ઈરાનમાં ભયનો માહોલ, પેટ્રોલપંપ-રૅશનની દુકાનો પર લાગી લાંબી લાઇનો, ઇઝરાયલના હુમલા પછી ઈરાનીઓ શું કહી રહ્યા છે?

ઇઝરાયલે ઇરાનના પરમાણુ કાર્યક્રમને લક્ષ્ય બનાવીને અનેક સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે.

ઈરાને પણ જવાબમાં કાર્યવાહી કરી છે. ત્યારથી, બંને દેશો તરફથી એકબીજા પર હુમલા ચાલુ છે.

સોમવારે, ઇઝરાયલે દાવો કર્યો હતો કે ઇરાનના હુમલામાં અત્યાર સુધીમાં 19 લોકો માર્યા ગયા છે. દરમિયાન, ઇરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં 224 લોકો માર્યા ગયા છે.

તહેરાનના લોકો હાલની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે મૂંઝવણમાં છે.

બીબીસી સાથે વાત કરનારા મોટાભાગના લોકોએ ઈરાનની પરિસ્થિતિને અત્યંત મુશ્કેલ ગણાવી.

'બે રાતથી ઊંઘી શકી નથી'

એક મહિલાએ બીબીસીને જણાવ્યું કે તે બે રાતથી ઊંઘી શકી નથી. તેણીએ કહ્યું: "હું ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું."

હાલની પરિસ્થિતિ આ મહિલાને 1980 ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધની પરિસ્થિતિની યાદને તાજી કરે છે જ્યારે તેમની બાલ્યાવસ્થા હતી અને તેઓ બૉમ્બમારા વચ્ચે આશ્રયસ્થાનોમાં છુપાયેલાં રહ્યાં હતાં.

"ફરક એ છે કે પહેલાં, જ્યારે કોઈ હુમલો થતો હતો, ત્યારે આપણે હવાઈ હુમલાની સાયરન અથવા ઓછામાં ઓછી કોઈ ચેતવણી સાંભળતાં હતાં. પરંતુ હવે, આ બૉમ્બ ધડાકા કે હુમલા દરમિયાન, કોઈ સાયરન, કોઈ ચેતવણી આપવામાં આવતી નથી. એવું લાગે છે કે તેમને હવે આપણા જીવનની કોઈને ચિંતા જ નથી," તેમણે કહ્યું.

બીબીસી ન્યૂઝ પર્શિયનના ગોનચેહ હબીબિયાઝાદ કહે છે કે 1980ના યુદ્ધ પછી જન્મેલા યુવાનોને યુદ્ધની પરિસ્થિતિમાં જીવવાનો કોઈ અનુભવ જ નથી.

પેટ્રોલપંપની બહાર લાંબી કતાર

તેહરાનના એક રહેવાસીએ બીબીસીને કહ્યું, "દરેક પંપની બહાર લાંબી કતારો હોવાથી મારે ઘરેથી પેટ્રોલપંપ શોધવા માટે લાંબી મજલ કાપવી પડી."

શહેરના કેટલાક લોકો ઈરાની અધિકારીઓ જ્યાં રહે છે ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી સંવાદદાતાઓ કહે છે કે ઇન્ટરનેટ ક્યારેક કામ કરે છે અને ક્યારેક સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે, જેના કારણે લોકો સાથે સંપર્કમાં રહેવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

ઈરાનની બહાર રહેતા ઘણા લોકો તેમના પરિવારોને સંદેશા મોકલી રહ્યા છે.

તહેરાનમાં એક મહિલાએ કહ્યું કે તે શહેર છોડવાનું વિચારી રહી છે.

તેમણે કહ્યું, "આપણે બધાં નાનાં શહેરો કે ગામડાઓમાં જવા માંગતાં હતાં જ્યાં આપણે જઈ શકીએ, પરંતુ આપણા ઘણા સંબંધીઓ છે જેમને આપણે પાછળ છોડી શકતાં નથી."

તેમણે કહ્યું, "અમને દુ:ખ છે કે આપણા દેશના નેતાઓ આપણી ચિંતા કરતા નથી. આ ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક સમય છે."

તહેરાનના બીજા એક રહેવાસીએ કહ્યું, "હું શહેર છોડી શકતો નથી. હું મારા વૃદ્ધ માતા-પિતાને છોડી શકતો નથી. તેઓ લાંબા અંતરની મુસાફરી કરી શકતા નથી. ઉપરાંત, મારે એક કામ કરવાનું છે. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, મારે શું કરવું જોઈએ?"

ઈરાનમાં કેટલાક લોકોને ઇઝરાયલી સૈન્ય દ્વારા લશ્કરી થાણા નજીકના વિસ્તારો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

તહેરાનમાં, લોકો લશ્કરી થાણા ક્યાં છે અને તે કેટલા સુરક્ષિત છે તે અંગે સૌથી વધુ ચિંતિત છે.

તહેરાનના એક રહેવાસીએ કહ્યું: "હા, કમનસીબે મેં આ ચેતવણીઓ જોઈ છે. પણ આપણને કેવી રીતે ખબર પડશે કે લશ્કરી થાણું ક્યાં છે અને ક્યાં નથી?"

વધુમાં, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાના એક દિવસ પછી ઈરાનના લોકોને સંદેશમાં "શાસનને ઉથલાવી નાખવા" હાકલ કરી હતી.

બીબીસી ન્યૂઝ પર્શિયનના દર્યુશ કરીમી કહે છે કે નેતન્યાહૂના આહ્વાનની જમીન પર કોઈ અસર પડશે તેના બહુ ઓછા પુરાવા છે.

ઈરાન સરકારનું શું કહેવું છે?

બીબીસી ન્યૂઝ ફારસીના પૌયાન કલાણીનું કહેવું છે કે ઈરાનમાં લોકોને સૌથી વધારે આઘાત રહેણાંક વિસ્તારમાં થયેલા હુમલાનો લાગ્યો છે. સરકારી અધિકારીઓ કે લોકો માટે આ પ્રકારનો હુમલો બિલકુલ અપેક્ષિત ન હતો.

કાટમાળ નીચે દબાયેલા એક મૃત બાળકની તસવીર, રસ્તા પર ધૂળથી મેલું થઈ ગયેલું એક ટેડી-બિઅર, જમીન પર વિખરાયેલી સ્કેચ બુક- આ પ્રકારનાં દૃશ્યો ઈરાન-ઇરાક યુદ્ધ બાદ લોકોએ જોયાં ન હતાં. રાજધાનીના રસ્તાઓ પર તો બિલકુલ નહીં.

તહેરાન પર આ પ્રકારના હુમલા પછી, ઘણા લોકો પૂછી રહ્યા છે કે ઈરાનમાં ખરેખર એવું શું થઈ રહ્યું હતું જેના કારણે આવા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે?

લોકો તેમના પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખવા માગે છે.

ઈરાની અધિકારીઓ એ સમજાવવામાં નિષ્ફળ ગયા છે કે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી આટલી બિનઅસરકારક કેમ નિવડી છે.

શુક્રવારે સવારે ઇઝરાયલના પહેલા હુમલાના ઘણા કલાકો પછી પણ સરકારે આ બાબતે કોઈ જાહેર માહિતી કે સ્પષ્ટતા જાહેર કરી નથી.

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે શું ઈરાન ખરેખર યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?

સરકારી ટેલિવિઝન પર અધિકારીઓએ સ્થિતિ ગંભીર હોવાનું સ્વીકાર્યું છે પણ આ સાથે એ પણ સ્વીકાર્યુ છે કે પરિસ્થતિ હાલ તેમના કંટ્રોલમાં છે.

જોકે, ઇઝરાયલી વિમાનો તેહરાન અને અન્ય શહેરો પર કોઈ અવરોધ વિના કેવી રીતે હુમલો કરી શક્યા એ સમજાવવામાં અધિકારીઓ નિષ્ફળ ગયા છે.

શુક્રવારે બપોરે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું એક નિવેદન પ્રસારિત થયું હતું. જેમાં એમણે બદલો લેવાની હાકલ કરી છે.

ખામેનેઈની ઇઝરાયલને ચેતવણી

તેમના વીડિયો સંદેશમાં, આયાતુલ્લાહ અલી ખામેનેઈએ જાહેર કર્યું કે "સશસ્ત્ર દળો સંપૂર્ણ તાકાતથી કાર્યવાહી કરશે અને દુશ્મનને ઘૂંટણિયે પાડી દેશે."

સાંજ સુધીમાં, ઇઝરાયલના તેલ અવીવ પર ઇરાની બૅલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. ઈરાનનાં સરકારી મીડિયાએ હુમલાનાં ફૂટેજ પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે. વિશ્લેષકો સાથેની ચર્ચા દરમિયાન આ ફૂટેજ બતાવવામાં આવ્યાં હતાં.

સરકારી ચૅનલે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની મિસાઈલોથી ઇઝરાયલની સુરક્ષા વ્યવસ્થા પર અસર પડી છે.

ઇરાને તો તેલ અવીવમાં હવાઈ હુમલાના સાયરન વાગવાને પણ ભયના પ્રતીક તરીકે રજૂ કર્યું છે.

આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે ઇઝરાયલ નાતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન ખાતેનાં ઇરાની એરબેઝ અને પરમાણુ સ્થાપનો પર હુમલો કરી રહ્યું હતું.

શનિવાર સવાર સુધીમાં, ઇઝરાયલી ડ્રૉન તહેરાનના આકાશ પર મંડરાતાં હતાં.

કદાચ તહેરાન છોડવાની તૈયારીમાં કેટલાક લોકોએ પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લગાવી દીધી તો ઘણા લોકોએ રાશન અને ઇંધણનો સંગ્રહ શરૂ કરી દીધો છે.

કેટલાક કલાકો પછી, ઈરાનના ગૃહમંત્રીએ સરકારી મીડિયા પર જનતાને સંબોધિત કરતાં કહ્યું, "શાંત રહો, ચિંતા કરશો નહીં, ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરો અને બિનજરૂરી મુસાફરી ટાળો."

આ નિવેદનોને સંભવિત અસ્થિરતાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યાં હતાં.

સરકારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) ના ઘણા વરિષ્ઠ કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોનાં મૃત્યુની જાહેરાત કરી હતી.

જોકે, લશ્કરી અને પરમાણુ સ્થાપનો પરના હુમલાઓ વિશે વધુ માહિતી શૅર કરવામાં આવી ન હતી.

તેના બદલે, સમાચાર એજન્સીઓએ અધિકારીઓ, ધાર્મિક સંગઠનો અને વિવિધ સંસ્થાઓના નિવેદનો શૅર કર્યાં, જે બધાએ સર્વોચ્ચ નેતા પાસેથી "કઠોર બદલો" લેવાની માંગ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન