ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો અસલ હેતુ શું આયતુલ્લાહ અલી ખામેનેઈને સત્તામાંથી ઉખાડી ફેંકવાનો છે?

    • લેેખક, આમિર અઝિમી
    • પદ, સંપાદક, બીબીસી ફારસી સેવા

શુક્રવારે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ એવું કહીને મોટા હુમલા કર્યા કે ઈરાનની પરમાણુ ક્ષમતાને કારણે તેના પોતાના અને વિશ્વ માટે અસ્તિત્વનું સંકટ ઊભું થઈ ગયું છે.

પરંતુ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આવું કરવા પાછળ હજુ મોટો હેતુ હોઈ શકે છે, એ છે ઈરાનમાં સરકાર બદલવાનો.

આ પરિદૃશ્યમાં, નેતન્યાહૂ એવી આશા કરી શકે છે કે તેમના હુમલાથી પ્રતિક્રિયાની એક શ્રેણી શરૂ થઈ જશે, જેનાથી અશાંતિ પેદા થશે અને ઈરાનમાં સરકારનું પતન થઈ જશે.

શુક્રવાર સાંજે એક નિવેદનમાં નેતન્યાહૂએ કહ્યું કે, 'ઈરાનના લોકો માટે હવે સમય પાકી ગયો છે કે તેઓ પોતાનો ધ્વજ (પ્રતીક) અને ઐતિહાસિક વારસો લઈને એક સાથે આવે, જેથી ક્રૂર અને દમનકારી શાસનથી પોતાની સ્વતંત્રતા મેળવવા માટે ઊભા થઈ શકે.'

ઈરાનમાં ઘણા લોકો દેશમાં અર્થતંત્રની સ્થિતિ, અભિવ્યક્તિની સ્વતંત્રતાની કમી, મહિલા અધિકારો અને લઘુમતીના અધિકારો અંગે નારાજ છે.

ઇઝરાયલના હુમલા ઈરાનના નેતૃત્વ વિરુદ્ધ એક વાસ્તવિક ખતરો પેદા કરી રહ્યા છે.

આ હુમલામાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)ના કમાન્ડર, ઈરાની સશસ્ત્ર બળોના ચીફ ઑફ સ્ટાફ અને આઇઆરજીસીના ઘણા મોટા અધિકારીનાં મૃત્યુ થયાં છે.

ઇઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને પણ હુમલા કર્યા. આઈઆરજીસીએ કહ્યું કે તેણે ઇઝરાયલમાં 'ડઝનો ઠેકાણાં, સૈન્ય બળો અને ઍરબેઝ' પર હુમલા કર્યા છે.

પરંતુ જવાબી હુમલા બાદ સ્થિતિ ઝડપથી વણસ્યા બાદ અને ઈરાનની કાર્યવાહીના જવાબમાં નેતન્યાહૂએ કહ્યું, "હજુ વધુ હુમલા થવાના છે."

એવું મનાઈ રહ્યું છે કે ઈરાનના વધુ નેતાઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.

ઇઝરાયલને કદાચ લાગી રહ્યું હશે કે આ હુમલા અને હત્યાઓ ઈરાનમાં શાસનને અસ્થિર કરી શકે છે અને ત્યાં વિદ્રોહ માટે રસ્તો બની શકે છે. ઓછામાં ઓછું નેતન્યાહૂ તો આ જ આશા રાખી રહ્યા હશે.

પરંતુ આ એક જુગાર છે - એક મોટો જુગાર.

હાલના શાસનનો બીજો વિકલ્પ શો છે?

એ વાતના કોઈ પુરાવા નથી કે આવી કોઈ શ્રેણીબદ્ધ પ્રતિક્રિયા શરૂ થશે, પરંતુ એ શરૂ થઈ જાય તો પણ, એ સ્પષ્ટ નથી કે આવી પ્રક્રિયા ક્યાં સુધી પહોંચશે.

ઈરાનમાં સૌથી મોટી સત્તા અને તાકત એ લોકો પાસે છે કે જેઓ સશસ્ત્ર બળો અને અર્થતંત્રને નિયંત્રિત કરે છે. તેનો મોટો ભાગ આઈઆરજીસી અને અન્ય નૉન-ઇલેક્ટેડ સત્તાતંત્રોમાં કટ્ટરપંથીઓના હાથમાં છે.

તેમને તખ્તાપલટ કરવાની જરૂર નથી, કારણ કે તેઓ પહેલાંથી જ સત્તામાં છે અને તેઓ ઈરાનને વધુ ઘર્ષણ તરફ લઈ જઈ શકે છે.

વધુ એક વાત એવી થઈ શકે કે ઈરાનમાં શાસનનું પતન થઈ જાય અને એ બાદ અરાજકતાની સ્થિતિ થઈ જાય.

લગભગ નવ કરોડ લોકોની વસ્તીવાળા ઈરાનમાં થનારી ઘટનાઓની વ્યાપક અસર સમગ્ર મધ્ય પૂર્વ પર પડશે.

એવું લાગે છે કે ઇઝરાયલ ઇચ્છે છે કે ઈરાનમાં એક વિદ્રોહ થાય અને એ બાદ તેની સત્તા એવી સરકારના હાથમાં રહે જે તેમના પ્રત્યે મિત્રતાપૂર્ણ વલણ રાખે. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન એ છે કે વિકલ્પ કોણ હોઈ શકે?

હાલનાં વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે ઈરાનમાં વિપક્ષી તાકતો ખૂબ વિભાજિત છે અને ત્યાં નેતૃત્વ સંદર્ભે કોઈ સ્પષ્ટ વિકલ્પ નથી.

વર્ષ 2022માં થયેલો વિદ્રોહ જેને "વુમન લાઇફ ફ્રીડમ" આંદોલનના નામે પણ ઓળખવામાં આવે છે, ઝડપથી આખા ઈરાનમાં ફેલાઈ ગયો હતો. બાદમાં કેટલાક વિપક્ષી સમૂહોએ અલગ-અલગ ઇસ્લામવિરોધી પ્રજાસત્તાક જૂથો અને કાર્યકર્તાઓને સાથે લઈને ગઠબંધન રચવાની કોશિશ કરી હતી.

પરંતુ ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે અને સત્તાના તખ્તાપલટ બાદ નવી સત્તાની રૂપરેખા શું હશે, એ મુદ્દા અંગે દૃષ્ટિકોણમાં મતભેદના કારણે આ ગઠબંધન ઝાઝું ન ટકી શક્યું.

ઇઝરાયલ માટે વિકલ્પનો ચહેરો કોણ?

ઇઝરાયલ, ઈરાનમાં કેટલાક સમૂહો કે લોકોને પોતાની પસંદના વિકલ્પ તરીકે જોઈ રહ્યું છે. જેમ કે ઈરાનના પૂર્વ શાહના પુત્ર અને પૂર્વ ક્રાઉન પ્રિન્સ રઝા પહલવી. પૂર્વ શાહની સરકારને 1979ની ઇસ્લામિક ક્રાંતિએ પાડી દીધી હતી.

હાલના સમયમાં તેઓ નિર્વાસનમાં જીવન પસાર કરી રહ્યા છે અને વિદેશ ઘટકોને પોતાના સમર્થનમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ઈરાનનો પ્રવાસ પણ ખેડ્યો હતો.

ઈરાનના કેટલાક લોકો વચ્ચે તેઓ હજુ પણ લોકપ્રિય છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે આને તેઓ એટલી મોટી તાકતમાં બદલી શકશે કે જે દેશમાં સત્તાપરિવર્તનને અંજામ આપી શકે.

આ સિવાય મુજાહિદ્દીન-એ-ખ્લાક (એમઈકે) નામનો એક વિપક્ષી સમૂહ પણ છે, જે હાલ નિર્વાસનમાં છે. આ સમૂહ ઈરાનમાં ઇસ્લામિક સત્તાના તખ્તાપલટાના પક્ષમાં છે, પરંતુ રાજાશાહી તરફ જવાનું સમર્થન નથી કરતો.

વામપંથી મુસ્લિમ સમૂહ તરીકે બનાવાયેલ આ સમૂહ આ પહેલાં શાહનો કટ્ટર વિરોધી હતો.

ઇસ્લામિક ક્રાંતિ બાદ, એમઈકે નામનો આ સમૂહ ઇરાક જતો રહ્યો અને 1980ના દાયકાની શરૂઆતમાં ઈરાન વિરુદ્ધ યુદ્ધ દરમિયાન ઇરાકના શાસક સદ્દામ હુસૈન સાથે સામેલ થઈ ગયો. આ કારણે આ સમૂહ ઈરાનના ઘણા લોકો વચ્ચે અલોકપ્રિય બની ગયો.

પરંતુ આ સમૂહ હજુ પણ સક્રિય છે. આ સમૂહ સાથે જોડાયેલા લોકોના કેટલાક મિત્રો અમેરિકામાં છે. જે પૈકી કેટલાક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જૂથના નિકટના મનાય છે.

જોકે, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની સરખામણીએ તેનો પ્રભાવ વ્હાઇટ હાઉસ પર ઓછો જ દેખાય છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાલમાં માઇક પોમ્પિઓ, જૉન બોલ્ન્ડ અને રૂડી ગુલિયાની જેવા કેટલાક વરિષ્ઠ અમેરિકન અધિકારી એમઈકેની બેઠકોમાં દેખાયા હતા અને તેમણે આના સમર્થનમાં ભાષણ પણ આપ્યાં હતાં.

આ સિવાય અન્ય રાજકીય તાકતો પણ છે, જેમાં ઈરાનમાં સેક્યુલર લોકશાહીની સ્થાપના ઇચ્છતા અને સંસદીય રાજતંત્રની માગ કરનારા લોકો પણ સામેલ છે.

શુક્રવારે થયેલા ઇઝરાયલના હુમલાની અસરનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું હાલ ઉતાવળ હશે. પરંતુ ગત વર્ષે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થયો હતો, એ દરમિયાન એ વાતના ઘણા મજબૂત સંકેત મળ્યા કે ઈરાનના લોકો એ સમયની સ્થિતિને તખ્તાપલટની તક સ્વરૂપે જોઈ રહ્યા હતા.

જોકે, એ સમયે જે થયું એ શુક્રવારના હુમલામાં થયેલા નુકસાનની આસપાસ પણ નહોતું.

ઈરાનનું અંતિમ લક્ષ્ય

ઇઝરાયલના ઇરાદાની વાત કરીએ ત્યારે એ જરૂરી છે કે આપણે એ વાત પૂછીએ કે હવે ઈરાનનું અંતિમ લક્ષ્ય શું છે?

ઇઝરાયલનાં ઘણાં ઠેકાણાંને નિશાન બનાવવા છતાં, ઈરાન પાસે ખૂબ સારા વિકલ્પો નથી દેખાઈ રહ્યા.

કેટલાક લોકોને સૌથી સુરક્ષિત રીત એ લાગી શકે છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખે અને તણાવ ઘટાડવાની કોશિશ કરે.

પરંતુ ટ્રમ્પની માગ અનુસાર જો વાતચીત ચાલુ રાખવી હોય તો (ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત) એ ઈરાનના નેતાઓ માટે એક કઠિન વિકલ્પ છે, કારણ કે તેનો અર્થ એ થશે કે તેમણે હાર માની લીધી.

અન્ય એક વિકલ્પ ઇઝરાયલ વિરુદ્ધ જવાબી હુમલા ચાલુ રાખવાનો છે. ઈરાનનો સૌથી પસંદગીનો વિકલ્પ આ જ લાગે છે.

ઈરાનના નેતાઓએ પોતાના સમર્થકોને આ જ વાયદો પણ કર્યો છે. પરંતુ જો એ હુમલા ચાલુ રાખે છે તો પણ એ ઇઝરાયલની તરફથી વધુ હુમલાના આમંત્રણ આપી શકે છે.

ઈરાને આ પહેલાં ક્ષેત્રમાં બનેલાં અમેરિકન ઠેકાણાં, દૂતાવાસો અને તેમનાં હિતો સાથે સંકળાયેલાં સ્થાનોને નિશાન બનાવવાની ધમકી આપી છે.

પરંતુ આ ધમકી પર તેઓ સરળતાથી કામ નહી કરી શકે, કારણ કે અમેરિકા પર હુમલો કરવાથી અમેરિકા પ્રત્યક્ષપણે આમાં સામેલ થઈ જશે અને ઈરાન આવું બિલકુલ નહીં ઇચ્છે.

ઇઝરાયલ અને ઈરાન બંને પક્ષો માટે કોઈ પણ વિકલ્પ સરળ નથી, અને તેનું પરિણામ શું હશે, તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

પરંતુ હજુ તણાવ ખતમ નથી થયો અને ધડાકાથી ઊઠેલી ધૂળ હજુ હવામાં જ છે. જ્યાં સુધી સ્થિતિ શાંત નથી થઈ જતી, આપણા માટે એ જાણવું મુશ્કેલ છે કે શું બદલાયું અને શું નહીં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન