ઈરાનની પરમાણુ સાઇટ પર બૉમ્બમારાથી વિશ્વ અને પર્યાવરણને કેવું જોખમ રહેલું છે?

    • લેેખક, રિબેકા મોરેલે, એલિસન ફ્રાન્સિસ તથા વિક્ટૉરિયા ગીલ
    • પદ, બીબીસી ન્યૂઝ સાયન્સ ટીમ

ઈરાનની પરમાણુ સાઇટને ઇઝરાયલ નિશાન બનાવી છે, એમાં પણ ઇઝરાયલે ઈરાનના અંડરગ્રાઉન્ડ યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ્સ પર હુમલા કર્યા છે.

ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સીનું (આઈએઈએ) કહેવું છે કે ઈરાનની નતાન્ઝ સાઇટને ભારે નુકસાન થયું છે.

આ સિવાય ફોર્ડો સાઇટ પહાડોની નીચે આવેલી છે. જમીનના પેટાળમાં ખૂબ ઊંડે સુધી નુકસાન પહોંચાડવા માટે શક્તિશાળી "બંકર બસ્ટર" બૉમ્બની જરૂર પડશે. આ પ્રકારના બૉમ્બ માત્ર અમેરિકા પાસે છે.

ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલાને આઈએઈએએ "ખૂબ જ ચિંતાજનક" ગણાવ્યા છે.

એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે સૈન્ય લડાઈ વકરશે તો "કિર્ણોત્સર્જન (રેડિયૉલૉજિકલ) થશે અને તેની લોકો તથા પર્યાવરણ પર ગંભીર અસર થશે."

ચોક્કસ પ્રકારનું યુરેનિયમ (આઇસોટોપ) મેળવવા માટે ન્યુક્લિયર સંવર્ધન કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવે છે.

યુકે નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી તથા યુનિવર્સિટી ઑફ સુરેના પ્રોફેસર પેડ્ડી રિગનના કહેવા પ્રમાણે, "યુરેનિયમનું ઉત્ખનન કરવામાં આવે ત્યારે તે બે સ્વરૂપમાં મળે છે : 99.3 % યુરેનિયમ-238 છે – અને 0.7 % કે લગભગ 150માંથી એક અણુ હોય તેવું યુરેનિયમ-235. એટલે ન્યુક્લિયર રિઍક્ટરની જરૂર પડે છે."

સામાન્ય ભાષામાં કહીએ તો યુરેનિયમ-235નું પ્રમાણ વધારવાની પ્રક્રિયા એટલે પરમાણુ સંવર્ધન.

પ્રો. રિગનના કહેવા પ્રમાણે, આને માટે યુરેનિયમને વાયુ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને તેમને સેન્ટ્રીફ્યૂજ તરીકે ઓળખાતા મશીનોમાં ઘુમાવવામાં આવે છે.

યુરેનિયમ-235 કરતાં યુરેનિયમ-238 ભારે હોય છે, આથી જ્યારે તેમને ફેરવવામાં આવે છે, ત્યારે બંને અલગ થઈ જાય છે. આ પ્રક્રિયાને વારંવાર કરવામાં આવે છે, જેથી કરીને યુરેનિયમની ગુણવત્તા સુધરતી જાય છે.

ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં સામાન્ય રીતે 3-5 % શુદ્ધતાવાળા સંવર્ધિત યુરેનિયમની જરૂર પડે છે, જેનાથી નિયંત્રિત રીતે ન્યુક્લિયર રિઍક્શન થાય છે અને ઊર્જા મુક્ત થાય છે.

જો અણુ હથિયાર બનાવવું હોય તો યુરેનિયમ-235નું 90 ટકા કે એથી વધુ પ્રમાણ હોય તે જરૂરી છે.

યુરેનિયમ જેટલું સમૃદ્ધ હશે, એટલો મોટો ઊર્જાનો ધડાકો થશે. આ ઊર્જા અણુઓના વિઘટનથી ઉત્પન્ન થાય છે.

આઈએઈએનું કહેવું છે કે ઈરાને 60 % શુદ્ધ યુરેનિયમ તૈયાર કરી લીધું હતું અને તે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી હોય એટલું સંકેન્દ્રિત યુરેનિયમ બનાવવા તરફ આગળ વધી રહ્યું હતું.

ફુખુશિમા કે ચર્નોબિલના ન્યુક્લિયર પ્લાન્ટમાં જે પ્રકારની દુર્ઘટના થઈ હતી, એવા પ્રકારની "પરમાણુ દુર્ઘટના" યોગ્ય રીતે સંગ્રહિત અને સંવર્ધિત યુરેનિયમ પર રૉકેટનો મારો કરવાથી નહીં થાય.

પૉર્ટ્સમાઉથ યુનિવર્સિટીના પ્રોફેસર જિમ સ્મિથે ચર્નોબિલ દુર્ઘટના પછી ઊભી થયેલી પરિસ્થિતિ વિશે અભ્યાસ કર્યો છે.

તેમનું કહેવું છે, "સંવર્ધિત ન હોય તેવા યુરેનિયમ કરતાં ખૂબ જ સંકેન્દ્રિત યુરેનિયમ ત્રણ ગણું વધુ રેડિયોઍક્ટિવ હોય છે. આમ છતાં વાસ્તવમાં તુલનાત્મક રીતે જોઈએ તો એમાંથી કોઈ પણ સઘન રીતે રેડિયોઍક્ટિવ નથી. તેનાથી પર્યાવરણમાં પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી નહીં થાય."

પ્રોફેસર જિમ સ્મિથનું કહેવું છે કે ન્યુક્લિયર સંવર્ધન એકમો પર કોઈ પણ પ્રકારનું ન્યુક્લિયર રિઍક્શન નથી થઈ રહ્યું અને બૉમ્બવિસ્ફોટને કારણે તે શરૂ પણ નહીં થાય – ત્યાં જોખમી પ્રકારની 'ફિઝન પ્રોડક્ટ્સ' નહીં હોય.

જોકે, વિસ્ફોટને કારણે યુરેનિયમ સ્થાનિકસ્તરે ફેલાઈ શકે છે.

આઈએઈએનું કહેવું છે કે બૉમ્બમારા બાદ નતાન્ઝ ન્યુક્લિયર સાઇટ ખાતે રેડિયોઍક્ટિવ કિરણોનો ફેલાવો જોવા મળ્યો હતો, પરંતુ બહારના ભાગમાં કોઈ ફેરફાર નહોતો થયો અને તે સામાન્ય હતું.

બ્રિસ્ટૉલ યુનિવર્સિટી ખાતે મિનરૉલૉજી તથા રેડિયોઍક્ટિવ વેસ્ટ મૅનેજમૅન્ટનાં ચૅર પ્રોફેસર ક્લેર કૉર્કહિલનાં કહેવા પ્રમાણે, "યુરેનિયમમાં.... બહુ દૂર સુધી રેડિયેશન ફેલાતું નથી."

તેઓ કહે છે કે જે લોકો ન્યુક્લિયર સાઇટની નજીક રહેતા હોય તેમના આરોગ્ય પર જોખમ ઊભું થવાની શક્યતા રહે છે.

પ્રો. ક્લેર કૉર્કહિલ કહે છે, "માનવ સમુદાય પર ઝેરી અસરની વાત કરીએ તો તમે તેમને શ્વાસમાં કે ખોરાકમાં લેવા નહીં ઇચ્છો."

"યુરેનિયમના કણો તમારા ફેફસાં, કે પેટના કોષોમાં એકઠા થઈ શકે છે અને ધીમેધીમે રેડિયોઍક્ટિવ ગુણધર્મોને કારણે તે તમને નુકસાન પહોંચાડશે."

આ સિવાય રેડિયોઍક્ટિવિટી તથા કેમિકલ સાથે સંપર્કમાં આવવાને કારણે પણ આસપાસના લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓ થઈ શકે છે.

બાનગોર યુનિવર્સિટીમાં ન્યુક્લિયર મટિરિયલ સાયન્ટિસ્ટ પ્રોફેસર સિમન મિડલબર્ઘના કહેવા પ્રમાણે, "જો દુર્ઘટના ઘટી હોય અને સેન્ટ્રીફ્યૂજીસમાં સંગ્રહિત યુરેનિયમ હેક્શાફ્લૉરાઇડ મુક્ત થાય, તો તે ગંભીર કેમિકલ દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે."

"જો યુરેનિયમ હેક્સાફ્લૉરાઇડ હવામાં રહેલા ભેજના સંપર્કમાં આવે તો તે ખૂબ જ ત્રાસદાયક સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે તે ખૂબ-ખૂબ શક્તિશાળી ઍસિડ છે."

"જોકે ખૂબ-ખૂબ જ સ્થાનિક વિસ્તારને બાદ કરતાં બહારના પર્યાવરણ પર વ્યાપક રીતે અસર નહીં થાય."

આઈએઈએનું કહેવું છે કે ઈરાનની ન્યુક્લિયર સંસ્થાઓ અને રેડિયેશનના સ્તર ઉપર ચાંપતી નજર રાખવા માટે ઇનસિડન્ટ ઍન્ડ ઇમરજન્સી સેન્ટર ચોવીસેય કલાક કામ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન