ઈરાન, ઇઝરાયલ અને ઑઇલઃ બંને દેશોના ટકરાવ વચ્ચે જો આ જળમાર્ગ બંધ થયો તો તેની આખી દુનિયાને અસર થશે

13 જૂને ઈરાન પર ઇઝરાયલના હુમલા પછી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હોર્મુઝના અખાતનો માર્ગ બંધ થઈ શકે છે.

આ ખાડીનો રૂટ આખી દુનિયામાં ગૅસ અને ઑઇલને સપ્લાય કરવા માટેની રણનીતિની દૃષ્ટિએ મહત્ત્વનો ગણવામાં આવે છે.

આ ખાડી એટલે કે અખાત, એક સાંકડો સમુદ્રી પટ્ટો હોય છે જે બે મોટાં જળક્ષેત્રને, જેમ કે સમુદ્ર અથવા મહાસાગરને એકબીજા સાથે જોડે છે.

હોર્મુઝનો અખાત મધ્ય પૂર્વમાં તેલના ભંડાર ધરાવતા દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સહિત દુનિયાના બીજા દેશો સાથે જોડે છે.

પરંતુ આ વિસ્તાર કેટલાય દાયકાથી ભૂરાજનીતિક તણાવ અને વિવાદોનું કેન્દ્ર પણ રહ્યો છે.

હોર્મુઝના અખાતનું મહત્ત્વ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઇલના ભાવમાં ભારે વધારો થયો હતો.

એશિયન બજારોમાં સોમવારે કારોબાર શરૂ થતા જ બ્રેન્ટ ક્રૂડ ઑઇલનો ભાવ બે ડૉલર કરતાં વધુ એટલે કે 2.8 ટકા વધી ગયો હતો. તેથી તેનો ભાવ વધીને 76.37 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.

અમેરિકન ક્રૂડ ઑઇલનો ભાવ પણ લગભગ બે ડૉલર વધીને 75.01 ડૉલર પ્રતિ બેરલ થયો હતો.

અગાઉ શુક્રવારે ઑઇલના ભાવમાં સાત ટકાનો ઉછાળો આવ્યા પછી સોમવારે પણ ભાવ વધ્યો હતો.

હોર્મુઝનો અખાત ક્યાં આવેલો છે અને કેમ મહત્ત્વનો છે?

પર્સિયન ગલ્ફ અને ઓમાનના ગલ્ફની વચ્ચે હોર્મુઝ સામુદ્રધુની અથવા હોર્મુઝનો અખાત આવેલો છે જે ઈરાન અને ઓમાનની સમુદ્ર સીમા વચ્ચેનો ભાગ છે. તે એક સાંકડો જળમાર્ગ છે જેની પહોળાઈ અમુક જગ્યાએ માત્ર 33 કિલોમીટર છે.

આ એટલા માટે મહત્ત્વનો માર્ગ છે કારણ કે દુનિયામાં ઑઇલના કુલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ રસ્તેથી પસાર થાય છે.

સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઑઇલ આ અખાતના માર્ગે જ અન્ય દેશો સુધી પહોંચે છે.

આ ઉપરાંત દુનિયામાં સૌથી વધુ લિક્વિફાઈડ નૅચરલ ગૅસ (એલએનજી) નિકાસ કરનારો દેશ

કતાર પણ પોતાની નિકાસ માટે આ જળમાર્ગ પર નિર્ભર છે.

વર્ષ 1980થી 1988 સુધી ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન બંને દેશોએ આ જળમાર્ગમાં એક બીજાનો ઑઇલ સપ્લાય અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સંઘર્ષમાં કૉમર્શિયલ ઑઇલ ટેન્કરો પર હુમલા થયા હતા જેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાયને અસર થઈ હતી.

તેના કારણે આ સંઘર્ષને ઇતિહાસમાં 'ટેન્કર વૉર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

હોર્મુઝનો અખાત બંધ થાય તો શું થાય?

ઈરાન દ્વારા હોર્મુઝનો અખાત બંધ કરવામાં આવે તો વૈશ્વિક ઑઇલ સપ્લાયમાં લગભગ 20 ટકા હિસ્સાને અસર થઈ શકે છે.

જૂનમાં ગ્લોબલ નાણાકીય સંસ્થા જેપી મોર્ગને ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં ક્રૂડ ઑઇલનો ભાવ 120થી 130 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

બીબીસી સાથે વાતચીતમાં પ્રોફેસર ડૉ. અકત લેંગરે જણાવ્યું કે માત્ર હોર્મુઝનો અખાત બંધ થવાના ભયથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ પર અસર જોવા મળી છે.

તે મુજબ બજારે પહેલેથી આ જોખમને ધ્યાનમાં રાખીને પ્રતિક્રિયા આપી છે. હોર્મુઝનો સ્ટ્રેટ બંધ થશે તો ઑઇલ સપ્લાય ખોરવાશે અને ભાવ વધશે.

જોકે, ઇઝરાયલી હુમલા પછી ઈરાને સ્પષ્ટ કહી દીધું હતું કે તેના ઑઇલના સપ્લાયને કોઈ અસર નથી થઈ.

ઑઇલ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઑઇલ સ્ટોરેજનાં કેન્દ્રો અથવા રિફાઈનરીઓને નિશાન બનાવવામાં આવી નથી.

પરંતુ વિશ્લેષકો માને છે કે આ સંઘર્ષ વધશે તો ભવિષ્યમાં આ માળખા પર હુમલો શક્ય છે, જેના કારણે વૈશ્વિક ઍનર્જી સપ્લાયને મોટો ફટકો પડી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે જૂના વિવાદો

ભૂતકાળમાં હોર્મુઝનો અખાત એ ઈરાન અને અમેરિકા વચ્ચે વિવાદ અને ટકરાવનું કેન્દ્ર રહ્યું છે.

વર્ષ 1988માં એક અમેરિકન જહાજે ઈરાનના એક પૅસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું જેમાં 290 લોકોનાં મોત થયાં હતાં.

અમેરિકાએ આને એક 'સૈન્ય ભૂલ' ગણાવી હતી. તેણે દાવો કર્યો કે તેની નેવીએ એક પ્રવાસી વિમાનને લડાયક વિમાન માની લીધું હતું.

પરંતુ ઈરાને તેને 'પૂર્વનિયોજિત હુમલો' ગણાવ્યો હતો.

અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે તેનાં યુદ્ધ જહાજો આ ક્ષેત્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે ગોઠવાયેલાં છે, જેને ઈરાનનું નૌકાદળ કદાચ નિશાન બનાવી શકે છે.

2008માં અમેરિકાએ કહ્યું હતું કે ઈરાનનાં જહાજોએ ત્રણ અમેરિકન યુદ્ધ જહાજ નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

તેના જવાબમાં ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સના તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ અલજાફરીએ ચેતવણી આપી હતી કે તેની નૌકાઓ પર હુમલો થશે, તો તેઓ અમેરિકન જહાજો પર કબજો કરી લેશે.

2010માં આ અખાતમાં એક જાપાની ઑઇલ ટેન્કર પર હુમલો થયો હતો, જેની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા એક જૂથે લીધી હતી.

2012માં અમેરિકા અને યુરોપે ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા, ત્યારે ઈરાને હોર્મુઝનો અખાત બંધ કરવાની ધમકી આપી હતી.

ઈરાનનો આરોપ હતો કે આ પ્રતિબંધો તેને ઑઇલની નિકાસમાંથી મળતી વિદેશી કરન્સીની આવકથી વંચિત રાખવાનો પ્રયાસ છે.

વર્ષ 2018માં જ્યારે અમેરિકાએ ઈરાનના ઑઇલ સપ્લાયને 'શૂન્ય' કરવાની નીતિ અપનાવી, ત્યારે ઈરાનના તે વખતના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સંકેત આપ્યો હતો કે ઈરાન આ અખાતમાંથી પસાર થતા ઑઇલના સપ્લાયને અસર કરી શકે છે.

ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સના એક ક્માન્ડરે પણ ચેતવણી આપી હતી કે ઈરાની ઑઇલની નિકાસને અટકાવવામાં આવશે, તો તેઓ હોર્મુઝના અખાતમાં ઑઇલના ટ્રાફિકને સંપૂર્ણપણે અટકાવી દેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન