ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ : ભારતીયો માટે ઘરેણાંથી લઈને હવાઈ મુસાફરી સુધી બધું મોંઘું થશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

રશિયા-યુક્રેન યુદ્ધ ત્રણ વર્ષથી ચાલુ છે તેવામાં હવે મિડલ ઈસ્ટના નવા સંઘર્ષના કારણે ક્રૂડ ઑઇલ અને સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.

ઍનર્જીની મોટા ભાગની જરૂરિયાત માટે આયાત પર આધારિત ભારત જેવા અર્થતંત્ર માટે આ ચિંતાનું કારણ છે.

ગયા સપ્તાહે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરતા તરત જ ક્રૂડ ઑઇલનો ભાવ સાત ટકા જેટલો વધી ગયો હતો.

ઑઇલનો ભાવ 76.70 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરી પછી સૌથી ઊંચા સ્તરે હતો.

બીબીસીએ આ વિશે નિષ્ણાતો સાથે વાત કરીને ઑઇલ અને સોનાના ભાવ કઈ દિશામાં જશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ઑઇલના ભાવમાં કેવી સ્થિતિ છે?

કૉમોડિટીના નિષ્ણાતોના કહેવા પ્રમાણે ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ માત્ર પ્રાદેશિક રહેશે, તો ઑઇલના ભાવ બહુ નહીં વધે, પરંતુ ઑઇલના પરિવહન માટે મહત્ત્વના ગણાતા હોર્મુઝના સ્ટ્રેઇટ (સામુદ્રધુની)ને ઈરાન બંધ કરે અથવા અમેરિકા આ સંઘર્ષમાં સામેલ થાય, તો બંને કોમોડિટીમાં ભારે ઉછાળો આવવાની શક્યતા છે.

હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 75 ડૉલર પ્રતિ બૅરલથી ઉપર છે, પરંતુ મિડલ ઇસ્ટનો સંઘર્ષ મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય, તો ઑઇલનો ભાવ 100 ડૉલર સુધી પહોંચી શકે તેવું નિષ્ણાતો માને છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના સિનિયર કૉમોડિટી રિસર્ચ ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ક્રૂડ ઑઇલમાં હાલમાં શૉર્ટ ટર્મમાં રિસ્ક પ્રીમિયમ સર્જાયું છે. પરંતુ ઑઇલના ફંડામેન્ટલ હજુ પણ એટલા બધા મજબૂત નથી. આ વર્ષે પણ ઑઇલની માંગ કરતાં સપ્લાય વધારે રહેશે."

કૉમોડિટી માર્કેટમાં કોઈ પણ ચીજના સપ્લાય વિશે અનિશ્ચિતતા પેદા થાય, ત્યારે તેને જાળવનારા રોકાણકારો એક પ્રીમિયમની અપેક્ષા રાખે છે, જેને 'રિસ્ક પ્રીમિયમ' કહેવામાં આવે છે.

સૌમિલ ગાંધી કહે છે, "ઍનર્જી ઇન્ફર્મેશન ઍડમિનિસ્ટ્રેશન (ઈઆઈએ) અને બીજી સંસ્થાઓએ ઑઇલ સપ્લાય વધવાની આગાહી કરી છે. ઑઇલ ઉત્પાદકોના સંગઠન ઓપેક દ્વારા ઉત્પાદન વધ્યું હોવાથી સપ્લાય રહેશે."

તેઓ કહે છે કે, "ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વૉર અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ઑઇલની ડિમાન્ડ ઓછી રહેશે."

સૌમિલ ગાંધીના કહેવા પ્રમાણે ઑઇલમાં હાલમાં પુરવઠા તરફી તેજી નથી, પરંતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન શું કરે છે તેના પર નજર રહેશે, કારણ કે આ સ્ટ્રેઇટ મારફત મિડલ-ઇસ્ટમાંથી એશિયાનો 70થી 80 ટકા ઑઇલ સપ્લાય થાય છે. જો હોર્મુઝનો જળમાર્ગ બંધ થાય તો ઑઇલના પરિવહનનું ભાડું વધી જશે અને ભાવ વધશે.

અમદાવાદસ્થિત પ્રૂડન્ટ કૉર્પોરેટ ઍડવાઇઝરીના ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ પણ આવો જ મત ધરાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નિહલ શાહે કહ્યું, "2022માં પણ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું, ત્યારે બે મહિના માટે ઑઇલનો ભાવ ઉછળ્યો હતો, ત્યાર પછી ભાવ ઘટી ગયા હતા."

"જો આ સંઘર્ષ ટૂંકા ગાળા માટે હશે અને ક્રૂડના ભાવ 75 ડૉલર આસપાસ રહે, તો ભારતને ફુગાવામાં આંચકો નહીં લાગે, પરંતુ અમેરિકા આ સંઘર્ષમાં જોડાય, તો ક્રૂડ ઑઇલના ભાવ ઊછળી શકે છે."

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષથી ભારત પર કેવી અસર પડશે?

ભારત એ ઑઇલ અને ગોલ્ડ બંનેની સૌથી વધુ આયાત કરતા દેશોમાં સામેલ છે.

સૌમિલ ગાંધીએ કહ્યું, "અત્યાર સુધી ઑઇલના ભાવ નીચા હોવાથી વ્યાપાર ખાધ ઘટી હતી અને રૂપિયાને ટેકો મળ્યો હતો. હવે ક્રૂડ ઊંચા લેવલ પર રહે તો રૂપિયાને અસર થઈ શકે છે."

તેમણે કહ્યું કે, "ઑઇલ માટે વધુ ડૉલર ખર્ચવા પડે તો ભારતની ટ્રેડ ડેફિસિટ (વ્યાપાર ખાધ) અને ઇનપુટ કૉસ્ટ વધી જશે."

જોકે, ઑઇલની ખરીદીમાં ભારત હવે કોઈ એક પ્રદેશ કે દેશ પર આધારિત નથી.

ગાંધી કહે છે, "એક સમયે ભારતની ક્રૂડ ઑઇલની આયાતમાં ઈરાનનો મોટો હિસ્સો હતો, પરંતુ હવે બે-ત્રણ વર્ષથી રશિયા પાસેથી વધારે ઑઇલની ખરીદી કરવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકા પાસેથી પણ ભારત ઑઇલ ખરીદે છે."

રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ માને છે કે મોંઘા ઑઇલના કારણે પેઇન્ટ અને ઉડ્ડયન સેક્ટરની કંપનીઓને ક્રૂડ ઑઇલના ઊંચા ભાવની ખાસ અસર પડી શકે છે. તેના કારણે લાંબો સમય ઑઇલ મોંઘું રહે તો હવાઈ પ્રવાસનો ખર્ચ વધી શકે છે.

તેઓ કહે છે કે, "ક્રૂડ ઑઇલના ભાવ ઓછા હતા, ત્યારે પણ સરકારે પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટાડ્યા ન હતા. હવે ઑઇલ વધ્યું છે, ત્યારે સરકાર ફ્યૂઅલના ભાવ વધારવાનો નિર્ણય લે તેવી શક્યતા ઓછી છે."

ઑઇલના ભાવ અને હોર્મુઝની સામુદ્રધુનીનું મહત્ત્વ

પર્શિયન ગલ્ફ અને ઓમાનના ગલ્ફની વચ્ચે હોર્મુઝ સામુદ્રધુની આવેલી છે જે ઈરાન અને ઓમાનની સમુદ્ર સીમા વચ્ચેનો ભાગ છે. તે એક સાંકડો જળમાર્ગ છે જેની પહોળાઈ અમુક જગ્યાએ માત્ર 33 કિલોમીટર છે.

આ એટલા માટે મહત્ત્વનો માર્ગ છે, કારણ કે દુનિયામાં ઑઇલના કુલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ રસ્તેથી પસાર થાય છે.

સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઑઇલ આ અખાતના માર્ગે જ અન્ય દેશો સુધી પહોંચે છે.

ઈરાન દ્વારા હોર્મુઝનો અખાત બંધ કરવામાં આવે તો વૈશ્વિક ઑઇલ સપ્લાયમાં લગભગ 20 ટકા હિસ્સાને અસર થઈ શકે છે.

જૂનમાં ગ્લોબલ નાણાકીય સંસ્થા જેપી મોર્ગને ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં ક્રૂડ ઑઇલનો ભાવ 120થી 130 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી શકે છે.

ટ્રેડ વૉરના કારણે ઑઇલની માગને પહેલેથી અસર થઈ છે અને સાઉદી અરેબિયાથી લઈને બ્રાઝિલ સહિતના દેશો જરૂર પડે ઉત્પાદન વધારી શકે છે તેથી ભાવને અંકુશમાં રાખવામાં મદદ મળશે.

2022માં યુક્રેન પર રશિયાના હુમલા વખતે ઑઇલનો ભાવ 130 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. તેની તુલનામાં ભાવ ઘણા નીચા છે.

કૅપિટલ ઇકૉનૉમિક્સના અંદાજ પ્રમાણે ઑઇલનો ભાવ વધીને 100 ડૉલર પ્રતિ બૅરલને પાર કરી જાય તો વિકસિત અર્થતંત્રોમાં ફુગાવામાં એક ટકાનો વધારો થવાની શક્યતા છે. તેના કારણે કેન્દ્રીય બૅન્કો વ્યાજના દરમાં ઘટાડો રોકી શકે છે.

આયાતી ઑઇલ પર ભારતની નિર્ભરતા

ભારત હાલમાં અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ઑઇલનો સૌથી વધુ વપરાશ ધરાવતો દેશ છે. પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે યુક્રેન યુદ્ધ અગાઉ રશિયાથી ભારત એક ટકા કરતાં પણ ઓછા ઑઇલની આયાત કરતું હતું, પરંતુ પશ્ચિમી પ્રતિબંધોના કારણે રશિયાએ સસ્તા ભાવે ઑઇલ વેચવાનું શરૂ કર્યું, તેના કારણે ટૂંકા ગાળામાં જ રશિયામાંથી ભારતની આયાત 40 ટકા સુધી પહોંચી ગઈ.

રશિયા પછી ભારત સૌથી વધારે ઑઇલની ખરીદી ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી કરે છે. આ ઉપરાંત કુવૈત, કતાર અને ઓમાનના ઑઇલનું પણ ભારત ગ્રાહક છે. ઈરાનના ઍનર્જી સેક્ટર પર અમેરિકાના પ્રતિબંધો હોવાથી ભારતીય રિફાઈનરીઓ ઈરાનનું ક્રૂડ ખરીદતી નથી.

ઈરાન દૈનિક 3.4 એમએમબીપીડી બૅરલ ક્રૂડ ઑઇલનું ઉત્પાદન કરે છે જેમાંથી દોઢથી બે મિલિયન બૅરલ ઑઇલની નિકાસ કરવામાં આવે છે.

મે મહિનામાં ઑઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશોના જૂથ ઑપેક પ્લસે ઑઇલનું ઉત્પાદન દૈનિક 4.11 લાખ બૅરલ સુધી વધારવાની જાહેરાત કરી હતી. તેથી ઑઇલના ભાવ વધારે પડતા નહીં ઊંચકાય તેવી આશા છે.

ઑપેક પ્લસના મુખ્ય દેશોમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, યુએઈ, કુવૈત, કઝાખસ્તાન, અલ્જિરિયા અને ઓમાન સામેલ છે.

ઑઈલના ભાવની હિલચાલ ભારતને સૌથી વધુ અસર કરે છે કારણ કે ભારત સરકારના પૅટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના એપ્રિલ 2025ના આંકડા પ્રમાણે ભારત પોતાની જરૂરિયાતના 90 ટકા ક્રૂડ ઑઈલની આયાત કરે છે.

સોનાના ભાવમાં કેવી સ્થિતિ છે?

સોનાના ભાવને વૈશ્વિક અનિશ્ચિતતા સાથે સીધો સંબંધ છે. યુદ્ધ અથવા મંદીના માહોલમાં જોખમને પહોંચી વળવા માટે સોનાની ખરીદી વધી જાય છે.

પ્રૂડન્ટ કૉર્પોરેટ ઍડવાઇઝરીના ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ માને છે કે, "હાલની સ્થિતિમાં સોનું વધશે. છેલ્લા એક મહિનામાં સોના અને ચાંદીના ભાવ 10 ટકા વધી ગયા છે."

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનના ડેટા પ્રમાણે 19 જૂને 10 ગ્રામ સોનાનો ભાવ 98800 રૂપિયાથી વધુ હતો. તેમાં જીએસટી ઉમેરતા સોનાનો ભાવ એક લાખ રૂપિયાથી ઉપર પહોંચે છે.

ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ના ડાયરેક્ટર હરેશ આચાર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "જિયોપૉલિટિકલ અનિશ્ચિતતા ચાલુ છે ત્યાં સુધી સોનામાં ચઢાવઉતાર રહેવાનો જ છે અને હજુ પણ ભાવ વધી શકે છે. અમેરિકાનો ડૉલર ઇન્ડેક્સ નબળો હોય ત્યાં સુધી સોનું વધશે. ઈરાન સાથે અમેરિકા કોઈ ડીલ કરે તો સોનું ચોક્કસ સસ્તું થઈ શકે, તેથી બધો આધાર મિડલ ઈસ્ટની સ્થિતિ પર રહેશે. સેન્ટ્રલ બૅન્કોની ખરીદીના કારણે સોનામાં માગ જળવાઈ રહી છે."

નિહલ શાહ કહે છે કે "વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો દ્વારા અત્યારે સોનાની ખરીદી થઈ રહી છે."

"ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ સમાધાન કરાવે તો સોનું ઘટી પણ શકે, પરંતુ અત્યારે સ્થિતિ અનિશ્ચિત છે," તેમ તેમનું માનવું છે.

રૉયટર્સના 19 જૂનના અહેવાલ પ્રમાણે સોનાનો ભાવ વધીને 3371 ડૉલર પ્રતિ ઔંસ ચાલતો હતો.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે 95 ટકા રિઝર્વ મૅનેજરો માને છે કે આગામી 12 મહિના સુધી સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની ખરીદી વધારવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન