સંભળાયા છે. અમે ઇસ્ફહાન અને નતાન્ઝમાં પરમાણુ સ્થળો નજીક હુમલા જોયા છે."
ઈરાની અધિકારીઓએ ટ્રમ્પે જે ત્રણ સ્થળો પર હુમલો કરવાનો દાવો કર્યો છે તેની પુષ્ટિ પણ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન