You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનની મહિલા જેલમાં નર્ક જેવી યાતના ભોગવતી સ્ત્રીઓની કહાણી
એક નાનકડી, બારી વિનાની કોટડીમાં ભોંય પર એકલાં પડેલાં નસીમ અન્ય કેદીઓને અપાતા ત્રાસનો અવાજ સાંભળી શકે છે. તેઓ વિચારે છે કે ગાર્ડ આવીને દરવાજો ખખડાવશે અને કહેશે, "તમે માર મારવાનો અવાજ સાંભળ્યો? તૈયાર થઈ જાઓ. હવે તમારો વારો છે."
નસીમની "રોજ દસથી 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી" અને તેમને વારંવાર મૃત્યુદંડની ધમકી આપવામાં આવી હતી.
માત્ર બે મીટરની કોટડીમાં કોઈ પથારી કે શૌચાલય ન હતું. 36 વર્ષની વયનાં આ હેરડ્રેસરને ચાર માસના એકાંત કારાવાસમાં ઈરાનની કુખ્યાત એવિન જેલનો પરિચય થયો હતો. તેમને પૂછપરછ કરનાર લોકોને જ તેમણે જોયા હતા. નસીમ વિચારતાં હતાં કે તેઓ "મરી જશે તો પણ કોઈને ખબર નહીં પડે."
નસીમ અને એવિન જેલમાં હાલ બંધ હોય તેવી મહિલાઓના રોજિંદા જીવનનું ચિત્ર બનાવવા માટે અમે બહુવિધ વિશ્વસનીય સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી હતી.
સપ્ટેમ્બર 2022માં 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલી 'વુમન, લાઇફ, ફ્રીડમ' ચળવળ સંદર્ભે હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે ધરપકડ કરાયેલા ઘણા લોકો એવિન જેલમાં હતા. મહિલાઓ માટે હિજાબ પહેરવાનું ફરજિયાત બનાવતા ઈરાની કાયદાના કથિત ઉલ્લંઘન બદલ કરવામાં આવી હતી અને તેઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં હતાં.
મુક્ત કરવામાં આવેલા લોકોએ એવિન જેલની અંદરની પરિસ્થિતિ વિશે વાત કરી હતી, પરંતુ કેદી કારાવાસમાં જ હોય ત્યારે કેવી હાલત હોય છે તેની વિગત મેળવવી બહુ મુશ્કેલ છે.
અમને જે સાંભળવા મળી છે તે માત્ર નિર્દયતાની જ નહીં, પરંતુ કેદીઓ મહિલા અધિકારો માટેની ઝુંબેશ ચાલુ રાખે છે અને તેમના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને દૃઢતાપૂર્વક પડકારે છે એવી જટિલ વિરોધાભાસના સ્થળની કથા પણ કહે છે.
જેલમાં કેટલીક આશ્ચર્યજનક ક્ષણો પણ હોય છે. મહિલા કેદી ગર્ભવતી થઈ શકે એટલા માટે તેમને તેમના પતિ સાથે એકલાં રહેવાની પરવાનગી આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર સાંકડી કોટડીઓમાં મહિલાઓ
રેપ મ્યુઝિક અને મૅકઅપ કરવાનું નસીમને પસંદ છે. તેઓ તેમના મિત્રો સાથે વિરોધપ્રદર્શનમાં જોડાયાં પછી એપ્રિલ 2023માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એ વિરોધપ્રદર્શન સામે સરકારે લીધેલા પગલામાં તેમનો એક દોસ્ત માર્યો ગયો હતો. "શેરીમાં મૃત્યુ પામેલા લોકોનો વિચાર કરીને" નસીમ પૂછપરછમાંથી બચી ગયાં હતાં. નસીમ એકાંતકેદમાંથી બહાર આવ્યાં ત્યારે જે લોકોએ તેમને જોયાં હતાં તેમના જણાવ્યા મુજબ, નસીમના શરીર પર ઘા અને ઉઝરડા પડેલા હતા. ખોટી કબૂલાત માટે નસીમને કેવી રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો, તેની વાત પણ તેમણે કરી હતી.
પોતાના પતિ સાથે વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા બદલ 2023માં રેઝવાનેહની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને એવિન જેલમાં રાખવામાં આવ્યાં હતાં. આ જેલમાં સ્ત્રીઓ તથા પુરુષો માટે અલગ-અલગ વિભાગો છે.
પૂછપરછ કરનારાઓએ રેઝવાનેહને જણાવ્યું હતું કે તેઓ તેમના પતિને મારી નાખશે અને "એટલો માર મારશે કે તેઓ કોલસા જેવા કાળા થઈ જશે અને રીંગણ જેવા જાંબલી થઈ જશે."
એકાંતકેદ, પૂછપરછ અને અપમાન પછી નસીમને મહિલાઓના વિભાગમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં રેઝવાનેહ સહિતની લગભગ 70 સ્ત્રીઓ હતી. એ બધાની ધરપકડ રાજકીય આરોપસર કરવામાં આવી હતી.
બ્રિટિશ-ઈરાની નાગરિક નાઝનીન ઝઘરી-રેટસિલ્ફને પણ ત્યાં ચાર વર્ષ રાખવામાં આવ્યાં હતાં. તેમને 2022માં બ્રિટન પાછાં ફરવાની મંજૂરી આપવામાં આવી હતી.
એ વિભાગમાં કેદ મોટા ભાગની મહિલાઓને તેમના ઍક્ટિવિઝમ, શાસન વિરુદ્ધ દુષ્પ્રચાર, હથિયારો ઉઠાવવાં અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકવા સહિતના ગુનાઓ માટે સજા કરવામાં આવી હતી.
ચાર સાંકડી કોટડીઓમાં મહિલા કેદીઓ રહે છે. પ્રત્યેક કોટડીમાં 20 કેદી હોય છે અને ત્રણ માળના બંક બેડ હોય છે.
સાંકડી કોટડીઓમાં સાથે રહેવાને કારણે ઘણી વાર ઘર્ષણ થાય છે અને ક્યારેક શારીરિક તેમજ મૌખિક ઝઘડાઓ થાય છે, પરંતુ મહિલાઓ વચ્ચે ગાઢ સંબંધ પણ બંધાય છે.
શિયાળામાં "દરેક વ્યક્તિ ટાઢથી થીજી જાય છે" અને સ્ત્રીઓ ઠંડીના સામના માટે "ગરમ પાણીની બૉટલો સાથે ફરે છે." ઉનાળામાં તેઓ પરસેવે રેબઝેબ થઈ જાય છે.
જેલના નાના રસોડામાં કેટલાક ચૂલા છે. જેલની દુકાનમાંથી સામગ્રી ખરીદવાના પૈસા હોય તો તેઓ જેલમાં આપવામાં આવતા ભોજન ઉપરાંત પોતાના માટે એ ચૂલા પર રસોઈ બનાવી શકે છે.
પરસાળના છેડા પરનો અંધારિયો, ગંદો વિસ્તાર ધૂમ્રપાન કરવાનું સ્થળ છે. બહારના ભાગમાં નાનું સિમેન્ટેડ યાર્ડ અને વૉલીબૉલ નેટ છે.
મહિલા કેદી ગર્ભવતી થાય તો?
મહિલા કેદીઓ તેમના પોતાનાં કપડાં પહેરી શકે છે અને તેમને જે કોટડીમાં રાખવામાં આવ્યાં હોય તેમાં હરીફરી શકે છે. કોટડીમાં બે બાથરૂમ છે. શૌચાલયના ઉપયોગ અને દાંત સાફ કરવા માટે તેઓ ત્યાં રોજ સાંજે કતાર લગાવે છે.
લગભગ ચાર મહિના જેલમાં રહ્યા પછી રેઝવાનેહને ખબર પડી હતી કે તેઓ ગર્ભવતી છે. તેમણે ગર્ભવતી થવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો અને ક્યારેય માતા બની શકશે એવી આશા છોડી દીધી હતી.
એવિન જેલના નિયમ અનુસાર, રેઝવાનેહ અને જેલના પુરુષ વિભાગમાં કેદ તેમના પતિને પ્રસંગોપાત એકલા મળવાની છૂટ આપવામાં આવી હતી અને એ પૈકીના એક સંવનનને લીધે રેઝવાનેહ ગર્ભવતી થયાં હતાં.
પોતે ગર્ભવતી છે એવી ખબર પડ્યાં પછી રેઝવાનેહ "અનેક દિવસો સુધી રડતાં રહ્યાં હતાં."
તેમણે જાણ્યું હતું કે "જેલની અંદર સૌથી ખરાબ બાબત માનસિક દબાણ અને તણાવ હોય છે." સાંકડી કોટડીમાં કેદીઓ દિવસનો મોટા ભાગનો સમય પોતપોતાના પલંગ પર બેસીને પસાર કરતા હોય છે. તેથી ગીચ કોટડીમાં એક શાંત સ્થળ શોધવું એ કાયમી પડકાર હોય છે.
જેલમાં મળતું ભોજન તેમને ગમતું ન હતું. તેમને સફરજનનો જુસ, બ્રેડ અને માંસ ખાવાની ઇચ્છા થતી હતી, જે મેળવવાનું મુશ્કેલ હતું. તેઓ જેલની દુકાનમાંથી માંસ ખરીદી શકે તેમ હતાં, પરંતુ એ દુકાનમાં માંસનો ભાવ બહારના કરતાં ઓછામાં ઓછો બમણો હતો.
જેલના સત્તાવાળાઓએ રેઝવાનેહને ચોથા મહિના અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરવાની મંજૂરી આપી હતી અને ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ એક દીકરીને જન્મ આપવાનાં છે.
રેઝવાનેહની "આશાની લાગણી પ્રત્યેક ધબકારાનો અવાજ સાંભળવાની સાથે મજબૂત બની હતી," પરંતુ તેમને ડર હતો કે જેલની પરિસ્થિતિને કારણે બાળકનું સ્વાસ્થ્ય જોખમાશે. રેઝવાનેહ માત્ર તેમના આહાર માટે જ ચિંતિત ન હતાં. તેમને એપીલેપ્સીની બીમારી છે અને તેમણે તણાવ ટાળવો જરૂરી છે.
જેલના ડૉક્ટરોએ રેઝવાનેહને જણાવ્યું હતું કે તમને કસૂવાવડ થવાની ભારોભાર શક્યતા છે.
જેલમાં મહિલા ચિત્રકાર કેવી રીતે રહે છે?
વિદા પત્રકાર છે અને તેમને ચિત્રો દોરવાનું પસંદ છે. તેઓ બેટશીટ્સનો ઉપયોગ કૅનવાસ તરીકે કરે છે અને અન્ય મહિલાઓના પોટ્રેટ દોરે છે.
માનવતસ્કરી બદલ એવિન જેલમાં ગોંધવામાં આવેલા એક કુર્દિશ કેદી પખ્શાન અઝીઝી છે. તેમણે ઇસ્લામિક સ્ટેટ જૂથના પીડિતોને મદદ કરવા માટે ઇરાક અને સીરિયાના કુર્દિશ વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. ઈરાની શાસન સામે લડવા માટે શસ્ત્રોના ઉપયોગના આરોપસર પખ્શાનને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે અને તેનો અમલ ટૂંક સમયમાં થશે, તેવી વ્યાપક ચિંતા છે.
ગર્ભિત અર્થ સાથેનું કંઈ પણ ન દોરવાની ચેતવણી વિદાને આપવામાં આવી છે. યાર્ડની દીવાલ પર વિદાએ ક્ષીણ થઈ ગયેલી ઈંટોનું ચિત્ર દોર્યું હતું અને તેની પાછળ લીલું જંગલ હતું. સત્તાધીશોએ તે ચિત્ર પર કૂચડો ફેરવી દીધો હતો.
એક પરસાળમાં તેમણે ઈરાની ચિત્તો દોડતો હોય તેવું ચિત્ર દોર્યું હતું. કેટલીક મહિલાઓ કહેતી હતી કે તેમને "એ ચિત્રમાંથી બહુ સારી ઊર્જા મળતી હતી," પરંતુ એક રાતે સત્તાવાળાઓએ એ ચિત્ર પર પણ કૂચડો ફેરવી દીધો હતો અને વિદા ચિત્ર દોરવા માટે મળતી સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે, વિદાનું એક ભીંતચિત્ર અકબંધ રાખવામાં આવ્યું છે. પરસાળની એક દીવાલ પર વિશાળ વાદળી સમુદ્રનાં મોજાંઓનું એ ચિત્ર છે. તે વિસ્તારમાં મહિલા કેદીઓ ધૂમ્રપાન કરવા જાય છે.
કેદમાં પણ વિરોધનો અવાજ બુલંદ કરે છે આ મહિલાઓ
મહિલા કેદીઓ માટે તબીબી સહાય મેળવવાનું કાયમ મુશ્કેલ બની રહે છે. કેદીઓ પૈકીનાં એક માનવાધિકાર કર્મશીલ અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદી હૃદય તથા ફેફસાંની ગંભીર બીમારીથી પીડાય છે.
તેમણે જેલમાં ડૉક્ટરની સુવિધા મેળવવા માટે લાંબી અને આકરી લડાઈ લડવી પડી હતી. તેમના સંબંધીઓએ જણાવ્યું હતું કે મેડિકલ ઍપૉઇન્ટમૅન્ટ વખતે હેડસ્કાર્ફ પહેરવાનો નરગેસ મોહમ્મદીએ ઇનકાર કર્યો હતો. તેથી અધિકારીઓએ તેમની સારવાર વારંવાર અવરોધિત કરી હતી.
સાથી કેદીઓએ બે સપ્તાહ સુધી ભૂખ હડતાળ કરી એ પછી સત્તાવાળાઓ નરમ પડ્યા હતા. નરગેસને ડિસેમ્બરની શરૂઆતમાં તબીબી કારણસર 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં.
જેલના સળિયા પાછળ પણ તેમણે અને અન્યોએ વિરોધપ્રદર્શન ચાલુ રાખ્યું છે, સીમાને આગળ ધપાવી છે અને પોતાના અધિકારો માટે લડવાનુ ચાલુ રાખ્યું છે.
કાયદા અનુસાર હેડસ્કાર્ફ પહેરવો જરૂરી છે, પરંતુ ઘણી મહિલા કેદીઓ ઇનકાર કરે છે. સત્તાવાળાઓ સાથે લાંબી લડાઈ પછી મહિલાઓને તેમની પથારીની આસપાસ પડદા લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી તેઓ સીસીટીવી કૅમેરા સામે થોડી ગોપનીયતા રાખી શકે.
મહિલા કેદીઓ માટે સૌથી અઘરું કામ તેમની સજા સાંભળવાની પ્રતિક્ષા છે. નસીમને પૂછપરછ કરનારા લોકોએ તેમને મૃત્યુદંડની ધમકી આપી હતી અને પોતાનું ભાવિ જાણવા માટે નસીમે લગભગ 500 દિવસ રાહ જોવી પડી હતી.
તેમણે તેમના સાથી કેદીઓમાંથી આશ્વાસન મળ્યું હતું. સાથી મહિલા કેદીઓને તેઓ પોતાની એવી બહેનો ગણાવે છે, જેમણે તેમને જીવન આપ્યું છે અને તેમની પાંખો પરના "ઘા પર મલમ" લગાવવાનું કામ કર્યું છે.
રોજ સવારે એક સાથી મહિલા કેદી તેમની પથારી સાથેનો પડદો બાજુ પર ખસેડે છે અને તેમને નાસ્તો કરવા ઊભાં કરે છે.
અમારા સ્રોત પૈકીના એકે કહ્યું હતું, "અમે દરરોજ કશું કરવાનું વિચારીએ છીએ, જેથી દિવસના અંત સુધીમાં અમે અમારી જાતને કહી શકીએ કે આજે અમે જીવ્યા છીએ."
અન્ય કેદીઓ તેમનો સમય કવિતાઓ વાંચવામાં, ગાવામાં, ઘરે બનાવેલી કાર્ડ ગેમ્સ રમવામાં અને ટીવી જોવામાં વિતાવે છે. જેલમાં બે ટેલિવિઝન છે. તેના પર કેદીઓ નાટકો, દસ્તાવેજી ફિલ્મો તથા ફૂટબૉલ દર્શાવતી ઈરાની ટીવી ચેનલો જોઈ શકે છે.
ફાંસીની સજાના સતત અંદેશા હેઠળ આ બધી બાબતોએ જ નસીમને સજાની રાહ જોતી વખતે ચેતનવંત રાખ્યાં હતાં. આખરે સજાની જાહેરાત કરવામાં આવી હતી. તેમને છ વર્ષની જેલ, 74 કોરડા ફટકારવાની અને 20 વર્ષ તહેરાનથી દૂર એક નાના શહેરમાં દેશનિકાલની સજા કરવામાં આવી હતી.
તેમના પર ઇસ્લામિક ગણરાજ્ય વિરુદ્ધ પ્રચાર અને હથિયાર ઉઠાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સજા આકરી હોવા છતાં નસીમને લાગ્યું હતું કે તેઓ ફરીથી શ્વાસ લઈ શકશે અને પોતે જેને ગુમાવી દીધેલું ગણે છે એ જીવનને અપનાવી શકશે.
અન્ય ત્રણ મહિલા કેદીઓને શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવવા અથવા સશસ્ત્ર જૂથો સાથે જોડાણ બદલ મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. જોકે, એ પૈકીની એક મહિલાએ તેની સજાને ઉલટાવી દીધી છે.
મહિલા કેદીઓને પણ કરાય છે ફાંસીની સજા
ગયા વર્ષે ઈરાનમાં 800થી વધુ લોકોને ફાંસી આપવામાં આવી હતી, જે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, છેલ્લાં આઠ વર્ષનો સર્વોચ્ચ આંક છે. એમાંથી મોટા ભાગના હિંસા અને માદક દ્રવ્યો સંબંધી ગુનાઓ હતા. મુઠ્ઠીભર સ્ત્રીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી.
તેથી દર મંગળવારે મહિલા કેદીઓ ફાંસીની સજાનો વિરોધ કરે છે. જેલના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કરે છે. આખી રાત વિરોધપ્રદર્શન અને ભૂખ હડતાળ કરે છે.
આ ઝુંબેશ સમગ્ર ઈરાનની જેલોમાં પ્રસરી છે અને તેને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. મહસા અમીનીની મૃત્યુની વર્ષગાંઠે પર એવિનમાં મહિલા કેદીઓએ હેડસ્કાર્ફ સળગાવ્યા હતા.
આ બધાના પ્રત્યાઘાત પણ પડે છે. કેટલીક વાર જેલના ગાર્ડ્સ કેદીઓની કોટડીઓ પર દરોડા પાડે છે અને મહિલાઓને માર મારીને ઘાયલ કરે છે. તેમને વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવે છે અથવા તો એકાંત કેદમાં મોકલવામાં આવે છે કે પછી તેમના ફોન કોલ્સ તથા મુલાકાતોને અવરોધવામાં આવે છે.
જેલના મોટા ભાગના ગાર્ડ્સ મહિલાઓ છે. અમારા એક સ્રોતે કહ્યું હતું, "એ ગાર્ડ્સ ક્યારેય દયાળુ હોય છે અને ક્યારેક અત્યંત ક્રૂર તથા કઠોર હોય છે. તેમની દયા કે ક્રૂરતાનો આધાર ઉપરી અધિકારીઓ પાસેથી મળતા આદેશ પર હોય છે."
માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોને ઈરાની સરકાર નિયમિત રીતે નકારી કાઢે છે અને જણાવે છે કે એવિન જેલમાં તમામ ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે અને કેદીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું નથી.
રેઝવાનેહની પ્રસૂતિના તારીખ નજીક આવવાની સાથે જેલના સત્તાવાળાઓએ તેમને બાળકના જન્મ માટે અસ્થાયી રીતે જેલ છોડવાની મંજૂરી આપી હતી. ઑક્ટોબરમાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો.
પુત્રીના સલામત આગમનની આનંદ અને રાહતની ભય, ઉદાસી અને ગુસ્સા સાથે ભેળસેળ થઈ ગઈ હતી. રેઝવાનેહના પતિને પત્ની સાથે જેલની બહાર જવાની છૂટ આપવામાં આવી ન હતી. અલબત્ત, રેઝવાનેહ તેમની દીકરીને લઈને જેલમાં પતિને મળવા જઈ શકે છે.
તણાવને કારણે રેઝવાનેહને સ્તનપાન કરાવવામાં સંઘર્ષ કરવો પડે છે. તેમના શરીરમાં સ્તનપાન માટેનું દૂધ બનતું નથી. રેઝવાનેહને વહેલી મુક્તિ નહીં આપવામાં આવે તો બાકીના પાંચ વર્ષની જેલ સજા માટે તેમને ટૂંક સમયમાં તેમની દીકરી સાથે એવિન જેલમાં પાછાં બોલાવવામાં આવશે, એવી અપેક્ષા છે.
વહેલી મુક્તિ મળશે તો પણ તેમણે ચાર વર્ષ જેલમાં રહેવું પડશે.
બાળકોને સામાન્ય રીતે બે વર્ષની વય સુધી જેલમાં માતા સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે છે. એ પછી બાળકોને ઘણી વાર નજીકના સંબંધી પાસે મોકલવામાં આવે છે અને એ શક્ય ન હોય તો તેમને બાળગૃહમાં મોકલવામાં આવે છે.
અલબત્ત, કેદીઓને રોકવાને બદલે એક મહિલા કેદીએ જણાવ્યું હતું કે તેમની સામે આવનારા પડકારોએ તેમને "વધારે સાહસિક અને મજબૂત" બનાવી દીધાં છે. તેથી તેમના એ વિશ્વાસને બળ મળ્યું છે કે "ભવિષ્ય સ્પષ્ટ છેઃ લડવાનું છે, જેલમાં પણ લડવાનું જ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન