You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનનાં અણુ અને સૈન્યમથકો પર ઇઝરાયલનો હુમલો : ટ્રમ્પે આપ્યું અલ્ટિમેટમ, મોદી-નેતન્યાહૂની વાતચીત, અત્યાર સુધી શું શું થયું?
ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલે કાત્ઝે આની પુષ્ટિ કરી છે.
જવાબી હુમલાની આશંકા જોતા ઇઝરાયલે કટોકટી લાદી દીધી છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ 100 ડ્રોન ઇઝરાયલ તરફ છોડ્યાં છે તેમ ઇઝરાયલી સેનાનું કહેવું છે.
કટોકટીની જાહેરાત કરતા કાત્ઝે કહ્યું કે, "ઈરાન પર ઇઝરાયલના હુમલા બાદ અમારા લોકો પર મિસાઇલ કે પછી ડ્રોન હુમલાની આશંકા છે. એવામાં જરૂરી ક્ષેત્રોને બાદ કરતા શૈક્ષણિક ગતિવિધિઓ, સમારંભો અને કાર્યસ્થળો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે."
ઇઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે અનેક હુમલા કર્યા છે. આ હુમલા "ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને અન્ય સૈન્યઠેકાણાં પર છે."
અમેરિકામાં બીબીસી સહયોગી સીબીએસે જણાવ્યું કે અમેરિકન અધિકારીઓને ઈરાન પર હુમલાની જાણકારી હતી. એટલા માટે અમેરિકાએ કેટલાક વિસ્તારોમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા હતા. અમેરિકાને એ વાતની શંકા હતી કે ઈરાન અમેરિકાના ઇરાકમાં આવેલાં ઠેકાણાં પર જવાબી કાર્યવાહી કરી શકે છે.
ટ્રમ્પે આપ્યું અલ્ટિમેટમ
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવની અસર આંતરાષ્ટ્રીય સ્તર પર થઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ઇઝરાયલી હુમલા અંગે સોશિયલ પર સતત પોસ્ટ કરી રહ્યા છે.
તેમની તાજેતરની પોસ્ટમાં, તેમણે કહ્યું છે કે ઈરાન પાસે હજુ પણ પરમાણુ કરાર પર પહોંચવાની 'બીજી તક' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "બે મહિના પહેલા મેં ઈરાનને 'ડીલ' કરવા માટે 60 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. એમણે એ કરી લેવા જેવો હતો. આજે 61મો દિવસ છે. મેં તેમને શું કરવું તે કહ્યું, પરંતુ તેઓ તે કરી શક્યા નહીં. હવે તેમની પાસે કદાચ બીજી તક છે."
રવિવારે ઓમાનમાં અમેરિકા ને ઇરાન વચ્ચે છઠ્ઠા તબક્કામાં પરમાણુ કરાર પરની વાટાઘાટો થવા જઈ રહી છે.
અગાઉ, ઈરાને અમેરિકા પર ઇઝરાયલના હુમલાઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો, જેનો અમેરિકાએ ઇનકાર કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે શું કહ્યું?
આ મામલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવના અહેવાલો અંગે 'ચિંતિત' છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ફોન કર્યો હતો.
વડા પ્રધાને ટ્વિટર પર પોસ્ટ કર્યું : "ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મને ફોન પર તાજેતરના ઘટનાક્રમ અંગે જાણકારી આપી. મેં આ મુદ્દા પર ભારતની ચિંતાઓ તેમને જણાવી અને પ્રદેશમાં વહેલી તકે શાંતિ અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો."
અગાઉ, ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું : "વડા પ્રધાન નેતન્યાહૂએ ગઈકાલ રાતથી વિશ્વના ઘણા મુખ્ય નેતાઓ સાથે વાત કરી છે અને તેમને મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. તેમાં જર્મન ચાન્સેલર, ભારતીય વડા પ્રધાન અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. તેઓ ટૂંક સમયમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ, રશિયન પ્રમુખ પુતિન અને બ્રિટિશ વડા પ્રધાન સાથે વાત કરશે."
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે શુક્રવારે ઇરાનમાં અલગ અલગ સ્થળોએ હુમલા કર્યા અને કહ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું કેન્દ્ર તેનું લક્ષ્ય હતું.
ઈરાન તરફથી તાત્કાલિક બદલો લેવાના હુમલાની આશંકા વચ્ચે ઇઝરાયલે સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
ઈરાની સરકારી સમાચાર એજન્સી નૂર ન્યૂઝ અનુસાર, તેહરાનના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા છે. બીબીસી સંવાદદાતાઓએ પણ તેહરાનમાં લોકો પાસેથી વિસ્ફોટની પુષ્ટિ કરી છે.
નાતાંઝ પરમાણુ કેન્દ્ર નિશાના પર
જેરુસલેમથી બીબીસી સંવાદદાતા ટૉમ બેનેટના અહેવાલ મુજબ, ગઈકાલે રાત્રે શરૂ થયેલા ઈરાન પરના હુમલાઓ ચાલુ છે.
ઇઝરાયલે આ લશ્કરી હુમલાને 'ઑપરેશન રાઇઝિંગ લાયન' નામ આપ્યું છે અને છેલ્લા કેટલાક કલાકોમાં ઈરાનની અંદર ઘણી જગ્યાએ હુમલાના અહેવાલો આવ્યા છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલી ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાનના ઉત્તરપશ્ચિમ શહેર તબરીઝમાં એક લશ્કરી હવાઈ મથક પર પણ હુમલા થયા છે.
બીબીસીને એક અધિકૃત વિડીયો મળ્યો છે જેમાં આ એરબેઝમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે. શહેરભરમાંથી દેખાતા આ ધુમાડા પાછળનું કારણ શું છે તે સ્પષ્ટ નથી.
એવા પણ અહેવાલો છે કે ઇઝરાયલે ફરીથી ઇરાનના સૌથી મોટા યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર, નટાન્ઝ પર હુમલો કર્યો છે. શુક્રવારે વહેલી સવારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
નાતાન્ઝમાં હજારો સેન્ટ્રીફ્યુજ છે અને તે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારનો સૌથી મોટો સ્ત્રોત છે.
શુક્રવારે દિવસ દરમિયાન થયેલા તાજેતરના હુમલાઓ પહેલાં, ઇઝરાયલી હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના વડા હુસૈન સલામી સહિત અનેક ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા.
IDF એ કહ્યું છે કે ઈરાનના નાતાન્ઝ પરમાણુ સ્થળને ભારે નુકસાન થયું છે.
વળતા જવાબમાં ઈરાનનો ડ્રોન હુમલો
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે ઈરાને લગભગ 100 ડ્રોન ઇઝરાયલના પ્રદેશ તરફ છોડ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલ તેને હવામાં આંતરવાનો પ્રયાસ કરે છે.
આઈડીએફના પ્રવક્તા એફી ડેફરિને જણાવ્યું કે ઈરાનની સેનાના ચીફ ઑફ સ્ટાફ, ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ્સ કોરના કમાન્ડર અને ઈરાનના ઇમરજન્સી કમાન્ડના કમાન્ડર ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે.
ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આઈઆરજીસીના વડા હુસૈન સલામીનું ઇઝરાયલી હુમલામાં મોત થયું છે.
ઇઝરાયલે જણાવ્યું કે તેણે ઈરાનનાં અણુમથકોના સૈન્ય કમાન્ડરો પર હુમલા કર્યા છે.
દરમિયાન, ઇઝરાયલે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. ઇઝરાયલે કહ્યું કે ઈરાને તેના પર જવાબી હુમલા શરૂ કર્યા છે.
ઈરાનના પરમાણુ હથિયારોના કેન્દ્ર પર નિશાન તાક્યું
ઇઝરાયલે ઈરાનના 'અણુ કાર્યક્રમ' સાથે સંકળાયેલાં મથકો પર હુમલા કર્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલા પર નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, "થોડી વાર પહેલાં જ ઇઝરાયલે 'ઑપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું છે, જે ઇઝરાયલના અસ્તિત્વ પર ઈરાનના જોખમને ઘટાડવા એક ટાર્ગેટેડ સૈન્ય અભિયાન હતું. જરૂરી હશે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે."
ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇઝરાયલે તહેરાન અને અન્ય બીજાં શહેરોમાં રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ ઇઝરાયલના હુમલા પર કહ્યું કે "તેને આની સજા ભોગવવી પડશે."
તેમણે ઍક્સ પર લખ્યું છે કે "તે (ઝાયનિસ્ટ) સરકારે આકરી સજાની અપેક્ષા રાખવી જોઈએ. ઈરાનની સશસ્ત્ર સેના આ હુમલાનો જવાબ આપ્યા વગર છોડશે નહીં."
હુમલા પછી તરત ઇઝરાયલે દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. ઈરાન આ હુમલાનો બદલો લેશે તેવી આશંકા છે.
બીજી તરફ, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "આ હુમલામાં અમેરિકાની કોઈ સંડોવણી નથી."
ઈરાન પર ઇઝરાયલના હુમલાની સંભાવના પહેલેથી જ હતી. વૉલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં કહ્યું હતું કે ઈરાન તેના અણુ કાર્યક્રમને સીમિત કરવાનો અમેરિકાનો પ્રસ્તાવ નકારશે તો ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવા તૈયાર છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ મુજબ ઈરાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "ઇઝરાયલ અને અમેરિકાએ આની ભારે કિંમત ચૂકવવી પડશે."
ઈરાની સેનાના પ્રવક્તા અબોલફઝલ શેકારચીએ કહ્યું કે "સેના ચોક્કસપણે ઝાયનિસ્ટ હુમલાનો જવાબ આપશે."
ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ શું કહ્યું?
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલા પછી એક નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, "હાલના મહિનાઓમાં ઈરાને એવાં પગલાં લીધા છે જેવાં અગાઉ ક્યારેય લીધાં ન હતાં. આ સંવર્ધિત યુરેનિયમનો હથિયાર બનાવવા માટે ઉપયોગ કરવાનાં પગલાં છે."
"આને રોકવામાં નહીં આવે તો ખૂબ જ ઓછા સમયમાં ઈરાન અણુ હથિયાર બનાવી શકે છે. આ ફક્ત એક જ વર્ષમાં થઈ શકે છે. અથવા થોડા જ મહિનાઓમાં કે એક વર્ષથી ઓછા સમયમાં પણ થઈ શકે છે. આ સ્પષ્ટ રીતે ઇઝરાયલના અસ્તિત્વ પર ખતરો છે."
નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલે ઈરાનના ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્રોગ્રામના કેન્દ્ર પર હુમલો કર્યો છે.
તેમણે કહ્યું કે, "ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 225 કિલોમીટર દક્ષિણમાં ઈરાનના નતાન્ઝા શહેરનાં મુખ્ય સંવર્ધન ઠેકાણાં પર હુમલો કર્યો છે."
એપ્રિલ 2021માં ઈરાને તે જ જગ્યા પર થયેલા સાઇબર હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. ઈરાને કહ્યું કે ઇઝરાયલે "ઈરાની બૉમ્બ પર કામ કરી રહેલા ઈરાની વૈજ્ઞાનિકો"ને નિશાન બનાવ્યા હતા.
નેતન્યાહૂએ કહ્યું કે, "જેટલા દિવસ લાગશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે."
ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ અણુ કાર્યક્રમની વાત પર નેતૃત્વ કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું કે, તેમણે ઘણી વાર સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ઈરાન અણુ સંવર્ધક કાર્યક્રમ ચલાવી શકે નહીં.
ઈરાનમાં મીડિયા શું કહે છે?
ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇઝરાયલે તેહરાનના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સે ઈરાનના સરકારી મીડિયાનો હવાલો આપતા કહ્યું કે "મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે."
સરકારી ટીવીએ અહેવાલ આપ્યો કે તેહરાનના રિવોલ્યુશનરી ગાર્ડના હેડક્વાર્ટર પર પણ ઇઝરાયલે હમલો કર્યો છે અને તેમના વડા હુસૈન સૈની તેમાં મૃત્યુ પામ્યા છે.
સ્થાનીય મીડિયા મુજબ ત્યાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
રિવોલ્યુશનરી ગાર્ડ એ ઈરાનની સેનાની એક પાંખ છે અને ઈરાનનું એક મજબૂત સંગઠન પણ છે.
ઈરાનના સરકારી ટીવીએ આ હુમલામાં મૃત્યુ પામનારા બે વરિષ્ઠ અણુ વૈજ્ઞાનિકોનાં નામ પણ જાહેર કર્યાં છે.
મૃતકોમાં અણુ ઊર્જા સંગઠનના પૂર્વ પ્રમુખ ફિરેદૂન અબ્બાસી અને તહેરાન સ્થિત ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીના અધ્યક્ષ મોહમ્મદ મેહદી તેહરાનચીનો પણ સમાવેશ થાય છે.
2010માં પણ તહેરાનના એક રસ્તા પર પણ ફિરેદૂન અબ્બાસીની હત્યાનો પ્રયાસ કરાયો હતો, જેમાં તેઓ બચી ગયા હતા.
અમેરિકાએ શું કહ્યું?
અમેરિકાએ ઈરાન પરના હુમલામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે, "ઇઝરાયલે ઈરાન સામે એકતરફી કાર્યવાહી કરી છે. અમે ઈરાન વિરુદ્ધ થયેલા હુમલામાં સામેલ નથી અને અમારી પ્રાથમિકતા આ પ્રદેશમાં અમેરિકાની સેનાની રક્ષા કરવાની છે."
જોકે, રૂબિયોએ ઈરાન પર થયેલા હુમલામાં ઇઝરાયલનો બચાવ પણ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, "ઇઝરાયલે અમને જણાવ્યું હતું કે આ કાર્યવાહી તેમની આત્મરક્ષા માટે જરૂરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રશાસને અમારી સેનાની સુરક્ષા માટે બધા જ જરૂરી પગલાં લીધા છે."
તેમણે કહ્યું કે, "અમે આ ક્ષેત્રમાં અમારા સાથીદારો સાથે સંપર્ક બનાવી રાખ્યા છે. હું જણાવી દઉં કે ઈરાને અમેરિકન હિતો અને તેના કામદારોને નિશાન બનાવવા ન જોઈએ."
પહેલેથી હુમલાની આશંકા હતી
નિષ્ણાતો મુજબ અમેરિકાએ તાજેતરમાં મધ્ય-પૂર્વમાં જે પગલાં લીધા, તેનાથી ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે એવું લાગતું હતું.
નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલ ખાતે કાઉન્ટર ટેરરિઝમના પૂર્વ ડિરેક્ટર જાવેદ અલીએ કહ્યું કે, "આ હુમલાથી કોઈ નવાઈ નથી."
તેમણે બીબીસીના એક કાર્યક્રમમાં જણાવ્યું કે "હુમલો શરૂ કરતા પહેલાં એક સંદેશ આપવામાં આવ્યો હતો. ઇરાકમાં અમેરિકન દૂતાવાસને આંશિક રૂપથી ખાલી કરવું એ તેનો એક સંકેત હતો."
જાવેદ અલીએ કહ્યું કે, "અમેરિકાએ આની સાથે જ ક્ષેત્રમાં સૈન્ય મથકો પરથી પરિવારોને પાછા મોકલવાનો આદેશ આપ્યો હતો. સાથે જ અમેરિકાના તરફથી અન્ય વાતો પર કોઈ ચર્ચા કરાઇ રહી નથી. મારા માટે આ એક સંકેત હતો કે આ હુમલા ટૂંક સમયમાં થવાના છે."
જાવેદ અલીનું કહેવું છે કે, "આ હુમલાને કારણે હવે સ્પષ્ટ નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે અણુ કાર્યક્રમને લઈને છઠ્ઠા તબક્કાની બેઠકોનું શું થશે."
તેમણે કહ્યું કે, "ઈરાને કહ્યું હતું કે ઇઝરાયલ હુમલો કરશે તો અમેરિકાને જવાબદાર ગણવામાં આવશે અને અમેરિકાના ઠેકાણા પર હુમલો કરવામાં આવશે."
"હજુ સુધી એવું થયું નથી, જો એવું થશે તો પછી અમેરિકા પણ આના પર મોટી જવાબી કાર્યવાહી કરી શકે છે.અત્યાર સુધીમાં તો ઈરાન આ મુદ્દે અમેરિકાની કોઈ ભાગીદારી ઇચ્છતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન